પૂ. મોટાભાઇ

pumotabhai1.pdf

આ લીન્ક ને ક્લીક કરો અને આખી પત્ર શ્રેણી આપ વાંચી શકશો

આભાર..

2 replies on “પૂ. મોટાભાઇ”

 1. ValibhaI musa says:

  “પૂ. મોટાભાઈ” : એક પ્રતિભાવ – વલીભાઈ મુસા

  સુજ્ઞ સાહિત્યકલા રસિકો,

  શ્રી વિજય શાહ લિખિત “પૂ. મોટાભાઈ”,પત્રશ્રેણી રૂપે લખાયેલી, એક અનોખી કથા છે. અગાઉ મેં સંક્ષિપ્તમાં અને અંગ્રેજીમાં ‘કોમેન્ટ’ લખી હોવા છતાં, આ ઉમદા કૃતિને સાચો ન્યાય અપાય તેવા ઉમદા હેતુથી થોડાક વિસ્તારથી અહીં ગુજરાતીમાં મારા પ્રતિભાવ વ્યક્ત કરવા પ્રેરાયો છું. વળી બ્લોગ જગતમાં લેખો ઉપરાંત ‘કોમેન્ટ્સ’ને એટલા જ રસ સાથે વાંચનારો એક બહોળો વર્ગ હોઈ તેમના સંતોષ માટે લખવામાં આવતા આ વિવેચનના થોડાક અતિવિસ્તારને સૌ સહી લેશે તેવી આશા રાખું છું.

  અહીં પત્રશ્રેણી રૂપે અભિવ્યક્ત થએલી આ કથા વિષે આગળ વધવા પહેલાં એક આડ વાતથી મારી જાતને રોકી નથી શકતો. મારા વાંચન દરમિયાન આવેલી એક અંગ્રેજી રહસ્યકથા “The Moonstone”ની અહીં વાત છે,જે “પૂજ્ય મોટાભાઈ”ની જેમ પાત્રાભિવ્યક્તિના પ્રયોગ રૂપે હતી.દરેક મુખ્ય કે ગૌણ પાત્રના ફાળે એક એક પ્રકરણ આવતું જાય, ઘટનામા પોતે પ્રત્યક્ષ હોય તેટલા પૂરતું વર્ણન થતું રહે અને રહસ્ય અકબંધ જળવાઈ રહીને કથા આગળ વધતી રહે. આવા નવતર પ્રયોગો સિદ્ધહસ્ત સર્જકો જ સફળતાપૂર્વક કરી શકે અને અહીં શ્રી વિજયભાઈએ એ કમાલ પાત્ર સ્વરૂપે નહિ, તો પત્ર સ્વરૂપે કરી બતાવી છે.

  હવે આપણે ‘પૂ.મોટાભાઈ’ના કથાવસ્તુ તરફ વળીએ તો તમામ અભ્યાસી ભાવુકો બે વાત ઉપર સર્વસંમત થશે જ કે આ કથા એ સામસામે છેડે ઊભેલી પૂર્વ અને પશ્ચિમની સસ્કૃતિઓની સંઘર્ષકથા નથી, પણ સમન્વયકથા છે; અને, ચાર ચાર પેઢીઓ સુધી બદલાતા જતા સંજોગો અને વાતાવરણ વચ્ચે પણ ભારતીય કુટુંબપ્રથા અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહેવાની સુખદ અનુભૂતિનો અહીં પરિચય છે. પાત્રનિરૂપણ વિષે તો કહેવાનું જ શું હોય, કેમકે દરેક પાત્ર જીવંત છે, વિચારશીલ છે, ભાવુક છે. વાંચન દરમિયાન સતત એમ લાગ્યા જ કરે છે કે એક જમાનામાં ‘સરસ્વતીચન્દ્ર’ વિષે જનમાનસ બની ગયું હતું કે આ કોઈ મુંબઈના શેઠિયાના કુટુંબની સાચી ઘટના છે, એવું કદાચ અહીં પણ હોય! સાહિત્ય વિવેચન જગતમાં આત્મલક્ષી અને પરલક્ષી સર્જન વિષે ઘણી ચર્ચાઓ થઈ ચૂકી હોઈ અહીં તે અપ્રસ્તુત છે,એટલે આપણે મૂળ લક્ષ તરફ આગળ વધીએ.

  કૃતિના પ્રારંભથી જ શરૂ થતી સર્જનના આનંદથી માંડીને જન્મ-જીવન-મૃત્યુ, જ્ઞાન-વિજ્ઞાન,માતૃપિતૃભક્તિ, દ્રવ્યોપાર્જન માટેની વૃત્તિઓ-પ્રવૃત્તિઓ-મજબૂરીઓ, વર્તમાન પેઢીની ભાવી પેઢીઓ વિષેની ચિંતાઓ, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ-બીમારીઓ જેવા અગણિત મુદ્દાઓ ઉપરના પ્રશ્નો-વિચારો-સમાધાનની રસપ્રદ રજૂઆતો વાચકને એ પરિવારના અંગભૂત એકમ તરીકે એવી રીતે પ્રસ્થાપિત કરી દે છે કે દરેક પાત્રના પોતપોતાના પૂરતા જ સીમિત આઘાતો-પ્રત્યાઘાતો વાચકને માટે તો સઘળાના બેલીની જેમ પોતાના જ બની રહે છે.

  આગળ મારા મુડ અને લખાણની વ્યાપમર્યાદા અનુસાર જે કંઈ લખાય તે ખરું, પણ વચ્ચે તાકીદના ધોરણે શીખાના એક મનોભાવને વ્યક્ત કરી દેવાની ઈચ્છા નહિ રોકી શકાય. શીખાના મનોમન સોહમ અને અન્ય સભ્યો માટે નેક દિલે અપાયેલા એક અભિપ્રાય “માબાપનાં કેવાં ગુણીયલ અને કેળવેલાં સંતાનો!” વાંચીને એમ થયું કે સોહમ કેવો નસીબદાર પતિ છે કે તેને પોતાને અને પોતાના પરિવારને આપમેળે સમજી શકનાર પત્ની મળી છે. પૂ. મહાત્મા ગાંધી પણ કહેતા કે જો કોઈ વાત હું કસ્તુરના ગળે ઊતારી શકું, તો સમજી લો કે આખા દેશ અને દુનિયાના ગળે એ વાત ઊતરી ગઈ. અહીં હકીકત એ છે કે ‘બા’ જુનવાણી વિચારસરણી ધરાવતાં હતાં અને આપમેળે બાપુની વાત સમજી શકતાં ન હતાં, બાપુને પ્રયત્નપૂર્વક સમજાવવું પડતું હતું. આમ કસ્તુરબા તેમના માટે નવીન વિચારની પારાશીશી સમાન હતાં. પણ અહીં આપણી કથામાંની શીખાના આ એક પ્રસંગમાં જ નહિ, અનેક પ્રસંગે તેનું વ્યક્તિત્વ એવું ઉપસે છે કે જુદીજુદી વયના ભાવુક વાચકો સ્ત્રીનાં ચાર સ્વરૂપ માતા, બહેન, પત્ની કે દીકરી એમ કોઈ પણ એક તરીકે શીખા જેવી નારી પોતાને પણ હોય એવું અવશ્ય ઝંખે.

  પૂ. મોટાભાઈ (સાત)માં વચ્ચે હવામાનની વાત આવી તે વિષે કહું તો અમે આજે પણ પશ્ચિમના દેશોમાં રહેતા અમારા સ્નેહીજનની મજાક કરવાનું એમ કહીને ચૂકતા નથી કે ટીવી કે રેડિયો સમાચારમાં છેલ્લે હવામાન સમાચારની જેમ તેમના ફોન કે પત્રમાં ક્યાંક તો એ આવે જ, એમ જાણતા હોવા છતાંય કે ત્યાંના જીવનમાં એ જરૂરી છે. આ સામાન્ય વાત અહીં લખવા પાછળનો હેતુ માત્ર એટલો જ કે લેખકનું કેટલું સચોટ અને બારીક નિરીક્ષણ છે, ઘટનાના સ્થળ અને કાળને વર્ણવવામાં!

  સમગ્ર સર્જન દરમિયાન દિલને સ્પર્શી જાય તેવી વચ્ચે વચ્ચે આવતી જતી પ્રસંગોચિત કાવ્યરત્નકણિકાઓ વડે આપણને શેક્સપિઅરનાં ઐતિહાસિક નાટકોમાં વચ્ચે વચ્ચે આવતા Chronicler (ઇતિહાસકાર) કે પછી સંસ્કૃત નાટકોના સૂત્રધારની યાદ આવ્યા સિવાય નહિ રહે. જો કે અહીં પાયાનો થોડોક ફરક છે. ત્યાં કથાતંતુને જોડવાનો આશય છે, જ્યારે ‘પૂ. મોટાભાઈ’માં તો ભાવાનુસંધાન જ માત્ર નહિ પણ ભાવને સંવેદનશીલ અને ઘેરો બનાવવા માટે એ પંક્તિઓ પ્રયોજાયેલી જોવા મળે છે.

  ‘પત્રશ્રેણી ભવિષ્ય તરફ વળે છે’ થી શરૂ થતા અંશ અને હનીના પત્ર દ્વારા થતું કથાનું સમાપન હિંદી ચલચિત્ર ‘કોશીશ’માં છેલ્લે સામાન્ય રીતે આવતા “The End” ના બદલે “And Koshish Continues…” ની જેમ જ છે. ‘ચોરસ દુનિયા’ (જેલની કોટડી) એકાંકી નાટકના એક સંવાદની જેમ “જૂના જાય છે અને નવા આવે છે, જગ્યા ખાલી પડતી જ નથી” ની જેમ પેઢી દર પેઢી જીવનની સમસ્યાઓ વધતા કે ઓછા અંશે એની એ જ હોય છે, ફક્ત માણસો બદલાતા રહેતા હોય છે.

  છેલ્લે, ચણ અને ચારા માટે સ્થળાંતર કરતાં પક્ષીઓ અને પશુઓની જેમ એરીસ્ટોટલના મતે મનુષ્ય પણ સ્વભાવે એક સામાજિક પ્રાણી જ છે. તેને પણ રોજીરોટીની તલાશ માટે દેશવિદેશ જવું પણ પડે. હાલમાં વિશ્વ આખાયમાં અને ખાસ કરીને ભારતમાં સવિશેષ વિદેશગમનનું પ્રમાણ વધ્યું છે, ત્યારે અહીં વિવેચનમાંની આ કૃતિ સર્વજનના પોતપોતાના ધર્મ, કર્મ અને સંસ્કાર જળવાઈ રહે તેમ કઈ રીતે વિદેશમાં વસવાટ કરી શકાય તે માટે દીવાદાંડી સમાન પુરવાર થઈ શકે તેમ છે.

  વિજયભાઈને આવી ઉત્તમોત્તમ કૃતિ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

  સૌને વંદન/સલામસહ,
  વલીભાઈ મુસા

 2. Nilam Doshi says:

  પૂજય મોટાભાઇ…..
  “ સંવેદનાની છલકતી પળોની આ વાત છે… પિતા પુત્રના વહાલનો અહીં વહેવાર છે.
  નાજુક અંગત પળૉનો છાંટેલો આ ગુલાલ છે. એ રંગમાં સૌને રંગવાનો સહિયારો આ પ્રવાસ છે.”

  આંખમાં અનેક શમણાઓ આંજીને વિદેશની ધરતી પર આવેલ આપણે સૌ.. ….શરૂઆતના એ દિવસોમાં અનેક પ્રકારના સંઘર્ષો કોણે નહીં વેઠયા હોય ..? .પરંતુ આજે આપણે સૌ એમાં વત્તે ઓછે અંશે લીલાછમ્મ થયા છીએ..આ ધરતીએ આપણને ઘણું આપ્યું છે એનો ઇન્કાર થઇ શકે તેમ નથી. અને તેનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર ન કરીએ તો કૃતઘ્ની જ ગણાઇએ…. પર્ંતુ સાથે સાથે એ પણ હકીકત છે કે આપણી અંદરનો ભારતીય અંતરના કોઇ ખૂણે અકબંધ રહેલો જ હોય છે. કોઇ લીલાછમ્મ છોડને એના મૂળિયાથી અલગ કેમ કરી શકાય ? આપણે તો નશીબદાર છીએ…આપણે સૌ બે માનો પ્રેમ પામ્યા છીએ..એક આપણી જન્મભૂમિ..માતૃભૂમિ ..ભારત…..અને બીજી આપણી આ કર્મભૂમિ.. સૌ પ્રથમ.એ બંનેને આપણા સૌના ભાવભર્યા વંદન….

  સંબંધો..માનવજીવન એટલે કેટકેટલા સંબંધોની વણથંભી વણઝાર…! . સંબંધોની ભૂલભૂલામણીમાં એક યા બીજી રીતે જીવનભર અટ્વાતા આપણે સૌ..રંગમંચના પાત્રો….! કોઇ પાત્ર પોતાની સંવેદના વ્યકત કરે .કોઇ ન કરી શકે… પણ દરેકની ભીતર તો સંવેદનાના મોજા ઘૂઘવતા જ હોય. દરેક વ્યક્તિ પાસે પોતાની ઝંખનાનો એક આગવો ઝરૂખો હોય છે. અને દરેક માનવીની અંદર કદી ન વિસરાયેલું કોઇ ગામ કે દટાયેલું શહેર હોય છે. સમય નામનો સારથિ આપણા સૌનો જીવનરથ કયારે..કઇ દિશામાં હંકારશે એ જાણવું અશકય જ ને …? સારા કે નરસા જે પત્તા આવે..તેનાથી શકય તેટલી સારી રીતે રમી શકાય તેટલું જ આપણે કરી શકીએ…બાકી કંઇ ખરાબ પત્તા આવે એટલે નાના બાળકની જેમ..” જાવ નથી રમતા “ એમ કહી રમત ફગાવી ન દઇ શકાય..હાર જીતનો બહુ વિચાર કર્યા સિવાય સારી રીતે રમતા જવું એ જ માનવીની કુશળતા…અને એ જ તેની સફળતા…

  છે સંબંધ કાંઠા ની માટી સમા સૌ,
  ઉડે જો જરી ભેજ, થઈ જાય રેતી.

  કોઇ પોતીકા સંબંધોમાંથી જો ભાવની ભીનાશ ..લાગણીના રંગો ઉડી જાય તો સંબંધો મરુસ્થળની રેતી સમાન બની જાય અને રેતીને હાથમાંથા સરતા કેટલી વાર ? આપણે રેતીને સાચવવાના પ્રયત્નોમાં સતત ઝૂઝતા રહીએ તો પણ…એ સરી જ જવાની..
  દરેક માનવીની અંદર એક દરિયો પણ હોય છે અને અવકાશની અખિલાઇ પણ હોય છે. સંવેદનાઓને અંદર દબાવી માનવી અનેક અવસરો સાચવતો રહે છે. સૂર્યને પણ વાદળો જ નડતા હોય છે ને ? જીવનમાં પીડા તો પોતીકા જ આપી શકે છે..ને ? પીડા આપવાની મજાલ પારકાની કદી હોતી નથી…

  અહીં વિજયભાઇએ …એક સંવેદનશીલ પુત્રએ પોતાની અંદર ઘૂઘવતા વલોપાતના મોજાને શબ્દદેહ આપી …આપણને પણ એમાં તરબોળ બનાવ્યા છે. એક પુત્ર તરીકે પિતાની ચિંતા છે તો એક પિતા તરીકે પુત્રની ચિંતા કંઇ ઓછી નથી…..
  પિતા અને પુત્ર ભૈગોલિક રીતે દસ હજાર માઇલ દૂર છે.પરંતુ..
  માઇલોના માઇલોનું અંતર ખરી પડે જયાં અંતરનો સેતુ નિરંતર….
  અહીં એક પિતા પુત્ર વચ્ચે અંતરનો અતૂટ સેતુ રચાયેલ છે. જેને સ્થળ..કાળના બંધનો નડી શકતા નથી..તો એ પછીની જનરેશનના પુત્ર સાથે એ જ પિતા એ સેતુ રચી શકયા નથી એનો વલોપાત માતા પિતા બંનેના દિલમાં સતત રમ્યા કરે છે. સંબંધો વચ્ચે રચાયેલ આ દીવાલને તોડી શકાશે ખરી ? જવાબ તો કાળદેવતા સિવાય કોણ આપી શકે ? અને મા તો હમેશા મા જ હોય છે ને ? સઘળી વ્યાખ્યાઓથી પર…દીકરા માટે તો એના હૈયામાંથી ખમ્મા મારા લાલ જ નીકળવાનું ને ? કોઇ દાખલા દલીલો માતૃહ્રદયને શાતા કેમ અર્પી શકે ? એ તો પોતાના સઘળા વલોપાતને અંદર જ ધરબીને દીકરાની ક્ષેમકુશળ માટે પ્રાર્થના kaરતી રહે છે.
  સતત ચાલતા મનોમંથનમાંથી નીતરતી પિતા..પુત્રની આ અંતરંગ ક્ષણો..ફકત વિજયભાઇની એકલાની જ નથી….દરેક વ્યક્તિ એમાં કશુંક પોતીકુ જરૂર પામી શકશે..
  આંગળી પકડી ઉછેર્યા ને સીંચ્યું જળ પ્રેમનું મૂળ એ ઉખેડવાનું સહેજ પણ સહેલું નથી.

  સાંજ પડશે ને હું ઝળહળ થઇશ ..ધરપતની એ ઓથ હેઠળ માટીનું એક કોડિયુ દિવસભર એક અલગ…ઝાંખીપાંખી જિંદગી જીવે છે. પણ સાંજ પડે ને કોઇ એનામાં દીપ પ્રગટાવે જ નહી તો ? જે ઉજાસની ઝંખનાએ દિવસભરનો તાપ વેઠયો એ ઉજાસ પ્રગટે જ નહીં તો… ? સતત મનોમંથનના ઓથાર હેઠળ એક સંવેદનશીલ પુત્ર અને ચિંતિત પિતાની અહીં ઝાંખી થતી રહે છે…અહીં દરેક શબ્દ અંતરની સચ્ચાઇ અને ઉંડી આરતમાંથી પ્રગટેલ છે..અને તેથી જ એ ભાવકને ભીંજવ્યા સિવાય રહી શકે નહીં..
  અંતે તો એક જ વાત કહી શકાય..
  આ અનોખી પત્રશ્રેણી સાંભળ્યા બાદ કદાચ મારી જેમ આપ સૌના દિલમાં પણ કોઇ આવી જ વાત જાગશે…
  “ એ જ આશ્વાસન બધા સંબંધોનું છે ગણિત અઘરું ઋણાનુબંધોનું. “

  ફકત વિજયભાઇની જ નહીં…દરેક માનવીના જીવતર કેરી વાર્તાનો ખૂબ સુખદ અંત આવે એવી પરમ શ્રધ્ધાથી ઇશ્વરને પાર્થના સાથે.. રજૂકરીએ છીએ..પૂ. મોટાભાઇ…

  જિંદગીના ભલે અઘરા સવાલો આપજે પણ પછી હું જે પૂછું એના જવાબો આપજે

  તો ચાલો..જોડાઇએ એક પિતા પુત્રની ભાવથી છલકતી આ પુનિત યાત્રામાં..પત્રરૂપે રજૂ થતી.. આ સંવેદના પૂ.મોટાભાઇ રજૂ કરી રહ્યા છે…( પાત્રોના નામ..)

  અને અંતે તો..

  “ આજ અધૂરી રહી જશે તો કાલે ફરી મંડાશે એમ વાર્તા જીવતર કેરી આગળ આગળ જાશે..”
  Nilam doshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *