ગુજરાતી ગીતો

મીરાં બાઇ – જૂનું તો થયું રે દેવળ

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.

આ રે કાયા હંસા, ડોલવાને લાગી રે,
પડી ગયા દાંત, માયલું રેખું તો રહ્યું. મારો …

તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે,
ઊડી ગયો હંસ, પીંજર પડી રે રહ્યું. મારો …

બાઇ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ,
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. મારો

શીદને – દયારામ

ચિત્ત તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. (ટેક)

સ્થાવર જંગમ જડ ચેતનમાં, માયાનું બળ ઠરે;
સમરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મમરણ ભય હરે. કૃષ્ણને…

નવમાસ પ્રાણી કૃષ્ણચંદ્રનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવ્રણ કર્યું ત્યારે, લક્ષચોરાસી ફરે. કૃષ્ણને…

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે;
ધણીનો ધાર્યો મનસૂબો, હરબ્રહ્માથી નવ ફરે. કૃષ્ણને…

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર વગાડે જંત્રી. તેવો સ્વર નીસરે. કૃષ્ણને…

થનાર વસ્તુ થયા કરે જ્યમ, કૃષ્ણ ફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેર જાશે, જ્યમ ગજ કોઠું ગરે. કૃષ્ણને…

જેહવું જેટલું જે જ્યમ કાળે, તે તેહને કર ઠરે;
એહમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુટાઈ તું મરે. કૃષ્ણને…

ત્હારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુ:ખ હરે;
આપપણું અજ્ઞાન કુળએ, મૂળ વિચારે ખરે. કૃષ્ણને…

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોંસો રાધાવરનો, દયા શીદને ડરે. કૃષ્ણને…

પ્રાર્થના –

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

ન્હાનાલાલ દ. કવિ

વિશ્વમાનવી

કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.

સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની

.-ઉમાશંકર જોશી

આ નભ ઝૂક્યું તે કાનજી

ને ચાંદની તે રાધા રે.

આ સરવર જલ તે કાનજી

ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કાનજી

ને લ્હેરી જતી તે રાધા રે.

આ પરવત શિખર કાનજી

ને કેડી ચડે તે રાધા રે.

આ ચાલ્યાં ચરણ તે કાનજી

ને પગલી પડે તે રાધા રે.

આ કેશ ગૂંથ્યા તે કાનજી

ને સેંથી પૂરી તે રાધા રે.

આ દીપ જલે તે કાનજી

ને આરતી તે રાધા રે.

આ લોચન મારાં કાનજી

ને નજરું જુએ તે રાધા રે !

— પ્રિયકાન્ત મણિયાર.

રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ

કવિ શ્રી અવિનાશ વ્યાસ

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત ગમતું માંગે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં

જીવન અંજલી થાજો

જીવન અંજલી થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !

– કરસનદાસ માણેક

ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઇથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
જો નીકળ્યાં તો સાથે લઇ જાન નીકળ્યા.

તારો ખુદા કે નીવડ્યાં બિન્દુય મોતીદ#34;,
મારાં કરમ કે આંસુદ#34; તોફાન નીકળ્યાં.

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર ક્લેશનાં મેદાન નીકળ્યાં.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
’ઘાયલ’ એ શ્વાસ મોતાનાં ફરમાન નીકળ્યાં.

– અમૃત ‘ઘાયલ’ .

આ છે જિંદગી
જન્મથી મૃત્યુને પામવાનું નામ છે જિંદગી.
બચપનથી ઘડપણને પામવાનું નામ છે જિંદગી
ભણતરથી ઘડતરને પામવાનું નામ છે જિંદગી
ઓ જિંદગીના દાતા તમારે નામ છે આ જિંદગી.

દુ:ખ કે સુખથી સુખ કે દુ:ખને પામવાનું નામ છે જિંદગી
હાર કે જીતથી જીત કે હારને પામવાનું નામ છે જિંદગી
અણગમા કે પ્રેમથી પ્રેમ કે અણગમાને પામવાનું નામ છે જિંદગી
ઓ જિંદગીના દાતા તમારે કાજ છે આ જિંદગી.

ઈતિહાસના ઈશારે વર્તમાનની રચના છે જિંદગી
પણ ભવિષ્યના અરમાનો માટે વર્તમાનને જીવ્યા તે છે જિંદગી
આમ ઈતિહાસથી ભવિષ્ય પામવાનું નામ છે આ વર્તમાન જિંદગી
ઓ જિંદગીના દાતા તમારે શરણે છે આ જિંદગી.

– સાત્વિક શાહ

જો હોય

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;

ફણગો ફૂટે અડકતાં જ,
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે,
જો આ ક્ષણે વતન હોય;

જામીય જાય મૂળિયાં,
જો થોડું બાળપણ હોય;

સિમેન્ટમાં ઢૂં ઢું છું:
એકાદ મિટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો,
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે,
બાના સમું સ્વજન હોય.

– ઉશનસ્

અમે એવા છઇએ : અમે એવા છઇએ.

અમે એવા છઇએ : અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.

તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,
તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત,
તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,
અમે તારા બગીચાની માલણ છઇએ.

તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,
અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,
તમે પૂછો નહિ અમને અમે કેવા છઇએ,
અમે તારા આકાશમાં પારેવાં છઇએ.

“સ્વતંત્રતા”

Heaven of Freedom
Where the mind is without fear
and the head is held high.
Where knowledge is free.
Where the world has not broken up
Into small fragments by narrow domestic walls.
Where words come out from the depth of truth.
Where tireless striving stretches
Its arms towards perfection.
Where the clear stream of reason
Has not lost its way,
Into dreary, desert sand of dead habit.
Where the mind is led forward by Thee
Into ever-widening thought and action.

Into that heaven of freedom, O, father!
Let my country awake.

-Ravindranath Tagore

દે વરદાન એટલું
સ્વતંત્રતા, દે વરદાન એટલું :
ન હીન સંકલ્પ હજો કદી મન.
હૈયું કદીયે ન હજો હતાશ.
વાણી ન નિષ્કારણ હો કઠોર.
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે.
ને આંખમાંના અમી ના સૂકાય.
ન ભોમકા ગાય વસૂકી શી હો.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી.
બને યુવાનો ન અકાલ વૃદ્ધ.
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો.
ધુરા વહે જે જનતાની અગ્રિણો,
તે પંગતે હો સહુથી ય છેલ્લા.
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો તે,
સત્તા તણા રે ન પુરોહિતો બને.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.
-ઉમાશંકર જોશી

રવિન્દ્રનાથ અને ઉમાશંકર. એક ભારતના મહાન કવિ અને બીજા ગુજરાતના. આ બેઉ વિભૂતિઓએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કે પછી સ્વતંત્રતા પછીના ભારતનું આવું દર્શન કરેલું. આજે જ્યારે આપણો દેશ હરણફાળે પ્રગતિ કરી રહ્યો છે અને વિશ્વસત્તા બનવા હોડ બકી રહ્યો છે ત્યારે આપણે વિચારવું પડે તેમ છે કે આ સ્વપ્નની દિશામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ. સાંપ્રત સમાજ અને રાજકારણ અને બધાજ ક્ષેત્રો આથી સાવ ઊંધી જ દિશામાં જતા હોય તેમ નથી લાગતું?

નૂરે ગઝલ

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે,
અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે,
રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને
સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને
રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,
લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને
આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને,
રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને,
તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને,
લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે,
દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય,
શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય ,
ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.

– ‘શૂન્ય’ પાલનપુરી

ઝાકળબિંદુ

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો;
ઓ મુસીબત ! એટલી ઝિંદા-દિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો !
– ‘જિગર’

કોઈનાં ભીનાં પગલાં થાશે એવો એક વર્તારો છે,
સ્મિત અને આંસુ બન્નેમાંથી જોઈએ કોનો વારો છે ?

– સૈફ પાલનપુરી

એક જ દે ચિનગારી
એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડયો, ન ફળી મહેનત મારી.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,સળગી આભ-અટારી;
ના સળગી એક સગડી મારી,વાત વિપતની ભારી.

ઠંડીમાં મુજ કાયા થથરે,ખૂટી ધીરજ મારી;
વિશ્વાનલ, હું અધિક ન માંગુ,માંગુ એક ચિનગારી.

– હરિહરભાઈ ભટ્ટ

મા બાપને ભૂલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *