પત્તાનો મહેલ

pattano mahel 

Courtsey: whyleaveastoria.com

પત્તાનો મહેલ 

ગઈકાલની જેમ આજે પણ હું ગુમસૂમ બહાર ખુરશી ઉપર બેઠો બેઠો તારી વર્તણુંકોનું વિશ્લેષણ કરું છું. તિરસ્કારનો એક પહાડ ધીમી ધીમી ગતિથી પીગળતા હિમની જેમ પીગળે છે…. પીગળેલ પ્રવાહી ઘૂંટડે ઘૂંટડે હું વિચારોના માધ્યમથી પીઉં છું. તું શા માટે મને સાચવવા માગે છે…. આપણે છુટા કેમ નથી પડતા..

રાતના આઠ વાગ્યા છે.. તું સાવ સાદું ખાવાનું ભાખરી અને શાક બનાવે છે. હું તારી પાસેથી આમેય આનાથી વધુ કંઈ હોવાની અપેક્ષા રાખી શકતો નથી. કારણ કે તું વધુ બનાવે તો મારી ભૂખ વધે અને ભૂખ વધે તો શરીર વધે. અને મારું વધતું શરીર તને કુદરતી રીતે જ ભારરૂપ લાગે ને…. મિસ્ટર બુચ તો કોઠી છે… તેમ કોઈ કહી જાય તો મિસિસ બુચનું અભિમાન તૂટે ને … એટલે નિલુ – તું વધુ ન ખા. ક્યાંક ડાયાબીટીસ થઈ જશે – નો મને ડર બતાવીને … તું તારું કામ બચાવે છે – સમય બચાવે છે … કેમ શર્વુ ?

શર્વરી સાંભળતી નથી – ક્યાંથી સાંભળે … એને સાંભળવાનો સમય હોય તો ને… એ ગુલામ અલીની ગઝલો સાંભળે છે. પંડિત રવિશંકરનું સિતારવાદન સાંભળે. .. મારા સાતમા સૂરની તિરસ્કારવાણી કેવી રીતે સંભળાય હેં? એમાં લિજ્જત થોડી હોય છે …? હાયપોક્રસીના જમાનામાં મોટાઈ થોડી મરાય કે… બુચનો સાતમો સૂર ખરેખર સાંભળવા જેવો છે… દંભી…!

‘નિલુ – ચાલ તો ખાવાનું તૈયાર છે’

‘હં! શર્વુ – થોડીક ચા મળશે’ – હું ઘડિયાળમાં પડતા નવના ટકોરા ગણતો બબડું છું.

‘ઓ નિલુ ! છૂંદો છે નહીં ચાલે ? ચા મૂકવામાં પાછી આજે કામવાળી નથી આવવાની… બે વાસણો વધારે…’

હું ગુસ્સાને ઉકાળી ઉકાળી તેની ચા બનાવીને સબડકા ભરું છું.

એ પણ મારી સાથે ઊકળે છે, ટેબલ ઉપર થાળી વાટકી પછડાય છે. હું ઊભો થઈને ચાલ્યો જાઉં છું… બહાર… કૃદ્ધ થઈને… કંઈક ઉકળાટમાં અથડાતો નીકળી પડું  છું. તે શાંત ચિત્તે પલંગ પર આડી પડે છે.

પંદર વર્ષનો આ નિત્યક્રમ છે. મને ગુસ્સો આવે ત્યારે એ ઠંડી હિમ… અને નવાઈની વાત એ છે કે એને ગુસ્સો આવતો જ નથી. નાના બાળકને પટાવતી હોય એમ મને પટાવી લે છે. ગુસ્સે ભરાયેલા મારા તન ઉપર એ હેતની આછેરી હેલ વરસાવી મને પીગળાવી નાખે છે…. એની હેત કરવાની રીત પણ જબરી છે.

નિલુ – સોરી… કહીને મીઠડું મધ જેવું હસે છે. અને પછી કાલી કાલી વાતોમાં એક નાનકડો જોક કહેશે … અને પછી જાતે જાતે જ હસશે. અને એને દુખ ન લાગે તે માટે હું પણ હસું… ખેર આજે એવું કંઈક કરશે ને તો હું એની સામે જોઈશ જ નહીં કાન બંધ કરીને આંખ મીંચી દઈશ.

એ હીબકે ચઢી છે… નવાઈની વાત કહેવાય… હું તો વિચારતો હતો કે યુદ્ધ ચાલુ રહેશે… પણ આ તો સફેદ ઝંડી – યુદ્ધવિરામની… ‘નિલુ … નિલુ… પંદર વર્ષથી હું તારી સાથે આનંદથી રહેવા મથું છું. પણ કોણ જાણે કેમ તું દિવસે ને દિવસે પથ્થર બનતો જાય છે. .. કહેને મારો વાંક શું છે?’

હું કાન બંધ કરું છું – તો વિલાપ વધુ ગતિ પકડે છે. .. ‘મને કેમ પીડે છે … મેં તારું શું બગાડ્યું ?’

નાનકડો નિલય … આંખ બંધ કરી દે છે… મોટો નિલય દયા ખાય છે…. ઘરડો નિલય શર્વરીના મગરના આંસુ જોઈને મૂછમાં હસે છે…. શર્વરીનો ભૂતકાળ – શર્વરીનો વર્તમાનકાળ..… શર્વરીનો ભવિષ્યકાળ… ત્રણે ત્રણ નિલયોના રૂપમાં મલકે છે. મોટા નિલયની મૂછો પર લીંબુ લટકે છે – તેથી તે ખોંખારો ખાય છે – ‘જો શર્વરી – નોકરી કરવી હોય તો કર, ન કરવી હોય તો ન કર પણ આ મરદ ભાયડો – તારો ગુલામ કદી નહીં બને . શું સમજી? ’ નાનકડો નિલય તારો પાલવ પકડીને ઊભો છે. એને આગળ રસ્તો કયો છે તે ખબર નથી – પણ તારી છત્રછાયામાં સુરક્ષિત છું એમ માનીને એ નિરાંતે લોલીપોપ ઉપર જીભ ફેરવે છે. ઘરડો નિલય – શર્વરીને સલાહ આપે છે – ‘સંસાર છે ચાલ્યા કરે – આમ જ હોય … કદીક તું રીસાય… આજે એ રિસાયો છે , મનાવી લે … ભાખરી શાકના પારણાં કરાવ – ચા મૂકી દે ને. એમાં શું?

તું અકળાય છે. ‘કેમ પણ કારણ વિના રીસાય? એની પત્ની છું તેથી કંઈ ગુલામ તો નથી ને?’

યુવાન નિલય અકળાય છે… ‘મારી નોકરી છૂટી ગઈ. એટલે મારા ઉપર રુઆબ જમાવે છે…?’

‘કોણ તારી ઉપર રુઆબ જમાવે છે. …?’

‘તું જ તો વળી?’

‘કેમ તું પણ અતડું નથી બોલતો? આખો દિવસ ઘરે બેઠો રહે છે – કેટલાય કપ ચા પીધી હશે – હવે એકાદ કપ ન પીએ તો ન ચાલે ?’

‘ના – ન ચાલે.’

‘તોબા તારાથી તો – કોઈ વાતે સમજતો જ નથી.’

‘જો હું જેવો છું તેવો આ જ છું. -’

‘ખેર – જેવો છું તેવો મને ગમે છે.’

‘તો આ મિનિટ પહેલા તોબા કેમ કરી?’

‘ભુલ થઈ ગઈ ’ – એ મીઠડું હસશે… તેમ વિચારીને હું ગર્જું છું – ‘જો શર્વરી, હું બેકાર છું એટલે બધું ચલાવી લઈશ તેમ ન માનતી – હા – કહી દઉં છું.’ 

‘પણ મેં ક્યાં કંઈ કહ્યું ?’

‘હા, પણ કહેવાની તૈયારી કરે તે પહેલા કહી દઉં… પંદર પંદર વર્ષથી તેં મને રિબાવ્યો છે …. તડપાવ્યો છે… સંતાન માટે તું મને ટોકે છે. હું તને ધિક્કારું છું – તું તો મારા ધિક્કારને પણ પાત્ર હવે નથી રહી ’

‘હશે મૌન અપનાવી લેવા સિવાય મારે છૂટકો નથી ..’ શર્વરી મનમાં બબડે છે.

‘જો તને કહી દઉં – હું કોર્ટમાં જીતીશ ને ત્યારે બધો પગાર પાછો મળવાનો છે. તે વખતે બધો હિસાબ કરીને મારી પાસેથી વસૂલ કરી લેજે. પણ આ ચાના હિસાબો ન જોઇએ, શું?’

‘ભલે – ’

‘હા, બેકાર છું તેમાં શંકા નથી. પ્રયત્ન કરું છું તેમાં પણ શંકા નથી – પરંતુ હું ૩૦૦૦ નો પગારદાર મને ૫૦૦ માં કોઈ ખરીદવામાં આવે તે કેમ ચાલે, હેં ?’

શર્વરીના મૌનથી નિલયમાં માદા નિલય પ્રગટે છે … ધીમે ધીમે બબડાટ શમે છે. ભાખરી ને શાક ખાઈને નિલય સૂઈ જાય છે.

શર્વરી વિચાર કરે છે – આ નિલુ,  ખોટું એની બેકારીનું દુ:ખ ગળે લગાડી લગાડીને દુ:ખી થયા કરે છે. એને પણ જૉબ તો મળે એમ છે પણ એ નથી ઇચ્છતો કે એવી જૉબ કરે … શું કરું? ખેર, કરવાનું પણ શું હોય? એક જમાનો હતો જ્યારે એ મારાથી વધુ કમાતો હતો. ડિપાર્ટમેન્ટલ પૉલિટિક્સમાં માર ખાઈ ગયો. યુનિયનમાં મૅનેજમેન્ટની નજરે ચડી ગયો. બધા ફૂટી ગયા. અને એ હોળીનું નાળિયેર બની ગયો. .. પણ હવે એનો શોક કર્યા કરવાથી થોડું જ બધું સીધુ ઉતરવાનું હતું ?

થોડુંક નવા વર્તુળોમાં ઘૂમે – હસતા મોંએ પોતાની ખાસિયતો કહે – શક્ય છે નવા સંબંધોમાં એનું કામ જળવાઈ પણ જાય. અને અત્યારે જ્યારે નવરો છે… ત્યારે ઘરના એક બે કામ જેવા કે ઇસ્ત્રી કરવાનું, કપડાને ગડી વાળવાનું, ચા મૂકવાનું, બજારમાં જવાનું કરે તો ખોટું શું છે હેં? હું પણ કેટલાં ઓવરટાઈમ મેળવવાના ફાંફા નથી મારતી? પણ એમ કંઈ બધું સરળ છે?

આ સ્કૂટરની લોનના ૧૦૦ રૂપિયા કપાવાનાં શરૂ થઈ ગયા – અને એની નોકરી જતી રહી. અત્યારે એ આવતા હોય તો કેટલું સરળ ચાલતું હોત, હેં ? સ્કૂટર પર હવે ફરવામાં પાછળના પેટ્રોલના ધુમાડામાં એને મારું માલિકીપણું ખડખડ હસતું લાગે છે… આ એના મગજમાં માલિકીપણાનું ભૂત ક્યાંથી આવ્યું… એ જ નથી સમજાતું. એ કંઈ બજારમાંથી ખરીદી શકાતું સાધન છે કે એના ઉપર માલિકી હક્કનો દાવો કરાય? આજે જો એને સારી નોકરી મળતી હોય ને તો… કાલે હું મારું બધું જ છોડી દઉં… પણ એ શક્ય છે ખરું?

હા, કંઈક ધંધો કરે તો શક્ય બને… પણ એના માટે પૈસા જોઇશે ને… પૈસા… પૈસા… જો હું કોઈક વ્યવસ્થા કરી લાવીશ ને તો… કહેશે … તારા પૈસા… ? મૂઓ મારો પાછો અળવીતરો સ્વભાવ – એને એ પૈસાનો વ્યય કરતો જોઈને એને ખડખડાવવા માંડશે …

આજે શ્રીપ્રકાશને વાત કરીશ. મદ્રાસથી એમને સાડીઓનું કામ સારું છે. ક્યાંક નિલુને ગોઠવી દેશે. શ્રી પ્રકાશ આજે પેઢીમાં મળશે જ. શ્રીપ્રકાશને કહીશ આમે ય નિલુનો પણ તે મિત્ર છે. તેથી તેને માઠું પણ નહીં લાગે. વળી મેં કર્યું તેવું પણ નહીં લાગે.

નિલય તું જરા હસતો રહેજે…. પાર્ટીમાં મારા સોગિયા મોંથી કંટાળીને તું મને કહે છે… અજાણ્યા ચહેરાઓ સાથે અંતરની વાતોનો રસિયો મારો જીવ મિનિટે મિનિટે – ઓહ હાઉ નાઇસ !… ઇઝ ઇટ?… પ્લીઝ ડૉન્ટ માઇન્ડ… થેંક્સ… પ્લીઝ… સોરી… જેવા ટૂંકા ટૂંકા અંગ્રેજોનાં જમાનાના રહી ગયેલા એટીકેટ્સના પાટાઓમાં કોકડાતો હતો.

પાર્ટીમાં કોઈની જોડે વાત કરવી નહોતી એટલે પ્લ્રેટ લઈને એક બાજુ પહોંચી જાઉં છું. કોફતા કાચા હતા… પુલાવમાં વટાણા પણ ચડ્યા નહોતા… ફ્રુટસલાડમાં કંજૂસાઈ નહોતી પરંતુ શ્રીમંતાઈની અતિશયોક્તિ તો દેખાતી હતી. બિન મોસમનાં ફળો જેવાં કે  – કેરી, પાઈનેપલ, દ્રાક્ષ, કાજુ, દાડમ વિગેરે ઢગલાબંધ હતું.

શર્વરી મને એકલો જોઈને નજદીક આવી – ‘ઓહ નિલુ ! તું બોર થાય છે? ચાલ મિસ્ટર ગજ્જરની ઓળખાણ કરાવું.’ – ‘શર્વુ! છોડને, કાંટાવાલાને મિસ ગુલાબ સાથે લગાવ છે. જો ને બીચારાનાં રંગમાં ભંગ ક્યાં પડાવવો? ’

‘અરે મિસિસ બુચ… પાર્ટીમાં પણ મિસ્ટર બુચને છોડતા નથી … આવો ચાલો.. ચાલો… મૅજિક શો શરુ થાય છે.’ ,

શર્વરી મિસ્ટર ભીમ જોડે જતી રહે છે. આ બધાના મૂળ નામો તો જુદા છે. પણ મિસ્ટર કાંટાવાલા જ્યાં ને ત્યાં કાંટો બનીને ત્રાજવે દરેકે દરેક વસ્તુ જોખતા જ હોય છે. તેથી તેમનું આઇડેન્ટિટિ મેં કાંટાવાલા પાડ્યું છે. સ્ટેનો ડેઈઝી તેમનું ગુલાબ છે. જ્યારે ને ત્યારે કાંટાવાલા તેની સાથે જ હોય … મિસ્ટર ભીમ વિશાળકાય અસ્તિત્વ છે. શર્વરીમાં તેમનો રસ કેવો છે ખબર નહીં… પણ કાંટાવાલાનો ગુલાબ જેવો નથી તેવું હું માની લઉં છું. પેલી શાહમૃગ રણમાં માથું છુપાવી દે અને માની લે કે તોફાન જતું રહ્યું તેમ….

શર્વરી સાંજે ઘરે મોડી આવે તો હું નાટકીય ઢબે પૂછું. શર્વુ – તબિયત તો સારી છે ને? પછી એ કહે – હા, નિલુ, એક કપ ચા બનાવી આપીશ? આ મુંબઈથી બોરીવલીનો કલાકનો રસ્તો બહુ જ કંટાળાજનક છે. હું ચુપચાપ ચા બનાવું છું. મને કોણજાણે કેમ ખબર નથી પડતી કે મને શું દુ:ખે છે? ડંખે છે? મન મારું વિચારો કરતું અટકી રહ્યું છે. શર્વરી સાથે જિંદગીમાં કેટલાંક ભ્રમો રહ્યાં હોત તો સારી રીતે જાત – પરંતુ હવે હું શર્વરી તને ઓળખી ગયો છું. તું મારી જાતને પ્રેમ તો કરતી જ હતી – પરંતુ તેનામાં રહેલો માલિકીપણાનો ડ્રેગન મને ટુકડે ટુકડે ચાવતો હતો. મને દુ:ખ તો થતું હતું પણ પેલો  ભ્રમનો પડદો એટલો જલદ હતો ને કે … ડ્રેગન જ્યારે બધું ચાવીને મારા હૃદયને ખાવા આવ્યો ત્યારે ખબર પડી કે આ તો થીણઘ્ઘી નિંદ્રા. ચવાઈ ગયા – નિસાસાનાં પોટલા બંધાઈ ગયા. અત્યારે તો ડ્રેગનને મારવા એના મોંમાં ઘુસ્યો છું. શક્ય છે એના તાળવા કોરી નાખી તેને મારી નાખું કે શક્ય છે એના વિકરાળ દાંત મને ચાવી જાય…. શર્વરી અને હું બન્ને નોકરી કરતા રૂમ પાર્ટનર જ વધુ સારા શબ્દ છે. રાતે એક છતની નીચે કદીક પતિપત્ની તો કદીક મિત્રો… પણ મહત્તમ તો ડોરમેટરીમાં સુતેલા અજાણ્યા મુસાફરોની જેમ મોં ફેરવીને સુતા હોઈએ છે.

આજે યુદ્ધ શરૂ થયું છે. એણે બેગ બાંધી લીધી છે. મેં વકીલને કહી દીધું છે. મારે છૂટાછેડા જોઈએ છે.

એ કહે છે – ‘ મારી મિલકત મને આપ. જિંદગીના … યુવાનીના … એ અતિ ઉત્તમ દિવસો પાછા આપ… નિલય તું તો ક્રૂર છે – જન્મજાત ક્રૂર છે…. પણ મારા એ વીતેલા દિવસોનું શું?’ એ હસે છે. મોહક – સુંદર અને હું થીણઘ્ઘી નિદ્રામાં જઈ પડું છું. ડ્રેગનો મને ચાવે છે… ધીમે ધીમે… હું પૂંછડીની નીચે મારું માદાપણું છુપાવીને… એને કહું છું. ‘તને હું ચાહું છું. મારી સમગ્ર ચેતાઓ તારા નામથી જાગૃત થઈને દોડવા માંડે છે. પણ… તારા વીતેલા દિવસો તો નવી બંધાયેલી કૉલોનીના શરૂઆતનાં ડ્રેનેજ – પાણી – લાઈટ વિનાનાં અંધારા ડીબાંગ – તેને ન લો તો ન ચાલે ?’

ડ્રેગન મને ચાવે છે. હવે તો મારે તું કહીશ તેમ જ કરવાનું છે. મારા રુધિરમાં શુદ્ધત્વ બક્ષતું મૂત્રપિંડ તો તેં ઝેરયુક્ત કરી હૃદય સુધી પહોંચાડી દીધું છે ને?

ડાયાલીસીસ ઉપર જીવવાની શક્યતા કેટલી? પૈસા હશે ત્યાં સુધી ને? વરસ પછી તો તું એમજ કહેવાની છે ને હવે બેંક બૅલેન્સ ખતમ થયું – ચાલો ઘરે – થોડુંક ભગવાનનું નામ લઈએ.

નિલય… નિલય… આ તું શું બોલે છે. તને ખબર છે? તારા ઘરને દરિદ્રતાના દલદલમાંથી કાઢવા મેં નોકરી કરી – તારું કામ કર્યું, મકાન લીધું, સ્કૂટર લીધું, હજી ફર્નિચર માટે લોન લેવી છે. આ બધું મેં તારે માટે તો કર્યું છે ને?

પણ મને તો નાનકડું આકાશ જોઇતું હતું નાનકડી ઝૂંપડી જોઇતી હતી… આ મુક્ત ગગનવિહારી અલગારી જીવને તું ક્યાં આ લોન – પેલી લોન – મારા હેડ, તેમના મિસિસ – તેમને ત્યાં મહેમાન આવે અને મને ઘસડીને એમને ત્યાં તું લઈ જાય – ખોટું ખોટું હસતા ન આવડે તો… મિસિસ શર્વરી બુચ – તમારા મિસ્ટરને એટિકેટ નથી… વાળા શબ્દોનો હથોડો તને ન વાગે માટે વારંવાર… નિલય તું જરા હસતો રહેજેની સૂચનાઓના જંગલો ખડા કરી દેતી – હું શું ઇચ્છતો હતો શર્વરી… અને તેં મને શું કરી દીધો?

 

પ્રકરણ 2

‘ શું ઇચ્છતો હતો નિલય… મહેમાન બનવાને ’

‘ હા, અને તે બની ગયો. મારા ઘરમાં હું મહેમાન છું. મારા ઘરના મહેમાનો મને મારા ઘરમાં મને નીકળતો જોઈને આવજો કહે છે. ચીસો પાડે છે . હસી હસીને બેવડ વળી જાય છે. જો પેલો  જાય બાયલો. બૈરી નોકરીએથી આવે ત્યારે ચાનો કપ તૈયાર કરે – અને જો ન કરે તો સાંજનો ચા બંધ.’

‘પણ નિલુ,  – તે તો અડ્જસ્ટમેન્ટ છે. -’

‘ધૂળમાં જાય તારું અડ્જસ્ટમેન્ટ – મારા ઘરમાં મારા કામમાં માથું મારી મારીને તું સ્ત્રીત્વ ગુમાવી ચુકી છે. તને બાળક નથી જોઇતું, તને ટીપ ટાપ જોઇએ છે, તને એટિકેટ જોઈએ છે, તને રસોડું તો ખાવા ધાય છે , તને ફિગર મેન્ટેન.કરવાની ચિંતા છે.’

‘ ખબર છે, આપણી જિંદગીના પંદર વર્ષમાં પંદર મહિના પણ સળંગ ઝઘડ્યા વિના ગયા છે?’ 

‘નિલય – દોષ મને ન દે… મને  ન દે…’

‘હા દોષ વાંક વિના તો ઝઘડો ન જ થાય ને… પણ… જરા વિચાર કર.. ઘરમાં નાનું બાળક ન હોય તો તે ઘર કહેવાય?… નાનકડી શર્વરી… નાનકડા હાથ… નાનકડું નાક, ગુંદર ગૌરવર્ણું શરીર … થાનકો શોધતું ડીંટડી મળતા  ચસ ચસ બુચકારા બોલાવતું અને રડતું અટકી  જતા બાળકની કલ્પના કરીને તું ખુશ નથી થતી?’

‘મારા ગર્ભમાં બાળક ક્યાં છે… એના સાત સાત પડખા તેને ઝંખે છે. પણ તું ક્યાં માણસ છે? પુરુષપણું તારું ફક્ત મારા દોષો જ શોધવામાં છે. બાકી બાળકની ઝંખના તો મને અનહદ છે. મારા નબળા મુદ્દાઓમાં તો તે એક જ છે. મારા ગર્ભના પોલાણોમાં પડઘાતું પડઘાતું બાળક રુધિર રૂપે દર મહિને વહી જાય છે… પણ તેને રોકવા હું અસમર્થ છું.’

‘ભલે, તો તારી અસમર્થતા તને મુબારક, હું તો ઝેર ખાઈ જઈશ – મારામાં રહેલા માલિકીપણાના ડ્રેગનથી બચાવી જઈશ.’ ‘તેં તો બેગો બાંધી છે. એટલે તું જઈશ નક્કી… પણ હું પણ અહીં નહીં રહું. કારણ અહીંયા તો કબર ખોદાવાની છે… આપણા પંદર પંદર વરસોની પોકળ … ભ્રામક અને ઠાલી દંભી દામ્પત્યજીવનની લાશ અહીં દાટવાની છે. ઉપર ફૂલોની ચાદર બિછાવવાની છે અને લોબાનનો ધૂપ કરવાનો છે.તારા અને મારા સાસરાવાળા અહીં આવીને ઠાલું ઠાલું રડશે. અને એમના એ ઠાલાપણાને જોઇ આપણી પંદર વરસની જિંદગીની લાશનો આત્મા હસશે… ખડખડાટ… ’

વહેલી સવારે આદત મુજબ તે મારી પથારીમાંથી ચાદર ખંખેરવા જતી હશે – અને હું એની ચાદરમાંથી કાયમ માટે ખંખેરાઈ જાઉં તે માટે એના કરતાં પણ વહેલા ઊઠીને બાથરૂમમાં જતો રહું છું.

‘નિલય – ક્યાં જવાનો છે? ’

એ જાગે છે – કદાચ આખી રાત  સૂતી જ નથી… બેગો બંધાયેલી છે… યુદ્ધની માઠી અસરો જેવી ખરાબ દુર્ગંધ વાતાવરણમાં ફેલાતી હોય તેમ લાગે છે. હું શાંત છું તે ઊંઘની ટીકડીઓની બોટલ ખાલી જોઇ એકદમ બોલે છે.

‘નિલય… તેં ઝેર કેમ ખાધું? ’  એ મને પ્રશ્ન પૂછશે. એની આખી રાત રડી રડીને ગઈ છે.

‘બેકાર પરિણીતો જિંદગીના કંકાસમાં હારીને ઝેર જ ખાય છે સ્વાભાવિક છે… પણ – મેં ઝેર ખાધું હતું તને રડાવવા… તને ત્રસવા… તને રિબાવવા… હું તને નહીં છોડું, મારી આંખોમાંથી નીંગળતું ઝેર તું નહીં પચાવી શકે શર્વરી… રડીરડીને તું આંખો ફાડી નાખીશ તો પણ મને તારા પર રહેમ નથી આવવાની… તું તો પેલા ભાંગી ગયેલા અરીસા ઉપર પણ આટલું રડી શકે છે. તું તારી માલિકીની કોઈપણ વસ્તુ જતી રહે એટલે રડે છે. ખરું ને?’

તું ધ્રુસ્કે ધ્રુસ્કે રડીને મને મનાવે છે. મારી માફી માગે છે… પણ હું તો જડ અને ક્ષુબ્ધ… હસતો નથી. ત્રીજા માળની અમારી બારીમાંથી સૂર્યનો તડકો આવું આવું કરે છે. પડદો ખોલીને તે અમારી વચ્ચે પ્રવેશે છે. પંખો ચાલુ કર્યો છે. ત્યાં ઊડતી ઊડતી એક ચકલી પંખામાં ભરાઈ પડે છે. કપાઈને પાંખો ફફડાવતી તે નીચે પડે છે. અને એના રુધિરથી મારું શર્ટ બગડે છે… પાંખોમાંથી છુટા પડેલા પીંછા ચારે બાજુ ઉડાઉડ કરે છે… બસ તેમ જ આગળ પાછળ થતા ડહોળાતા મારા મનને કપાઈ ગયેલ ચકલીની આ ચીસો ઝંકૃત કરી જાય છે.

ઊંડી ઊંઘમાંથી ઊઠતો હોઉં તેમ હું ઊભો થાઉં છું. શર્વરીને કહું છું… શર્વરીને કહું છું… ‘શર્વુ, કોર્ટમાં જઈને કેસ જીતીશ… મૅનેજમેન્ટ મને બધા પગાર સાથે માનભેર પાછો લેશે… મારે કશું જ કરવાની જરૂર નહીં પડે…’

‘પણ નિલુ ! તારે ઝેર ખાવાની કેમ જરૂર પડી ?’  શર્વુને કેમ કરી સમજાવું કે બેકારી, પૈસો, ઘર ચલાવવાની તકલીફ… બધી ચિંતાઓના પથારાઓએ ભેગા થઈને મને દાટી દીધો છે. મારી લાશ ઉપર આટલા પથરા ઓછા છે ત્યાં તું વધુ પૂછી પૂછીને ચિંતાનો બોજ મારા માથા પર ખડકે છે?

એક વિમાન રોજ નિશ્ચિત સમયે મારા ઘરની બારીમાંથી દૂર જતું દેખાય છે. એમની જેમ રોજ ટપાલી એક ટપાલ લાવશેની આશામાં હું બેસી રહું છું. ટપાલી આવીને જતો રહે છે. નકામી ટપાલો લાવીને ચિંતા વધારી જય છે. લેણદારોના સ્મૃતિપત્રો… બિલના થોકડા… ધંધાની નવી આંટીઘુંટીઓ… અભિમન્યુની જેમ છ વર્ષ કોઠામાંથી બહાર કાઢવા કાઢ્યા તો ખરા – પણ હવે સાતમો કોઠો – મૂડી ઘસડી ગયો – દેવું માથા પર ઠોકી ગયો.

શર્વરી નોકરીએ જતી નથી. પોલીસકેસ નથી થયો તેથી સારું છે. એમ માનીને મારો હાથ પકડીને બેસી રહી છે. એનો પ્રિય પંખો જે દિવસે ચાલુ નહોતો થયો તે દિવસે પણ આમ જ પંખાને પંપાળતા જેમ વિચારતી હતી – તેમજ એની માલિકીનો હું … આજે શું કરી બેઠો…?

‘નિલુ – તારી તબિયત સારી નથી. તું પેલા બબૂચક નેપોલિયન હીલની માઠી અસરોમાંથી બહાર આવ… બેકારી નિવારવા કદીક વ્યવહારુ બનવું પડે. યુ નીડ ઍન ઍક્ટિવિટી….’ 

‘‘શેર ભૂખા મર જાતા હૈ, ઘાસ નહીં ખાતા હૈ’ –  ‘એવી ખુમારી હતી તો ઝેર કેમ પીધું?’ … આલંબન પામતા વડના પ્રકાંડો… આલંબન મૂળના ટેકે આગળ વધે છે – નહીં કે એક જ મૂળ વડે, આગળ વધવું હશે તો ટેકો તો જોઇશે જ … જે મળે છે તે લઈ લે … પરંતુ આ બધું બહુ થોડા દિવસો માટે છે શર્વુ !’ ‘ભલે – પણ ત્યારે આ છોડી દેતા વાર શું લાગશે…?’

મનમાં શૂન્ય પર શૂન્યનાં થપ્પા ગોઠવાતા જાય છે. શૂન્યોનાં થપ્પા – ખાલી ખાલી વાસણોના ખડખડાટની જેમ ખખડતા ખખડતા બગડેલી રેકર્ડના વિચિત્ર અવાજોની જેમ રણકે છે. આ અગણિત શૂન્યોની આગળ મારે એકડો જોઇએ છે. બિચારો નિલયમાંથી – નિલયકુમાર બુચ  એકડાવાળા મીંડાઓ થવા માંગે છે. હિંમત નથી હારવી – મથવું છે. કેવી રીતે? ક્યાં? શું કરવાથી એ બનશે… ખબર નથી નિલય બુચ ‘મિસિસ બુચના મિસ્ટર’માંથી મિસ્ટર બુચ થવા માંગે છે…  એમની મિસિસ શર્વરી બુચ છે તેમ આખા સંસારને ડંકાની ચોટ ઉપર કહેવા માંગે છે… પણ એ શક્ય ત્યારે જ બને જ્યારે … એ અગણિત શૂન્યોનાં થપ્પાઓની એ આગળ એકડો આવે તો… એ એકડો… કોણ જાણે કેમ મને લાગે છે કે પેલા કલર ટીવી ઉપર આવતા પ્રોગ્રામોની પોલી પોલી સલાહોની જેમ… મારા જીવનમાંથી પોલો પોલો થઈને માઈક્રોનની જાડાઈમાં જતો રહ્યો છે… ઝાંખી ઝાંખી આશાઓના અને ગાઢી નિરાશાઓનાં વાદળોમાં ખોવાઈ ગયેલા શુક્રના તારાની જેમ… દૂર ને દૂર જતો જાય છે.

‘શર્વરી, એટલા માટે મેં ઝેર ખાધું હતું… કે આ શરીરને છોડી દઈને શુક્રની તરફ દોડતો મારો એકડો પાછો લાવી તારા ગર્ભના સાતે પડળોમાં ઝણકાર ભરી દઉં.’

‘પણ નિલુ ! તું નથી તો પછી તારા એ ગર્ભને હું શું કરીશ ?’

‘એટલે?’      

 ‘સીધી વાત છે – તારા અસ્તિત્વની જરૂરિયાત વધુ છે. હું હોઉં કે ન હોઉં શરીરની દુનિયામાં કોઈ જ ફેર પડતો નથી – હું માનવ તરીકે અસ્તિત્વ ધરાવું  કે નહીં પણ તારી જિંદગીમાં હું મિસ્ટર બુચ નામનું સાધન છું. કોમ્પ્યુટર રોબોટની તને જરૂર છે – જે તારા અવાજે ચાલે દોડે… કામ કરે… તને મિસ્ટર બુચની જરૂર નથી – એના અસ્તિત્વની જરૂર નથી એટલે આઝાદ કરવા મેં ઝેર ખાધું હતું, હું તો પ્રેમ ભૂખ્યો છું. તું પ્રેમ નામની કોઈ વસ્તુ સમજી છે?’

‘નિલુ આ તારો ધિક્કાર છે કે અસ્વીકાર – એ મને સમજાતું નથી – પણ તારું અતિરેકપણું મને  તકલીફ કરે છે… તને ઊભરો આવે છે ત્યારે તું મને ગૂંગળાવી નાખે એટલો પ્રેમ કરે છે… અને જ્યારે ધિક્કારે છે ત્યારે પણ અનહદ ધિક્કારે છે, હું બંને વચ્ચે જીવવા ટેવાયેલી છું. મને જ્યારે તારો અતિરેક પ્રેમ મળે છે ત્યારે બીક લાગે છે… આ બધું હું ગુમાવી દઈશ. જ્યારે આવું ગાંડપણ કરે છે ત્યારે પણ મને લાગે છે કે હું તને ગુમાવી દઈશ…’

‘હું તારું પ્રાપ્ત કરેલું સાધન છું. જે ગુમાવાઈ જવાનું કલ્પન પણ તને દુ:ખદ લાગે છે… શર્વુ – મને પ્રેમ કર નિલુ તરીકે … તારા પ્રેમી તરીકે… તારા આધિપત્યના એક સાધન તરીકે નહીં. તેં મારી સાથેના સહજીવનને એક સમજાવટ બનાવી છે. એને ગાંડો પ્રેમ નથી બનાવ્યો જ્યાં તૂટી જવાનો – ડૂબી જવાનો ભય સુધ્ધાં ન હોય… લેવાની તો વાત જ શું હોય? બસ આપ આપ અને આપવાની જ વાત હોય…’

‘તું આવેશમાં ન આવ… હું વાંકમાં હોઇશ… મારી લાગણીઓને તારી જેમ બેફામ ઉડ્ડયન કરાવતા મને ક્યાંક આપણો સંસાર ખરાબે ચડી જાય તેવી બીક લાગે છે… તેથી… સો ગરણે ગાળીને ધીમે ધીમે હું આગળ વધું છું. તું તો મારા મંદિરનો ભગવાન છે. ભલે ને જડ હોય પણ પૂજારીને મન તેની સાચવણી જેટલી ઉત્કૃષ્ટ હોય તેવી મારી મોંઘી મૂડી તું છે. પણ કોણ જાણે કેમ તને એમ જ લાગે છે કે… એમ જ લાગે છે કે… હું તને મારા આધિપત્યનો એક સ્ક્રુ સમજું છું. નિલુ હું તને કેમ સમજાવું…’ 

‘નિલુ તરીકે હું એને સમજવા માંગતો પણ નથી… એ વહેંચાયેલી રહે… ઑફિસના કામોમાં… ઘરના કામોમાં… રસોઈમાં… અને હું ક્યાંય કશુંય નહીં… કેમ ચાલે… એણે તો બસ મારી પાસે જ… શર્વુ બનીને જ રહેવું રહ્યું…’

‘નિલુ , તારી ઉંમર કેટલી થઈ?’   

‘કેમ?’    

‘બસ, એમ જ પૂછું છું’ 

 ‘તને ચશ્મા આવ્યા ને?’

‘એ તો બેતાલાં છે.’

‘બેંતાલા એટલે શું?’

‘નજીકનું વાંચવામાં થોડીક તકલીફ પડે છે તે…’

‘અને દૂરનું સ્પષ્ટ દેખાય ને?’

‘હા’

‘તો તને બેતાલાં આવ્યા જ નથી … બેતાલાં મને આવ્યા છે… ’   હું ખડખડાટ હસું છું…

‘શર્વરી, તું તો જોક કરે છે… તું તો હજી આડત્રીસની છે… તને બેતાલાં ક્યાં આવ્યા જ છે?  અને મારા બેતાલાં તો આ રહ્યા’ …

 ‘પણ તને દૂરનું દેખાતું નથી… એટલે જ તો કહું છું કે બેતાલા તને નથી આવ્યા… તને તો નજીકનું બધું જ સ્પષ્ટ દેખાય છે… મારી આજની વર્તણુંકો… આજના વલણો… પણ એ વર્તણુંકો અને વલણોનું પરિણામ બે પાંચ વર્ષે શું આવવાનું છે એ તને નથી દેખાતું… મને દેખાય છે… માટે તો કહું છું કે તને બેતાલા નથી આવ્યા… બેતાલા તો મને આવ્યા છે… ’

‘શર્વુ, તું કહેવા શું માગે છે હેં ?’  

‘નિલુ, આજે પણ આપણે તારા હાઈસ્ટૅટસ પ્રમાણે રહી શકીએ છીએ… પણ એમાં આપણી બચતો કપાય છે. તું ક્યાંક પાર્ટટાઈમ સેલ્સ કન્સલ્ટન્ટ બને છે… તો એ લોકો અઠવાડીયે ૧ વખત ૨  વખત બે કલાકના તને ૫૦૦ આપે તો તે ફુલટાઈમ કરતા વધુ સૅલરી છે… એ સીધી વાત તારા ગળે કેમ નથી ઉતરતી? … અને પછી વધુ જરૂરિયાતો ઊભી કરીને એમને ત્યાં આપણી જ્ગ્યા કેમ ન બનાવી શકાય?’

હું ચુપચાપ એને સાંભળું છું… એ સાચી છે… મને ખરેખર નજીકનું જ દેખાય છે… મારી કારકીર્દીને ૫૦૦ માં ખરીદવા માગતા શાહ સોદાગરો… માટે હું બહુ મોંઘો છું એ લોકોની જરૂરિયાત ઓછી છે તેથી ઓછા સમય માટે મને રાખે છે… જેથી એમને એમનું કામ સરે… અને હું પણ ફ્રી નો ફ્રી… જ્યારે જરૂર પડી ત્યારે ના કહીને નીકળી જતાં વાર શું?

થોડોક પ્રસ્તુત બનીશ તો નિવૃત્તિનું ભુત નીકળી જશે… નેપોલિયન હીલ ફરી ગૂંજે છે… યુ કેન ડુ ઇટ ઇફ યુ બીલીવ યુ કેન…

‘કેમ નિલય ચુપ છે? ’

‘ભલે શ્રીપ્રકાશની વાત સમજી લઈશ.’

‘નિલુ!’ એ આવેશમાં આવીને મને ભેટી પડે છે… મારા ગાલ… મારા હોઠ… મારા માથાનાં વાળ ઉપર એક મીઠા ઝનૂનથી એના હાથ ફેરવી લે છે… અને જોરથી બાઝી પડે છે… ’

શર્વરીનો આ પ્રેમ… આ પ્રેમ જ મને બાંધી રાખે છે… છૂટાછેડાની વાત ઉપરથી અમે પાછા એક થઈ ગયા… હું એના વહાલને માણું છું… એના શરીરની મીઠી મહેકમાં મને ડ્રેગનની વાસ આવતી હતી…. તે વાત વિચારીને મને હસવું આવ્યું… એને મેં ખેંચી… ચૂમી… અને વહાલથી એના શરીરને પંપાળતો રહ્યો…

‘શર્વુ, મેં તને બહુ દુભાવી નહીં?’  હું એને પૂછું છું… એ કહે છે… ‘ખેર… તું મને મોડી મોડી પણ સમજ્યો… એ જ આનંદ નથી શું?’

‘ શર્વુ, … થોડોક મારો વાંક… થોડોક તારો વાંક… ’ ‘હા… અને હવે થોડોક તારો પ્યાર.. અને થોડોક મારો પ્યાર… ’

‘થોડોક તારો વાન અને થોડોક મારો વાન’ હા… તારા જેવા ઝુલ્ફા અને… મારું નાક… અને તારી કાયા અને આપણું મન…’

‘ચાલ નિલુ, આપણે એક થઈએ… એવી ગાંઠથી કે … જેનો અંત… આ નાનકડું બાળક..’ ‘તારા જેવું…’  ‘ના… તારા જેવું’  –  ‘આપણા જેવું….’

અને યુગલને એકાંત આપવા પારેવડા ઉપરથી ઊડી ગયા.

 

 

 

પ્રકરણ 3

શર્વરી મિસિસ બુચ બની હતી તે પહેલા મિસ મહેતા હતી. તે વખતે તેને ચાહનારાઓમાં આશુતોષ દલાલ, જય દેસાઈ અને મિહિર ચક્રવર્તી મુખ્ય હતા. શર્વરી અચાનક મિસિસ બુચ કેવી રીતે બની ગઈ તે નિલય બુચ પણ જાણતો નથી.

તે દિવસે આશુતોષ ઘરે આવ્યો હતો – ઘણા વરસે તે શર્વરીને મળતો હતો. અમેરિકાથી આવ્યો હતો.

શર્વરી એને  મળવા ઇચ્છતી નહોતી – પણ ઘરે આવેલ અતિથીનો અનાદર પણ ન કરાય ને ?

‘આવો – આવો’ હું બોલ્યો.

‘હું આશુતોષ દલાલ ’

‘આપની ઓળખાણ ન પડી.’ 

‘હું અને શર્વરી સાથે ભણતા હતા.’

‘અરે શર્વરી ! તમારા મહેમાન છે.’  અને હું મારા ગાર્ડનીંગમાં વ્યસ્ત બનું છું.

ગુલાબના છોડ ઉપર લાલ અને પીળા બન્ને ગુલાબ જોઇ આશુતોષ આશ્ચર્ય પામે છે અમેરિકન પધ્ધતિ વિશે કંઈક કહે છે હું મારા ભૂતકાળમાં ગરક થાઉં છું – શ્યામલીનો આ જ રીતે હું ચાહતો હતો ને… એને ઘરે જવાની તીવ્ર ઇચ્છાઓને હું ખૂબ કરતો હતો….  એનો પતિ કેવો હોય.. એના દામ્પત્યજીવનમાં ગરબડ ઊભી થાય … ખેર…

શર્વરી આશુતોષને ચા પણ ધરતી નથી. એને એકલા આવવાની ના પાડે છે. એની મિસિસ, એના બાળકોને લઈને આવવા માટે કહે છે. હાઈપોક્રેટ આવી કટોકટીની ક્ષણોમાં કેવા ખુલ્લા પડે છે.

અંદરથી સળગી ગયો હોવા છતાં હું હસતે મોંએ એમને આવજો કહું છું.

શર્વરી આશુતોષને કોસે છે. એણે આટલા વર્ષો પછી મારા ઘરે ન આવવું જોઇએ. એકલા તો નહીં જ … મેં કહ્યું એની બૈરી તારા નામથી સળગતી હશે… હોઠ કરડતી હશે કે પગ પછાડતી હશે… તેથી જ તો નહીં લાવતો હોય… અને કાં તો જોવા ઇચ્છતો હશે મિસિસ બુચ તરીકે તું સુખી છો કે…  મિસિસ દલાલ તરીકે સુખી હોત…

યુ શટઅપ… કહી એ એક ગુસ્સામય વાક્યને સુદર્શન ચક્રની જેમ મારી ઉપર છોડી જાય છે… હું મૂછમાં હસું છું. એની રિઝર્વ નીતિ ઉપર… એણે શા માટે આશુતોષ સાથે આવી રીતે વર્તવું પડે. તે જ નથી સમજાતું… સાથે સાથે ગર્ભિત આનંદ પણ થતો હતો… એની વફાદારીનું આ સીધું પરિમાણ હતું…

સેલ્સ રીપ્રિઝેન્ટટિવની નોકરીનું કોઈ ઠેકાણું જ નહીં. ઘડીકમાં ૨૦૦૦ પાડતો એસ. આર. નકામો બની ટર્મિનેટ થઈ જતો હોય અને જો ગરજ હોય તો …Yes Mr. Buch we will be glad to acceot you at your terms and conditions.. Our organization will be highly indebted by your joining   … જેવા ભારેખમ વાક્યોનો તાજ પહેરાવી ને… કામ કરાવાય. પેલા ઈદના બકરાને જેમ ખવડાવી પીવડાવીને તગડો કરાવીને… શણગારીને ઈદના દિવસે હલાલ કરવા વાજતે ગાજતે લઈ જવાય ને તે જ રીતે…

આશુતોષની જેમ જ શ્યામલીને ત્યાં જવાનું મન થયા કરે છે… શ્યામલી તેના સંસારમાં વ્યસ્ત હશે… સુખી હશે … કે શર્વરીની જેમ એના પતિને એના હાથમાં રાખવાની કોશિષો કરતી હશે… કે એક મીઠો ખ્યાલ… ધીમે ધીમે મનના તરંગોને જન્માવતો જન્માવતો આગળ વધવા માંડ્યો…

ત્યાં શર્વરી આવે છે… ‘નિલુ…, આ તમારી પુરુષોની જાત કેવી છે?’

‘તને ખબર ’

‘કોઈ પણ પરિણીતાના જીવનમાં એના પતિની પરવાનગી સિવાય પગ મૂકતા શરમ ન આવે… આશુતોષ અમેરિકા થઈને આવ્યો એટલે એની તોરીમાં ફરે છે કેમ ? ’ ‘હશે… શર્વુ. – હવે તો આપણે મેચ્યોર્ડ કહેવાઈએ ને? અને મિત્રો હોવાના નાતે આવે પણ ખરો…’

‘આવે છે મારી બલારાત… અરે મારી પાછળ પડ્યો હતો… શાનો મિત્ર? ’

‘તેં સારી રીતે ટ્રીટ નથી કર્યો તેથી… નેચરલી હવે નહીં આવે…’ 

‘હવે આવશે તો ટાંટિયો ભાંગી નાખીશ…’

એ ઝનૂની તો છે જ. એના મનમાં આવે એટલું જ કરે છે… સારાનરસાનું ભાન નહીં અને પકડ્યું તે મૂકે નહીં તેવી મનોવૃત્તિ. ખરેખર હવે આશુતોષ આવે તો ટાંટિયો પણ ભાંગી નાખે… એની ઑફિસમાં એક દિવસ હર્ષદ વાંકોચૂકો થયો હશે… સીધો કરી નાખ્યો… ઇસ્ત્રી ફેરવીને…

બન્યું હતું એવું કે કાંટાવાલાના ડેઈઝી સાથેના અનૈતિક સંબંધોના સંદર્ભમાં મિસિસ બુચનું નામ પણ હર્ષદ સાથે જોડાયેલું… હર્ષદ એટલે પેલા વાયડા મિનિસ્ટર જયંતિલાલનો નાનો ભાઈ, એમની ફર્મમાં જ જોબ એટલે વારે વારે પોલિટિકલ પ્રેશરથી મોટો ઑર્ડર મળે. એને એમ કે આ ઑફિસનું બીજું ગુલાબ મિસિસ બુચ …ચાલો મેળવી લઈએ… અને એ દિવસે ભરી ઑફિસમાંથી શર્વુને હોટલમાં લઈ ગયો. મિસ્ટર ભીમને લેવાની ના પાડી. શર્વરી હોટેલમાં ગઈ… અને ત્યાં જઈને જડી દીધી એક રસીદ એના ગાલ ઉપર તે દિવસથી એને કોઈ છંછેડતું નથી.

 તે દિવસે એને ખિસકોલી કહેનારા બધાની બોબડી બંધ થઈ ગઈ. ખિસકોલીમાંથી એનું નામ ક્વીન કોબ્રા પડ્યું… પણ મારી સાથે એ છંછેડાતી નથી. કદાચ… એ સમજે છે… મને એની જરૂર છે… અથવા એને મારી જરૂર છે. રોજ સવારે પેલું વિમાન ઉડતુ ઉડતું મારા આકાશની અટારીએ આવીને ઘુઘવે છે સાથે પેલું ઉડતું ચકલીનું બચ્ચું પણ એ જ આકાશની અટારીમાં એની કપાઈ ગયેલી મા નું ફરફરતું પીંછું શોધે છે… મારી આકાશની અટારીમાંનો એક ખૂણો એટલે અગાસીનો છેવાડો… જ્યાંથી હું રોજ ઉત્તર – પૂર્વ – પશ્ચિમ – દક્ષિણ દિશાઓમાં નજર મીંચીને શ્વાસ લઉં છું મારા શ્વાસમાં મુંબઈનો કલુષિત પવન… ટાઈગર બસનો ખડખડાટ… ટેક્ષી ને હોર્ન… લીફ્ટમેનની ઘંટડીઓ અને દરિયાનો ઘુઘવાટ મહેક્યા છે. 

રોજ સાંજે સાત વાગે એટલે ચોપાટીની માદક હવાઓ અને ટીફીનવાળાનાં ખડખડાટને ભરતી ઈલેક્ટ્રીક ટ્રેનો બોરીવલી વિરાર તરફ ભાગતી હોય છે. હું પણ આ ટ્રેનોને લઈને માનસિક રીતે ભાગું છું. કદીક બોરીવલીના અમારા ફ્લેટમાં હું સૂતો હોઉં પણ મને ટ્રેનની ચીસો… ખડખડાટ… અને સીસ્ટમૅટિક રીતે હલતી લયબદ્ધ ગતિનો ભાસ થતો રહે છે.

મિસ્ટર ભીમ વિશે કશું કહેવું નથી. એ મારું દુખતું ગુમડું છે. અને સ્થૂળકાય સજ્જન શર્વરીના ગોડફાધર છે. શર્વરી અને મારા સંબંધો ૧૫ વર્ષથી ટક્યા છે – તેનો જશ એમને જાય છે. આમ તો એમના પત્ની – એમના સંતાનો … એમનું ઘર એ બધું જ છે. પણ પરંતુ એમને એક મન:સંતાન શર્વરી છે. એ કહે તો પંદર દિવસ સુધી પાણી ન પીએ – અને એ કહે તો મારા જેવા અડબંગ જોડે ૧૫ વર્ષ સુધી ટકી શકે…એ ગોડફાધરને કયા પ્રસંગથી શર્વરી જચી ગઈ હતી એ એક પ્રશ્ન છે?  એના ઘરનાં વિરોધને દબાવી દઈને શર્વરી એ ઘરની છોકરી બની શકી છે – કેવી રીતે ખબર નથી…

પરંતુ ત્યાર પછીની વાત કરવા જેવી નથી…મિસ્ટર ભીમ આમેય દરેક જગ્યાએ ભીમ સાબિત થાય છે. તેમણે મને શર્વરી આપી – કન્યાદાન કર્યું – ખૂબ થયું… પછી પણ અમારા દામ્પત્યજીવનમાં બાપ ન કરે તે હદ સુધી ડોકાયા કર્યા… નોકરી છૂટી… એમના કારણે. બીજી મળી એમના કારણે… ફરી છોડી મારી જાતે… ફરી મેળવી મારી જાતે જ … જે છોડાવવા ભયંકર પ્રયત્નો થયા… ના ફાવ્યા… એટલે બીજો એટેક આવ્યો… ફ્લૅટ અપાવ્યો… obediant  છોકરી ચાલી ગઈ રહેવા… અને સમજું હું… ક્યાં કેવી રીતે ભોળવાઈ ગયો… ખબર જ ન પડી… આમેય મુંબઈમાં ઓટલો મોટું આશ્વાસન છે… એ opprtunist બની ગયો… અને પછી બધું સાંભળવા મળ્યું કે…જવા દો ને… નથી કહેવું. પણ તે દિવસથી મને ખબર પડી ગઈ હતી કે શર્વરી સંતાનોની બાબતમાં કેમ  એબોર્શનનો વધારે આશરો લે છે. She is taking pills regularly..Can’t help.. 

જે દિવસે હું એ હકીકત જાણી ગયો તે દિવસથી શર્વરી મૌન બની ગઈ છે.એના ઝનૂનને આ નબળી કડી પાસે ઝટકાવી દઉં છું. પણ મને ખબર બહુ મોડી પડીને. અને જ્યારે ખબર પડી ત્યારે મને એની આદત પડી ગઈ હતી… એવી આદત કે ફાંસીએ ચડતો કેદી મુક્તિને ઝંખે તેવી તીવ્ર. આ આદતનો નશો કદીક મને ગરબડ કરાવી દેતો હતો. આમ મારી જાતને હું બહુ લાડ ન કરતો. પણ આદત બન્યા પછી હું ઑર્ડર કરતો થઈ ગયો. મહત્તમ રીતે હું રુઆબ જમાવવા જાઉં તો ખરો… પણ મને આદત પડી ગઈ એટલે – એ ક્યારેક અકડાઈ જાય – અને એ અકડાય એટલે મારામાંનો મગરમચ્છ નસકોરા ફુલાવી ફુલાવીને પૂંછડી જોર જોરથી પછાડે… ખેર જ્યારે  વાત ખતમ થાય ત્યારે મહદ્ અંશે – એણે મને પટાવી લીધો હોય – કાં – ગુસ્સામાં હું કલાકો સુધી અગાસી ઉપર એના મનામણાંની ખેવના કરતો કલાકો ના કલાકો મારા સુખ દુ:ખને ચાવતો હોઉં.

આખરે થાકીને સૂઈ જાઉં – મારી આંખ મીંચાઈ જાય… ત્યાં સુધીમાં તો સવાર પડી જાય … અને કશું જ ન બન્યું હોય તેમ એ  બેડ ટી લઈને આવી જાય… ખેર શું કહેવું – શું કરવું કશું જ બોલ્યા વિના મારામાંનો મગર ચા પી લે. ખાલી પૂંછડું ભોંય પર પટકે. અને એની ૮.૪૦ની લોકલનો ટાઈમ સાચવવા મને પીડતા એકાંતમાં છોડીને એ જતી રહે. 

અને ત્યાર પછીની પીડાની વાત જ શું કરું? બેકારી… ગુમાન… લાચારી… નિષ્ફળતા… એક પછી એક દુઃખદ રંગોનું સપ્તધનુષ્ય જોર જોરથી ફરવા માંડે અને એ બધા રંગોનું મિશ્રણ … એટલે કે સફેદ રંગ જોર જોરથી મારા મનને થપેડા માર્યા કરે… અને એ સફેદ રંગ એટલે… હોય… નિલય આમ જ હોય… ચાલ્યા કરે સંસાર છે, ચાલ્યા કરે…  

નાનો હતો ત્યારથી સાત જાળી –  ચૌદ જાળી – નવ્વાણું જાળે … અને એવી કંઈ કેટલીય ભમરડાની રમતમાં હું  ‘ઢ’  હતો. સાત જાળી એટલે એક જણ ભમરડો પોતાના હાથમાંથી છોડે અને બીજો સામેથી ઝીલી લે… આ રમતમાં છોડવાની મઝા આવતી…

પણ સામેનો માણસ કેવી રીતે ઝીલી લે છે એ જોવાની મજા તો કંઈ ઓર જ હતી કોઈક વાર કોઈક વખત ભમરડો છૂટી જાય અને કોઈક વખત જતો રહે… બંને તબક્કામાંય મઝા તો આવતી જ… પણ હવેની રમતમાં એ દર વખતે જાળી છોડી ભમરડો મારા હાથમાં મૂકીને જતી રહે છે. જોવા પણ નથી રોકાતી કે એના ‘ભીથ્થુ’એ ભમરડો મેળવ્યો કે છોડી દીધો… એની નોંધ સુદ્ધાં નથી લેતી…

ખેર, … હું રોજ એ ભમરડો ઝીલું છું… છોડું છું… જમીન પર મૂકું છું… અને એ ફરતો બંધ થાય ત્યાં સુધી તેને માણું છું… એની ૮.૪૦ની વ્હિસલ હું સાંભળું છું. ખડખડ… ખડખડ ટ્રેન જતી રહે છે. અને ભમરડો ફરી હાથમાં લઉં છું… ફેરવવાની ઇચ્છા થાય છે. ભમરડાને હાથમાં લઈ તો લીધો છે જાળ જમણેથી ફેરવવી કે ડાબેથીની દ્વિધા થાય છે. છાપું જોઉં છું… મૂકી દઉં છું. બંને રીતે જાળ વીંટી ભમરડો છોડવાની કોશિશ કરું છું. ભમરડો સહેજ ફરીને છૂટી જાય છે. જાળ ક્યારેક ટોપો બનીને હાથમાં આવી જાય છે.

છાપું ખોલીને વૉન્ટેડ કૉલમમાં આઘોપાછો થાઉં છું. અરજી કરું છું… મહદ્ અંશે નિષ્ફળ નીવડતા ભમરડાને ફેરવવાના પ્રયત્નોની જેમ જ. . apply..apply but no reply માં પાછો પડું છું.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ 4

તે દિવસે પોસ્ટમાં એક પત્ર આવ્યો. રાજીવ મહેતાનો હતો. બેંગ્લોર બોલાવ્યો હતો, શા માટે? કશું જ નહી. તારો પ્રૉબ્લેમ સોલ્વ કરવો છે . આવી જા દોસ્ત – જેવા ટૂંકા ચાર અક્ષરોના પાંચ વાક્યોમાં એણે પત્ર પૂરો કરી દીધો હતો.

રાજીવ… સ્કૂલનો પ્રતિસ્પર્ધી – શ્યામલીનો ત્રિકોણ… જો કે છેલ્લે એ ત્રિકોણ ખૂલી ગયો હતો… મારી જેમ એ પણ તરછોડાઈ ગયો… જાણે કેટલો બધો ગાળો વીતી ગયો. બોમ્બેથી ૨૦૦ કિ.મી. દૂર બેલગાંવની હોસ્ટેલમાં સાથે લડતા … ઝગડતા… શરાબનો કટ્ટર દુશ્મન રાજીવ…તે દિવસે હું ધમ્મ દઈને પછડાયો… જો કે તે એકલો જ હતો… રૂમ આખો શરાબની બદબૂથી તરબતર હતો મને કોઈપણ પ્રકારનો હોશ ન હતો. લવારી ચાલુ હતી… અને લવારીમાં એટલી જ ખબર હતી કે રાજીવને દારુ પસંદ નથી… અને તેથી આંતરીક નિલય બબડતો હતો… રાજીવ દોસ્ત..!  માફ કર, માફ કર… ચઢી ગઈ છે… અને રાજીવ – નિલયના ઘુમ્મ ચહેરાને જોતો રહ્યો હતો. નાક દાબીને  ધૂપસળીઓ સળગાવીને બેસી રહ્યો.

બીજા દિવસે રાજીવે ન વાત કરી કે ન કોઈ પ્રકારનો ગુસ્સો કર્યો. નિલય તેથી વધુ ગિલ્ટ અનુભવતો હતો. એનાથીયે વધુ એને એમ થતું હતું કે રાજીવ શ્યામલીને વાત કરશે… શ્યામલીને પામવાના એના પ્રયત્નોમાં આ પ્રસંગ વિઘ્નરૂપ બનશે અને રાજીવ એનો મહત્તમ લાભ ઉઠાવશે. તેથી અકળાઈને તે બોલ્યો – ‘રાજીવ – આમ મૌન રહેવાને બદલે ઓકી નાખ તારો ગુસ્સો યાર !’ રાજીવ ન બોલ્યો, ન હસ્યો,  ન વાત કરી. સાંજે વાત વાતમાં તે બોલ્યો – ‘નિલય, તુ નશામાં હતો છતાં તારું અંતરમન મારી માફી માગતું હતું. તારા બડબડાટમાં મારા પ્રત્યે તારાથી થઈ ગયેલી ભૂલનો અહેસાસ હતો. પછી તારા પર શું ગુસ્સો કરવાનો યાર, એ વસ્તુ પ્રત્યે મારી ઘૃણા આ જ કારણે છે.તારી એક ગેરસમજ દૂર કરવાનો આ જ સમય છે. તેથી આ વાત કરું છું – તું મને તારો પ્રતિસ્પર્ધી માને છે . તે શ્યામલી ને  માટે હું અને તું બંને એક સામાન્ય મિત્રોથી વધુ કાંઈ જ નથી, હું તો આ વાત ઘણા સમય પહેલા પામી ગયો હતો પરંતુ તને આ વાત હું કેવી રીતે કહું? કદાચ તું એને મારી ચાલ સમજે.’

નિલય આ વાત મન પર ન ગણકારી અને કહ્યું – ‘છોડ શ્યામલીની વાત . પણ તું મારાથી ગુસ્સે છે?’

‘ના અને હા…’

‘એટલે શું? ’  નિલય બોલ્યો.

‘ખાસ કંઈ નહીં. તું મનથી માફી માગતો હોય તો ગુસ્સે નથી. પરંતુ શ્યામલીને વાત હું કહીશ અને એ ભયથી અકારણ ગુસ્સે થતો હોય તો હા, – કારણ કે આ ભય તારો અસ્થાને છે.’

‘રાજીવ, જો હું ખૂબ જ possessive છું અને મનથી એવું માનું છું કે શ્યામલી મારી છે અને એ તારી સાથે વાત કરે તે વાત મારાથી સહન થતી નથી – અને શ્યામલીએ ખુદ કહ્યું હતું ‘તું નિલય,’ સ્પોર્ટી નથી – રાજીવ તારા કરતા સારો મિત્ર છે તેથી જ તો તારી દરેક વાતમાં મને પૉલિટિક્સ ગંધાય છે…!’

રાજીવ મૌન હતો એ નિલયની સામે જોઇ રહ્યો. એની નજર નિલયથી જીરવાય તેવી  નહોતી. નિલયને મનમાં ઊંડે ઊંડે ઉંડે રાજીવની ઈર્ષ્યા થતી હતી – રાજીવ નિખાલસ અને સ્પષ્ટવક્તા હતો તે વાત શ્યામલીને જચતી હતી – પરંતુ નિલયને તેમાં politics ગંધાતુ હતું… પછીની વાત તો બહુ જ ટૂંકી હતી. કૉલેજના છેલ્લા વર્ષમાં જ શ્યામલી તેની જ્ઞાતિના છોકરા સાથે વિવાહ બંધનમાં ગોઠવાઈ ગઈ. નિલયે એને ફોન ઉપર અભિનંદન આપ્યા ત્યારે શ્યામલી ટૂંકું ને ટચ થૅંક યૂ કહીને પતાવવા જતી હતી ત્યાં રાજીવે ફોન હાથમાં લીધો – ‘શ્યામલી – this is not fair , તારા મિસ્ટરની ઓળખાણ તો કરાવ.’ શ્યામલીનો શ્રીમાન ભૂપત ઝવેરી કાપડ બજારની એક મોટી હસ્તી હતી. રાજીવે ફોન પર જ પૂછ્યું – ‘ભૂપતભાઈ, તમે વિનયમંદિરમાં ભણ્યા હતા ને?

‘હા’    
‘અચ્છા તમારી સાથે રાજીવ મહેતા કરીને ધમાલિયો દીપ્તિને છેડતો દિવાનો છોકરો હતો?’   
‘હા, પણ તમે એને કેવી રીતે ઓળખો? ’        
‘હું એ જ રાજીવ છું…’ 

રાજીવનો એ મિત્ર હતો. ‘એ નિલય… શ્યામલી એક જિંદાદિલને પરણે છે… ખેર… ખુશ થા. સાંજે આપણે મળીએ છીએ.’

‘આ દીપ્તિ કોણ છે?’ નિલયે પૂછ્યું.

‘દીપ્તિ…. !’

એ ભૂતકાળમાં ગરકતો જતો હતો  બે પાંચ ક્ષણ પછી બોલ્યો – ‘નિલય, શ્યામલીને તું કેટલું ચાહે છે?’

‘કેમ? એ મને મળી હોત તો હું ધન્ય થાત.’

‘દીપ્તિ અને શ્યામલી – એક સિક્કાની બે બાજુ જ સમજને… કોઈક કારણોસર હું એને ન પામી શક્યો. શ્યામલીમાં મને દીપ્તિ દેખાતી હતી. તેથી જ તો અમે મિત્રો બન્યા હતા. શ્યામલી માટે હું મિત્ર જ હતો, તેથી વધુ કાંઈ નહીં. પરંતુ તું આ ઘટનાને ગંભીર રીતે લે છે એ જ્યારથી શ્યામલી જાણી ગઈ ત્યારથી તને ચીડવવા જણી જોઈને મારા તારી પાસે વખાણ કરતી – An innoscent tease..thats all, now be sporty and let’s go in her engagement party.’   

ત્યાર પછી એના લગ્ન… અને નિલય રહી ગયો… ભણતરના કળણમાં… અને રાજીવ બેંગ્લોર પહોંચી ગયો.

છાપાની વૉન્ટેડમાં ફરી એક વાર ડોકિયું કરીને નિલય વાસ્તવિકતાની જિંદગીમાં આવી ગયો.

શર્વરી સાંજે આવી ત્યારે નિલય બહાર ગયો હતો. રાજીવ મહેતાનો કાગળ તેણે વાંચ્યો. એના ચહેરા પર આનંદની એક લહેર દોડી ગઈ. રાજીવનો પરિચય તો હતો જ. બેંગ્લોર કંઈક devlop થશે તો હાલની તંગ પરિસ્થિતિમાં થોડી રાહત થશે એમ વિચારીને એ ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ. બેલ વાગ્યો. નિલય આવી ગયો હતો. ન્હાઈને એ બહાર આવી ત્યારે રસોડામાંથી ગરમ ચાની સોડમ આવી રહી હતી.

શર્વરીની આ સુખની ક્ષણ હતી – કે જિંદગી જીવવી જ હોય તો આજમાં રહીને જીવવી જોઇએ. આજ એટલે – હમણાં વહેતી દરેકે દરેક ક્ષણ – ગઈકાલ અને આવતીકાલની વચ્ચે – જે હાથમાં છે તે આજમાં જીવવું જોઇએ – તેથી તો તે નિલયની જેમ હતાશ કે નિરાશ થતી નહીં. ગઈકાલે તે દુ:ખી હતી પરંતુ તે આજમાં દુ:ખનું પોટલું લઈને આવતી નહીં. આજ એ આજ છે. તેને કાલ સાથે શું સંબંધ.

અને એથી જ ચાની સોડમ એના મગજને તરબતર કરી ગઈ.

ચા ગાળતા નિલયને પાછળથી જઈને ભેટી પડી. અચાનક આ રીતે શર્વરીને આવેલી જોઇ નિલય એકદમ ચમકી ગયો. થોડીક ચા ઢોળાઈ પણ… પછી સમજનું સ્મિત તેના હોઠ પર ઉપર રમી ગયું અને બોલ્યો.

‘કેમ શર્વુ, આજે બહુ આનંદમાં છે? ’   
‘રાજીવભાઈનો કાગળ આવ્યો છે?’  
‘હા, પણ બેંગ્લોર આપણાથી જવાશે? અને પાછો મારો ગોડફાધર હોય એમ તારો પ્રૉબ્લેમ સૉલ્વ કરવો છે તેમ લખે છે.’
‘બસ, હવે આગળના શબ્દો મારે નથી સાંભળવા.’

‘શર્વુ ! ચાની સાથે કંઈક ગરમ ગરમ બનાવશે?’

‘શું ?’

‘તારી ફેવરિટ ઉપમા.’

‘ભલે પણ પહેલા ચા પી લઈએ.’

‘શર્વુ – હેં બેંગ્લોર તને ફાવશે?’

‘કેમ? એમ પૂછે છે ? નિલુ – જો તને એમ લાગે કે ત્યાં આપણે સ્થિર થઈ શકીશું તો transfer માંગી લઈશ.’

‘ઉફ્! ત્યાં પણ તમારી branch છે?’

‘હા’

‘please no more jobs!, મારા નાના junior ને mom જોઇએ ને?’

‘છોડ એ વાત ! હજી તો ભેંસ ભાગોળે છે અને આપણે ધમાધમ કરીએ છીએ. બેંગ્લોર ક્યારે જાય છે?’

‘પરમ દિવસે, આજે તાર કરી દીધો છે.’

‘બોલ ઉપમામાં શું નાંખું?’

‘તારા હેતનું ઘી અને વહાલનો વઘાર…’

‘અરે કવિ જેવું બોલે છે ને તું તો?’

‘તું આનંદમાં હોય એટલે હું કમળની જેમ ખીલી જાઉં’    

‘જુઠ્ઠો’

‘શર્વુ – કેવું વિચિત્ર આપણું મન છે નહીં?’

‘કેમ અઠવાડિયા પહેલા બે છેડા હતા અને આજે એક બિંદુ !’

‘તું ઘણી વખત કહે છે ને કે – મને તું કેમ સહે છે? એનું કારણ આ જ છે. તું જ્યારે છેડા ઉપર હોય છે ત્યારે બિંદુ બનવાનું જ છે – અને એ મિલન – એ બિંદુ હોવાનું એકાકારપણું મારી જિંદગીની શ્રેષ્ઠ ક્ષણો હોય છે. આ ક્ષણોને સહારે કડવીમાં કડવી તારી વાતો સહી લઉં છું – નિલુ’

‘જો, મને ન ગમતું તું કરે છે તેથી હું ગુસ્સે થાઉં છું – એવું તું ન કરતી હોય તો? ’

‘નિલુ, ક્યારેક તું એકદમ નાના બાળકો જેવું વર્તન કરતો હોય છે. તને ના પાડી હોય તે કામ તું ચાહીને કરે  ત્યારે હું તને ન ગમતું ન કહું તો બીજું શું કરું?’

‘એવું હું શું કરું છું?’

‘કેમ હમણાં જ બોલ્યો ને “no jobs for junior“ પણ એ વિચાર્યું કે where is junior? અને આ ફ્લૅટની લોન મારી જોબ ન હોય તો તરત ભરવી પડે તે વાત પણ તારા ધ્યાનમાં ન આવી.’

નિલય એકદમ સ્તબ્ધ થઈ ગયો.

‘શર્વુ – where is junior એટલે? અને કેસ મને જીતવા દે – આ લોન તો એક જ ઝાટકે ઉડાડી દઈશ શું ?’

‘નિલુ – પાછો ભવિષ્યકાળમાં તું દોડવા માંડ્યો… હજી મને ટાઈમ તો મીસ થવા દે તે પહેલા તું તો બાપના સ્વપ્ના સેવવા માંડ્યો… અને એક વાત નિશ્ચિત માની લે કે મને તું જે ક્ષણે સ્થિર થયેલો દેખાશે તે જ ક્ષણે હું નોકરી છોડી દઈશ મને ક્યાં નોકરી ગમે છે? પણ… મજબૂરી છે ’

‘પપ્પાને ના કહેવાતી ન હોય તો હું ના પાડી દઈશ. એવા બની બેઠેલા ગોડફાધરોથી હું ગભરાતો નથી.’

નિલયની અંદર પેલો અજગર જાગવા માંડ્યો હતો – લોહી સિવાયના કોઈપણ સંબંધોને તે સ્વાર્થહીન હોય તેમ તે માનવા તૈયાર ન હતો. શર્વરી એના મનને પારખીને બોલી.

‘નિલુ, હેતના ઘીમાં વહાલથી વઘારેલી ઉપમા તૈયાર છે.’

પેલો અજગર સળવળ થવા મથતો હતો અને અચાનક ચારે બાજુથી ભાલા ઊગી નીકળે અને સળવળાટને જડબેસલાક રીતે રોકી નાખવો પડે અને જે વેદના થાય તે વેદના – એણે ભોગવી – પણ તરત સામાન્ય થઈને નિલય બોલ્યો.

….बा मुलाहिजा- अपने गुसलखाने की ओर पधार रहे है।

શર્વરી મલકી પડી. અને ના માનતું છોકરું અચાનક પોતાની વાતનો યોગ્ય રીતે પ્રતિભાવ આપતું જોઈને માતાને જે હાશ થાય તે હાશ અનુભવતી તે બે ડિશ લઈ ડાઈનીંગ ટેબલ તરફ વળી.

ઉદયન એક્સપ્રેસ દાદરનું પ્લેટફૉર્મ છોડ્યું ત્યારે નિલય વિચારતો હતો કેવી અર્થહીન જિંદગી છે… એની. શું કરવા ધારતો હતો અને શું બની ગયો… મલ્ટીનેશનલ કંપનીમાં તે સરળતાથી ઘુસી તો ગયો… પણ Over sincerity અને honesty એનું દૂષણ બની ગયા હતા.

શેવડે એનો ઉપરી હતો. ગુરુ હતો. એ કહેતો – મિ. બુચ – तुम आदमी अच्छा हो..लेकिन practical नही हो इस लिये हमे कभी कभि आपको recommand करनेमे डर सा ल्गता है।     

એ માનતા કે કંપની પગાર આપીને વધુ રકમ તમારી ટેક્ષમાં ન કપાય તે હેતુથી T.A., D.A. અને insentive આપે છે. પણ નિલય જે ખર્ચ થતો તે જ લખતો… અને લેતો. અને આ વાત વર્ષને અંતે બધા સેલ્સ એક્ઝિક્યુટિવમાં ચર્ચાનું પાત્ર બની ગઈ હતી. કારણ કે બીજા બધાની સરખામણીમાં ખર્ચ ઓછો અને કામ વધુ. region level પર highest performance, All over indiaમાં best probable sales figure  અને distributersના openionમાં સર્વશ્રેષ્ઠ રહેતો નિલય એના colleagues અને juniorsમાં ચર્ચાનું સ્થાન બની ગયો હતો.

શેવડેની ઉપર મિ. વીયેરા – અને છેલ્લે રીચાર્ડસન ડેવિડ પણ એના કામથી પ્રભાવિત હતા. – Sales conferance મા  હંમેશા નિલય બુચ is genious  કહીને વખાણતા.

વીયેરાનો કઝીન ખંભાતા આ વાતોને સાંભળતો … મૂછમાં હસતો અને બોલતો પણ ખરો – નવો નવો મુલ્લો છે નવ વખત નમાઝ પઢશે. પઢવા દો. લાગ આવશે ત્યારે એ પણ ચુકવાનો નથી – બહુ  જ ઊંચી ચીજ છે મિ. બુચ.

ટ્રેન થાણે પહોંચી હશે ત્યાં નિલયની તંદ્રા તૂટી. મહારાષ્ટ્રની ધરતી પર દૂર દૂર સુધી સૂકું ઘાસ વેરાયેલું પડ્યું હતું. અને એ ઘાસ ઉપર સૂરજનો તડકો એમાં રહેલી પીળાશને રાતો પીળો રંગ આપી આવનારા સૂકારાને ઝગમગાવતી હતી. થાણાની બહાર પણ બહુમાળી મકાનો અને નીચે દુકાનોમાં ચહલપહલ થતી હતી જાણે મુંબઈ મહાનગર હજી આગળ વધવા ન મથતું હોય?… પેલા વિશાળ સમુદ્રની દરેક લહર આગળ આવી આખીને પાછી વળી જાય તેમ વિકસતા આ મહાનગરની હરેક દિશા વિસ્તરવા વધુને વધુ મથતી હતી

બાજુમાં બેઠેલ એક કાકાને માથે સફેદ ટોપી અને ગુજરાતી પહેરણમાં ચમકતા સોનાના લાલ દોરીથી બંધાયેલા બટનનો ઝળહળાટ પેલા ઘાસના ઝબકાર જેવા લાગતા નિલય મૂછમાં  હસ્યો. એના હાસ્યને જોઈ કાકાની બાજુમાં બાનુ મોં ફેરવી ગયા … નિલયને ફરીથી હસવું આવી ગયું… કાગનું બેસવું અને ડાળનું પડવું જેવું થયું… પેલા બહેન સમજ્યા કે નિલય એમની સામે જોઈને હસ્યો…

ઉપર પંખો હતો. સ્વિચ ચાલુ કરવા છતાં ચાલુ ન થયો. ઉપર બેઠેલા ભાઈને વિનંતી કરી કે જરા ચાલુ કરો ને – ત્યારે એમણે પંખાને જોરથી ઠપકાર્યો. ચાલુ ન થયો. પેલા ભાઈએ રેલ્વેતંત્ર  – અને એ તંત્ર ચલાવતા મિનિસ્ટરને શુદ્ધ મરાઠીમાં ગાળ દીધી અને બૂટ જોરથી ઠપકારવા  જતા હતા ત્યાં નિલયે ગજવામાંથી કાંસકો કાઢીને જરા પંખાને તેની જાળીમાંથી હલાવ્યો… તો પંખો સડસડાટ ચાલવા માંડ્યો… પેલા ભાઈ મોં ફેરવીને સૂઈ ગયા…

નિલય શાંત મનથી વિચારતો હતો – આવી ટાઢક જો તે દિવસે ખંભાતા સાથેની ચર્ચામાં રાખી હોત તો આવી કઠણાઈ વેઠવાનો વારો ન આવ્યો હોત… પણ ખેર… થવા કાળ થનાર જે હતું તે થઈ ગયું… હવે એનો પસ્તાવો કરવાથી શું વળે?

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ 5

ખંભાતાભાઈ, આપની સલાહ મને ગમે તેવી નથી. પરંતુ હું ધ્યાન રાખીશ. ખેર ! એક વાત તમને કહું! હું મહેનત કરું છું અને મને જોઇતું વળતર મને કંપની આપે છે તેથી મારે મારા આત્માના અવાજને અનુસરીને ચાલવું જોઇએ તેવું હું માનું છું.

’ગાંધીજી આમ જ કહેતા હતા અને એને ગોડસે મળ્યો હતો – એ ખ્યાલ છે ને?’ 

‘હા, પણ એ પોતડીધારીએ જ આપણને બ્રિટનની હકૂમતમાંથી છોડાવ્યા છે તે પણ તમને ખ્યાલ જ હશે.’

‘તમને ખબર છે તમે શું કરો છો?’

‘હા.’

‘ખેર – હવે તમે જાતે જ કૂવામાં પડવા ઇચ્છતા હો તો અમે શું કરી શકવાના? ’

પછી તે જ થયું જે થવાનું હતું. નિલય બુચને પ્રમોશન થયું. એરીયા મેનેજરની સ્કીમ આવી – સખત મહેનત કરી – ત્રણ ગણું કામ કર્યું – હવે પછી આવનારા મહિનાઓ માટે જરૂરી સ્ટોક ભરાઈ ગયો હતો તેથી પછીના મહિનાઓમાં નવા ઑર્ડરો ઘટ્યા અને વીયેરા એને ખખડાવતા કહેતો – ‘Yes Mr. Buch You should feel ashamed of your performance! don’t you understand that you have not acheived your qwn selling target of last month…that is not fair we have not expacted that. Your pramotion willdeteriorate due to this Mr. Buch.…’ 

નિલયની અંદર રહેલો સ્વાભિમાનનો વાઘ આ વાતને વિદ્રોહી રૂપે વખોડે છે. એમની તડતડ બહારની ઑફિસમાં સંભળાય છે. 

વિયેરા કહે છે – ‘મિ. બુચ its not possible’ – નિલય બરાડે છે – ‘It is only possible- you do not want to make it possible so this matter will go to thw court…’ 

બારણું પછડાય છે … ધમ… ધમ… જેવા ભારે અવાજોથી ઑફિસ ધ્રુજે છે. 

ખંભાતા દયામણા ભાવથી તેની પાછળ ઊડતી હાસ્યની ઘુમરીઓને જોઇ રહે છે.

નવો નવો છે ને તેથી લોહી ગરમ છે. sorry sir, I will try my best… કહીને વાતને ટાઢી પાડવાને બદલે… matter will go to the court ના પડઘા ફક્ત એટલું જ કહે છે… નિલય  નિલય… તારે માટે હજી વધુ કફોડી પરિસ્થિતિ રાહ જુએ છે… સુધર નહીં તો આ લોકો તને સુધારીને રાઈ રાઈ જેવા નાના કટકા કરીને ક્યાંય ઉડાડી દેશે…અને તારું કુટુંબ તકલીફમાં મુકાઈ  જશે.

ટ્રેઇન સડસડાટ બોગદામાંથી પસાર થઈ રહી હતી – અંધારું એકાદ ક્ષણ રહ્યું ના રહ્યું ત્યાં બોગદું પસાર થઈ ગયું…

મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહને છેદતો જેમ આગળ વધતો હતો તેમ માતા દ્રૌપદીનો ઉચાટ વધતો જતો હતો. અને કંઈક એના જેવી જ વ્યથા શર્વરી વેઠતી હતી. નિલયના સિદ્ધાંતો એને ગમતા હતા. નિલય આખો તેને ગમતો હતો – પણ ઘરની બહાર નિલય માટે થતી વાતો – નિલયની નિષ્ફળતાઓની ચર્ચાઓ અને એની અસ્થિર મનોદશા તેને કોરતી હતી.

તેને નાનકડો નિલય જોઇતો નહોતો એવું નહોતું. પણ એ નાનકડા નિલયને કોઈજ દુ:ખ ન પડે તે માટેની સંપૂર્ણ તૈયારી કરી લેવા માગતી હતી. – તેનું નાનકડું ઘર, નાનકડો રૂમ, નાનકડી ઢીંગલી, નાનકડી બાઈસિકલ, નાનકડું દફતર… નાના કપડાં, નાની દુધની બોટલ ગમે તેવી માઠી પરિસ્થિતિમાં પણ તે માંગે પાણી અને મળે દુધ તેવી પરિસ્થિતિ તે સર્જવા માગતી હતી… પણ નિલયના સંઘર્ષો તેને તેની નાની દુનિયા સર્જવા દેતા નહોતા…

સ્થૂળકાય બનારસીદાસ જેને નિલય ભીમ કહેતો – તે શર્વરીના જીવનમાં બહુ જ વિચિત્ર રીતે આવ્યા હતા… મુંબઈ આવેલી શર્વરી તે વખતે કૉલેજના પહેલા વર્ષમાં હતી. ડીબેટ સ્પર્ધામાં બનારસીદાસ નિર્ણાયક કમિટીના સભ્ય હતા. વિષય હતો જીવો અને જીવવા દો. એક પછી એક સભ્ય પોતાનું વક્તવ્ય રજૂ કરતા હતા – કોઈક તરફેણમાં તો કોઈક વિરુદ્ધમાં.

શર્વરીનો વિષય તરફેણમાં આવ્યો હતો. એણે એનું વક્તવ્ય શરુ કર્યું ‘સંસારનો નિયમ છે જીવો અને જીવવા દો’. ત્યાં લોકોએ પ્રતિપાદન કર્યું ‘સંસારનો નિયમ છે માઈટ ઇઝ રાઈટ. જે બળવાન છે તે જ ટકે છે. નબળાને જીવવાનો અધિકાર નથી.’  

શર્વરીએ પ્રતિચર્ચાનો દોર સંભાળતા ઝનૂનપૂર્વક કહ્યું – ડાયનોસોર અને તેના જમાનાના બળવાન પ્રાણીઓ સમયના વિષચક્રમાં ક્યાંય ચગદાઈ ગયા જે બળવાન છે તેણે રક્ષક તરીકે વર્તવાનું છે – રક્ષણના કાર્ય માટે તેને બળ મળ્યું છે. તેનો ઉપયોગ ડાયનોસોર જેવા સરિસૃપોએ ભક્ષણમાં કર્યો અને આજે તેઓ જમીનમાં દબાઈને નામશેષ થઈ ગયા. જીવો અને જીવવા દો વાળી વાત વર્ષો પુરાણી છે. રામાયણ, મહાભારત કે હિતોપદેશ કથાનકોમાં પણ આ જ વાત કહી છે.

જે બળવાન છે તેને સતત બળવાન રહેવું પડે છે. અને તે દોડમાં તેને કોઈ હંફાવી ન જાય તે માટે તે સતત  નવા રસ્તા, નવા દાવપેચ વિચારતો રહે છે, પણ જ્યાં બળ છે ત્યાં હાર કે જીત અવશ્ય છે. જ્યાં બળ નથી, પ્રેમ છે ત્યાં સર્વસમાનતા છે. ભૂખ્યો વાઘ કે સિંહ શિકાર કરશે પણ ભૂખશમન પછી તે કોઈને છંછેડતો નથી, મારતો નથી… તેઓ હિંસક હોવા છતાં જરૂરત કરતા વધુ સંગ્રહતા નથી.

આજના શસ્ત્રદોડનાં વિકટ સમયમાં અણુ મહાસત્તાઓએ આ મુંગા પ્રાણીઓ પાસેથી શીખવું જોઇએ કે બહુ બળવાન બનીને નામશેષ થવા કરતાં – પ્રેમથી એક મેકને સહારે રહી માનવજાતને લાંબો સમય સુધી ટકી શકાય તેવી રીતે જાળવીએ તો વિશ્વ પેલા કવિની દ્રષ્ટિમાં સુંદર વિશ્વરૂપ અખિલ બ્રહ્માંડ બનીને રહે.

સભામાંથી પ્રતિપ્રશ્ન થયો. શું એ શક્ય છે ? શસ્ત્રદોડ પોતાના ઉપર થનાર શક્ય હુમલાના પ્રતિજવાબ કે રક્ષણના રૂપે રખાય છે ત્યાં આ પ્રેમની ક્ષણમાં ઊડી જતી વરાળ જેવી ચોખલી વાતોથી શું વિશ્વ બચી જઈ શકશે?

‘કેમ નહીં? શર્વરી મક્કમતાથી બોલી. આ ભય – કે જે શક્ય હુમલો થશે – કે કરશે – એ ક્યાંથી પેદા થયો છે તે સમજાય છે? આ ભયનું જન્મસ્થાન છે અવિશ્વાસ.’

એક રાષ્ટ્રને બીજા રાષ્ટ્રની નીતિ ઉપર વિશ્વાસ નથી, પોતાના રાષ્ટ્રમાં આંતરિક વિખવાદોને શમાવવા – પ્રજાનું ધ્યાન બીજે દોરવા યુદ્ધનો, અણુશસ્ત્રોનો તથા કલ્પિત ભયોનો સહારો લઈ પોતાની ખુરશી સલામત રાખવા મથે છે. પરંતુ તે ખોટું છે. અને ખોટું કદી ટકતું નથી. ટકે છે એ જે પ્રેમના વિશ્વાસ ઉપર ઊભું છે. જે જરૂરિયાતથી વધારે સંગ્રહ કરતું નથી જે અહિંસાત્મક વલણ અખત્યાર કરી જીવે છે અને જીવવા દે છે.

આ વાત બોલવામાં જેટલી સરળ છે તેટલી અમલમાં મૂકવી સરળ છે ખરી? આ પ્રશ્નનો જવાબ – શર્વરીએ ઘણા જ વિશ્વાસથી આપ્યો – હા. શક્ય છે. ભગવાન મહાવીર, ઈસુ મસીહા તથા ગાંધીજીએ રસ્તો શિખવ્યો છે. વિશ્વાસ પેદા કરવા આપણા વર્તનમાં સહિષ્ણુતા, વાતોમાં વિનમ્રતા અને વલણમાં સ્થિરતા લાવવાની છે. જાસૂસી તંત્રો દ્વારા આ વાત પ્રતિસ્પર્ધી દેશોમાં પહોંચશે. અને ધીમે ધીમે અવિશ્વાસ, ભય અને અસલામતીનો અજંપો ઘટતા મિત્રતા વધશે. અને સૌ સારા વાના થશે.

તાળીઓના ગડગડાટ વચ્ચે શર્વરી ડીબેટમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ.

બનારસીદાસ સાથે શર્વરીની આ પહેલી મુલાકાત એ મનમાં અજંપ તો હતા જ 

એ અજંપાને દૂર કરવાનો તેમને રસ્તો મળી ગયો.

આમ તો શર્વરીએ કશું જ કર્યું નહોતું છતાં અજાણતાં ઘણું કરી બેઠી હતી.

બનારસીદાસના કુટુંબમાં અજંપો હતો જે વાળવા તે બહાર વધુ કમાવા મથતા. છોકરો વયસ્ક હતો – છોકરી સ્કૂલમાં હતી બંને ખોટી સંગતમાં બગડતા હતા – પત્નીના લાડ તેને ગમતા નહોતા. બે પક્ષ પડી ગયા હતા – બનારસીદાસ એકલા અને છોકરા અને પત્નીનો બીજો પક્ષ. વચ્ચે સેતુબંધ જેવા નોકર અને નાનો સાળો હતા. અવિશ્વાસનો અંગાર તેમના ગૃહજીવનને દઝાડતો હતો અને તેથી જ શર્વરીની વાતો તેમને અંગત લાગણીના સ્તરે પણ સ્પર્શી ગઈ. એ માનતા કે સત્તા, પૈસા અને રુઆબના ઓથાર હેઠળ તે ઘરમાં ટકી જશે અને તેથી પૈસાની વધુ ઝંખનામાં તે બહાર મથતા તેના જોરે ઘરમાં મનમાન્યું કરાવવા મથતા પણ પેલા વિશાળ સરીસૃપની જેમ તે દટાતા જતા હતા. આ નૈતિક હાર તેમને ખૂંચતી હતી – તેથી જીતવા વધુ મથતા હતા અને શર્વરી જેમ કહેતી તેમજ…

‘જે બળવાન છે તેને સતત બળવાન રહેવા મથતા રહેવું પડે છે’  અને એ જ બળવાન રહેવાની દોડમાં તેઓ હવે થાક અનુભવતા હતા – શર્વરીના શબ્દોએ તેમને નવી દિશા બતાવી – ‘જ્યાં બળ છે ત્યાં હારજીત અવશ્ય છે. પણ જ્યાં પ્રેમ છે ત્યાં સર્વસમાનતા છે’

એ સત્ય… બનારસીદાસના મનને સ્પર્શી ગયું – અને એ જ કારણ બન્યું ઘણા બધાની તાળીઓના ગડગડાટનું.

બે પાંચ દિવસ પછી શર્વરીના ઘરે બનારસીદાસ મિઠાએનો ટોપલો લઈને ગયા. એની સફળતા બદલ અભિનંદન આપ્યા – અને કહ્યું – ‘શર્વરી ! તારી રાહદોરીથી ગૃહજીવનમાં કાયમ હું જે હારતો તે આજે પામ્યો છું.’ 

કોઈ કૂટપ્રશ્ન ન સમજાતો હોય તે રીતે શર્વરીએ પૂછ્યું – ‘હું સમજી નહીં મુરબ્બી !’

બનારસીદાસ બોલ્યા – ‘પ્રેમથી માણસ જીતાય છે – રુઆબ –  બળ કે પૈસાથી નહીં એવું તું કહેતી હતી ને?’

જવાબમાં શર્વરીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો. અને બનારસીદાસ ગળગળા થઈને બોલ્યા ‘આજે ! લીલા, હીરલ અને રાજુ ત્રણે જણા મારી સાથે જમ્યા – પ્રેમથી હું વર્ત્યો તેથી. મને મારી ભૂલ સમજાઈ હતી. ઑફિસમાં મારી ધાક રહે તે સમજાય છે – કારણ કે તેમને નોકરીની જરૂરીયાત છે. ધંધામાં મારી ધાક રહે – કારણ કે હું સારો અને કિફાયત ભાવે માલ આપું છું તેથી સંબંધો બગડવાનું કોઈને ન પરવડે – પણ ઘરમાં ધાક રાખવાનું શું કારણ? શું પ્રયોજન? એ વાત તારા વક્તવ્ય પછી મને સમજાઈ – અવિશ્વાસ તેનાથી જન્મતો હતો અને હવે એ અવિશ્વાસનું કોઈજ તત્વ મારા વલણમાં ન દેખાતા તેઓ પણ લાગણીથી બોલ્યા.’

શર્વરી નમ્રતાથી બોલી – ‘એ તો ચર્ચા માટેના મારા અભિપ્રાયો હતા – આપના જીવનમાં એનો સારો પ્રભાવ પડ્યો તેનો મને આનંદ છે. ઘરનાં માણસો ઉપર વિશ્વાસ મૂકવાથી તમને કોઈ જ તકલીફ નહીં થાય – તે જ રીતે ઑફિસમાં અને ધંધામાં પણ વિશ્વાસ મુકશો તો શક્ય છે ઘણા હરીફો ઘટે. ખેર – હું બીજી વાતોમાં ચડી ગઈ, શું લેશો, ગરમ? ઠંડુ?’

‘બેટા, તને વાંધો ન હોય તો ચાલ મારી સાથે મારા ઘરે – લીલાને અને મને એક મોટી, ઠરેલ અને સમજુ દીકરી મળશે, રાજુ અને હીરલને મોટી બહેન.’

 ******

બેંગ્લોર રાજીવ લેવા આવ્યો હતો. નિલયને પહેલી જ નજરે ઓળખી ગયો – પ્રેમથી ભેટી પડ્યો – વેલકમ દોસ્ત! આફ્ટર અ લોંગ લોંગ ટાઈમ… નિલય પણ હેતથી ભેટ્યો. ખબરઅંતર પૂછીને બોલ્યો – ક્યાં છે જુનિયર અને બરખાભાભી?

‘ગાડીમાં તારી જોડે જ આવ્યા છે but unfortunately હું તને intimate નહોતો કરી શક્યો. – she is there.’

બરખા –એ જ ટ્રેનમાં બીજા ડબ્બામાં હતી સિલ્કની બારીક ડીઝાઈનોવાળી સાડીમાં ગર્વીલી ચાલે પાછળથી આવતી દેખાઈ. છએક વર્ષનો તેનો બાબો પણ તેની સાથે જ હતો. પૉર્ટર મોંઘી અને મોટી બે સુટકેસ લઈને પાછળ આવતો હતો.

રાજીવને જોઈને એ મલકી – ‘ચિંતુ , જો પપ્પા… ’ ચિંતન – રાજીવની જ કોપી હતો. પપ્પા પપ્પા કરતો તે દોડી આવ્યો અને ભેટી પડ્યો. રાજીવના ગજવામાંથી મોંઘી ચોકલેટ લઈને ઓર ખુશ થઈ ગયો.

  ‘બરખા – આ નિલય બુચ – my friend – room partner’, ‘ નિલય – આ બરખા, my wife, life partner – my sedative.’ 

નિલયે બરખા સામે હાથ જોડીને કહ્યું – ‘ભાભી – આપણી પહેલી મુલાકાત છે – મને આ તમારા રાજીવે જણાવ્યું નહીં – નહીંતર આ જ ટ્રેનમાં હું આવ્યો!’ 

’સમય જ નહીં મળ્યો હોય’ બરખાએ ટહૂકો કર્યો.  રાજીવ હસ્યો.

રાજીવની ફીયાટમાં બધા તેના ઘરે પહોંચ્યા.

કેમ્પાગોવાડા સર્કલમાં આવેલ રાજીવનું નાનું ઘર સ્વચ્છ અને આધુનિક દરેક સુવિધાથી સજ્જ હતું. ઘરમાંના ફર્નીચરમાં એક વિશિષ્ટ પ્રકારની સ્પષ્ટ કલ્ચરલ અસર જણાતી હતી. સાગના સોફા સેટ ઉપત ડાર્કબ્રાઉન કલરનું જાડા ફોમ ઉપરનું રેક્ઝીન – આછી પીળી દિવાલમાં મેચીંગ થઈ જતું હતું. એ જ કલરની નીચે જાજમ અને દિવાનખંડની મધ્યમાં ગોળ વર્તુળોનાં જુદા જુદા રંગોના પાટાની વચ્ચે ઘર – રાજીવ અને બરખાનું નામ વાળું બોર્ડ ઘરનાં માણસોમાં રહેલ કલાસુઝની વાત જણાવતું હતું.

નિલય ફર્નિચર અને દીવાનખંડ બારીકાઈથી જુએ છે એ જોઈને બરખા બોલી – ‘નિલયભાઈ – interior decorators નું ભણી છું – તેનો રાજીવ ઉપયોગ બહાર કરવા દેતા નથી તો હું તેનો ઘરે ઉપયોગ કરું છું.

‘ Wonderful’ – નિલય બોલ્યો. ઘણું સરસ ઘર સજાવ્યું છે. રાજીવ મૂછમાં હસતો બોલ્યો – ‘ચાલ તું તૈયાર થઈ જા આજે ૯.૦૦ વાગે તારો Interview છે. ડીટેઈલ બધી આપી દઉં.’ 

‘હા, મને શું વેચવાનું છે – મને શું મળે છે તે કરતાં કંપની જે ગ્રાહકોને વેચવાની છે તે કેવું આપે છે – તેમાંથી કેટલું કમાય છે – શું છે બધી વિગતે વાત કર – અને જો તને વાંધો ન હોય તો interview માં જતા પહેલાં બધું એક વખત જોઈ લેવા માગું છું.’ નિલય બોલ્યો. ‘તમે ઝટ ઝટ નહાઈ લો અને ડાઈનીંગ ટેબલ પર બેઠા ગપ્પા મારજો’ બરખાએ કહ્યું. ટેલિફોનની ઘંટડી વાગી – રાજીવ કનારી ભાષા સારી બોલતો હતો એના ઉન્નડ ગુન્નડમાં નિલયને સમજ પડતી નહોતી તેથી તે નહાવા ગયો.

ગરમ ગરમ ઉપમાનો નાસ્તો અને કીટલી ભરીને ચા સાથે બંને મિત્રો ડાઈનીંગ ટેબલ ઉપર ગપ્પા મારવા બેઠા. રાજીવ એક Financial કંપનીમાં sales executive હતો. મકાનો બનાવતી કંપનીમાં તે મેમ્બર્સ બનાવી આપતો હતો. પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શન કંપની – દરેકનું ઘરનું ઘર બનાવી આપતી હતી. અને તે માટે તેમની નાની બચતોનો ઉપયોગ કરતી હતી. ટીપે ટીપે એકઠી થતી આ બચતોની તે જમીન ખરીદી તેના ઉપર ઘરો બાંધતી હતી.

તેમના ડાયવર્ઝન પ્રોગ્રામમાં મહારાષ્ટ્ર એક અગત્યનો ભાગ હતો. અને નિલયનો તે માટે Interview લેવાવાનો હતો. પગાર આકર્ષક હતો – સ્પર્ધાત્મક વલણમાં આગલી નોકરીમાં થયેલી તકલીફો તથા કોર્ટમાં જવું પડ્યું  – તો તેના પરિણામ પછી શું કરશો જેવા પ્રશ્નોનો જવાબ તૈયાર રાખવાનો હતો.

વાતો વાતોમાં ડાઈનીંગ ટેબલ પર ૯ ક્યાં વાગી ગયા તે ખબર ન પડી.

Interview ચેમ્બર પાસે દસેક જણ ઊભા હતા – નિલય પોતાની દશા વિચારતો હતો. ફરીથી એકડો ઘૂંટવો કેટલો અઘરો હોય છે. નાનું બાળક જ્યાં સુધી એકડો લખતા શીખ્યું ન હોય ત્યાં સુધી તેને લખવાની એક આદત પડી હોય – પણ જ્યારે શીખી લીધા પછી ફરી એકડો ઘૂંટવાનો કંટાળો આવતો હોય તેના જેવી તેની દશા હતી.

સિદ્ધિના એક શિખરને તે આંબી ચૂક્યો હતો – પરંતુ તે શિખર પર પહોંચ્યા પછી બીજા શિખર ઉપર ચઢવામાં આવતો આ ઢોળાવ તેનાથી સહ્યો જતો નહોતો – તે તો પોતાની જાતને સતત ને સતત ઊંચે ને ઊંચે ચઢતા જોવાનું શીખ્યો હતો. આ ઉતાર તેને ડંખતો હતો. તેને માટે તે તૈયાર નહોતો. તેને ફેંકી દેવામાં આવ્યો હતો – એ પડતો હતો ત્યાં સુધી તેને તે પડ્યા પછી થનાર પછડાટનો અહેસાસ નહોતો. અને તે અનિશ્ચિતતાઓ તેની ધારણા કરતા વધુ લાંબી વધુ ગૂંગળાવનારી નીકળતી હતી તેથી તે પછડાટને ખાળવા પાટેનું નાનકડું બફર એક્શન જેવું જ કંઈક હતું. – ખરેખર તો એ લોકોના Interview  લેતો હતો – અને હવે આજે એ Interview આપનારાઓની લાઈનમાં ઊભો હતો. તેનું ગર્વિષ્ઠ મન ઘવાતું હતું.

Interview માટે તેનું નામ છેક છેલ્લે આવ્યું. કેબીનમાં Interview માટે તે દાખલ થયો ત્યારે જ તેને ખ્યાલ આવ્યો… કોઈક જાણીતો ચહેરો ચેમ્બરમાં તેની રાહ જોઇ રહ્યો હતો.

હા… તે શ્યામલી હતી.

નિલયનું હૃદય એક ધડકન ચૂકી ગયું.  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ 7

ત્યારપછીના સત્તર અઢાર વર્ષો સુધી શર્વરી બનારસીદાસનાં અંગત સુખદુ:ખ અને કૌટુંબિક સંબંધોમાં એક અગત્યનું અંગ બનીને રહી. નિલય સાથેના લગ્નજીવનમાં બનારસીદાસથી આ ઉપકારોનો બદલો શી રીતે વાળુની ભાવનામાં જ ન કરવા જોઇએ તેટલી હદ સુધી ડોકિયા થઈ જતા અને આખા મિજાજનો નિલય તે સહન ન કરી શકતો. અને તેથી જ તો શર્વરીનું એ નબળું પાસું છે સમજીને જ્યારે પણ તેને છંછેડવી હોય કે ખખડાવવી હોય  ત્યારે તે નબળા પાસાનો ઉપયોગ કરતો.

શર્વરી આ એક જ વાત ચાલવા દેતી – બાકી બીજી દરેક વાતમાં તેને જબરી ફાઈટ આપતી – તેને વેઠતી અને નાના બાળકની જેમ સાચવતી.

બેંગ્લોર ગયા પછી નિલયનો ફોન આવ્યો નહોતો તેથી તે થોડીક બેચેન તો  બની હતી વળી એક છૂપો આનંદ પણ તેને થતો હતો. આ વખતે તે ટાઈમમાં બેઠી નહોતી – આ શુભ સમાચાર નિલયને તે આપવા માંગતી હતી – પણ નિલયનો કોઈ પત્તો જ નહોતો.

તેના મનમાં છૂપો આનંદ નવ પલ્લવિત કુંપળોની જેમ ફૂટતો હતો એને જોઇતો નાનો નિલય એને મળવાનો છે એ વાત એને ખૂબ જ શાંતિ આપતી હતી – નોકરીના ઢસરડામાંથી અને પોતાનું નાનું આકાશ – નાનું ઘર – નાનું નાનું સંકેન્દ્રિત અસ્તિત્વ તેને જોઇતું હતું તેને માટે તો તેણે કેટલું કેટલું વેઠ્યું હતું. નિલયનો ગુસ્સો – નિલયનો પછડાટ – નિલયનો તિરસ્કાર… પણ એ બધું આ નાનકડા જીવને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે તેણે સહ્યું હતું. તેનું અંતરમન કહેતું હતું કે નિલય આ વખતે જરૂર સફળતાને વરીને જ આવવાનો છે. એના જીવનની સંઘર્ષમય કથાની કાળી રાતનો અંત હવે હાથવેંતમાં જ છે.

એ ત્રણ જુદી જુદી જિંદગી જીવતી હતી. ઑફિસમાં સફળ સેક્રેટરી, ઘરમાં રુઆબ જમાવતા પતિની સામે ઝઝૂમતી પત્ની અને બનારસીદાસની જિંદગીમાં એમનું માન જાળવતી અને જળવાવતી દીકરી. એની આ ત્રણ જિંદગીમાં એક ચોથી જિંદગી – બાળકની માની ઉમેરાવાની હતી – આ ચાર ઘોડે તે દોડી (ચડી) શકશે? દોડશે તો દોડ કેવી હશે?  કયો ઘોડો છૂટશે?

મનોમન તેણે નોકરી છોડી દેવાની વાત વિચારી… પણ ફ્લૅટની લોન… અને નિલયની અસ્થિર પરિસ્થિતિ…? ના નોકરી તો મજબૂરી છે – ન છોડાય – હા,  કદાચ નિલય પીગળે – તેનું માને ને તો આ વખતે તેને નાનો નિલય આપવાની છું – એટલે ફરીથી કદાચ… હવે એને ઝઝૂમવું નહીં પડે. અને એ બાકીનો બચતો સમય… એનો નાનકડો નિલય અને એ – એક પછી એક આનંદના મોજા તેના શરીરને હિલ્લોળતા રહ્યા. 

વહેલી સવારે તેના શરીરમાં અસુખ જેવું જણાયું. સમયસર ઉઠવાની ઇચ્છા ન થઈ  –  આઠ ને દસની લોકલ જતી રહી એને ઉલ્ટીના સેન્સેશન થતા હતા. મોર્નિંગ સિકનેસ – એના આનંદને શબ્દો આપતી હતી.  તે એક સ્ત્રી – દીકરી – પત્ની બનીને સંપૂર્ણતા તરફ આગળ વધી રહી હતી – માતૃત્વ ધારણ કરવા જઈ રહી હતી – આ સમયની કલ્પના તેણે ઘણા વખતથી કરી હતી. – પરંતુ તેને મૂર્તિમંત કરી શકતી નહોતી.  – એની પોતાની મજબૂરીથી. આખરે થાકીને એણે નિલયમય થઈ જવાનું નક્કી કર્યું. અને  આ સુખદ ક્ષણ એના જીવનમાં વસંતના પ્રથમ સ્પર્શે આમ્રવનમાં કોયલના ટહુકે પ્રગટતી મંજરીની જેમ મહેંકી.

નવ વાગ્યે કામવાળીએ ડોરબેલ વગાડ્યો ત્યારે  તે ઊઠી. નિલયને તે આ ક્ષણોમાં બહુ જ તીવ્રતાથી ઝંખતી હતી. કામવાળીને શર્વરીની હાજરીથી નવાઈ લાગી. એણે પૂછ્યું – બહેન તબિયત તો સારી છે ને? અને શર્વરીથી મલકી પડાયું – હકારમાં માથું હલાવીને તે બ્રશ કરવા ગઈ.

બ્રશ કરતા કરતાં વોશબેઝિનમાં જડેલા અરીસામાં તેના ચહેરાને જોઇ રહી… એને એના ચહેરામાં નિલયનો ચહેરો એકાત્મ થઈ જતો જણાયો. એને પોતાની જાત જોવા જેવી લાગી – બ્રશ કરતાં કરતાં કામવાળીને ચા બનાવવાનું કહી તે બાથરૂમમાં નહાવાનું ગીઝર ચાલુ કરવા ગઈ.

ચા પીતા પીતા છાપા પર નજર કરી. રાજીવ જે કંપનીમાં હતો તે કંપનીની એડવર્ટાઈઝ ઉપર નજર પડી. થોડોક અભ્યાસ કર્યો અને એને ફરીથી અંતઃસ્ફુરણા થઈ નિલય જરૂર આ પ્રકારના કાર્યમાં સર્વશ્રેષ્ઠ સાબિત થશે જ…

‘હેલો નિલય !’ શ્યામલીએ શરૂઆત કરી.

‘હેલો !’ શ્યામલીને પ્રતિભાવ આપતા નિલય બોલ્યો.

‘નિલય – હું તારી તકલીફોથી વાકેફ છું – અને એ તકલીફોમાં મિત્ર તરીકે રાજીવની જેમ જ મદદરૂપ થવા ઉત્સુક છું શરત ફક્ત એટલી જ કે આ કંપની મારી હોવાને બદલે આપણી છે તેમ માનીને  કાર્ય કરવાનું છે.’

‘એટલે ?’

‘ભૂપતને સિલ્ક મીલ્સ અને લૂમ્સમાંથી ફુરસદ નથી – રાજીવ અને ભૂપતે આ કંપનીને ફ્લોટ કરી છે. અને સાઉથમાં ભારે સફળતા મેળવી છે. હવે વેસ્ટમાં એને તારે આગળ ધપાવવાની છે. As a partner – કબૂલ છે?’

‘…પણ …’

‘હવે પણ ને બણ કંઈ જ નહીં. આ કંપની વર્ષે પાંચથી આઠ લાખનો પ્રોફિટ કરે છે. હવે ત્રણને બદલે ચાર ભાગ પડશે.’

‘એટલે ?’

‘એટલે હું, રાજીવ અને બરખા ત્રણ હતા. તું ચોથો ભાગીદાર છે. કંપનીને મુંબઈમાં જગ્યા લેવાની છે – તેનું તથા બ્રાંચના કાર્ય માટે જરૂરી ફાઈનાન્સની ચર્ચા રાજીવ જોડે કરી લે – પછી ઘરે આવ – થોડીક કૉલેજના સમયની ભૂપત જોડે ગપસપ કરીશું – રાજીવને આ વાત સીક્રેટ રાખવા મેં કહ્યું હતું. તેથી તેને ગાળો ન દઈશ. એણે તને જે કાંઈ સમજાવ્યું, જણાવ્યું એ બધું તારી સાથે પૂર્વઆયોજિત કાવતરાના ભાગ રૂપે હતું સમજ્યો?

‘હં !’

દસેક મીનિટની વાતોમાં નિલયના મન ઉપરથી મણનો બોજો ઊતરી ગયો. એ માની પણ નહોતો શકતો કે એ આટલો બધો નસીબદાર છે. ખૂબ જ સમયસરની મદદ હતી તેને માટે.

રાજીવે પાછળથી આવીને ધબ્બો માર્યો- વેલકમ દોસ્ત ! 

નિલય ખૂબ જ ઉષ્માથી રાજીવને ભેટી પડ્યો. –

બરખાએ આવીને ટહુકો કર્યો – એ નિલયભાઈ – મારા હક ઉપર તરાપ નહીં મારવાની’ અને બધા હસી પડ્યા.

સાંજે શ્યામલીને ત્યાં પાંચે જણા બેઠા હતા. ભૂપત – શ્યામલી – રાજીવ – બરખા અને નિલય. રાજીવે નિલયને છેડવાનું શરુ કર્યું.

‘ભૂપત તને ખબર છે નિલય મને શ્યામલીની હોડમાં competitor માનતો હતો.’

‘ના ભાઈ ! શું વાત છે? અમારી મેડમના બે દિવાના સાથે ભેગા થયા?’

‘હા ..! હું તો તે વખતે પણ બાકાત હતો… પણ શ્યામલીને નિલયનું જક્કી વલણ રમુજ પ્રેરીત લાગતું અને તેથી તેને ચીઢવતી.’

‘ભાઈ પણ તમારી એ ચીઢ હવે ચાલુ નહીં રાખવાની – નહીંતર મારા પૈસા સલવાશે – શું કહો છો નિલયભાઈ ?’

‘ભૂપત – ફક્ત નિલય જ કહેવાનું – ખેર આમ અચાનક બધું થઈ જશે તે સમજાયું નહીં અને બીજી એક વાત હું ભાગીદાર તો ખરો પણ મારે કેટલી રકમ ઇન્વેસ્ટ કરવાની છે? ’

‘એક પૈસો પણ નહીં ’ – ભૂપત બોલ્યો.

‘કેમ ? ’

‘કારણ કે તું સમય – મહેનત અને આવડત ઇન્વેસ્ટ કરીશ. મારી પાસે તેમાનું કશું નથી. એટલે મારી પાસે જે છે તે એટલે કે પૈસા ઇન્વેસ્ટ કરીશ.’

‘ફાઇન – અને મારે રીપોર્ટ કોને કરવાનો?’

‘કોઈને નહીં.’

‘ઉપાડની મર્યાદા ?’

‘ભાગીદાર ધારે તેટલો ઉપાડ કરી શકે છે.’

‘અરે વાહ! અલાઉદ્દીનના ચિરાગ જેવી આ તક છે.- ’

‘શ્યામલીને તારી આવડત ઉપર પૂરો ભરોસો છે – અને એ તારી સાથે તને Confidence  આવે ત્યાં સુધી મુંબઈ રહેશે અથવા તું અહીં બેંગ્લોર રહે. ડૉક્યુમેન્ટ્સ તૈયાર છે. એક બીજી વાત. કોઈ કારણોસર કંપની નુકસાનમાં જાય તો તેમાં તમારી કોઈની જવાબદારી નથી. ફક્ત મારી જ જવાબદારી છે. જ્યારે નફામાં સરખા ભાગીદાર – આપણો આ હાતિમતાઈ સોદો મંજૂર છે?’ 

નિલયને આ વાત ન જચી . તેના મનમાં વિદ્રોહ જાગ્યો – તેણે ભૂપતને ના પાડી અને રાજીવ ખડખડાટ હસી પડ્યો – ‘Bhoopat, he is as genius as ever.’

અને પાર્ટનરશીપ ડીડમાં નિલયે ધાર્યું કરાવ્યું – નફા અને ખોટમાં સરખી ભાગીદારી…

અને એના માનમાં બીજા દિવસે સાંજે બેંગ્લોરની મોંઘી હોટેલમાં શાનદાર પાર્ટી યોજાઈ. જ્યાં એ કંપનીના બધા જ કાર્યકરો મોજૂદ હતા – અને કુટુંબના સભ્યોની જેમ સૌએ નિલયને એક જ અવાજે વધાવી લીધો.

બપોરે સાડા બાર વાગે શર્વરી ઑફિસ પહોંચી. તેના ટેબલ ઉપર સમાચાર હતા. બેંગ્લોરનો ફોન નંબર અને નિલયનું નામ હતું. તેણે તરત ફોન જોડ્યો. નિલયને લાઈન ઉપર આવતા થોડીક વાર લાગી – એ બેચેની ભરી ક્ષણો પસાર કરતાં શર્વરીને બહુ લાગ્યું. સામે છેડે નિલયનો અવાજ સાંભળ્યા પછી તે બોલી-

‘હેલો નિલય – શું થયું? કેવો Interview રહ્યો?’

‘સરસ. સાંભળ – હવે રાજીનામું આપી દેવાની તૈયારી કરી લે.’  

‘કરી લીધી’

‘કેવી રીતે ?’

‘યુ વીન’

‘એટલે ?’

‘એટલે – તું જીત્યો Junior has come’

‘શું વાત કરે છે?’

‘હા, એટલે તો ક્યારનીય તારા ફોનની રાહ જોતી હતી.’

‘પણ તું તો ફોન ઉપર નહોતી.’

 

 

પ્રકરણ (8)

‘‘હા, સવારે મોર્નીંગ સિકનેસ લાગતી હતી. તેથી મોડી ઊઠી હતી – અને પરવારીને આવતા વાર લાગી. હવે ત્યાં કેટલા દિવસ રહેવાનો છું? જલ્દી જલ્દી આવને ભાઈ..’

‘એય મને ગાળ દે છે?’

‘કેમ?’

‘ભાઈ કહે છે ને ’ 

‘ઓહ સોરી ! હવે ત્યાં શું થયું તે તો કહે.’ 

‘અહીં રાજીવની ફર્મમાં પાર્ટનર બની ગયો છું. મુંબઈ બ્રાંચ ખોલવાની છે. ઘણું બધું કામ છે. મારી સાથે શ્યામલી ઝવેરી નામની મારી ક્લાસમૅટ પણ છે. અમે ચાર પાર્ટનર અને બ્રાંચ માટેની ફોર્માલીટી પતાવીને થોડુંક કામ શીખીને પંદર દિવસે આવવાનો હતો પણ હવે લાગે છે કે હું સાંજે જ આવું છું.’ 

‘કેવી રીતે – સાંજની ટ્રેનમાં બેસીશ તો બીજે દિવસે સાંજે આવી રહીશ.’

‘પ્લેનમાં આવું છું.’

‘શું વાત કરે છે ? પાછો હવામાં ઊડવા લાગ્યો કે…’ 

‘ના, ખરેખર. અને હા junior ને સંભાળજે – એને માટે શું લાવું?’  

‘એના પપ્પા.’

શર્વરીએ ફોન ડીસકનેક્ટ કર્યો. એનાં મોં ઉપર ચમકતી હાસ્યની આભા જોઈને બનારસીદાસ કળી ગયા કે તે દાદા બની ગયા છે.

Congrats – બનારસીદાસે નજીક આવીને શર્વરીને કહ્યું.

‘શાના ?’

‘જે સમાચાર ફોન ઉપર મળ્યા – આપ્યા બંનેના’

‘નિલયના એક ફ્રેન્ડની ફર્મમાં એ પાર્ટનર તરીકે જોડાય છે. મુંબઈમાં જ બ્રાંચ ખોલે છે.’

‘અને બીજા સમાચાર?’

‘Morning sickness ચાલુ થઈ છે.’

‘શું?’

‘તમે દાદા બનો છો.’ આ સમાચાર સાંભળવા જાણે એ તરસી રહ્યા હોય તેમ લાગ્યું… તેમના મોંમાંથી નીકળ્યું.  ‘God bless you my child’

ઑફિસના રુટીન કાર્યમાં તેણે મન પરોવ્યું. દુ:ખના દિવસો પૂરા થતા જાણે મોં ઉપર જે હાશ જણાય તે હાશ શર્વરીના મનમાં હતી. દુ:ખના પંદર વર્ષમાં તેણે ભૌતિક આબાદી લાવવા તન તોડી નાંખ્યું હતું.

હવે નાનો નિલય… નાની શર્વરી… તેના નાના નાના પગ… ખીલ ખીલ થતું હાસ્ય… એના સ્વપ્નમાં તે ખોવાવા માંડી. એના શરીરમાં નાના નાના અંકુરો ફૂટતા હતા – થોડુંક દર્દ પણ થતું હતું – પણ આવનારા દિવસોમાં ત સંતાન એમને બંનેને સાંકળનારું પરિબળ હતું. તેના મનમાં તે બાળૅકને ઝંખતી હતી. તે દિવસે… તે ધન્ય ઘડી તેને લાભી ગઈ હતી.

આખી ઑફિસમાં વાત પવનની જેમ વહી ગઈ. બપોરની ટી – હાઈ ટી બની ગઈ. શર્વરી – થોડીક શરમાઈ પણ અંતે માતૃત્વનું ગૌરવ પણ તેને હરખાવી ગયું.

દિવસ ઢળી ગયો.

સાંજની ફ્લાઈટમાં નિલય આવે છે એ વાત તેને ખૂબ જ આનંદપ્રદ હતી. તેથી ઑફિસથી વહેલી નીકળી. ટ્રેનમાં અથડાવાને બદલે ટૅક્સી કરી લીધી.

ઘરે જઈ, નહાઈને સુંદર રીતે નિલયને ગમતી આછી બદામી કલરની સાડી કાઢીને પહેરી, ડ્રેસિંગ ટેબલ ઉપર વાળ ઓળવા બેઠી. અરીસામાં તેને પોતાના હસુ હસુ થતા ચહેરાને જોયા કર્યો અને આછો મેકઅપ કર્યો. નાનો ચાંદલો કર્યો અને સજ્જ થઈને નિલયની રાહ જોતી બેસી રહી.

ઘડિયાળ જાણે આગળ ખસવાનું નામ જ નહોતી દેતી – સાત વાગ્યાની ફ્લાઈટમાં નિલય આવવો જોઇએ… નીચે ટ્રાફિક ઘટતો જતો હતો. બાજુના ઘરમાં ટીવી ઉપર કોઈક વેસ્ટર્ન મુઝીક વાગતું હતું. આકાશમાં ઝાંખા વાદળા દેખાતા હતા. મુંબઈની સાંજ આટલી સુંદર હોય છે તેવું તેણે પહેલી વખત અનુભવ્યું. મનમાં શાંતિ હોય તો… એ વિચારથી જ એ મનોમન હસી પડી.

પહેલા નિલય બાળકને ઝંખતો હતો પણ શર્વરી તે બાબતે વિરુદ્ધ હતી. તેથી તો નિલયનો ભયંકર ગુસ્સો અને આક્રોશ સહન કરીને પણ બે વખત ઍબોર્શન કરાવ્યું હતું. હવે એ ઇચ્છતી હતી એ રીતે બધું ગોઠવાઈ ગયું હતું. નિલયને યોગ્ય જગ્યા, તેનો પોતાનો ફ્લૅટ અને માનસિક રીતે માતૃત્વની તૈયારી અને તેથી જ તો તેને આ પરિસ્થિતિનો અગાઉની પરિસ્થિતિ કરતાં તફાવત લાગતો હતો.

બરોબર સાત ને વીસે નિલય આવ્યો. જોરથી દોડીને શર્વરી તેને ભેટી પડી. એને કોણ જાણે નિલયની ખૂબ રાહ જોઈ હતી. તેને ખૂબ જ વહાલ આવતું હતું. નિલય જાણ કે નાનો બાળક હોય તેમ તેના ચહેરાને વહાલથી તે ચુમતી હતી. નિલુ – નિલુ – I was missing you – I was missing you – જેવો ગણગણાટ તેના કાનમાં કરી છૂટી પડી.

નિલય પ્રૌઢ બનીને તેની હરકતને અનુભવી રહ્યો હતો.

રાત શર્વરીની સાથે રહીને બીજે દિવસે સવારની ફ્લાઈટમાં નિલય બેંગ્લોર રવાના થઈ ગયો. આવનાર બાળકના ભાવિનું આ શુકન હતું. તેના પગલા સારા હતા.  

પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનની કંપનીની ઑફિસ બેંગ્લોરના પોશ વિસ્તારમાં હતી. સાત માળનું સેન્ટ્રલી એરકન્ડીશન્ડ મકાન હતું. Administration, EDP section, Deposite acceptance, recovery and Loan department  એમ પાંચ માળમાં આખી ઑફિસ આવી જતી હતી. સ્ટોર અને પરચેઝ રાજીવના હાથમાં  હતા એકાઉન્ટ શ્યામલી જોતી હતી.

શ્યામલી અને રાજીવની ચેમ્બર સાતમા માળે હતી. બહાર વિશાળ વેઇટિંગ રૂમ ફોન રીસેપ્શનીસ્ટ, સેક્રેટરી, ઈન્ટરકોમ  વગેરે સુવિધાથી સજ્જ ઑફિસ જોઇને નિલય આનંદિત હતો.

રાજીવની કૅબિનમાં બેસીને તેણે વેસ્ટર્ન રીજીયન માટેનો પ્રોગ્રામ ઘડવા માંડ્યો. કંપનીની પોલીસ મૅટરમાં કંપની બેરોજગાર યુવકોને employment આપી નાની બચતો વ્યાજબી વ્યાજ દરે લેતી અને એ રકમ અમુક મર્યાદામાં આવે એટલે લોન માટેની એની યોગ્યતા તપાસી મકાન માટે લોન અપાતી. આ દરેક તબક્કામાં “વિશ્વાસ” બહુ જ અગત્યનું પરિબળ હતું. કંપનીની પ્રેસ્ટીજ ઉપર જ્યાં જ્યાં કંસ્ટક્શન થતાં ત્યાં ત્યાં ઘણું ઘણું લાંબા ગાળાના ધિરાણ ઉપર મળતું.

રાજીવે કૉલ્ડ કોફીનો કપ પૂરો કરતાં નિલયને કહ્યું.  ‘નિલય – અહીંયાં આપણે માણસોને સ્વપ્નો વેચીએ છીએ. આજે બચત કરો યોગ્યતા મેળવો કાલે મકાનમાં બાંધકામ માટે જરૂરી લોન અમે તમને આપીશું. અહીંયા એક સૂત્ર ‘રૂપિયા બચાવો આજે ઘર મેળવો કાલે’ બહુ સફળતા પૂર્વક ચાલ્યું હતું હવે જોઇએ વેસ્ટર્ન પાર્ટમાં આની શું અસર થાય છે?’   

નિલયે શાંતિથી વિચારીને કહ્યું – ‘રાજીવ ! આ પશ્ચિમ ભારત એટલે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન એકદમ સમૃધ્ધ પ્રજા છે. બચત તો તેમની ગળથૂથીમાં છે. તેથી બચત વાળી વાત પછી, પણ ઘરની વાત પહેલા. તેથી મને લાગે છે આપણે કાંઈક આવું સૂત્ર આપીએ કે જે તેમની જ મૂળભૂત જરૂરિયાતને સંતોષે.’

’તું સજેસ્ટ કર’

‘ઘરનું ઘર – પેરમાઉન્ટ સંગ ’

‘હં.. બીજું કંઈક?’

‘સુગરીનો સંદેશ – જાગો સમયસર

બનાવો નાનું (પોતાનું) ઘર પેરેમાઉન્ટ પર’

‘ઠીક છે. હજી કંઈક વધુ  કસ’

‘આપ બેરોજગાર છો?  બેઘર છો?

તમને  પેરેમાઉન્ટ રોજી સાથે ઘર આપશે.’

‘બહુ જામતું નથી.’

‘દરેકની છે એક જ વાત

રોટી કપડા અને મકાન ’    

‘હં.. કાંઈક ઠીક છે.’

‘મકાન મકાન કહેવું સરળ

મકાન મકાન બનાવું સરળ ’

 ‘પેરેમાઉન્ટનાં ટેકે ચાલો કહીએ

આજે બચત મકાન થાશે કાલે તરત’

‘ખેર ! હજી મગજ કસ બરાબર લાગશે એટલે એડવર્ટાઈઝ  કેમ્પેઈન ચાલુ કરી દઈશ.’

‘ના, રાજીવ ઉતાવળ નથી કરવી મકાન માટેની ઓફરો પર સહેજ ધ્યાન લઈ લઈએ પછી આગળ વાત.’

‘જો નિલય, મુંબઈ બ્રાંચ તારે સંભાળવાની છે એટલે માણસોને તું આજે ફાઈનલ કરજે અને તારે કોઈક લેટર ડ્રાફ્ટ કરવા – કરાવવાના હોય તો સ્ટેનોને કહી દેજે, He is fast and efficient.’

‘ભલે, તો બધી ઑફર્સ જોઈને હું નક્કી કરી લઈશ. આપણે ૪૦૦૦ સ્ક્વેર ફૂટ જગ્યા લઈશું અને બજેટ ક્યાં સુધીનું છે?’

‘તું શું કામ ચિંતા કરે છે? સારી જગ્યા એટલે ઉંચા ભાવ. પાંચસોથી હજાર રૂપિયા સુધી ચિંતા ન કરતો કંપનીની ફીક્ષ્ડ ઍસેટમાં ઉમેરો જેટલો વધુ થશે એટલું સારું જ છે.’

‘હં હવે દરેક ડિપાર્ટમેન્ટની કાર્ય પધ્ધતિ સમજવી પડશે . હું સેલ્સમાં હીરો થઈ શકીશ પણ બીજે બધે ઝીરો હોઇશ તો કેવી રીતે ચાલશે?’

‘ચાલ એક પછી એક ડિપાર્ટમેન્ટનું રાઉન્ડ લગાવીએ.’

Administration Departmentમાં sales promotion, Development તથા Advertisement નું કામ થતું હતું. પર્સનલ ડિપાર્ટમેન્ટ નાનું હતું. નાની બચતોને મોટીવેટ કરવા રખાતા માણસોના ફોટા – તેઓના દ્વારા થયેલ દરેક વર્ષના કાર્યોનો હિસાબ તથા કાનુની બાબતોનો તેમાં સમાવેશ થતો હતો. ઈડીપી સેક્શનમાં આ માણસો દ્વારા લવાયેલ દરેક ડીપોઝીટરોનો કોમ્પ્યુટર્સ દ્વારા ખાતા પાડીને હિસાબ રખાતો. જેમના હપ્તા નિયત સમય પહેલા ભરાતા તેમને વ્યાજમાં અમુક રકમ માફ તથા આ હપ્તાઓ ઉઘરાવી લાવનારને અમુક પ્રોત્સાહન ઈનામો વગેરેની સમયોચિત ચુકવણી થતી રહેતી.

ડીપોઝીટ એસેપ્ટન્સ બેંકની જેમ હપ્તા જમા લેતું તથા તેની પાકી પહોંચ ઈશ્યુ કરતું. દરેકે દરેક ડીપોઝીટોની નોંધણી પછી તે રકમો પુન: રોકાણ માટે બેંકોમાં જમા થતી.

લોન અને રીકવરી ડિપાર્ટમેન્ટની વાત જ ન્યારી હતી. લોન ડિપાર્ટમેન્ટમાં કાગળો પ્રોસેસ લઈ ફાઈનલ મંજૂરી માટે રાજીવ પાસે આવતા હતાં. તેમના જેટલો સ્ટાફ હતો તેનાથી દસમા ભાગનો સ્ટાફ રીકવરી સેક્શનમાં નહોતો રીકવરી કરવાની જરૂર બહુ જ ઓછા કેસમાં પડતી. રાજીવની આ માસ્ટરી હતી એણે કોઈ પણ લોન કાચી કે ખોટી વ્યક્તિને આપી નહોતી. સ્ટોર અને પરચેઝમાં મોટા પ્રોજેક્ટ જ રાજીવ હાથમાં લેતો બાકી નીચેના અમલદારો દ્વારા ઘણું થતું હતું.

બધા ડિપાર્ટમેન્ટમાં ફરતા નિલય રાજીવને આખો દિવસ લાગ્યો નિલય જોઈ શકતો હતો. રાજીવ સપૂર્ણ રીતે છવાયેલો હતો. તેણે દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં સફળતાપૂર્વક હરીફાઈનું વાતાવરણ પેદા કરીને છેલ્લા ચાર વર્ષમાં ધાક જમાવી હતી. પાછા ફરતા શ્યામલીની ચેમ્બર તરફ તેઓ વધ્યા.

નિલયે રાજીવને પૂછ્યું – ‘રાજીવ લોન આપતી વખતે માણસની પરખ કેવી રીતે તું કરે છે?’ 

રાજીવે એના પ્રશ્નને બિરદાવતા કહ્યું ‘નિલય – ખોટાના મનમાં બીક હોય છે પકડાયાની અને સાચાને સહેજ પણ થડકાર હોતો નથી.’

‘જ્યારે રૂબરૂ પ્રશ્નોત્તરી કરીએ ત્યારે જુઠ્ઠો પકડાયા વિના રહેતો નથી અને સાચો દરેક પ્રશ્નોના જવાબો સ્વસ્થતાપૂર્વક આપે છે. વળી ડોક્યુમેન્ટ્સ અને અંદરનો અવાજ એમ બે ત્રણ પરિબળો છે

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ (9)

`તારા selection માં પણ આ ત્રણે પરિબળો કામ કરે છે નિલય’ – શ્યામલીએ ટહુકો કર્યો. 

‘હં ! હવે તે કેટલો સાચો પડે તે જોવાનું?’

‘એટલે ?’ શ્યામલીએ પૂછ્યું.

‘એટલે એ વિશ્વાસ ૧૦૦% સાચો પડે છે કે ૧૦૦૦% એ જોવાનું ને.’

‘અચ્છા ! રાજીવ – હું અને ભૂપત મુંબઈ આવતા પહેલા તું મુંબઈ બ્રાંચનું અને તારા માટે એક સારા વિસ્તારમાં ફ્લૅટનું ફાઈનલ કરી નાંખજે અને હા શર્વરી વિશે તારી પાસે જ કેટલીક વાતો સાંભળવી છે. સાંજે ઘરે આવીશ ને?’

‘ભલે રાજીવ છોડશે તો.’

‘કેમ રાજીવ ! તું એને છોડતો નથી.’

‘અરે ઉલ્ટો ચોર કોટવાળને દંડે એ જ મને પૂછી પૂછીને માથું કાણું કરી નાખે છે. તું હવે મને છોડાવ ભાઈ !’ રાજીવે હાથ જોડીને તોબા કરતાં કહ્યું.

શ્યામલી હસી પડી નિલય તેને હસતા જોઇ રહ્યો…

એના આ હાસ્ય ઉપર તો તે મુગ્ધ હતો. ઘણ વર્ષો તેને હસતી જોઇ કોણ જાણે કેમ તેને તેના હાસ્યમાં શર્વરી હસતી દેખાઈ શર્વરી પણ હસે છે. ત્યારે ખૂબ જ સુંદર લાગે છે.   

*****

પોલિટિકલ લીડર એસ. કે. પટીલ તથા ભૂપત ઝવેરીને ઘરોબો આણો સારો હતો. પાટલાની ઓળખાણ ઠેઠ દિલ્હી સુધી હતી. હાઈકમાન્ડમાં ઇન્ફ્લુઅન્સ સારી હતી. કર્ણાટકમાં જનતા સરકાર હતી તેથી હમણાં ત સત્તા પર નહોતા, પરંતુ કાયમ છેલ્લા ચાર ઇલેક્શનમાં majority એમની રહેતી અને ચૂંટાતા જ. છેલ્લા ઇલેક્શનમાં તકલીફ પડે તેમ હતી ત્યારે ભૂપત અને તેમના દોસ્તોના પૈસાએ રંગ રાખી એમની આબરૂ જાળવી લીધી હતી તેથી તે ખુશ હતા પરંતુ શાસક પક્ષની નજરમાં આ મૈત્રી આવી ગઈ હતી તેથી એક Income Tax ની રેડ પડી ગઈ હતી કશું મળ્યું તો નહીં પણ ભૂપત માટે તે રેડ આશીર્વાદરૂપ બની ગઈ.

મારવાડી વેપારીઓ તેનો માલ હાથમાં પકડવા માંડ્યા હતા પાટીલ પણ તેની વગ વધારીને છેલ્લામાં છેલ્લા પોલિટિકલ ન્યૂઝ ભૂપતને આપતો અને તે સંઘરાખોરીમાં છેલ્લે એક જ ઝાટકે તેણે પાટીલ પાછળ વેરેલા પૈસા કાઢી નાખ્યા હતા.

ભૂપતને ઘરે સાંજે તે આવ્યો હતો. નિલય, શ્યામલી, પાટીલ, ભૂપત અને રાજીવ વિશાળ ડાઈનીંગ ટેબલ ઉપર જમવા બેઠા હતા. નિલયનો પરિચય આપતા ભૂપતે કહ્યું – પાટીલ – આ મારા નવા પાર્ટનર પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનના વેસ્ટ ઝોનના ડિરેક્ટર અને રાજીવ શ્યામલીના ક્લાસમાં પહેલા મલ્ટીનેશનલ કંપનીમાં સેલ્સ મૅનેજર હતા. By the way  નિલય, કઈ કંપની ?

સારા ફાર્માસ્યુટીકલ્સ જર્મન કોલાબરેટેડ

‘અહીંયાં તેઓની ઑફિસ છે?’

‘હા.. ’

‘ક્યાં?’     

 ‘કુમાર પાર્કમાં’   

‘વિશેષ કરીને કોઈ છે?’   

‘હા, તમે કેવી રીતે ઓળખો?’

‘ખેર કંઈ કામ કાજ હોય તો કહેજો.’

‘કામ તો છે જ તેથી પૂછું છું.’    

‘ફરમાવો.’

નિલયે રાજીવ સામે જોયું. રાજીવે ભૂપત સામે અને ભૂપતની હકારાત્મક વર્તણુંક પછી નિલયે રજૂઆત કરી.

‘પાટીલભાઈ, બિનવહેવારુ અભિગમનો હું ભોગ બની ગયો. અતિ ઉત્સાહમાં મેં એમના વહેવારુ સૂચનો ઉકેલ્યા અને છેલ્લા બે વર્ષથી કોર્ટના ચક્કરોમાં સપડાયો છું.’

‘થોડીકવાર માથુ ખંજવાળ્યા પછી પાટીલ બોલ્યો ‘ઝવેરી સાહેબ વિયેરાના કંટ્રોલમાં હશે તો આ કામ થઈ જશે.’

‘કરવાનું છે. આપણું અને ઘરનું કામ છે. જરૂર હોય તો દિલ્હીથી પ્રેશર લાવીને પણ આ કેસ પતાવવાનો છે.’

“ભલે હું નીકળીશ મારે બીજું કામ પણ છે. નિલયભાઈ આપણે મુંબઈ મળીશું”.

ડાઈનીંગ ટેબલ ઉપર રાજીવ, શ્યામલી અને નિલય રહી ગયા.

શ્યામલીએ શર્વરીના વિશે પૂછ્યું

‘હં તો નિલય શર્વરીની માહિતી તો આપ.’

‘શર્વરી મિસિસ નિલય બુચ છે. વધુ તો શું કહું?’

‘કેમ , તમે કેવી રીતે પરિચયમાં આવ્યા ?’

‘એનો શોખ શું છે? એ ક્યાંની છે? શું પ્રવૃત્તિ છે ? ’

‘સાચું કહું? ’

‘હં..’

‘શ્યામલીનો શ અને શર્વરીનો શ એટલું સામ્ય હતું તેથી બહુ વિચાર ન કર્યો.’

‘અચ્છા ! પણ એ માપદંડ યોગ્ય ન કહેવાય.’

‘રાજીવે મને માહિતી આપી અધુરી આપી છે. હું ભૂલતી ન હોઉં તો વચ્ચે એક ટ્રિપ તે કોઈ વિશિષ્ટ કારણે મારી હતી ને?’

‘ઓહ! હા, પંદર વર્ષના લાંબા સહવાસ પછી અમને એનું ફળ મળવાનું છે I mean she is pregnant.’

‘અચ્છા હું કાકો બનીશ’ રાજીવ ટહુક્યો.

‘Congrats.’ શ્યામલી બોલી

‘શ્યામલી તું શું બનીશ?’  નિલયે પ્રશ્ન કર્યો. એક ક્ષણની ચુપકીદી બાદ શ્યામલ બોલી

‘આન્ટી’.. 

******

પ્લેનમાં પંદર દિવસે પાછા વળતા શ્યામલી અને નિલય સાથે હતા. બેંગ્લોરથી શ્યામલીએ શર્વરી માટે ત્રણ સિલ્કની સાડી લીધી હતી અને એક નટરાજનું સુંદર પોટ્રેઈટ.

નિલય શ્યામલીને કહેતો હતો ‘તું અને રાજીવ ખરેખર સંકટ સમયે કામ લાગે તે પ્રકારના મિત્રો બની રહ્યા છો.’

શ્યામલી એ નિલયને છંછેડતા કહ્યું – ‘નિલય, મિત્ર બનીને રહેજે. તો આ જિંદગી મજાથી જશે.’

‘એમાં કોઈ શંકા છે?’

‘ના શંકા નથી પણ દિવાનાનો ભરોસો નહીં.’

‘એટલે ?’

‘એટલે એમ જ કે ભૂપત અને શર્વરીનો વિશ્વાસ તારી દીવાનગીથી તૂટી ન જાય. You are not  sporty man.’

‘શું કહ્યું કહેવા માગે છે. શ્યામલી?  હવે એ childish attitude ન રહી હોય.અને તેં તો મને સમયસરની લાઇફ આપી છે. એટલે એ તો બને જ નહીં.’

‘શર્વરી કેવી છે?’

‘મારા માટે ખૂબ જ પઝેસિવ છે. એક ફર્મમાં Chief Cashier છે. For Speaking મારા કરતાં વધુ કમાય છે. દાદરમાં ફ્લૅટ છે. ’

‘ફાઇન – હું તો ભૂપતના કઝીનને ઘરે જતી રહીશ. કાલે સવારે મળીશું.’

સવારે ઘરે જ આવને શર્વુ પણ મળશે. તે ઉપમા બહુ જ સરસ બનાવે છે.

‘ભલે એમ કરીશું.’

‘મકાનનું ફાઈનલ કરતા કેટલો સમય લાગશે?’

‘બે દિવસ’   

 ‘અચ્છા તેં મને એમ કેમ કહ્યું કે ભૂપત અને શર્વરીનો વિશ્વાસ મારી દીવાનગીથી તૂટી ન જાય.’

‘તારા મનમાં હજી મારે માટે લાગણી કે દીવાનગી એવું જ કંઈક કહેવાય છે.’

‘એવો આક્ષેપ શા ઉપરથી લગાવે છે?’

‘કેમ તેં પૂછ્યું નહીં ? શ્યામલી તું શું બનીશ?’

‘હા.’

‘મારો શું જવાબ હોય?’

‘એ જાણવાની તો મને ઇંતેજારી હતી.’

‘આપણા વચ્ચે મૈત્રી સિવાય કશું સંભવિત નથી. તે તું સમજે છે છતાં તેં તે સંબંધને નામ આપવા પ્રયત્ન કર્યો.’

‘હું સ્પષ્ટપણે માનું છું કે સંબંધોના નામ સિવાય વિજાતીય મૈત્રી શક્ય હોતી નથી તેથી.’

‘એટલે શું મિત્ર ઉપરાંત કંઈક હોવું જરૂરી છે?’

‘હા અને તે છે.’

શ્યામલી ટેન્સ થતી જતી હતી.  નિલયને તેનો ટેન્સ થતો ચહેરો જોવાની મજા આવતી હતી.

‘કયો?’

‘માલીક અને નોકરનો.’

‘You Shut up’

‘ભાગીદારીનો’

તંગ થતી નસો હળવી થઈ જતા શ્યામલી હસી પડી… એનું હાસ્ય જોતા નિલયને ફરી લાગ્યું કે શર્વરી હસતી હતી. પ્લેન સાન્ટાક્રુઝ ઊતરી રહ્યું હતું.

શર્વરી અને શ્યામલી – પરિચય આપ્યા પછી જાણે વર્ષોની મિત્રો હોય તેમ હળી મળી ગયા. સિલ્કની સાડી અને નટરાજનું પોટ્રેઈટ જેવું ઘણું બધું સામ્ય તેમની વાતોમાં હતું.

શર્વરી – શ્યામલીને કહેતી હતી. “નિલય – ખૂબ જ સુંદર, સ્વસ્થ અને સમજુ પતિ છે. ખૂબ જ સંવેદનશીલ છે. તેથી ક્યારેક આવેગોમાં આવીને સામાન્ય ઘટનાઓના ખૂબ જ તીવ્ર પ્રતિભાવો આપી દે તે ક્ષણો સાચવવી પડે. હમણાં બેંગ્લોર આવતા પહેલા કહે શર્વરી નોકરી છોડી દેવાની છે. મેં પૂછ્યું કેમ? તો કહે My junior need mom… હવે ભેંસ ભાગોળે – છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ. હજી તો ટાઈમ મિસ થયો નહોતો અને કહે No more jobs my junior needs Mom…. શ્યામલી ખડખડાટ હસી પડી… શર્વરીના લહેકા ઉપર.

શર્વરી શ્યામલીને હસતી જોઇ રહી નિલયે રસોડામાંથી બૂમ મારી શર્વુ… તારી ઉપમા દાઝી…

હાય મા… કહી શર્વરી રસોડામાં દોડી.

શ્યામલી અને નિલય રૂમમાં એકલા હતા. સવારના છાપા ઉપર નજર ફેંકતા શ્યામલી બોલી હવે સવારના દસ વાગે ચર્ચગેટ ઉપર કેવી રીતે પહોંચીશું?

શર્વરી પ્લેટમાં ઉપમા લઈને આવી ને બોલી ટૅક્સી કરીને જતા રહીએ અથવા ૮૩ નંબરની બસ છે.

શ્યામલી તરત બોલી ‘હા એ ઠીક રહેશે. ૮૩ નંબરની બસ… આખું મુંબઈ જોવા મળશે, ટ્રેનમાં તો ગિરદીથી ભાઈ તોબા… નિલયને ૮૩ નંબરની વાતથી એનો ભૂતકાળ જાગૃત થઈ ગયો… બસ એનાં જીવનમાં કોલેજકાળમાં ખૂબ જ મહત્વની બની હતી.

તે સમયે બસમાં જતા જતા કોઈકે રાધાને છંછેડી… રાધા ગર્જી પડી પણ પાછળથી તેને ખ્યાલ આવ્યો કે છંછેડનાર નિલય હતો. નિલયને તે દિલોદિમાગથી ચાહતી હતી. આ ચાહત પણ મૌન હતી. ગભરાયેલ નિલયે સોરી તો કહ્યું અને હસી પડ્યો. ‘મેં તો જરા અમસ્તું જ … કહેલું’ રાધા બોલી – ‘I have no lorry to carry your sorry.’ નિલયનો પ્રત્યુત્તર પણ એવો જ હતો – ‘My sorry is not that heavy that you need lorry to carry it.’  સ્મિત સાથે બંને છૂટા પડ્યા

પ્રકરણ (10)

પછી તો રોજ એ બસ… એ જ સમય અને એ જ ધમાલ અને મસ્તી … રાધા નિલયને જોયા કરતી. નિલય તો બસ એની મસ્તીમાં કદીક ગાતો, કદી હસતો, પણ કદી એને રાધા નાની બહેનથી વધુ કંઈ ક્યારેય લાગી નહોતી.

એક દિવસ રાધાની ખાસ સહેલી દિપા રાધાની ગેરહાજરીમાં નિલયને પૂછી બેઠી.

‘નિલય, રાધા માટે તમને કોઈ લાગણી છે?’

નિલયે બેફિકરાઈથી જવાબ આપ્યો ‘હા’

દિપાએ પૂછ્યું ‘કેવી ?’

નિલયે કહ્યું – ‘નાની બહેનને જોઈને મોટાભાઈને થાય તેવી.’

દિપા – ‘જરાક વિચારીને ઠંડકથી કહોને?’

નિલય – ‘હા બિલકુલ વિચારીને જ કહું છું.’

દિપા – ‘પણ તમે તો રોજ એને છેડો છો. વાતો કરો છો… ’

નિલય – ‘કેમ નાની બહેનને છેડાય ના?’

દિપા – ‘ખેર કાં તો તમે જુઠ્ઠું બોલો છો કાં તો મારી સહેલીને ગેરસમજ થઈ છે..’

‘કેવી ?’

‘ઘેલી છે – વધુ તો શું કહું?’ દિપા સહેજ ઝંખવાઈ ગઈ.

વાત વધુ ચાલે તે પહેલા દિપા ઊતરી ગઈ નિલય વિચારોમાં પડી ગયો.

‘નિલુ… ચાલને’ શર્વરી પાછળથી ધક્કો મારતા બોલી. બસ આવી ગઈ હતા અને તંદ્રામાંથી ઢંઢોળાતો નિલય શર્વરી અને શ્યામલી બસમાં બેસી ગયા.

શર્વુ અને શ્યામલી એક સીટમાં બેસી ગયા. નિલયને સામે સીટ મળી. શ્યામલી મુંબઈને જોતી હતી. શર્વરી ઘડીક શ્યામલીને તો ઘડીક નિલયને જોતી જોતી કશુંક વિચારતી હતી. અચાનક શ્યામલી બોલી – ‘નિલય તું મુંબઈ કેટલા વર્ષથી છે?’

શર્વરીએ જવાબ આપ્યો- ‘જ્યારથી કૉલેજ છોડી ત્યારથી…’

‘એટલે પંદરેક વર્ષ તો ખરાજ ને ?’   

 ‘હા..’      

‘પંદર વર્ષ પહેલાના અને આજના મુંબઈમાં શું તફાવત છે?’

‘ઘણો બધો, પહેલા તો ટ્રેનો આટલી બધી નહોતી અને પરામાં મકાનો જે ઝડપે વધે છે એવી ઝડપ તો હતી જ નહીં.’ 

‘હં, ભૂપતનું નિદાન સાચું જ છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં મકાનો ઝડપથી બનતા હશે’

ચુપચાપ સાંભળતી શર્વરી એકદમ બોલી – ‘ભૂપતભાઈ સિલ્કના ધંધામાં છે અને મકાનમાં એમનું Prediction સાચું પડે તેનું કારણ શું?’

શ્યામલીએ જવાબ આપ્યો. ‘એની ધંધામાં દીર્ઘદ્રષ્ટિ છે. એક દિવસ તે મને કહે – “શ્યામલી, માણસની મૂળભૂત જરૂરિયાતો કેટલી?” મેં કહ્યું – ‘રોટી, કપડા અને મકાન’ પછી એ કહે ‘બસ તો કપડા હું બનાવું છું તું મકાન બનાવ.’ ત્યારથી પેરેમાઉન્ટ કન્સ્ટ્રક્શનનો પાયો નખાયો. માણસની મૂળભૂત જરૂરિયાતો છે રોટી, કપડા અને મકાન. એટલે તેની માંગ અટકવાની નહીં.

શર્વરી શ્યામલીને શાંતિથી સાંભળતી રહી. બસ ઝડપથી પસાર થઈ રહી હતી. પ્રાર્થના સમાજના વળાંક પછી ચર્નીરોડ પરથી પસાર થતી હતી ત્યાં નિલય બોલ્યો – ‘શર્વુ ! પપ્પાની કાર જાય છે.’

શર્વરી આ પરિવર્તનથી જરા ચોંકી… નિલયે કદી બનારસીદાસને પપ્પા આટલી આત્મીયતાથી કહ્યું ન હતું

શ્યામલી – શર્વરી અને નિલય ફૉર્ટ પાસે ઊતરી ચર્ચગેટ તરફ વળ્યા.

શર્વરી તેની ઑફિસ તરફ વળી નિલય અને શ્યામલી વેસ્ટ એન્ડ હોટેલ તરફ નીકળ્યા.

જગ્યા માટે ત્રીસેક જણ આવ્યા હતા. એમાં કેટલીક કોલાબાની મલ્ટીસ્ટોરી બિલ્ડિંગની ઑફર હતી, કેટલીક નરીમાન પોઈન્ટ્સની, કેટલીક ફૉર્ટની અને કેટલીક મરીન ડ્રાઈવની.

દરેકે દરેક પ્રપોઝલ, નિલય અને શ્યામલી શાંતિથી સાંભળતા, જગ્યાનો નકશો  પેમેન્ટ ટર્મ્સ અને ભાવની નોંધ રાખતા, શ્યામલીની ઑફિસમાંથી આવેલ એકાઉન્ટ્સના શ્રીનિવાસન બાકીની બધી નોંધ રાખતા આ બધી ચર્ચામાં લંચ ટાઈમ ક્યાં નીકળી ગયો તે ખબર પડી નહીં.

રાજીવનો બેંગ્લોરથી ફોન આવ્યો ત્યારે સમયનું ભાન પડ્યું.

નિલય મનોમન વિચારતો હતો જબરી છે આ કંસ્ટ્રક્શનની દુનિયા, લાખોની હેરાફેરી – બ્લેક અને વ્હાઈટની મારામારી, દલાલી, ટાઇટલ ક્લિયર, એફ.એસ.એ ની ફ્લોર સ્પેસ એરિયાના બેનિફિટ્સ… દસ્તાવેજ વગેરે દરેકમાં શ્યામલી Expert હતી. પેપર પૂરા છે કે નહીં તેની ચકાસણી કર્યા પછી ભાવની રકઝક – જગ્યા જોવા જવાની બાબત પછી નક્કી થતી.

સાંજ સુધીમાં ૩૦ અરજીમાંથી ૪ સાઈટ જોવા જવાનું નક્કી થયું. તે સાઈટ ઉપરની બીજા દિવસની Appointment  લઈ લીધી.

પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનનું ખાતું ખોલાવી લીધું અને એ નંબર ટેલીફોન ઉપર રાજીવને આપી દીધો હતો એટલે પૈસા ટ્રાન્સફર થઈને આવી જવાના હતા તેથી પેમેન્ટ અંગે કોઈ ચિંતા નહોતી.  

ચારે જગ્યાઓનાં માલિક સાઈટ ઉપર હાજર હતા, દલાલો પણ હતા, ચર્ચા દરમ્યાન જે છેલ્લી વખતના બારગેઈન ડીલમાં શ્યામલીને નિલયે કહ્યું – ‘શ્યામલી હું એક નાનકડું સૂચન આપું?’

શ્યામલીએ હકારમાં ડોકું ધુણાવ્યું. નિલયે કહ્યું – ‘તું હવે ડીસીઝન ન લઈશ. હું આ બારગેઈન half the price સુધી લઈ જઈશ.’ શ્યામલીએ આશ્ચર્યમાં માથું હલાવ્યું – ‘half the price ?’

‘હા.’

સોરાબ તારાપોરવાલાનું મકાન જર્જરિત હતું તેને ડીમોલીશ કરી ત્યાં મકાન બાંધવામાં સમય લાગે તેમ હતો. મલ્કાપુરકર દલાલ હતો, તેની જગ્યાની પુરી કિંમત બ્લેકમાં માગતો હતો. જે પેરેમાઉન્ટ કન્સ્ટ્રક્શન માટે શક્ય નહોતું. આપ્ટેને જગ્યા વેચીને ભારત છોડવું હતું, એને એક જ ઝાટકે પૈસા જોઇતા હતા. અને શાંતિકાકાની જગ્યા સારી હતી પણ Future Expansions ની શક્યતા નહોતી, Sea Facing  જગ્યા હતી. પ્રાઇસ માટે એમને કંઈ જ બાંધછોડ કરવી નહોતી.

શ્યામલીને આપ્ટેની જગ્યા ગમી હતી. મલ્કાપુરકર વાચાળ અને અચ્છો દલાલ હતો. તારાપોરવાલા અને શાંતિકાકા ધંધાના જાણકાર હતા. નિલયે ચારે જણને તાજમાં પોતાની સાથે જમવા આવવાનું આમંત્રણ આપ્યું. શ્યામલી નિલયનો ખેલ જોતી હતી.  

ચારે જણા જોડે વાત કરતા કરતા નિલયે બે વાત સ્પષ્ટ કરી દીધી. એક તો એ કે પૈસા તરત મળશે… અને જોઇએ તે સ્વરૂપમાં અને સાથ સાથે દરેકને તેમના મકાનની તકલીફોથી પણ વાકેફ કરતો જતો હતો. તારાપોરવાલાને કહ્યું – મકાન ડીમોલીશ કરી નવું કંસ્ટ્રક્ટ કરવામાં સમય લાગે એટલે તેમનું એક્સપાન્શન  કામ ઢીલમાં પડે. આપ્ટે બહાર જતો રહે અને કોઈક કાનુની કામ આવી પડે તો તે જ રીતે વિલંબ નડે. મલ્કાપુરકરને દલાલીની રકમ સેલર પાસેથી લેવાનું સૂચવ્યું અને શાંતિકાકાની જગ્યામાં ફ્યુચર એક્સપાન્શન તકલીફમાં છે. તો તેનું શું કરવું. એમ કહીને ચારે જણાને વિચારવાનો સમય આપ્યો.

બપોરે ૪=૦૦ વાગ્યે એમની છેલ્લી ઑફર અને સોલ્યુશન લઈને વેસ્ટ એન્ડ પર મળવાનું જણાવી તાજ પરથી લગભગ ત્રણ વાગ્યે છૂટા પડ્યા. શ્રીનિવાસન ડીસ્ટર્બ હતો. એણે શ્યામલીને કહ્યું ‘મેડમ આપણે બ્લેક આપી શકીએ તેમ નથી.’  નિલયે શ્રી નિવાસનને ધરપત આપી, આપણે આપણી રીતે જ પેમેન્ટ કરીશું તેની ચિંતા ન કરતો. પણ બારગેઈન જેટલું નીચું આવે તેટલું આપણા હિતમાં છે.

શ્યામલીને આરામ કરવાનું કહી શ્રીનિવાસનને લઈને નિલય નીચે ગયો અને ચારે ચાર જણાને ફોન કરવા કહ્યું. ફોન ઉપર ચારે જણને તમારા Chances bright છે. Price માં બીજાની ઑફર ઓછી આવે તેમ લાગે છે. તેથી ભાવ જરા સમજીને ભરજો અને દરેકે દરેકને તેમના પ્રશ્નોનું નિરાકરણ આપી દીધું. તારાપોરવાલાને કહ્યું કે મકાન ડીમોલીશ કરી કંસ્ટ્રક્શન કરતા જેટલો સમય લાગે તેટલા સમયની ભાડાની ઑફિસનું ભાડુ ભરવાની સૂચના આપી. આપ્ટેને પાવર ઑફ એટર્ની આપીને જઈશ. મલ્કાપુરકરને દલાલી છોડવાને બદલે સેલરની નીચી પ્રાઇસ લાવી દલાલી લેવા માટે સમજાવ્યો વળી કંસ્ટ્રક્શનના કામમાં ભવિષ્યમાં જરૂર છે જ… અને શાંતિકાકાને એફ.એસ.એ. નથી તેટલી કિંમત ઘટાડવા કહ્યું. 

શ્રીનિવાસનને નિલયની વાતોથી ગૂંચવણ થતી હતી. શ્યામલીને તેણે તેનો પ્રોબ્લેમ તો કહ્યો હતો. આવા ડીલીંગમાં રાજીવ ક્યારેય શ્રીનિવાસનને રાખતો નહીં તેથી ગૂંચવણની સાથે સાથે થોડીક આત્મશાંતિ પણ મળતી હતી. પોણાચારે શ્યામલીને ઉઠાડીએ ચા પીતા પીતા શ્રીનિવાસન દ્વારા ફોન કરાવ્યાની વાત નિલયે કરી. તુક્કો છે પણ લાગી જાય તો નવાઈ નહીં.

  ચાર વાગ્યે શ્યામલી અને શ્રીનિવાસનના આશ્ચર્ય વચ્ચે નિલયનું કામ થઈ ગયું. તારાપોરવાલાની બે પ્રપોઝલ હતી, ભાડુ અને ભાવમાં રિબેટ. આપ્ટે પાવર ઑફ એટર્ની આપીને જશે. ભાવમાં નેગોસીએશનની તૈયારી સાથે મલ્કાપુરકર ભાવમાં ૩૦% ની રાહત લાવ્યો. જ્યારે શાંતિકાકાએ નફો છોડી દેવાની ઑફર કરી.

આપ્ટેની પ્રપોઝલ ફાઈનલ થઈ ત્યારે ૫૦% જેટલી કિંમત ઓછી હતી. રાતના આઠ વાગ્યે શ્યામલીને બેંગ્લોરનુ પ્લેન હતું તેથી આપ્ટેને ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું કહી સાડા સાતે છૂટા પડ્યા. આપ્ટે તેની કારમાં શ્યામલી અને નિલયને છોડવા આવ્યો.

એરપોર્ટ ઉપર શ્યામલીએ નિલયને ધન્યવાદ આપ્યા. રાજીવે તારા ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કર્યો. રાજીવને શ્રી નિવાસનને પ્રમોશન અપાવવાનું સૂચન કર્યું.

ખૂબ જ આત્મસંતોષ સાથે સાંજે ઘરે આવ્યો ત્યારે શર્વરીને નિલયનો ચહેરો વહાલથી ચૂમી લેવા જેવો લાગ્યો. શર્વરી કહેતી હતી.

‘નિલય – આ કેવી રીતે બન્યું?’

‘આત્મવિશ્વાસ જાગી ગયો હતો. બેકારી અને નિષ્ફળતાઓએ મારી જાતને ડગમગાવી દીધી હતી. રાજીવ અને શ્યામલીએ મારી શક્તિઓમાં વિશ્વાસ મૂકીને ફરીથી મને જાગૃત કર્યો. થોડુંક આવનાર બાળકનું તકદીર, થોડુંક તારું અને મારું તકદીર… ’

‘ ખરેખર ?’

‘હા. નહીં તો અત્યાર સુધી કશું મળતું નહોતું એના જન્મ પછી ખુદાએ છપ્પર ફાડીને આપ્યું- ’

શર્વરી નિલયને જોઇ રહી. માની નજરે … એનું તોફાની રમતિયાળ છોકરું જે ભણવામાં પ્રમોશનથી ધક્કો માર્યા પછી પાસ થાય તે બીજા ક્ષેત્રમાં પ્રથમ નંબરે આવે ત્યારે જેવી શાંતિ થાય તેવી હાશ વાળી શાંતિ આજે તેને થતી હતી.

નિલયનું મગજ બહુ ઝડપથી ઘણું બધું વિચારતું હતું. જગ્યાના પઝેશન પછી Staff selection, Advertisement, Office establishment રાજીવના એક્સપેક્ટેશન જેટલું કાર્ય એની સમયમર્યાદામાં પૂરુ કરવા શક્ય તો હતું જ પણ પ્રોપર પ્લાનીંગ વિના સંભવ બને તેમ ન હતું.

‘નિલય…’ શર્વરી નિલયને ઢંઢોળતી હતી.

‘હં..’  

‘શું વિચારમાં પડી ગયો?’    

‘શર્વુ કેવી વિચિત્રતા છે ! સમય હતો ત્યારે કાંઈ જ પ્રવૃત્તિ નહોતી અને હવે જ્યારે સમય નથી ત્યારે ઘણી બધી પ્રવૃત્તિ છે.’    

‘કેમ , આવું વિચિત્ર બોલે છે? શાનો સમય ?’  

‘જવા દે તું હસીશ…’    

‘ના કહે…’    

‘હું પ્રવૃત્તિના જંગલોમાં ઘુસી રહ્યો છું જુનિયર આવશે ત્યારે તેની સથે રમવા સમય નહીં હોય અને જ્યારે સમય હતો ત્યારે જુનિયર નહોતો…

‘ધત્ત… જબરો દોડે છે વિચારોમાં…’

આપ્ટેની જગ્યા નરીમાન પોઇન્ટ ઉપર હતી. આજુબાજુ ઘણી મલ્ટીનેશનલ કંપનીની રજિસ્ટર્ડ ઑફિસ હતી. આપ્ટે કોમ્પ્યુટર  ઇજનેર હતો. અને અમેરિકાની ફર્મ સારા પગારે બોલાવતી હતી.  પૈસાનું કામ એ કોઈ પર છોડવા માગતો નહોતો અને આ ભાવમાં તેની મૂડી અને વ્યાજ છૂટી જતું હતું. વકીલે પેપર તપાસી લીધા. ટાઇટલ ક્લિયર હતું. બાવીસ લાખનો પહેલો ડ્રાફ્ટ નિલયે આપ્ટેને આપ્યો ત્યારે એક ધડકન હૃદય ચૂકી ગયું. આ તો શરૂઆત હતી. હવે તો આ રીત કાર્યરત રહેવાનું જ છે.

નવા ફર્નિચર, નવો સ્ટાફ, નવા આયોજનો શરુ થતા હતા. શ્રી નિવાસન ખાસ્સો મદદરૂપ થતો હતો.

Interview letter dispatch કરતાં રાધા નાયકની અરજી જોઈ. તેને લેટર ન આપતા નિલયે તે કાગળ જાતે લઈ લીધો. સાંજે ઘરે પાછા વળતાં રાધાના ઘરે શર્વુને લઈને જવાનું વિચાર્યું.

શર્વરી – રાધાને ઓળખતી ન હતી. અચાનક નિલયની પ્રપોઝલથી નવાઈ લાગી પણ આમેય આઉટીંગ કરવાનું જરૂરી હતું તેથી તે સાંજે તૈયાર થઈ ગઈ.

રાધા નાયક એ સ્કૂલ અને કૉલેજ દરમ્યાન હતી તે રાધા દેસાઈ હશે તેવી આછી પાતળી શક્યતાઓને encash કરવા ઘરે જવાનું રાખ્યું હતું. રૂપા દ્વારા ક્યારેક રાધાના લગ્ન વિશે જાણ્યું હતું.   પણ તે તો લાખોપતિ હતો તેની પત્નીને નોકરીની અરજી કરવી પડે તે શક્ય નહોતું છતાં પણ તક લેવા એ રાધા નાયકને ત્યાં રાત્રે ૮.૩૦ વાગે પહોંચ્યાં.

પ્રકરણ (11) 

શર્વરીએ વાતો સાંભળીને રાધા નાયકને મળવું છે તેમ જણાવ્યુ – ઘરમાં દાખલ થયા. ત્યારે નાનકડા દિવાનખંડમાં સુખડની માળા અને જન્મ – મૃત્યુ – નામ વગેરે નાના અક્ષરોએ લખેલું હતું ભરત મકનજી નાયક. મૃત્યુ થયે બે એક વર્ષ થયા હતા.

સામે સફેદ વસ્ત્રમાં રાધા નાયક ઊભી હતી.સાથે નાનકડો દસ વર્ષનો સ્મિતલ પણ હતો.

‘ઓળખ્યો મને?’ – નિલયે પ્રશ્ન કર્યો.

‘નિલયભાઈ ?’

‘હા.. આ શર્વરી તારી ભાભી.’

‘નમસ્તે રાધાબહેન – આ બધું શું બન્યું?  કેવી રીતે બન્યું?’

‘એક બહુ લાંબી કહાની છે. ક્યારેક ફરી. બેસો તો ખરા.’

‘રાધા તારી અરજી મારી પાસે આવી હતી.તેના અનુસંધાનમાં તને મળવા આવ્યો હતો.’

‘તમે પેરેમાઉન્ટમાં છો?’

‘ હા.’

‘સ્વૈચ્છિક રીતે સાદગી પસંદ કરી છે. ભરતની મિલ્કતને ટ્રસ્ટ કરી દીધી છે. સ્મિતલની ’

‘પણ ભરતને થયું શું હતું તે તો કહે.’

‘સુરતમાં તેમની ઘણી લુમ્સ હતી. તેમાંથી સિલ્ક મિલ્સ ઊભી કરી. આ સિલ્ક મિલ્સની ધીકતી આવક હતી. સ્પષ્ટ વક્તા ભરત મને ગમ્યો, મળ્યા, સુખમાં સાત વર્ષ વીત્યા. સ્મિતલનાં નામ પર સ્મિતલ સિલ્ક મિલ્સ શરૂ થઈ. પછીની વાત ઘણી સફળતાની હતી. મીટરે ૫ થી ૬ રૂપિયાનો ચોખ્ખો નફો. તેમાં પણ નવી નવી ટેક્નોલૉજીને કારણે ખર્ચ ઘટતો ગયો. આવકની ટંકશાળ પડે. એટલે ગોળના ગાંગડા પર કીડા તૂટી પડે એમ જુદી જુદી જાતની વાતોથી ગવર્નમેન્ટ એજન્સીઓ, આડતીયાઓ, વેપારીઓ અને જાતજાતની ખોપરીઓ સાથે તેમનું ઊઠવા બેસવાનું થતું.

એક દિવસ મિલના વીવિંગ માસ્ટર સાથે સંઘર્ષ થયો. અને એણે જઈને ગવર્નમેન્ટ એજન્સીઓમાં ઘણી ખાનગી બાબતો આપી દીધી. બીજા દિવસે સવારે ચાર વાગ્યે સામૂહિક ૨૫ માણસોએ બંગલા પર, મિલ પર, ફાર્મ પર રેડ પાડી. ભરત સ્પષ્ટવક્તા હતો. તેણે કંઈ જ છુપાવ્યું નહીં. રેડ ચાર દિવસ ચાલી. સોદાબાજી થતી હતી. દરેકને પોતાનું કંઈક જોઇતું હતું. ટેક્ષ ન ભરવા સલાહ અપાઈ આટલું આપી દો. અમે કાગળીયા કરી દઈશું.

સાંજે દારૂની મહેફીલમાં બધાને ઘેનની દવા પાઈ  બધા કાગળીયા ચોપડા ગુમ કરાવી દીધા. વીવિંગ માસ્ટરને ખોખરો કરાવ્યો. આ બધું કાર્ય કરવામાં બચાવવાની ભાવના નહોતી પરંતુ લાંચીયા અધિકારીઓને સબક શીખવાડવાની ભાવના હતી.

દરેકને લાગ્યું કે સૌ ઉઘાડા પડી ગયા. તેથી સમસમીને લાગ જોઇ બેસી રહ્યા. સ્મિતલ સિલ્ક મિલ્સમાં યુનિયનની સાઠમારી શરૂ કરાવી… અને એક દિવસ આખો સ્લેબ ભારે ધડાકા સાથે નીચે તોડી પડાવ્યો પાંચ સાત મજૂરો દબાયા… ભરત પણ એમાં જ… દબાયો.

રાધાના સપાટ ચહેરા માં આ વાત કહેતા કોઈ જ ભાવો નહોતા.

ત્યારથી – એક આંતરિક શક્તિના સ્ત્રોત સાથે ઝઝૂમું છું. નોકરી મળે છે. છૂટે છે. રાધામાં ભરતની બધી ડેરીંગ છે. બિઝનેસ એડમીનીસ્ટ્રીનું ભણી રહી છું, સેક્રેટરિયેટના કોર્સ ચાલુ કર્યા છે.

‘રાધા, એક ચેલેન્જ વાળી ઑફર છે. અને તે પેરેમાઉન્ટમાં પર્સનલ રીલેશન મેનેજર તરીકેની. એક વસ્તુ સ્પષ્ટ છે. જેણે પૈસા જોયા છે અને પૈસાની મોહિની જેને લાગી નથી તેવી વ્યક્તિ આ કાર્યમાં ખૂબ જ સફળ થાય છે. તું મારી સાથે પેરેમાઉન્ટમાં જોડાઈશ?’

રાધાની આંખમાં ઝાંખી ઝાંખી  ભીનાશ હતી… નિલય જોઇ શકતો હતો…

રાજીવે જેમ નિલયને સિલેક્ટ કર્યો ત્યારે જે સમયસરની મદદ અને આભારનો ભાવ અને આનંદ તે હસીને શર્વરી… રાધાની હસતી આંખોમાં ભરતને જોઇ શકતી હતી.

‘રાધા, તું ભરતની વિધવા નથી સધવા છું . ભરત તારી આંખોમાં હજી જીવે છે.” શર્વુ બોલી… અને પહેલી જ વખત રાધા શર્વરીના ખભા પર માથુ નાખીને મોકળ્ મને રડી…’ સ્મિતલ વિચારમાં પડી ગયો.

શર્વરી એ તેને રડવા દીધી એનો ડૂમો ખાલી થયા પછી બોલી… ભાભી એકલી એકલી ખૂબ જ પીડાઈ છું. મારા ઘરવાળાને પણ બહુ હેરાન કર્યા છે. પણ હવે એ માઠા દિવસો લાંબા નહીં રહે…  નિલયે શર્વરીને નવા રૂપમાં જોઇ રહ્યો હતો. શ્યામલી સાથે સાહજીકતાથી ભળી ગયેલી શર્વરીએ રાધાને પણ કેટલા પ્રેમથી  સ્વીકારી લીધી? અને પોતે?

શર્વરીના જીવનમાં આવતા વયસ્ક પિતા તુલ્ય બનારસીદાસને પણ સ્વીકારી નથી શકતો… આવી કૃપણતા… ઉપર એને જાતે જ પોતાની જાત ઉપર ધિક્કાર આવ્યો. વિચારોમાં આગળ વધે તે પહેલા સ્મિતલ બોલ્યો.

‘મામા! તમને મારા fancy dress competition માં કરેલો ડ્રામા બતાવું?’

નિલય એની સામે હકારમાં જોઇ રહ્યો.

                           *****

સારા ફાર્માસ્યુટીકલ્સમાં નિલયનાં કેસ પેપર સહી થઈ રહ્યા હતા. વિયેરા ઉપર એસ.કે. પાટીલ દ્વારા પ્રેશર આવ્યું.

ખંભાતા કાગળ ઉપર હિસાબ માંડતો હતો ત્રણ વર્ષનો બેઠો પગાર ૭૬૦૦૦,  બોનસ ૧૨૦૦૦, હાઉસિંગ એલાઉન્સ ૨૪૦૦૦, વેહીકલ એલાઉન્સ ૧૭૦૦૦, મેડિકલ એલાઉન્સ ૨૨૦૦૦, એક લાખ ને એકાવન હજાર…  કેસ પાછો ખેંચવાથી થતી બદનક્ષી, ફરી પાછો નોકરીમાં આવે તો તેનાથી થતી અડચણો.

વિયેરા ટાલ ઉપર હાથ ફેરવતા ફેરવતા વિચારતા હતા. મારો બેટો ગુજરાતી જબરો છે. બેંગ્લોરથી પ્રેશર લાવ્યો. પાટીલ દ્વારા ગવર્નમેન્ટ હોસ્પિટલોમાં સારા ફાર્માસ્યુટીકલ્સની કરોડો રુપિયાની રેટ કોંટ્રાક્ટ દ્વારા થતી આવકોની સામે આ વળતર તો કંઈ જ ન કહેવાય… પણ એ જિદ્દી માણસ કોમ્પ્રોમાઈઝ કરશે ખરો?  આમ તો વિયેરા પણ અંદરથી ચાહતો હતો કે નિલય કૉર્ટમાં જીતે….

રીચાર્ડસનને વાત કરી જોઇ. રીચાર્ડસન પણ કોમ્પ્રોમાઈઝ કરવાના મતમાં હતા. પાટીલને નારાજ કરવાનું ગજું તેનામાં નહોતું.

ખંભાતાને નિલયના ઘરે જવાનું કામ સોંપાયું.

રાધાની નિમણુંકથી કાર્યભાર ઘણો સરળ થઈ ગયો હતો. અગત્યના કાગળો જોવા સિવાય બહારના Touring and Development ના તથા Persuasion ના કાર્યો નિલયે જાતે સંભાળી લીધા હતા. ઑફિસ ખુલ્યા પછીના બે મહિનાનું કલેક્શન રાજીવની ધારણા જેટલું જ હતું. પણ નિલય તેનાથી સંતુષ્ટ નહોતો. Advertisement થી બેરોજગારીનું નિરાકરણ ઘરનું ઘર… જેવી કંઈ કેટલીય વાતો એ રોજ કેટલાયને કહેતો પણ તેને એવું જ લાગતું કે કંઈક ફાસ્ટ કરવું છે.

મલ્કાપુરકરને ફોન કરીને બોલાવ્યો. તેની સાથે ચર્ચા કરીને કંઈક તારણ કાઢવા તે મથતો હતો. શું કરીએ તો આ યોજના ત્વરિત ગતિએ નીચે ઊતરે.

મલ્કાપુરકરે દસ બાર સૂચનો કર્યા પણ બહુ જામ્યું નહીં. વિચારોનો અવઢવમાં મલ્કાપુરકરે એક સાવ સામાન્ય લાગતો વિચાર રજૂ કર્યો.

‘દસે એકની સ્કીમ આપીએ તો?’

‘દસે એક એટલે?’

‘જે માણસ દસ નવા ગ્રાહકો લાવે તેને એક ઉપરની રેંક આપી દસેયના કામનું કમિશન આપવું અને એ દસેયને ફરીથી નવા દસ બનાવવા કહેવું એટલે જે વિકાસ આવે તે પહેલા દસ પછી સો પછી હજાર… અને દસ હજાર…’

‘પત્તાના મહેલ જેવી વાત કરો છો !’

‘પત્તાનો મહેલ નહીં… યોગ્ય જગ્યાએ ગુરુત્વબિન્દુ સાચવીને ઊંધો પિરામિડ ઊભો કરવાનું કામ કરું. છું.’

‘યોગ્ય જગ્યા એટલે શું?’

‘જરૂરિયાતમંદ માણસો સિવાય … કોઈ જ મોટો કોંટ્રાક્ટર કે બિલ્ડર ન આવે તે રીતે કમિશનથી માણસો દ્વારા માણસો વધારવા.’

‘આઈડિયા તો સારો છે. પણ વ્યવહારુ છે ખરો?’     

‘કેમ? તમને દસમાંથી સો થશે કે કેમ તેની શંકા પડે છે?’

‘હા.’

‘તમે પરવાનગી આપતા હો તો હું સીધા એવા દસ માણસો તમને દસ દિવસમાં આપું કે જેઓ એમની નીચે દસને લઈને આવશે.’

‘દરેકને લોન મળશે તેવી કોઈ બાહેંધરી ન આપતો હં કે?’

‘લોન માટે તેઓ હજી તો તો તેમના શરૂઆતમાં હપ્તા ભરશે… ત્યાર પછીનો એ પ્રશ્ન છે.’

‘આ ટ્રાયલ કરવા જેવો લાગે છે. બે કામ કરજો એક તો દરેકનો બાયોડેટા અને ફોટોગ્રાફ લેજો.’

‘કેમ ? એની શું જરૂર છે?’

‘આપણે કેટલા માણસોને રોજગારી આપીએ છીએ તેનું પ્રમાણ આપણી પાસે રહે તે માટે. ’

‘ભલે – પણ તેમાં મારું શું વળશે?’

‘ઉઘરાવાતા દરેક હપ્તા ઉપર તમારું એક વર્ષનું બે ટકા વળતર સાચું.’

‘બોલ્યા છો તો પાળજો હો નિલયભાઈ..’

‘જો ભાઈ,  પહેલા હપ્તાના બે ટકા મને વાપરવાની છૂટ છે.’

‘મને બે ટકા – મારી નીચેવાળાને કેટલા ?’

‘તેને પણ બે ટકા.’

‘અને જે ખરા કામ કરનારાને?’

‘અને તેમની નીચે જે ખરા કામ કરવાવાળા છે તેમને પાંચ ટકા.’

‘અને એ બધાનો વહીવટ કેવી રીતે કરશો?’

‘આ ગણતરી – એકાદ બે દિવસમાં મૂકી લઈશું. પણ આ ટ્રાયલ સ્કીમ છે તેથી સમય બંધન જરૂરી છે. તેમને દસ દિવસ અને એમની નીચે બીજા દસ દિવસ આમ કુલ્લે વીસ દિવસમાં લઘુત્તમ ૧૦૦ માણસો અને તેમના દ્વારા ઉઘરાવાતી રકમ ઉપર છેલ્લા દસ દિવસમાં તમારું અગિયાર અગિયાર જણાનું કમિશન ચૂકવાઈ જશે.

‘ભલે નિલયભાઈ, મહિનાના અંતે મારા ત્રણ હજાર રૂપિયા નક્કી રાખજો.’

નિલયે મનમાં ગણતરી મૂકી, જો આયોજનમાં સફળ થાય તો આ મહિને દોઢ લાખ રૂપિયા આવશે. એનું હૃદય ફરી એક ધબકારો ચૂકી ગયું.

એને એક વિચાર વધુ આવ્યો. મલ્કાપુરકર જેવો દલાલ જો આ યોજના વિચારી શકતો હોય તો દરેક શહેરે શહેરે જે દલાલો છે તેમને આ પ્રકારની યોજના આપીએ તો ?

રાધા સાથે આ ચર્ચા કરવાની જરૂરિયાત જણાઈ. રાધાએ નિલયને એક મહિનો જ્યારે ટ્રાયલ ચાલે છે ત્યારે રોકાઈ જવાની સલાહ આપી. નિલયનું મગજ ઘણું ઝડપથી વિચારતું હતું ત્યાં ફોન આવ્યો. બેંગ્લોરથી રાજીવ હતો. તેનો આ સ્કીમ વિશે અભિપ્રાય માગ્યો. બેંગ્લોરમાં એ પ્રકારની સ્કીમ સફળ નહોતી થઈ પણ બીજા ઘણા પરિબળો તેમાં હતા. મુખ્ય માણસ Strong  હોય તો થઈ શકે તેવો આશાવાદ તેની વાતમાં દેખાયો.

વિયેરા ઉપર પાટીલનો સંદેશો ગયો છે. અને કોમ્પ્રોમાઈઝ કરવાની વાત આવે તેવી શક્યતાનો ઇશારો મળ્યો છે. તેમ જણાવી રાજીવે ફોન ડીસકનેક્ટ કર્યો. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ (12)

ત્રીજા દિવસે મલ્કાપુરકર આવ્યો તેની સાથે ચારેક જણ હતા. તેમને પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શન ની પ્રગતિ, ઘરનું ઘર માટેની યોજના, લોન માટેના કાગળીયા, શરૂઆતના હપ્તા જેવી નાની નાની ઘણી બાબતોની માહિતી નિલયે આપી.

મલ્કાપુરકરે એ ચારે સાથેની વાતચીત પત્યા પછી એક ફાઈલ આપી જેમાં દસ અરજી, દરેકના બાયોડેટા તથા ફોટોગ્રાફ હતા. અને સ્કીમની સફળતાનો આશાવાદ પણ  હતો. સભ્યપદના ૧૦૦ ફોર્મ ખરીદીને દસમા દિવસે મળવાના વાયદા સાથે તે તેના સાથીદારો સાથે નીકળી ગયો.

નિલય દસ અરજી અને બાયોડેટા જોઈને વિચારમાં પડી ગયો. રાધાને તે ફાઈલ બતાવી. રાધાનો Business Administration નો અનુભવ કહેતો હતો કે દસેય અરજી આ પ્રકારના કાર્યો કરનાર મજબૂત બૅકગ્રાઉન્ડ ધરાવતા માણસોની હતી. શ્રીનિવાસન અને સ્ટાફના માણસો પણ મલ્કાપુરકરના ધડાકાથી વિચારમાં પડી ગયા.

પાંચમે દિવસે કિસનવાડી ચિંચપોકલી હાજીબાપુની ચાલ વાળા વિસ્તારમાંથી પંદર જણ તપાસ કરવા અને મળવા આવી ગયા. મલ્કાપુરકર જોડે તમને ચર્ચા થયેલી અને મકાન બાબતે જ તેઓ મળવા આવેલા.

સાતમે દિવસે ટોળું ઘણું મોટું હતું. ફોર્મ સારા એવા ઊપડી ચૂક્યા હતા. દસમે દિવસે મલ્કાપુરકરે એકસો ને સિત્યોતેર ફોર્મ આપ્યા. કુલ રકમ સવા બે લાખ હતી. અને હજી દસ દિવસ બાકી હતા.

મલ્કાપુરકરે દરેક નબળા વર્ગના રહેઠાણોમાં એક એક બેરોજગારને નિમણૂક કરીને તેમને “મકાન માટે આજે બચાવો”  સૂત્રને ગાજતું કર્યું હતું. રોજની આઠ થી દસ કલાકની અગિયારે અગિયાર પ્રતિનિધિઓની મહેનતને કારણે આ ઉઘરાણું શક્ય બન્યું હતું.

આ ફોર્મને પ્રોસેસ કરવાના, દરેકના પૈસાની પહોંચ આપવાની અને અન્ય વહીવટી કાર્યમાં સાંજના સાડાસાત વાગી ગયા.

મલ્કાપુરકર અને એની સાથેના દસેય સભ્યોને નિલયે શાબાશી આપી. સાથે લંચ લીધું અને તેમના પ્રતિભાવો જાણ્યા ત્યારે તે દંગ રહી ગયો. દસે દસ જણા આવનારા દસ દિવસમાં બીજું આના જેટલું અથવા તેથી વધુ કાર્ય કરવાના ઉત્સાહમાં હતા.

દરેક જણ એક વર્ષ સુધીના હપ્તા ઍડ્વાન્સમાં લાવવા તૈયાર હતા. નિલયને આ ઉત્સાહ ટકાવી રાખવામાં રસ હતો, તેથી તળીયાનાં કાર્યકરોને પાંચ ટકા ઉપરાંત જે લક્ષ્યાંકોને દોઢા કરે તેમને ચાંદીની મુદ્રાની જાહેરાત કરી.

વીસ દિવસે જ્યારે પરિણામ આવ્યું તે ખૂબ જ ચમત્કારિક હતું. મલ્કાપુરકરની નીચે દસે દસ જણે તેમનું નિર્ધારિત લક્ષ્ય તો પૂરું કર્યું હતું પણ એમની નીચે ૨૨૫ માણસો આવ્યા. આ દરેકનું કુલ મળીને ૨૭૪૦ ફોર્મ ભરાયા. જેનું કુલ કલેક્શન અઠ્ઠયોતેર લાખ જેટલું થતું હતું.

રાજીવે ફોન પર વાત સાંભળી તો ઊભો જ થઈ ગયો. વહીવટી પ્રશ્નો ઊભા થશે તેવી દહેશત લાગી – અને રાત્રે જ રાજીવ – બરખા – શ્યામલી અને બીજા સ્ટાફનાં પંદરેક માણસો સાથે તે મુંબઈ જવા નીકળી ગયો.

રાધા – શર્વરી – શ્રીનિવાસન – મલ્કાપુરકર અને તેની ટોળકી સૌ આનંદમાં હતા.

ખંભાતા ફોન ઉપર હતો. નિલયને વિયેરા તથા રીચાર્ડસનનો સંદેશો આપવાનો હતો તેથી ટેબલ ટોક કરવા બોલાવતો હતો.

નિલયને અંદાજો તો આવી જ ગયો હતો. રાજીવની વાતથી તે સમજી તો ગયો જ હતો. પ્રપોઝલ સામેથી આવતી હતી. તેથી મક્કમ રહીને છેલ્લા ત્રણ વર્ષની વેદના, ત્રાસ અને અપમાનોનો ભરપૂર બદલો લેવાની તક મળી હતી.

સાંજના પાંચના ટકોરે ખંભાતા તેને લેવા આવવાનો હતો. વિયેરા અને અને તેના વકીલ ઓબેરોયમાં તેની રાહ જોવાના હતા. પાંચ વાગ્યે ખંભાતા આવી ગયો. નિલયની ઑફિસ… ચેમ્બર… અને તેનો રુઆબ જોઇ એનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું, આ માણસ એની જીદમાં ક્યાં ફેંકાઈ ગયો હતો… અને આજે ક્યાંથી ક્યાં હતો..?

પુરી સહૃદયતાથી નિલયે ખંભાતાને આવકાર્યો, ઠંડું કે ગરમ ઑફર કર્યા બાદ ખંભાતાને તેની તબિયત વિશે પૂછ્યું. ખંભાતા ફક્ત હાવભાવથી જ હા કે નામાં જવાબ આપતો હતો.

નિલયે બીજા સહકાર્યકરો વિશે પૂછ્યું ખંભાતા ,  ખંભાતા ફક્ત એક જ વાક્ય બોલ્યો , ‘ચાલો જઈશું- ?’  નિલયે સંમતિસુચક પગલે ખંભાતા ને કહ્યું – ‘ચાલો’

કારમાં ખંભાતાએ પૂછ્યું ‘મિ. બુચ: રાજકીય દબાણ ક્યાંથી લઈ આવ્યા? ’

‘ઑનેસ્ટી ક્યાંક તો પૂછાય છે. ખંભાતા. ’

‘હા પણ હવે અહીં તમે શું કરવાના છો?’ ‘તમે મને શાના માટે બોલાવો છો તે તો તમને ખબર છે જ…’

‘બે બીઝનેસમેન વાતો કરશે એટલે ખ્યાલ તો આવશે જ ને …’

‘હું સમજ્યો નહીં’ –  જરા ખચકાતા ખંભાતા બોલ્યો.

‘સમજો ના તેવા નાસમજ તો તમે નથી જ … અને ત્રણ વર્ષ જેના પેટનું પાણી કેટલાય ધમપછાડા કર્યા તોય ના હલ્યું તે માણસો ઓચિંતા સામેથી કોમ્પ્રોમાઈઝ કરવા બોલાવે … તે ઘટના સમજી શકાય તેવી તો હોય જ ને… ’

‘ભલે હોટેલ પર પહોંચ્યા પછી થોડીક વધુ વાતો કરીશું તો ચાલશે? ’

‘ભલે આમેય તમે મારા સીનિયર છો તેથી માન આપું છું – ’

હોટેલ ઉપર વિયેરા – વકીલ ટી. થોમસ અને કોઈક ત્રીજા ભાઈ બેઠા હતા. નિલયને જોઈને વિયેરા ઊભા થઈ ગયા . ‘આવો… આવો.. મિ. બુચ’

‘થેંક્સ’ – નિલયે સૌમ્યતાથી કહ્યું.

‘શું લેશો ? ’

‘કોલ્ડ્રીંક ચાલશે….’

‘ખંભાતાએ તમને વાત તો કરી જ છે. તેથી હું આગળ વાત કહું.’ ‘આપણી ચર્ચામાં દરેક સભ્યોનો પરિચય જરૂરી છે, એવું નથી લાગતું તમને ?’ નિલયે પ્રશ્ન કર્યો.

‘હા. આ ટી. થોમસ કંપનીના વકીલ છે. અને આ ભાઈ એમના સહાયક છે.’

‘તમારી પ્રપોઝલ શું હશે તેની મને કોઈ ગણતરી નથી. અને આંકડો તમે પાડશો મારે તો ખાલી હા કે ના જ કહેવાની છે.’

‘ટી. થોમસ : – ‘વચ્ચે દખલ બદલ માફ કરજો પણ – કાનુની બાબત છે. તેથી પૂછું છું. રકમ નક્કી થયા પછી તમે કેસ પાછો ખેંચી લો છો. અને કંપની તમને સ્વીકારવાની નથી. એ બે વસ્તુ સ્પષ્ટપણે જાણી લેશો.’

‘થેંક્સ સ્પષ્ટતા બદલ. કંપનીમાં મને ઘણું શીખવા મળ્યું છે. કંપનીને મેં ઘણું આપ્યું છે. એની સામે કંપનીએ મને બેદરકારનો ખિતાબ આપ્યો છે. અને ત્રણ વર્ષની શરમજનક બેકારી. તમારા સ્ટૅટિસ્ટિક્સ આ શરમિંદગીની કોઈ કિંમત તો નહીં હોય પરંતુ સારા અને સાચા મિત્રોની મદદથી તે મેં ભોગવી છે.’

વિયેરા : ‘મિ. બુચ જે બન્યું તે ન બન્યું થવાનું નથી અને જો તમે ફરીથી કંપનીમાં જોડાવાના હો તમે માનભેર રહી શકશો કે કેમ તે શંકા છે. કારણ કે હાલ તમારી જે પોઝિશન છે તે કંપનીમાંની તમારી જે ગ્રેડ હતી તેના કરતા ક્યાંય ઊંચી છે.’

‘આપણે મારા ભૂતકાળમાં હતા, તમે મારા વર્તમાન પર કેમ નજર નાખો છો?’

‘આડી વાતો પરથી મૂળ વાત પર આવીએ, કેસ પાછો ખેંચી લેવા માટે કંપની તમને તમારો અર્ધો પગાર આપશે – ત્રણ વર્ષનો.’

નિલયને જાણે કોઈએ ગાલ પર તમાચો માર્યો હોય તેવો અહેસાસ થયો.

‘Thanks Mr. Viera for the drinks .  મને લાગે છે મારો સમય આ વાતો કરતા વધુ કિંમતી છે. બાય.’

‘પણ મિ. બુચ’

‘જુઓ આપ મારા સીનિયર છો આપનું માન રાખવા હું આવ્યો છું તેનો મતલબ એમ નથી કે હું મારું અપમાન થવા દઈશ.’ નિલય કડક અવાજે બોલ્યો.

‘પણ મિ. બુચ આમાં અપમાન જેવું ક્યાં કંઈ છે?’

‘એમ જ છે. આ ફેર ડીલીંગ નથી. તમને ખબર છે કૉર્ટમાં હું જીતીશ અને પૂરો પગાર અને પાછી જોબ બંને મળવાની છે. અને સાથે બદનક્ષીનો દાવો કરીને જે પૅનલ્ટી મેળવીશ તે નફામાં…. તેની સામે છોકરાને પટાવતા હો… ઉપકાર કરતા હો તેમ … હાફ પે… નોકરી નહીં… જેવી બાલિશ શરૂઆત કરો છો મને કહેતા દુ:ખ થાય છે કે આ ખૂબ જ સંકુચિત અને વામણી શરૂઆત તથા રજૂઆત છે.’

‘OK full salary… Done?’

‘Forget it હું જીતવાનો છું અને ત્રણ વર્ષ રાહ જોઇ બીજા પાંચ વર્ષ રાહ જોઈને હું પૂરેપૂરું મેળવવાનો જ છું. તમે શોષણકર્તાઓના ખરીદાયેલા અમારા જેવા પગારદાર છો જે પોતાના હજાર રૂપિયાના પગાર વધારવા માટે અમારા જેવા નવા કાર્યકરોનું શોષણ કરવાના નવા નવા કિમિયા શોધી માલિકને લાખો અને કરોડોનો ફાયદો કરાવો છો. મને એ શોષણ કેમ અટકાવવું એ આવડે છે.’ 

‘મિ. બુચ તમે તો કાંઈ સામ્યવાદી નેતા બની ગયા લાગો છો, મુડીવાદી વલણોને તોડવાની વાત કરવી સારી છે. મૂળ મુદ્દા ઉપર ફરીથી આવું – સેલેરી વત્તા બધા જ એલાઉન્સ જે ખરેખર તમને મળવાપાત્ર નથી… છતાં પણ…’

‘હં ! અને ‘બેદરકાર’નો ખિતાબ જે આપ્યો છે. તેના વિશે શબ્દ કહેશો?’

‘બસ હવે વધુ ન કહેશો. બોનસ, એલાઉન્સ અને સેલેરી થઈને કુલ એક લાખ અને પચ્ચીસ હજાર પૂરા તમને મળી જશે.’

નિલયનું મગજ બહુ ઝડપથી કાર્ય કરતું હતું… બધું વિના સહકાર આપી દેવાનો મતલબ… સ્પષ્ટ છે…  પાટીલ દ્વારા મોટો કંઈક લાભ મળતો હશે… અને એની સામે મામૂલી રકમ હોવી જોઇએ… કેસ સેટલ થશે એટલે પાટીલ પણ માગશે અને ઈન્કમટેક્સની ક્વેરી ખરી જ…

નિલય… ખડખડાટ હસી પડ્યો…

‘મિ. વિયેરા… પાટીલ દ્વારા બેંગ્લોરની હોસ્પિટલોના કરોડો રૂપિયાના રેટ કોંટ્રાક્ટરનો સોદો આમ સાવ સસ્તામાં પતશે એવું તમે કેમ માની લીધું?’

છક્કડ ખાવાનો વારો હવે ખંભાતા અને વિયેરા બંનેનો હતો…આ નિલયનું હુકમનું પત્તું હતું…

‘તો મિ. બુચ તમે જ કહો અને આપણે નક્કી કરીએ…’

‘જુઓ સાહેબ ત્રણ વર્ષમાં મેં ઘણી દુનિયા જોઇ નાખી, નબળાને દબાવનારા અસંખ્ય મળે છે પણ બળિયે બળિયા મળે અને જે સંઘર્ષો થાય તે જ ખરા.’

‘અત્યારે અમારો હાથ તમારી નીચે છે એટલે આ ફિલોસોફી બોલવી સારી લાગે છે…’  

‘હા એક્ઝેક્ટલી આમજ… જ્યારે મારો હાથ તમારી નીચે હતો ત્યારે… ક્યારેક… મિ. બુચ ખોટો હેરાન થાય છે કરીને કર્ટસી ખાત પણ પૂછવા આવ્યા હતા? ના મિ. વિયેરા ના, હવે એ બધી ક્ષણોનો, બધા જ અપમાનોનો… સંયુક્ત રીતે લાભ મેળવવાનો સમય આવી ગયો છે.’

‘જુઓ, આડી વાત ના કરશો અને જે થયું તે ના થયું થવાનું નથી.’

‘ફક્ત તમારી જાણ ખાતર… હોસ્પિટલનો રેટ કોંટ્રાક્ટર તમારા ભાવો કરતા ઊંચા ભાવો વાળી મારી ફાર્માસ્યુટિકલ ફર્મને મળે તેમ છે. આઈ મીન બિઝનેસ. પાટીલ તમને તે કોંટ્રાક્ટ આપવા માગે છે પરંતુ મારા કેસને કારણે તે નબળો પડે છે. કરોડો રૂપિયાના સ્થિર ધંધાને જાળવી રાખવા થોડાક લાખ ઢીલા કરવા પડે…’

‘કેટલા ?’

‘તમને થતા નફાના પચાસ ટકા ફક્ત પહેલા વર્ષના ઍડવાન્સરૂપે’

‘એટલે ?’

‘એટલે સિમ્પલ મિ. વિયેરા… ફીફ્ટી ફીફ્ટી’

‘ભાઈ નિલય મારી નોકરી જતી રહેશે. મારા ધોળા વાળ સામે તો જો.’ વિયેરા કરગરી પડ્યો.

‘તમે ફોન કરીને પરમિશન લઈ લો. મને ખબર છે. તમે પૈસા આપશો અને પાછળ ટેક્ષવાળા, પોલિટીક્સવાળા અને છાપા વાળા પડવાના છે. તે બધાનું મારે ધ્યાન તો રાખવાનું ને?’

‘આ રેટ કોંટ્રાક્ટ પૂરતી વાત રાખીએ તો… આખું વર્ષની વાત જવા દે…’

‘આ રેટ કોંટ્રાક્ટ તો સાડાચાર કરોડનો છે. નેટ ત્રીસ ટકા ગણીએ તો પણ સવા કરોડ થશે… તેના ફીફ્ટી ફીફ્ટી  કંઈ વધારે નથી કહ્યું મેં.’

ટી. થોમસ, ખંભાતા અને જુનીયરને વાતો સાંભળીને પરસેવો છૂટી રહ્યો હતો.

વિયેરા ફોન કરવા ગયા. ટી. થોમસ ચકળવકળ થતો નિલયને જોતો હતો. ખંભાતા હબક ખાઈ ગયો હતો… એને નિલય ક્યારેય વ્યવહારુ લાગ્યો નહોતો…

અત્યારે પણ નહીં. વિયેરા નકામો સમય બગાડે છે તેમ તે વિચારતો હતો.

અચાનક નિલય ઊભો થયો અને થોમસના જુનીયરને જોરથી અડબોથ લગાવી દીધી. એના ગજવામાંથી નાનું ટેપ રેકોર્ડર કાઢી લીધું અને કેસેટ શાંતિથી ગજવામાં મૂકી દીધી.

અચાનક થયેલા હુમલાથી થોમસ અને ખંભાતા પણ ખચકાયા. નિલયે બંનેને ચુપચાપ બેસી રહો નહીંતર જોવા જેવી થશેની ધમકી આપી જાણે કશું બન્યું નથી તેમ વર્તવા કહ્યું.

વિયેરા આવ્યો. ત્યારે પરસેવે રેબઝેબ હતો. ‘નિલય ભાઈ કંઈક કર નહીંતર મારી નોકરી જશે.’

‘અને જેલમાં પણ જશો. ડબલક્રોસ કરતા હતા? થોમસનો જુનીયર કોણ છે? પ્રાઈવેટ ડીટેક્ટીવ?

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ (13)

શર્વરીને પાંચમો મહિનો જતો હતો. નિલયે ફ્લૅટ છૂટો કરી દીધો હતો. અંધેરીમાં સારો કિંમતી ફ્લૅટ અને ગાડી લીધી અને બરખાએ તેને સારી રીતે ફ્લૅટ સજાવી દીધો. શર્વરી હવે કામે જતી નહોતી. વિયેરા સાથે નિલયના વર્તનથી તેને દુ:ખ થયું હતું પરંતુ આ કૌભાંડ પછી નિલયની અંદર કેટલો અંગાર ભર્યો છે. તેનો તેને ખ્યાલ આવી ગયો હતો. આ જ એની પ્રગતિને રોકતું , અને સમય આવે પ્રગતિને વધારતું પરિબળ હતું.

 

રાધાને નિલયનું આ કાર્ય અનુચિત લાગ્યું હતું. એ સ્પષ્ટ પણે જાણતી હતી જે હા કહે તેને છોડવો નહીં વાળી નીતિ જ પાપનું મૂળ છે. પરંતુ આ પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનનો મામલો નહોતો તેથી તે ચુપ રહી.

એસ. કે. પાટીલની પાર્ટી ફંડમાં ભૂપતના કહ્યા પ્રમાણે દસ ટકા, પેરેમાઉન્ટમાં પચીસ ટકા અને બાકીના દસ ટકા ઈન્કમટેક્સ, છાપાવાળા એમ સૌને વહેંચતા નિલય પાસે પાંત્રીસ લાખ રહેતા હતા. બનારસીદાસ પણ ખફા તો હતા… પરંતુ દીકરીના માઠા દિવસો પુરા થઈ ગયા માનીને ખુશ હતા.

 

નિલયને અંદરથી ચચરાટ તો હતો જ… પણ તકનો પૂરો લાભ લીધો તે વાતનો આનંદ પણ હતો. ઇન્ડસ્ટ્રિઅલ એરિયાની જગ્યા એના નામે ચડી ત્યારે તેના મગજમાં તેના આવનાર સંતાનનું નામ ફરતું હતું તેથી ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટને નૌકા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ નામ આપ્યું. નિલગીરીના પ્લાન્ટેશન ઊછરતા હતા. બે વર્ષમાં એ આખો પ્લૉટ કરોડ ઉપર થનાર હતો.

બહુ ઓછાના ભાગ્ય આવા હોય છે. જ્યાં બે દિવસ પહેલા રોડ ઉપર હોય તે માણસ કરોડોની વાતો કરતો થઈ જાય

 

રાજીવ પ્રસન્ન હતો. ભૂપત શ્યામલી પણ નિલયની સફળતાથી ખુશ હતા.

પેરેમાઉન્ટ કન્સ્ટ્રક્શનની ત્રીજી એવરેસ્ટ બિલ્ડિંગનો પાયો નખાયો તે દિવસ સારી એવી મોટી હલચલ હતી. છાપામાં ઍડ્વર્ટાઇઝમેન્ટ પેલા બસો પચીસ નંબરો અને તેમની દ્વારા બનેલા દરેક સભ્યોનો મોટા પાયા ઉપર સાઈટ ઉપર જમણવાર હતો. નાનકડી નૌકા શર્વરીની ડુપ્લિકેટ હતી. પરંતુ મિજાજ બિલકુલ એના પપ્પા જેવો હતો. બનારસીદાસને ખાસી એવી ઊઠબેસ કરાવતી હતી.

 

. દરેક શહેરમાં પેરેમાઉન્ટનું નામ ગાજતું થઈ ગયું હતું. ટીમ વર્ક અને થ્રી ટાયર સિસ્ટમ દ્વારા મેમ્બર્સની નોંધણી ખૂબ જ Strong હોવાને કારણે માર્કેટ શોધવા જવું નહોતું પડતું. રાજીવ નિલયના ઝડપી વિકાસને ટોકતો અને કહેતો ધીરી બાપુડિયા… આંબા નવ દિવસમાં ના પાકે .. જરા ખમ્મા કરો… રાજીવની વાતને નિલય સાંભળતો પણ ગણકારતો નહીં એના મનમાં એ હમેશા પૉઝિટિવ થિંકિંગ રાખતો. કદી ખોટું નહીં થાય તેમ તે દ્રઢ પણે માનતો.

 

રાજીવ સંભાળીને ફૂંકી ફૂંકીને પગ મૂકતો જ્યારે નિલય ગીવ ઍન્ડ ટેકના પ્રિન્સિપલ ઉપર ચાલતો. રાજીવની ધીમી અને શાંત નીતિને કારણે લોન પરત ન થવાના કે પૈસા ડૂબવાના કોઈ જ દાખલા બનતા નહીં. વળી રાજીવ નિશ્ચિત પ્રકારની સમતુલિત જિંદગી જીવતો. રાજીવની જિંદગી કરતા નિલયની જિંદગી બિલકુલ વિપરીત હતી. તે કાયમ સવારના આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી સક્રિય રહેતો.

 

Office Administration માં રાધા તથા શ્રીનિવાસન ખૂબ જ ઉપયોગી હતા. મલ્કાપુરકર સાથે આખા મહારાષ્ટ્રમાં દરેક જિલ્લા લેવલે બ્રાંચ તથા તાલુકા લેવલે કલેક્શન સેન્ટર ખૂલી ગયા હતા. જ્યારે ગુજરાતમાં હીરજી પટેલ અને મધ્યપ્રદેશમાં બાજપાઈ સક્રિય હતા. Staff Administration સાથે ફીલ્ડ સ્ટાફનાં પ્રશ્નો અને તેનું મોટીવેશન સંભાળવામાં તે ઘણો સક્રિય રહેતો.

 

નૌકા, શર્વરી અને પેરેમાઉન્ટ આ ત્રણ ચક્રોમાં એ જીવતો હતો. અને આ સફળતાના સ્વપ્ન વર્ષોથી હતા. હાથમાં ભમરડાની ગતિ જોતો અને સાત જાળ… ચૌદ જાળ રમતો નિલય બુચ… લોકોની ઈર્ષાનું કેન્દ્ર બની ગયો હતો….. સફળતાનું પર્યાય બની ગયો હતો. આ વિકાસની ગતિ એકધારી રીતે ઉપર જઈ રહી હતી. પત્તા ઉપર પત્તા ગોઠવાતા જતા હતા… પહેલી હાર તેના પર આડા પત્તા… ફરીથી બીજી હાર ફરી પાછી આડી પત્તાની હાર… ફરી પાછા પત્તા… એમ હાર અને પત્તાનો મહેલ ધીમે ધીમે ઉપર વધતો જતો હતો.

શર્વરી ક્યારેક પૂછતી નિલય… તબિયત સંભાળ… પૈસા થોડાક બચાવ… ખોટા ખર્ચો ઘટાડ… પણ શર્વરીની વાત સાંભળવા કે સમજવા નિલય ક્યાં નવરો હતો… દર વર્ષ કરતાં નવા વર્ષનું લક્ષ્ય વધારવા સતત ઝઝૂમતો રહેતો અને સાથે સ્ટાફને પણ ખડેપગે તૈયાર રાખતો. ફરિયાદ પોથીમાં એક પણ ફરિયાદ બાકી રહેવી જોઇએ નહીં. હપ્તો ઉઘરાવવામાં મુખ્ય કાર્યકરો સાથે કાયમ સંપર્કમાં રહી ફીલ્ડની તકલીફોનો જલદી નિવેડો લાવવા નિત નવા રસ્તા શોધતો રહેતો.

પેરેમાઉન્ટનું ગેસ્ટ હાઉસ સદાય ફીલ્ડનાં કાર્યકરોથી ભરેલું રાખતો.

 

******

 

નૌકા પાંચ વર્ષની થવાની હતી ત્યારે તેના માનમા કીડ્ડી / કીટી પાર્ટી ગોઠવાઈ હતી એના વર્ગની દસેક વિદ્યાર્થીનીઓએ ભેગા થઈને નૌકાને ગમે તેવું રમૂજી નાટક કર્યું હતું. સ્ટાફના માણસો, પડોશીઓ અને સર્કલનાં મિત્રો થઈને કુલ સો માણસો જમવાના હતા. રમૂજી નાટક શરૂ થયું ત્યારે સૌએ નૌકાને હેપી બર્થડે ટુ યુ નું નાનકડું ગીત ગાઈ સંભળાવ્યું. પછી નાટક શરૂ થયું.એક છોકરી દોડતી હતી… તેની ટોપલીમાં મોટું કાણું હતું એ નીચેથી વસ્તુઓ ઊંચકતી હતી અંદર નાખતી અને આગળ ચાલતી હતી. તે વસ્તુ ટોપલીમાંથી પડી જતી હતી. તેનું તેને ધ્યાન રહેતું નહોતું… અને એ આગળ જતી રહેતી … પણ એની ટોપલી ખાલી ને ખાલી….

અસંતોષની દુનિયામાં દોડતી દુનિયાને શીખ આપતું આ નાટક બાળકોમાં રમૂજ પ્રેરી ગયું… પણ નિલયને અંદરથી ઝણઝણાવી ગયું.

 

પોતે શું કરે છે? ખર્ચા ઉપર ખર્ચા… મળે તે વધુ મેળવવાની આશામાં ખર્ચે છે. પણ ક્યારેક વિપરીત પરિસ્થિતિમાં ખર્ચાઈ જશે અને મળશે નહીં તો? આ કેવા વિષચક્રમાં તું ફરી રહ્યો છે ? કંઈક બચાવ…. કોઈક રીતે તારી ગતિને ઘટાડ… જે જલદી ચઢે છે તે એટલો જ જલદી પડે છે. તેની વિષમ બેકારીના સમયમાં જે આશાના સંદેશા આપતું બોર્ડ હતું ‘આ દિવસો પણ જતા રહેશે…’ એ બોર્ડ અત્યારે તેને ચેતવણી આપતું હતું… નિલય. આ ‘દિવસો પણ જતા રહેશે…’ ત્યારે તો તું એકલો હતો. હવે તો નૌકા છે… શર્વરીને નોકરી નથી… ઘરનો ખર્ચો ૫ થી ૬ હજાર જેટલો છે. ખમૈયા કર નિલય…. ખમૈયા કર.

 

મલ્કાપુરકર, હીરજી, બાજપાઈ કમિશનના વધારા માટે નિત નવી પ્રપોઝલો લાવતા… તેમને માટે પેરેમાઉન્ટ મશીન હતું… પૈસાની નોટો કમાવાનું… પણ તારે માટે આ જવાબદારી છે. ક્યારેક તું પૈસાનું રોકાણ કરીને પરત કરવાના સમયે ન કરી શક્યો તો… કમ સે કમ મોં બચાવવા જેટલું છત્ર પણ જોઇશે… રાજીવની જેમ થોડુંક ફૂંકી ફૂંકીને ચાલ… આવા ડરામણા વિચારોને ખંખેરવા તેણે જોરથી માથું ઝંઝોળ્યુ. પાર્ટીમાં મગ્ન થવા મથતો હતો પણ તેને પોતાની ઝોળે પેલી બાળાની ટોપલીની જેમ ખાલી ખાલી જ લાગતી હતી… આ સફળતા પ્રારબ્ધવશ આવી ગયા હોવાનો અંદાજો મનમાં બેસવા માંડ્યો હતો.

 

નાની નૌકા પોતાની ફ્રેન્ડ્ઝમાં લઈ જવા ઇચ્છતી હતી. શર્વરી – રાધા, સ્ટાફ સૌના આશ્ચર્ય વચ્ચે નિલયે તેને ના પાડી… પોતાની જાતને એક રૂમમાં બંધ કરીને તે બેસી ગયો.

નૌકા બહાર પપ્પા પપ્પા કરીને રડતી હતી. અંદર નિલય નૌકા નૌકા કરીને આંસુ સારતો હતો. હવે સફળતા જોયા પછી તેની મનની તાકાત નિષ્ફળતાનો સામનો કરતા ડરતી હતી અને પેલું બોર્ડ ‘આ દિવસો પણ જતા રહેશે…’ તેની સામે હસતું હતું.

 

*****

 

તે દિવસે નાની વાત માટે રાધા ઉપર નિલય ખૂબ જ ચીડાઈ ગયો. રાધા ચુપચાપ ઠપકો સાંભળતી રહી. નિલયે કોઈક ડિપૉઝિટરને તેનો ડ્રાફ્ટ મોકલવાનો કહ્યો હતો. તે ડ્રાફ્ટ ડિસ્પેચમાંથી સમયસર નીકળ્યો નહીં અને તેમ થવાનું કારણ રાધા સમજાવવા ગઈ ત્યાં તેના ઉપર તે તૂટી પડ્યો. દસ પંદર મિનિટ બોલ્યા પછી તેને લાગ્યું કે તે વધારે બોલી ગયો છે. તેથી થોડીક ખામોશી પછી બોલ્યો – ‘રાધા આઈ એમ. સોરી.’

 

રાધા માટે આ વર્તન નવું ન હતું. પણ આજ કાલ આવું વલણ સર્વસામાન્ય બની ગયું હતું. તેથી તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. તે ધીમે રહીને બોલી ‘નિલયભાઈ, તમારું માન જળવાવવું હોય તો આ ચીકાશ છોડી દો ભૂલ થઈ છે. તેની બીજી બાજુ પણ હોઈ શકે તે સમજાવવા હું તો આવી હતી. વળી ક્યાંય મારો વાંક તો હતો નહીં… તમારી આંતરિક ઉલઝનો અને વ્યથાઓ આજે ગુસ્સા સ્વરૂપ આવી ગયા. આવું એક બે વખત થાય તો સામાન્ય ગણાય … પણ જો આવું દર અઠવાડિયે થાય તો તે માનસિક હતાશાનું કારણ બને આ ડિપ્રેશનને દૂર કરવું ખૂબ જ જરૂરી છે. શર્વરી ભાભી પણ અકારણ તમારા ગુસ્સાના ખૂબ જ ભોગ બનતા હતા.’

 

નિલય ચુપચાપ સાંભળતો હતો. રાધા સાચી હતી. નિલયની સફળતાનું એક અંગ હતી. Office Administration માં કદી જોવું પડતું નહોતું. છતાંય આજે એનું મગજ ક્યા કારણોસર છટકી ગયું તે ઘટના તે સમજી ન શક્યો.

 

‘રાધા તું સાચી છે. ફરી એક વખત ‘સોરી મને પોતાને નથી સમજાતું કે હવે આવું બધું કેમ થાય છે. પહેલાં જે હિમ્મત અને દિલેરીથી હું કામ કરતો હતો તે હિમ્મત હવે મારા ધોળા થતા વાળની જોડે જોડે અદ્રશ્ય થતી જાય છે એવું હું વારંવાર અનુભવું છું…. ખેર … શર્વરીને ફોન કરી દેજે હું આજે બપોરે પ્રેસ કૉન્ફરન્સમાં જે બોલવાનું છે તેની તૈયારી કરું છું તેથી જમવા નહીં જાઉં તું તારુ બીજું કામ પતાવ.’

‘ નિલયભાઈ એ વાત નહીં ચાલે. ટિફિન અહીં મગાવી લઉં છું. ખાવા નહીં જવાય તે બિલકુલ નહીં ચાલે. ’

‘ભલે ભાઈ ભલે, તું કહે તેમ… બસ?’

‘હું ભાઈ લાગું છું?’

‘ના, મારી નાની બેન છે બસ..! ’

‘રાધાના મોં પર મુસ્કાન આવી ગઈ. નિલયને દરેક મુસ્કાનમાં હવે નૌકાની મુસ્કાન દેખાતી હતી.’

આ બાજુ શર્વરી ફોન ઉપર રાધાને નિલયની જ ફરિયાદ કરતી હતી. આજકાલ એમને શું થઈ ગયું છે તે સમજાતું નથી. નૌકાને વઢે છે. મને પણ વઢે છે. જિંદગીના વીસ વીસ વર્ષો બાદ હવે એમનો ગુસ્સો સહન નથી થતો.

રાધાએ શર્વરીને આશ્વાસન આપતા કહ્યું ‘એ વાતથી નિલયભાઈ પણ વાકેફ છે. ભાભી, આજે તમે ટિફિન લઈને આવો ત્યારે થોડો સમય શાંતિથી બેસાય તે રીતે આવજો. આજે કોઈક ડૉક્ટરને બતાવી આવશું.

ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો.

 

******

 

પ્રેસકૉન્ફરન્સમાં શર્વરી – રાધા હાજર રહ્યા હતા. પ્રેસકૉન્ફરન્સ સામેથી બોલાવી હતી તેથી પ્રશ્નો પૂર્વયોજિત હતા. જવાબો પણ તૈયાર હતા. પણ ચિત્રરંગની રિપૉર્ટરને સ્કૂપ જોઇતું હતું તેથી તેણે પૂર્વયોજિત પ્રશ્નોને તોડી મરોડીને બે ચાર પ્રશ્નો અંગત જીવનને લગતા પૂછ્યા, જેમાં શર્વરી અને રાધાનો ઉલ્લેખ થયો.

 

નિલય અંદરથી રાતો પીળો થઈ રહ્યો હતો તે શર્વરી જોઇ શકતી હતી. તેથી ચિત્રરંગની રિપૉર્ટરને સામેથી શર્વરીએ પૂછ્યું – ‘બહેન ! પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનની કાર્યવિધી જણાવવા આ કૉન્ફરન્સ બોલાવી છે. અમે તેના શેર હોલ્ડર કે કાર્યકર હોઈ શકીએ પરંતુ અંગત જિંદગીને તમારે લાવવી હોય તો તે માટે આપને ઘરે આવવાની છૂટ છે. અહીં આ પ્રશ્નો અસ્થાને છે.’

રિપૉર્ટર તીખી અને તેજ બંને હતી. ‘નિલયભાઈની બાહરી સફળતાને અમારે તમારી રીતે જોવી નથી – અમારે તો તેમની આંતરિક સફળતામાં તમે બંને જણાએ શું ટેકો આપ્યો તે જાણવું છે અને જે મેં વાત સાંભળી છે તે પ્રમાણે કૉલેજકાળમાં નિલયભાઈ શ્યામલીને કે જે Managing Director છે તેમને ચાહતા હતા અને રાધાબહેન કે જેઓ તેમના પર્સનલ સેક્રેટરી છે તેઓ નિલયભાઈને ચાહતા હતા. તમે આ ટ્રાઈએંગલનો ચોથો ખૂણો છો – તે ખબર તો હશે જ…’

નિલયને આ દબાયેલો મુદ્દો ઉપાડતા રિપૉર્ટર ઉપર ભયંકર ગુસ્સો આવતો હતો. અને ગુસ્સામાં ને ગુસ્સામાં કંઈક બોલવા જતો હતો ત્યાં રાધાએ તેને રોકી લીધો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ 14 

 

શર્વરીએ ખુલાસો આપવા માંડ્યો. જેની નજરમાં કમળો હોય તેને બધું જ પીળું દેખાય… અને આવું જ કંઈક તમારા સ્કૂપ શોધનારા પત્રકારો માટે છે.. તમારા મતે સ્ત્રી – પુરુષોનાં સંબંધો ફક્ત એક જ પ્રકારના હોય છે. અને એમાં મીઠું – મરચું ઉમેરીને ચગાવવામાં તમને શું મળતું હોય છે. તે તો ખબર નથી પણ એનાથી એ ઘરોમાં કેવી હોળી સળગી શકે છે, તેનો તમને સ્ત્રી તરીકે સહેજ પણ અંદાજ નથી થતો તે જોઈને દુ:ખ થાય છે.

મારા નિલયને હું જેટલો ઓળખું છું તેટલું તેને કોઈ ઓળખતું નહીં હોય. શ્યામલી તેમની મિત્ર છે. બિઝનેસ પાર્ટનર છે અને તેનાથી વધુ કંઈ જ વિચારીને એમના જીવનમાં પણ શંકાના થોર ના વાવશો. રાધા નાની બહેન છે મારી નણંદ છે. તેમના સંબંધોને બેહૂદી રીતે જોતા પહેલા એટલું વિચારી લેજો કે તમને તમારા મોટાભાઈ પાસે બેસેલા જોઈને તમારા પતિને કોઈ ખરાબ વિચાર આવે છે?

રાધાબહેન નિલયની સફળતાનું એક અંગ છે. આથી વધુ કોઈપણ જાતનું વિચારવું તે ફક્ત સમાજને વિકૃતિ તરફ દોરવા બરાબર છે. ત્રિકોણનો ચોથો ખૂણો શોધવા માટેનો તમારો પ્રયત્ન વાંઝણો છે.

પત્રકારો સ્તબ્ધ થઈને શર્વરીને સાંભળી રહ્યાં હતા. રાધા અને નિલય બંનેની આંખમાં શર્વરી માટેનો અહોભાવ ડોકાતો હતો.

પત્રકારો છૂટા પડ્યા ત્યારે ચિત્રરંગની ફોટોગ્રાફર નૌકા સાથે શર્વરીનો એક ફોટો પાડવા આવી. શર્વરીએ શાંતિથી કહ્યું , ‘જુઓ બહેન, આવી વાતો ન ઊપજે તો સૌથી સારું પણ તેનો રદિયો ન અપાય તો વધુ ચગે તેથી આ ખુલાસો કર્યો. તમને નીચા પાડવાનો આમાં કોઈ જ પ્રયાસ નહોતો.’

‘બહેન ! તમે સાચા છો. પણ હું આ વાતને વિકૃત રીતે નથી જોતી. મને ભૂતકાળમાં થયેલા મારા અનુભવોથી ભવિષ્યની એમની થનાર સિદ્ધિઓને મૂલવવામાં રસ છે. વળી દરેક પત્રકારની એક પોતાની આગવી પધ્ધતિ છે. હું મારી પધ્ધતિથી શોધખોળ કરવા મથું છું.’

‘હશે ! તમે સાચા હશો. પરંતુ નિલય ખૂબ જ સફળ માણસ છે. કદાપિ નિષ્ફળતા એને સ્પર્શી નથી . હા કદાચ તે જે સફળતા માટે ઝઝૂમતો હોય તે થોડીક વિલંબથી મળી હશે પરંતુ એ જે વસ્તુને લે છે તેને સંપૂર્ણપણે પૂરી કરે છે. નહીંતર તે હાથમાં જ લેતો નથી. પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનનો તે સફળ સુકાની છે. આ વસ્તુને યોગ્ય જ રીતે લખશો. કૌટુંબિક કે કૉલેજ જીવનને યાદ  કરવાથી તમને રોમાચ મળતો લાગશે – પરંતુ તેનાથી અમારી સંવાદિતામાં વિઘ્ન પડશે.’

નિલય શર્વરીને મુગ્ધતાથી સાંભળી રહ્યો હતો. ઘરે જઈને શર્વરીને પહેલા જ પ્રશ્ન પૂછ્યો – ‘શર્વુ , શ્યામલી અને મારા અફેરની વાત જાણી તને આશ્ચર્ય ન થયું? ’ ‘ના રે મારા ભોળા રાજ, આવું  તો દરેકની જિંદગીમાં બનતું જ હોય છે. ચુપાચુપી જિંદગીમાં ન ખેલાય એવું બને જ નહીં. પણ વીસ વર્ષમાં તારા હોઠે કદી શ્યામલીનું નામ કે રાધાનું નામ આવ્યું નથી તો પછી મારે તારા (મારા અણહકના) ભૂતકાળમાં ડોકિયા કરી મારા વર્તમાનને ડહોળવો નથી. શ્યામલીનું વર્તન કે રાધાનું વર્તન તારી સાથે કે તારું વર્તન એમની સાથે જરાપણ અજુગતું હોય તો મને ચિંતા કે આશ્ચર્ય થાય. દરેક જણ પોતપોતાની રીતે સ્વસ્થ છો સ્વચ્છ છો ત્યાં મારું આવું વલણ જ તેમને શાંત પાડી શકે. નિલય તું મારા સિવાય કોઈનો નહોતો… નથી અને નહીં હોય….’

નિલયને આ શબ્દો અત્યંત રાહત આપનારા હતા એને થોડુંક ટીખળ કરવાની ઇચ્છા થઈ અને તે બોલ્યો ‘ મારા ઉપર બહુ વધુ પડતો વિશ્વાસ નહીં રાખવાનો હં !’

‘જેના પર વિશ્વાસ રાખીને આખી જિંદગી સોંપી છે તેના પર અવિશ્વાસ કેમ થાય? ’

બીજા દિવસે ચિત્રરંગનો રિપૉર્ટ જોવાની તાલાવેલી શર્વરી રોકી ન શકી… ચિત્રરંગની રિપૉર્ટરે નિલયની સફળતાનો યશ નિલયને તો આપ્યો જ … સાથે સાથે સ્ત્રી મૂર્તિ શ્યામલી, રાધા અને શર્વરીને પણ આપ્યો. ખૂબ જ તટસ્થ અને સુયોગ્ય લખાણ હતું.

તેણે ચિત્રરંગના રિપૉર્ટરને અભિનંદન આપવા ફોન કર્યો. ફોન પર આવી શર્વરીના અભિનંદન સ્વીકારી કૃતજ્ઞતા અનુભવી. છેલ્લે તે બોલી ‘હીરલના તમે દીદી  – તેથી મારા પણ દીદી. તમને સાંભળવા મને ગમતું હતું તમે મારા વિચારોને બદલ્યા છે તે બદલ તમારો પણ આભાર.’

******

ભૂપત ઝવેરી અને પાટીલની મૈત્રીને છાપાવાળાઓ માંડ્યા હતા. પાટીલ વિરોધ પક્ષનો સબળ નેતા હતો. આ વખતના ઇલેક્શનમાં તે સ્પષ્ટપણે બહુમતી મેળવી શકે તેવો ભય ફેલાતા લોકલ રાજકીય લોબી પાટીલને ઇલેક્શન પહેલા નીચો પછાડવા મથી રહ્યા હતા.

રિચાર્ડસનને પછી ત્રણ વર્ષ કોન્ટ્રાક્ટ વિના વિઘ્ને મળતા રહ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે પાટીલ તેની પાર્ટી કાર્યમાં ધ્યાન આપી શક્યો નહોતો તેથી ઑર્ડર ડિવાઈડ થઈ ગયો તેથી રિચાર્ડસન ટેન્ડર ફરીથી મંગાવવા માગતો હતો. તેણે પાટીલની પાર્ટીમાંથી પગ ખસકાવવા માંડ્યો હતો. સામે પક્ષે ભરાવા માટે જોઇતી સામગ્રી વિરોધી પાર્ટીને સાહજિકતાથી આપી દીધી અને પાટીલને હોસ્પિટલમાં કૌભાંડો ચલાવવાનો સ્કૂપ જોરશોરથી ચાલવા માંડ્યો.

પાટીલ આ વાતોનો વિરોધ કરવાને બદલે સારા ફાર્માસ્યુટિકલ્સના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટમાં યુનિયનોને વટે ચડાવી હડતાલ પડાવવામાં સફળ થયો … તેથી સામો પ્રત્યાઘાત ભૂપતની સિલ્ક મિલ્સ પર આવ્યો. તેના રૉ મટિરિયલ ઉપરની જકાતમાં ૫૦ ટકા વધારો, કસ્ટમ ચોરીના કેસો અને કંઈક નવા ગતકડા રોજ આવવા માંડ્યા. એની સિલ્ક મીલ્સના શેરોના ભાવો ઘટવા માંડ્યા.

ભૂપતે તેના દલાલ મારફતે શેરો ખરીદવાને બદલે પોતાના શેરો વેચવા માંડ્યો આ કારણે પાટીલ અને ભૂપત વચ્ચે તિરાડ પડી હોવાની અફવાને જોર મળ્યું…

ભૂપતે શેરો વેચીને તે પૈસા પાછળ જ ખર્ચ્યા ઇલેક્શનમાં પાટીલની સામેના ઉમેદવારને ખરીદી લીધો. રાજકીય રીતે ખૂબ જ સક્રિયતા ભૂપતે બતાવી. ઇલેક્શનને અંતે પાટીલ તો જીત્યો પણ તેની પાર્ટી સત્તામાં ન આવી.

અને પછી જે આફતોની વણઝાર ચાલુ થઈ તે ભૂપત સુધી સિમિત ન રહેતા – રાજીવ – શ્યામલી અને પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનને પણ ઘેરી વળી.

બેંગ્લોરની રજિસ્ટર્ડ ઑફિસ ઉપર નોટિસ આવી તેઓનું કાર્ય, હિસાબ પધ્ધતિ વગેરે ગેરકાનૂની તથા શંકાસ્પદ છે. આ નોટિસના પ્રશ