ગુજરાતી સાહિત્ય સરિતા તેના પાંચ વર્ષ પુરા કરે છે ત્યારે…

        

  ૧૯૯૭ કે ૯૮ની આ વાત. ગુજરાતી સમાજનાં પ્રમુખ શ્રી રમેશ પટેલનો મને ફોન આવ્યો- વિજયભાઇ આપણે ત્યાં શ્રી ગુણવંત શાહ આવે છે. પાછલા વર્ષના પ્રમુખ દેવિકાબેનનો આગ્રહ છે કે આવા મોટા ગજાનો લેખક અહીં આવે અને સાંભળનારા ઓછા હોય તો સમાજનુ ખરાબ દેખાય.”દર્પણ” નીકળી ગયુ છે તેથી તમે તમારા મિત્રોમાં ફોન કરો. દસેક મિત્રોને ફોન કર્યા અને દરેકને એજ વિનંતી કે તમે જેને જાણતા હોય તેમને ફોન કરજો.કહે છે ને કે સાક્ષર સર્વત્ર પુજ્યતેની જેમ રમેશભાઇ, દેવિકાબેન અને મારા સુખદાશ્ચર્ય સાથે તે દિવસે ૧૫૦ જેટલુ માણસ હતુ. દરેકને ગુણવંત ભાઇ ને સાંભળવા ગમ્યા અને નવતર વિચારધારાએ જ્ન્મ લીધો. અગાઉ ના સમયમાં વિરાટભાઇ મહેતાએ આદિલ મન્સુરી, અશરફભાઇ ડબાવાલા અને મધુમતિબહેન મહેતાને બોલવ્યા ત્યારે પણ સંખ્યા તો એટલી જ હતી પણ લોકલ કવિને સાંભળવામાં શ્રોતાવર્ગ મુખ્ય મહેમાનો ને ન સાંભળી શક્યાનો કચવાટ દેખાયો.      જ્યોતિબહેન પટેલે “દર્પણ્” બે વર્ષ સંભાળ્યુ અને તે સમય દરમ્યાન તેઓશ્રી દર્પણની વિષય વસ્તુમાં હ્યુસ્ટન ના લેખકો અને કવિઓને પ્રાધાન્ય મળે તે હેતુ થી કાવ્ય સ્પર્ધા જેવુ સુચવતા. આ સમય ચીમન પટેલના હસ્ત લીખીત લેખો માત્ર હ્યુસ્ટ્નમાંથી આવતા તો કયારેક જય માસ્ટર આવતા બાકી કવચીત પ્રદીપ બ્રહ્મભટ્ટ અને મારી વાર્તાઑ આવતી કારણ અમે બન્ને ગુજરાતીમાં ટાઇપ કરતા. વિરાટભાઇએ ગીરીશ દેસાઇ, મનોજ હ્યુસ્તોનવી અને અંબુભાઇ દેસાઇ ની કલમોને શબ્દદેહ આપેલ તેથી તેમને અને તેમના મિત્રોને આમંત્રણ આપી ” સાહિત્ય પરિચય્” ના નામે ૧૫ થી ૨૦ જણાને ભેગા કરી લેખો આપો વાળી ૪ મીટીંગ કરી…પણ પછીના સમયમાં “સાહિત્ય પરિચય” મોળુ પડ્યુ,

    આ સમય દરમ્યાન વિનોદ શાહ અને જ્યોતિબેને આદિલ મન્સુરી, યુ.કે. થી ડો.અદમ ટંકારવી અને કેનેડાથી શૈલેશ દેસાઇ અને નીતા દવેને બોલાવ્યા ત્યારે શ્રોતા સંખ્યા વધી અને ઘણા વિઘ્નો છતા કાર્યક્રમ સફળ થયો તે વાતે એ વાતની પુર્તી કરી કે હ્યુસ્ટનમાં ગુજરાતી સારા કાર્યક્રમો થઇ શકે છે ફક્ત કમી છે એ બન્નેને જોડતી સંસ્થાની.

   આ વિચારને પુષ્ટી મળી શ્રી દીપક ભટ્ટના કાર્યક્રમ ” આપણો અમર વારસો ” નામે સાહિત્ય મીટીંગ ૨૩ સપ્ટેમ્બરે ૨૦૦૧ માં તેમણે તેમના ઘરે રાખી.તેમનો જુલાઇ મહીનામાં ફોન આવ્યો કે તમે જેમને ઓળખતા હો અને તેમને સાહિત્યમાં રસ હોય તેમની મને યાદી આપો અને આ મીટીંગમાં તમે, ચીમન પટેલ અને કરાંચીથી આવેલ શ્રી રસિક મેઘાણી  એમ ત્રણે જણા ૧૫, ૧૫ મીનીટ માટે બોલજો. યોગી પટેલ તેમની વાંસળી વગાડશે અને લોક સંગીત સાંભળશુ. યોગી પટેલ, પુષ્પાબેન દેસાઇ અને જ્યોતિબેન પટેલ એમ ત્રણ ગુજરાતી સમાજના  પ્રમુખોની હાજરી અને સીનીયર સીટીઝન પ્રમુખ મથુરભાઇ કોઠારી, સાગર મીસ્ત્રી અને અંબુભાઇ દેસાઇના આશિર્વચનો સાથે મીટીંગ શરુ થઇ. દીપક્ભાઇએ યશવંત શુકલનાં દીકરા ડો. અમિતાભ શુકલ, નીલકંઠનાં પૌત્ર પ્રેમાંકુર ચોલિઆ અને  નાથાલાલ દવેની ભાણી સરયુબેન પરીખનો પરિચય કરાવ્યો. ૪૨ માણસોને આખી મીટીંગ બહુજ રસપ્રદ લાગી.

  આ રસ જળવયેલો રહે તે હેતુ થી તેજ મીટીંગમાં મહિના પછીની તારીખ જાહેર કરી અને ગ્રુપનાં નામાભિધાન માટે મને ઇ.મેઇલ કરવા વિનંતી કરી. ધાર્યા કરતા વધુ ઇ મેલ આવ્યા અને સૌથી વધારે સુચવાયેલ નામ “ગુજરાતી સાહિત્ય સરિતા” સ્વીકારાયુ.

            ત્રીજી મીટીંગમાં ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન ના પ્રમુખ દેવેન્દ્ર પરીખનુ સન્માન થયુ અને તેમણે આ પ્રવ્રુતિને વેગ મળે તેવા અનેક સુચનો કર્યા.જેમા સૌથી અગત્યની વાત એ હતી કે ગુજરાતી સમાજે જે કામ કરવાનુ છે તે કામ તમે લોકો સ્વયંભુ રીતે કરો છો તે બદલ અભિનંદનના અધિકારી છો. 

              વિરાટભાઇ મહેતા, ડો.ભગવાનદાસભાઇ પટેલ, વિશ્વદીપભાઇ બારડ, હેમંતભાઇ ગજરવાલા, રસેશભાઇ દલાલ, કિરીટભાઇ મોદી, નવીનભાઇ બેંકર,પ્રવિણાબેન કડકીયા, આમીરભાઇ ધારાણી, હૈદર અલીભાઇ જીવાણી, કિશોરભાઇ મહેતા,ઉમાબેન નગરશેઠ,પ્રોફેસર સુમન અજમેરી, ફતેહઅલીભાઇ ચતુર,અક્બરલીભાઇ નરસી,નિખિલભાઇ મહેતા અને વર્ષાબેન શાહ જેવા અન્ય સાહિત્ય રસિક મિત્રો ઉમેરાતા ગયા.મુકુંદભાઇ  ગાંધી, સાગરભાઇ મીસ્ત્રી,રમેશભાઇ દેસાઇ, રીધ્ધીબેન દેસાઇ, અમીન જીવાણી,હેમંત ભાવસાર,કિરિટ ભક્ત,ડો રમેશભાઇ શાહ,ડો. કમલેશભાઇ લુલ્લા, પ્રવિણભાઇ  વ્યાસ,ધીરુભાઇ શાહ જેવાસૃહ્રદ મિત્રોએ તન,મન અને ધનથી સાહિત્ય સરિતાના જુસ્સાને ટકાવી રાખ્યો. દિપકભાઇ એ રોસ્ટર બનાવ્યુ, ચીમનભાઇ, અશોકભાઇ, મનોજભાઇ ના સહયોગ થી ગુજરાતી સાહિત્ય સરિતાનુ ગતિવાન બનવા લાગ્યુ. રસિક મેઘાણી ખીલતા ગયા અને કીરીટ મોદીને ત્યાં પહેલો સહિત્યીક ચમત્કાર દેખાયો.જુના ઘરની વાત ઉપર ત્રણ કાવ્ય સર્જાયા રસિક મેઘાણી, અંબુભાઇ દેસાઇ અને અશોક પટેલે શબ્દ સરખા પણ ભાવ જુદા રજુ કર્યા અને સૌ શ્રોતાજનો ઝુમી ઉઠ્યા.

             વિનોદ પટેલ “દર્પણ“માં રીપોર્ટ આપતા, નવિન બેંકર “ગુજરાત ટાઇમ્સ” અને “ગુજરાત દર્પણ” માં સહિત્ય સરિતાની ગતિવીધી ચમકાવતા, વર્ષાબહેન “કવિલોક” અને “કુમાર”માંથી મીઠા બોર જેવી સરસ વાતો લઇને આવતા.એક દિવસ વિરાટ મહેતાએ કહ્યુ આપણુ વૃંદ સરસ કામ કરે છે તો તે કવિઓ અને લેખકોને સાહિત્ય જગતનાં પ્રવાહોથી વાકેફ કરવા નિષ્ણાતોને આમંત્રણ આપીયે તો.. મોસાળમાં જમણ અને મા પીરસનારી હોય પછી કંઇ જોવાનુ હોય? પહેલા વર્ષના સમાપનની ઉજવણી સ્વરુપે ૩ દિવસના કાર્યક્રમનુ આયોજન થયુ ડો. અદમ ટંકારવી અને આદીલ મન્સુરીને આમંત્રણ અપાયુ. સાહિત્ય સરિતા સાથે હ્યુસ્ટન નાટ્ય વૃંદે પણ રસેશ દલાલ લીખીત ” ચંન્દ્રકાંત બક્ષી ઉપર તહોમતનામુ ” નો નાટ્ય પ્રયોગ કર્યો. સાત કવિઓએ તેમના કાવ્ય સંગ્રહો બહાર પડ્યા અને આદીલ મન્સુરીનાં મુખેથી સરી પડ્યા “હ્યુસ્ટન તો અમેરીકાનુ ગુજરાતી ભાષાનુ પાટનગર છે.

      આટલી ટુંકી પૂર્વભુમિકા પછી પ્રોફેસર સુમન અજમેરીની શબ્દનોંધ અહી રજુ કરુ તો સાહિત્ય સરિતાની પ્રતિમાહ સાયંકાળે બેઠક મળે છે.આ બેઠક્માં ૪૦ થી ૪૫ સાહિત્ય-સેવીઓ અને શબ્દકર્મીઓ હાજરી આપે છે. બેઠકમાં સર્જકો પોતાની કૃતિઓ રજુ કરે છે જેનો આરંભ સ્વરચીત કાવ્યોથી થાય છે. કાવ્યો ઉપરાંત વાર્તા, નિબંધ,સંવાદ પત્ર, રેખા ચિત્રો વિગેરેની પ્રસંગોપાત ચર્ચા થતી હોય છે.  ગુજરાતી સાહિત્ય સરીતાની વેબ સાઇટ ૨૦૦૨માં મુકાઇ. www.gujaratisahityasarita.com 

      આ સંસ્થા ૫ વર્ષ પુરા કરી રહી છે ત્યારે એ કહેવુ યોગ્ય રહેશે કે દેશ થી વિદેશ આવીને વસેલા દરેક્નાં મનમાં માતૃભાષા માટેનો પ્રેમ જ્વલંત હોય છે અને તેથીજ આ કાર્ય સુંદર રીતે ગતી પકડી રહ્યુ છે. સાહિત્યકારોને તેમની કળા વ્યક્ત કરવા અને સાહિત્ય પ્રેમીઓને તે પામવા બહુ જરુરી માધ્યમ ગુજરાતી સાહિત્ય સરિતા પુરુ પાડી રહી છે. આ સંસ્થા નિયમીત બેઠકો દ્વારા નવોદીત લેખકો અને કવિઓને જરુરી લેખન, પ્રસિધ્ધી,અને પ્રચાર પ્રસાર માટે મદદરુપ થાય છે. ઉદાહરણ તરીકે “ઉદ્દેશ્ય”માં પ્રસિધ્ધ થયેલ પ્રો. સુમન અજમેરીનો પ્રવાસીકા લેખ કે જ્યાં ૧૧ હ્યુસ્ટ્નનાં કવિઓ આદીલ મન્સુરી અને અદમ ટંકારવી સથે ૪ કલાકની ચક્રીત વાનમાં ૨૭ જેટલા કાવ્યો રચે કે ૧૧ જેટલા લેખકો એક વસ્તુને ધ્યાનમાં રાખી “નિવૃતિ નિવાસ” જેવી નવલકથા લખે. 

           પાંચ વર્ષનુ સરવૈયુ કાઢવુ હોય તો જ્યારે ગુજરાતી સાહિત્ય સરિતા શરુ થઇ ત્યારે ત્રણ કે ચાર લખનાર હતા અને ગણ્યા ગાંઠ્યા પ્રકાશનો હતા પાંચ વર્ષમાં લખનારાની સંખ્યા વધીને ૨૦ જેટ્લી થઇ. પ્રકાશનો જેવાકે કાવ્ય સંગ્રહો, નવલકથા, નવલીકા અને કોલમ સાથે તે સંખ્યા ૫૦ ને આંબશે. નવતર જમાનાના પ્રકાશન માધ્યમો જેવા કે વેબ, બ્લોગ વિ. માં પણ ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્યો ઝળકતા રહે છે. 

            સાહિત્ય સરિતાની બેઠકોમાં પધારેલા માનનીય મહેમાનોમાં સર્વશ્રી આદિલ મન્સુરી,ડો. આદમ ટંકારવી,ગુલ અહમદ,ડો રઇશ મણીયાર,ગુણવંત શાહ, ડો ચીનુ મોદી, અસીત અને હેમા દેસાઇ, માર્તંડ ભટ્ટ્,પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસાબેન દવે, શૈલેશ દેસાઇ, નીતા દવે,પદ્મશ્રી કુમારપાળ દેસાઇ, અનીલ જોશી, શોભીત દેસાઇ, સુધીર દવે, સુરેશ જાની, ડો વિનોદ જોશી અને વિશાલ મોણપરા મુખ્ય ગણાય્. ટેલિફોન ઇંટરવ્યુ દ્વારા નાટ્યકાર મધુ રાય પણ બેઠકમાં બોલાવાયા હતા. હ્યુસ્ટન નાટ્ય વ્રુંદનાં સહયોગ થી નાટ્ય મહોત્સવનુ આયોજન થયુ હતુ અને ત્રણ એકાંકી નાટકો ભજવાય હતા.દરેક બેઠકોમાં એક કવિ કે લેખક કે નાટ્યકારના પરિચય પણ યોજાતા હતા જેમાં નર્મદ, ચન્દ્રકાન્ત બક્ષી, કલાપી, દયારામ, નરસીંહ મહેતા,અખો,શામળ,કનૈયાલાલ મુન્શી,ઝવેરચંદ મેઘાણી વિગેરેની ચર્ચા થતી. ગઝલ, નઝમ,મુક્તક અને અછન્દસ કાવ્ય જગતનાં વિકાસની વાતો પણ સભ્યોને પ્રેરતી

        આ તો પાંચ વર્ષની વાત થઇ આવનારા વર્ષમાં ડો. કમલેશ લુલ્લાનુ મારી માયલડી ગુજરાત ની અવકાશ યાત્રા કદાચ વર્ષનુ શ્રેષ્ઠ અમુલ્ય પ્રદાન થશે. જેના જન્મ થી માંડી પ્રકાશન સુધી વધતે ઓછે અંશે ગુજરાતી સાહિત્ય સરિતા નાં સભ્યોનુ યોગદાન દેખાશે.

            જ્યારે મોટો સમુહ સાથે ચલતો હોય ત્યારે કોઇક પરિબળ દરેક મતભેદને સમાવતુ તો હોય જ છે. ગુજરાતી સાહિત્ય સરિતામાં તે મોટું પરિબળ છે સૌની સાહિત્ય પ્રીતિ અને એકમેકના વિચારોને સમજીને મતભેદ,’મનભેદન બને તેની સૌજન્યતાપુર્વક્ની તકેદારી છે. કદાચ લઘુત્તમ ખર્ચમાં ઓછા વહીવટી માળખામાં અને પદ પૈસો અને પ્રતિષ્ઠાની ઝંખના વિના ચાલતુ લોક્તાંત્રીક સ્વયંભુ સંઘ તેના નિર્ધારીત હેતુ સાથે કાર્યરત છે અત્યારે તેની સંખ્યા ૭૫ની ઉપર વટાવી ગયુ છે. તે સૌ  સાહિત્ય પ્રેમીઓને મારા વંદન અને ઝાઝેરા જુહાર.

One reply

 1. શ્રી વિજયભાઇ
  જય જલારામ સહિત જય શ્રી કૃષ્ણ.
  સહિત્ય જગતમાં હ્યુસ્ટનને મોકાનુ સ્થાન અપાવામાં તમોએ સુંદર રીતે સાચી
  રજુઆત કરી છે.સાહિત્ય જગતના પાયામાં તમે ખુબ મજ્બુત ભાવના રાખી ગુજરાતી
  ભાષાને મજબુત કરી છે. તેથી મારી સમજ પ્રમાણે આપ અભિનંદનને પાત્ર છો.
  ધન્યવાદ સહિત
  લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *