આવકારી શક્યા નહીં !-ડો.મહેશ રાવલ


પદ્ય અને ગદ્યનl સમન્વયનો આ નવતર પ્રયોગને આપ માણશો તેવી આશા સઃ

તફાવત હતો પણ, નિવારી શક્યા નહીં
સહારા ય છેલ્લે ઉગારી શક્યા નહીં

મુકદર જુઓ આપણું કે, અધિક તર
કદી સત્યને આવકારી શક્યા નહીં

પલળતું ગયું પોત ભીનાશ વચ્ચે
જરાકે ય એને નિતારી શક્યા નહીં

જુદી નીકળી ધારણાથી હકીકત
અને ધારણા, ફેર ધારી શક્યા નહીં

વકરતી રહી નિત અડાબીડ ઈચ્છા
વિષય ચાતરીને, વિચારી શક્યા નહીં

અસર વિસ્તરી ગઈ, અસામાન્ય રીતે
ઈલમ ઓળખીતાં ય, તારી શક્યા નહીં

Courtsey : http://drmaheshrawal.blogspot.com

 તારો અધિકાર 

આ કવિતા વાંચતા પ્રાચી વિચારમાં પડી ગઇ. આ કવિઓને ક્યાંથી સમજાઈ જાય છે વણ કહી બધી વાતો... પેઢીઓનો તફાવત તો હતો તેથી જ તો બંને પોત પોતાનો બુંગીયો ફુંકતા હતા ને..તમે સમજો જરા..જમાનો બદલાઈ ગયો અને હજી તમે ત્યાંજ બેસી રહ્યા છો? તમે દેશમાંથી અમેરીકા આવીને બેસી ગયા પણ હજી દેશને ભુલતા નથી? હવે તો તમારા દેશમાં પણ આ બધુ થાય છે…તમારે જોવુ નથી…માનવુ નથી.હા દેવ આ બધુ કહેતોજ હતો..અને હું મારા અભિપ્રાયને સંસ્કૃતિનાં નામે એના ઉપર થોપતી ગઈ..મા દીકરાનો સબંધ મજબુત સહારો હતો છતા…તે તેને ઘરે છે અને હું ભાડાનાં ઘરમાં એકલી ફરું છું…

તફાવત હતો પણ, નિવારી શક્યા નહીં
સહારા ય છેલ્લે ઉગારી શક્યા નહીં
પ્રણવનાં ગયા પછી નાનો દેવ તો મારો સહારો હતો.. જીવવાનું બહાનુ હતો…પણ વરસોને જતા ક્યાં વાર લાગે છે..મારા મનમાં વસેલો નાનો દેવ આજે તો ડેટીગ કરતો દેવ શર્મા છે…તેની સ્વપ્ન સુંદરી જેના ઇચ્છે છે તે બધુ દેવ કરે છે અને તે ઇચ્છે છે મા નામનું આ ઘેલુ પ્રાણી તેના દેવથી જોજનો દુર રહે..રોજ રોજ ફોન ન કરે.. રવિવારે ખાલી મંદીરમાં અલપ ઝલપ મળે…અને મુઈ હું જેને મારો માની રહી છું તે તો ક્યારનો કહી રહ્યો છે “મોમ ગ્રો અપ.. મારે હવે તારી જરુર નથી..મારી પણ જિંદગી છે..હું પણ ઝંખુ છું મારી જેના સાથે મારી જિંદગી જીવવાની..”    

મુકદર જુઓ આપણું કે, અધિકતર
કદી સત્યને આવકારી શક્યા નહીં


પણ બેટા મને ક્યાં વાંધો છે તારી જેના સાથેની તારી જિંદગીનો..પણ હું સંપુર્ણ પણે તારી જિંદગીમાંથી નીકળી જઉ તે મને મંજુર નથી..તુ જેનાનો પ્રેમી બન પણ મારો દિકરો બનવાનુ કેમ ટાળે છે?  મોમ ગ્રો અપ..અઢાર વર્ષનો થયા પછી અહી હજુ મોમ મોમ કરું તો અહી બધા હસે છે અને આ યુવા અવસ્થામાં મને ગમતુ મારું સ્નેહ પાત્ર તને ગમતુ થાય ત્યાં સુધી રાહ જોવી મને જરુર નથી લાગતી..તુ જ તો કહેતી હતીને ટેક ઈટ ઓર લીવ ઈટ. આજે મારે તને કહેવુ પડે છે મોમ..આઈ એમ લીવીંગ યુ.

પલળતું ગયું પોત ભીનાશ વચ્ચે
જરાકે ય એને નિતારી શક્યા નહીં

અશ્રુ તો ઘણાં નીતરી ચુક્યા..જોકે હવે તો દેવને ત્યાં પણ જ્હોન અને કેટરીના છે.. મને કોણ જાણે કેમ હજુ પણ જ્હોન ઉપર વહાલ આવ્યા કરે છે પણ જેના મને કહેતી રહે છે કે દાદીને હેરાન ના કરતો..હું કેવી રીતે સમજાવું કે મારું દેવ પર વરસેલા વહાલનો કેટલોક હિસ્સો હજી શ્વસ્યાં કરે છે મારા વહાલના દરિયામાં..તે મારા દેવનાં સંતાનો છે.. પણ જેના ને લાગે છે કદાચ હું દોરા ધાગા કરી તેના દિકરાને તેનાથી છુટો પાડી દઈશ..જેના તને કેમ સમજાવું..કે હું પણ મા છુ અને હું સમજી શકુ છું માતૃત્વને..અને આશા છે કે તુ પણ સમજ કે દેવ કે જે તારો પતિ પછી પણ તે પહેલુ  મારું પણ સંતાન છે…

જુદી નીકળી ધારણાથી હકીકત
અને ધારણા, ફેર ધારી શક્યા નહીં

આજે મેં મારી અંદરની મા ને મારી નાખી..મારે દેવ તારા બાળકોની બેબી સીટર નથી બનવું. પ્રણવનાં ગયા પછી મેં આજે પહેલી વખત મને મેં મારી રીતે જોઈ. મને જિંદગી સાથે સમાધાન નથી કરવું. પ્રણવનાં ગયા પછી તને ભણાવ્યો ગણાવ્યો અને સમાજમાં ગર્વભેર જીવી શકે તેવો બનાવી મા તરીકે ની મારી જવાબદારી પુરી કરી. હવે હું દેશમાં જઈ મારા અત્માનું કલ્યાણ કરીશ..ભલેને તુ મને કહે “મોમ યુ આર એસ્કેપીંગ..”

વકરતી રહી નિત અડાબીડ ઈચ્છા
વિષય ચાતરીને, વિચારી શક્યા નહીં

દેવ્! તુ મારુ પીંડ છે..તુ ઉણો ઉતર્યો એવુ કહેવુ ગમતુ નથી તેથી કહું છું મારી અપેક્ષા વધુ હતી..આ હ્રદયમાં સળંગ ઉઠતી મમતાને વારંવાર દાબવી અને નિઃસાસા નાખવા તે કરતા વિષય બદલીને જીવી જવું તે અમેરીકન વહેવારીક સત્ય સ્વિકારી લઉં છું. હા સાથે એક નિઃસાસા સાથે કહી દઉ..મારા મૃતદેહને આગ દેવાનો તારો અધિકાર હું છીનવી ને જઉ છું.
 

અસર વિસ્તરી ગઈ, અસામાન્ય રીતે
ઈલમ ઓળખીતાંય, તારી શક્યા નહીં

2 replies on “આવકારી શક્યા નહીં !-ડો.મહેશ રાવલ”

  1. જુદી નીકળી ધારણાથી હકીકત
    અને ધારણા, ફેર ધારી શક્યા નહીં
    સુંદર શેર
    ‘હા સાથે એક નિઃસાસા સાથે કહી દઉ..મારા મૃતદેહને આગ દેવાનો તારો અધિકાર હું છીનવી ને જઉ છું
    અસર વિસ્તરી ગઈ, અસામાન્ય રીતે
    ઈલમ ઓળખીતાંય, તારી શક્યા નહીં ‘
    મરતા મરતા છીનવાની વાત!પ્રાચી અર્વાચીન વિચારધારા અપનાવી નથી શકતી તે ખુદ્દારી નથી પણ નબળાઈ છે! આવી કેટલીય પ્રાચીઓ કુટુંબને વગોવતી સમાજની દયા પર નભતી દેખાય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *