નિવૃત્તી નિવાસ

નિવૃત્તી નિવાસમાં એક સન્નાટો છવાઇ ગયો હતો સરગમ બેન ને રાત્રે ભારે હ્રદય રોગનો હુમલો થયો હતો. તેમણે ઉઁઘમાં જ દેહ છોડ્યો. સવારનાં છને ટકોરે હાજર થઇ જનારા સરગમ તે દિવસે સાડા છ સુધી ના આવ્યા ત્યારે મીનાબેનને અજુગતુ લાગ્યુ અને તે જાગ્યા છે કે નહિં તે તપાસવા ગયા અને ખબર પડી ત્યારે તેઓ છુટ્ટા મોઢે રડી પડ્યા.

.ડો.વિનયે તેમને તપાસી દુ:ખમાં નકારાત્મક માથુ હલાવ્યુ ત્યારે તો સહુ રહેવાસીઓની આંખો ચોધાર રડતી થઇ ગઇ હતી. ડો વિનય ગળ ગળા અવાજે બોલ્યા

” આ નિવૃત્તી નિવાસનો મુખ્ય પ્રાણ ગયો…જોકે તેમની ગતિ ચોક્કસ જ સારી થયેલ છે. આખા નિવૃત્તિ નિવાસની ચાકરી અને માવજત કરતી સરગમ કોઇની પણ સેવા લેવા ન રોકાઇ. બહુજ ભલા બહેન હતા. આ નિવૃત્તિ નિવાસમાં દરેક્ની કાળજી દિકરા અને દિકરીની જેમ રાખતા અને સહુના દુ:ખને હકારાત્મક અભિગમોથી હલકુ કરતા હતા.”

સંચાલક રેડ્ડીએ ફોન કરી એમ્બ્યુલંસ બોલાવી ત્યારે તો ત્યાં જેટલા હાજર હતા તે સૌ સુનમુન હતા દરેક્ને લાગતુ હતુ કે તેમણે તેમનો અંગત મિત્ર, મા કે બહેન ગુમાવી હતી. અવંતિકાબેનની આંખે તો પાણી સુકાતા જ નહોંતા.

અક્ષય પરાંજપે કહે “ત્યાંય એમની જરુર પડી હશેને..તેથી યમરાજા કોઇ ખબર કર્યા વિના અમને નોઁધારા કરીને લઇ ગયા”

પેસ્તંનજી તેમની પારસી લઢણ માં બોલ્યા

“આવા મુઠ્ઠીભર પરગજુ માણસોને લીધેતો આ પૃથ્વી હજી વિના આધારે ટકેલી છે.બહુ સોજ્જા અને હસમુખા મેડમ હતા..જો કે મનાતુ નથી કે તેવણજી હવે અહીઁ આપણી સાથે નથી.. હમણા જાણે કે બોલશે..

“બાવાજી રોઝીને ભલામણ કરું તમારા માટે કંપની શોધવાની?”

અચાનક વલ્લભદાસ છુટ્ટે મોઢે રડી પડ્યા અને રુધાતા અને ગળ ગળા અવાજે બોલ્યા

‘આ મોત મને કેમ નથી લઇ જતુ? જેમની અહીં હજી જરુર છે તે જતા રહે અને અમારા જેવા નકામા ડોહલા અહીં રહી જઇએ છે.”

સોહિલ સાઠે એ ઉભા થઇને વલ્લભદાસ ભાઇને પાણી પાયુ. અને વહેવારીક વાત કહી કે તેઓનુ જીવન પુરુ થયુ હવે તો તેમની યાદ અને તેમની સારી વાતોને સહારે આપણે જીવવુ રહ્યુ..

એમ્બ્યુલંસ આંગણે આવી  ત્યારે વહેલી પરોઢ તો ઢળી ગઇ હતી અને સુર્ય પુર્વે ઉગી ગયો હતો અંતિમ દર્શન કરાવી જ્યારે તેમના મૃત દેહને ફુલોમાં લાદીને લઇ ગયા ત્યારે કહેવાની જરુર નહોંતી કે ફુલો કરતા દરેક સભ્યોની ચુમતી આંખોનાં આંસુઓ વધારે હતા.

આકાશ, પુરૂષોત્તમ જીવાણી અને રેડ્ડી લગભગ બપોરે બે વાગે તેમના નશ્વર દેહને વિદાય દઇને આવ્યા ત્યારે લગભગ થાકયાનાં ગઢ તે સૌ ચઢતા હતા. ડો વિનય અને મીના બેન દરેક્ને ભાવે કે નભાવે છતા તબિયત જાળવી રાખવા સૌને ભોજન ખંડમાં લઇ ગયા અને સાંજે સાત વાગે પ્રાર્થના ખંડમાં તેમને શ્રધ્ધાંજલી આપવા ભેગા થવાનું સુચવતા હતા. ખાવાનુ તો ક્યાં કોઇને ગળે ઉતરે પણ જેમને દવા લેવાની હોય તેમને ફરજીયાત પણે ખાવાનુ હતુ…એકનાં એક શબ્દો પડ્ઘાતા હતા.. મારી તો માજણી બેન હતી.. મારીતો મા હતી કે મારી તો મોટી મા હતી.. ડુસકા શમતા હતા પણ મનમાં તો સૌ રડતા હતા અને કુદરતની કઠણાઇ વેઠતા હતા   

@#@

સાંજના સાત વાગ્યે બધા ભેગા થયા.

આકાશે તેમને માટે એક કાવ્ય વાંચ્યુ..તેણે તો મૃત્યુને બહુ નાની ઉંમરે જોયુ હતુ તેથી તેમણે એક કાલ્પનીક વાત કરી કે જે ત્યાં જાય છે તેઓને અહીં કરતા વધુ સુખ ચેન અને આરામ મળે છે તેથી તો ત્યાંનાં સુખને માણતા કોઇ પાછુ આવતુ નથી.. તેઓના આત્માની શાંતી એજ આપણી પ્રાર્થના હોય…

અવંતિકાબેને ભારે અવાજે સરગમ બેનને ગમતુ ભજન એક જ દે ચિનગારી મહાનલ ગાયુ

ત્યાર પછી મીનાબેને રોજ થતી પ્રાર્થના તુ પ્યારકા સાગર હૈ તેરી એક બુંદ કે પ્યાસે હમ ગાયુ..જે સૌ તેમની સાથે ઝીલતા હતા.

સોહીલનુ આજનુ વક્તવ્ય લગભગ દરેક્ને મંત્રમુગ્ધ કરી ગયુ. તે સરગમ બેન ને આ નિવૃત્તિ નિવાસમાં લઇને આવ્યો હતો. તેમની જીવન ઝરમરની ઘણી બધી વાતો કહીને એક જ વાત તેણે સાબિત કરી કે જો સરગમ બેન જેવું જીવવુ હોય તો દુ:ખમાંથી તમને ભગવાન બહાર કાઢશે તેવા ભ્રમો ન રહેવાને બદલે જાતે ઝઝુમીને હકારાત્મક અભિગમોથી બહાર આવો. સોહિલ અને સરગમ બેન ની કથા લગભગ એક જેવી જ હતી.સોહિલનાં માથે ઘણા દુ:ખો આવ્યા અને તે દુ:ખો દરમ્યાન નકારાત્મક જીવન થી તેને સહેતો તેથી જ તો  છેલ્લે મોટુ કુટુંબ હોવા છતા નિવૃત્તિ નિવાસમાં હતો.. એ બધે ઠેકાણે સરગમ બહેન પણ હતા જે તેમના વ્યવહારીક અને હકારાત્મક અભિગમથી સૌના દિલોમાં ઘર કરી ગયા..

ડો વિનય જેમની સાથે સરગમ બહેનનો રોજનો તબીબી સબંધ હતો તેઓ ફક્ત બે જ વાક્ય બોલ્યા..જેટલી લેણ દેણ હતી તેટલી પુરી કરી તે આત્મા જીવન જેલમાંથી હસતો ગયો છે.

તેમની ખોટ તો કોઇ પણ રીતે પુરાય તેમ નથી..પરંતુ હરિઇચ્છા બલીયેસી..ત્યાં કોઇનુ ચાલતુ નથી કે ચાલ્યુ પણ નથી તેના આત્માને શાંતી મળે તેવી પ્રાર્થના

પુરૂષોત્તમ જીવાણી મુળે વકીલ એટલે એમણે તેમની શ્રધ્ધાંજલી એવી રીતે રજુ કરી કે જાણે સરગમ બેન નાં જીવન કાર્યોની ચિત્રગુપ્તના દરબારમાં ખુલાસા લેવાતા હોય અને છેલ્લે તેમના જીવન નાં અંતિમ તબક્કે તેમને બહુ માન ભેર સ્વર્ગારોહણ નો આદેશ અપાયો..

વલ્લ્ભદાસ અંજલી આપી જ ન શક્યા છેવટે સૌએ સાથે સર્વ ધર્મ સમ્ભાવનું ભજન કરી છુટા પડ્યા ત્યારે રાત પડી ચુકી હતી. તેમની દવા જ્યારે મેનન સાહેબા લઇને આવ્યા ત્યારે વલ્લ્ભદાસ પાછા હીબકે ચઢી ગયા..ઉઘની ગોળી એ અસર કરવા માંડી અને તેમના રુમની લાઇટ બંધ કરી સોહીલ તેના રુમ માં ગયો

 છેલ્લા જીવાણીનાં વક્તવ્યની અસર હેઠળ વલ્લભદાસ ચિત્રગુપ્તના દરબારમાંથી લઇ જવાતા સરગમ બહેન ને જુએ છે અને તેમનો અને ચિત્રગુપ્તનો સંવાદ સંભળાય છે.

ચિત્રગુપ્ત કહેતા હતા કે તમને સ્વર્ગારોહણ મળવા છતા આંખમાં અવ્યક્ત અફસોસ દેખાય છે તેનુ કારણ શું? પાછલી દુનીયાનાં ઘણા કામો રહી ગયાનો અફસોસ છે કે શું?

સરગમ બહેન બોલ્યા

 “હા હજી વલ્લભદાસ તેમના વર્તમાનમાં આવ્યા નહોંતા તેથી તેમની ચિંતા મને રહી ગઇ છે”.

        સ્વપ્નમાં તેમનો ઉલ્લેખ થતા વલ્લભદાસ સ્વપ્નમાં મલક્યા..ચિત્ર ગુપ્તનો દરબાર વિલાઇ ગયો અને તેઓ તેમના વતન બારડોલી પહોંચી ગયા દસ વીંઘા જમીન અને શેરડીનો રોકડીયો પાક.. પાણી પાવાનુ નિંદામણ કરવાનુ અને જીવની જેમ તે પાકને જાળવવાનો..વળી શેરડીનાં ક્યારામાં સાપોલીયા બહુ થાય તેથી તે પણ સાચવવાનુ.

કાંતાને જ્યારે સાપ કરડ્યો ત્યારે દેવો દોઢનો અને નીતા અગીયારની..વિધુર વલ્લભદાસ એક જ સ્વપ્ન લઇને જીવતા હતા બંને નમાયા મારા દિકરી અને દિકરા ને સુખે દુ:ખે અમેરિકા મોકલુ..અને ત્યારે તો બારડોલીનુ કોઇ ફળીયું એવુ નહીં કે જ્યાં કોઇ ને કોઇ ભારત બહાર હોય..કાં તો પનામા તો કાં ફીજી કે પછીલંડન કે કેલીફોર્નીયા…

     વલ્લભદાસની માએ બહુએ કહ્યું પણ ફરીલગ્ન નહી કરી તે માને ટેકે ટેકે બને બાળકો ને ભણાવ્યા અને તૈયાર કર્યા. ત્યાં સુધીમાં દસ વીંઘા જમીન વધીને 30 વીંઘા થઇ કાચું મકાન પાકુ થયું અને નીતા ભણી રહીને કાનજી પટેલે તેમના ડો. રાકેશ માટે સામે થી માંગુ મોકલાવ્યુ ત્યારે વલ્લભદાસને તેની જિંદગી હરી ભરી લાગી. દેવાંગ બારમુ પાસ કરીને કોલેજ ભણવા સુરત જવાના ઉધામા કરતો ત્યારે તેને થતુ કે આ બારડોલીમાંજ કોલેજ છે અને તેને સુરત કેમ જવુ છે? તે સમજાતુ નહીં ત્યારે નીતા એ કહ્યુ બાપા તેને એંજીનીયર થવુ છે અને તે કોલેજ સુરતમાં છે તો તમે તેને સુરત મોકલો.

        ભોળો ખેડુત જે ચાર ચોપડી માંડ ભણેલો તે શું સમજે કે દિકરાને હૈયેથી અને ખોરડે થી કઢાય નહીં પણ તેનુ ભલુ થાય છે તેથી સુરત ભણવા મુક્યો.  અને બે જ વરસમાં વાતો આવવા માંડી કે દેવો તો કોઇક હલકી વરણની રુપાળી છોકરીનાં ચક્કરમાં પડ્યો છે અને બીજીજ મીનીટે સુરત જવા બસ પકડી. નીતા બાપાને કટાણે ખબર આપ્યા વિના આવેલા જોઇ પહેલા તો અમંગળ કલ્પનાઓથી ધ્રુજી ગઇ..પણ વલ્લભ દાસે સીધોજ પ્રશ્ન પુછ્યો “દેવો ક્યાં?”

“તે તો કોલેજ ગયો છે”

 ધુંવા ફુંઆ થતા તેની રાહ જોતા બેઠા.. જમાઇ ડો. રાકેશ પણ જમવા ટાણે ઘરે આવ્યા ત્યારે દેવો પણ કોલેજથી આવ્યો..

 “દેવા!”

” હા બાપા!”

” કનીયો કહેતો હતો કે તુ અહીં કો’ક પોરી ના ચક્કરમાં છે”

નીતા બોલી -” બાપા શહેર અને ગામડામાં ઘણો ફેર હોય છે.સાથે ભણતા હોય અને વાતો કરે તેથી ચક્કર ના કહેવાય!”

” હા જો અહીં તને ભણવા મુક્યો છે. પોરીઓનાં ચાળે ચઢ્યો તો લાકડીએ લાકડીએ મારી ગામ ભેગો કરી દૈ’શ સમજ્યો ને..પેટે પાટા બાંધીને ભણાવવા પાછળ તમારુ ભાવિ હુધરે તેવુ સમજુ છુ તેથી કાં’ખમાંથી કાઢ્યો છે. હીધો હીધો ભણી લે અને જમીન હાચવ જેથી મને પણ હાહ ખાવા મળે”

ડો રાકેશ પણ બોલ્યા

“બાપા થોડુક મન મોટુ રાખીને ભણી લેવા દ્યો. ઇજનેર થઇ ને ખેતીવાડી કરતા વધુ કમાશે”

વેવાઇ વરતમાં દિકરીનો બાપ ઝાઝુ બોલે તો સારુ ન લાગે તેમ સમજીને વલ્લભદાસ ગમ ખાઇ ગયા પણ મનમાં તો ગાંઠ વાળી દીધીકે દેવાનાં હાથ પીળા કરવાનો સમય આવી ગયો છે.

મહીનો થયો હશેને વલ્લ્ભદાસ સુરત પહોંચ્યા.જ્યારે વેવાઇ કે જમાઇ ના હોય ત્યારે ટાઢા પેટે કહ્યું-” દેવા આ પાંચમે તારા ચાંદલા રાખેલ છે”

‘બાપા હજી તો ભણવાનાં ત્રણ વર્ષ બાકી છે”

“તે મેં તને ભણવાની ક્યાં ના પાડી છે આતો કરસન પટેલની પોરીનુ માંગુ આવ્યુ અને મેં જીભ કચરી નાખી,, આવી ગામની પોરીઓ જ આપણ ને ચાલે આ શહેરની લટક મટક આપણે ત્યાં ના ચાલે કામ તો ના કરે અને ઉપરથી ઘૈ’ડાને રડાવે.”

દેવો મક્કમ અવાજે બોલ્યો ” એ ગામની પોરીને ગામમાં રાખો હું તો ભણી ગણીને અમેરિકા જવાનો છું..નયનાનાં બાપા મારા પેપર કરવાના છે.”

“કોણ નયના?”

“નયના કાચવાળા એ મારા વર્ગમા સાથે ભણે છે એના બાપા મને ત્યાં લઇ જવાના છે. હું કંઇ ગામમાં નથી રહેવાનો..”

વલ્લભદાસનો ગુસ્સામાં દેવા પર ઉઠી ગયો ” પેલો કનીયો કહેતો હતો તે સાચુને? એટલે તુ ઘાંચણને ઘરમાં લાવવાનો? પટેલોમાં કન્યાઓ ખુટી ગઇ છે? કપાતર!”

દેવો પણ મક્કમતાથી બોલતો હતો

 ” મને મારો નહીં પણ બાપા મારે મારુ ભવિષ્ય પણ જોવાનુ ને…?”

ગુસ્સામાં ઝઝુમતા હાથ વલ્લભદાસને દેખાતા હતા ત્યાં દુરથી એક પરી સ્વપ્નમાં તેમની પાસે આવતી જણાઇ..તે નજીક આવી અને વલ્લભદાસને અહેસાસ થયો કે તે સરગમ બહેન હતા. તે ધીમેથી બોલ્યા” વલ્લભદાસ ભાઇ તમારી વ્યથા મને ખબર છે”

સાસરે ત્રાસથી રડતી વહુને પીયરીયુ મળેને જેમ બાઝીને છુટ્ટે મોઢે જેમ વહુ રડે તેમ વલ્લભદાસ ભાઇએ પોક મુકી,,

“તમે તો છુટી ગયા બેન પણ આ અક્કરમી પટેલીયાને ‘ઉકરડો’ બની કેટલું જીવવાનુ છે તે સમજાવશો?”

“વલ્લભદાસભાઇ તે તો સમજાવવા આવી છુ. તમે આ ‘ઉકરડો’ કેમ બન્યા તે તમે જાણો છો? ક્યારેક ઘડપણ આવશે અને દિકરા આવો દગો કરશે તેવી કલ્પના પણ કરેલી ખરી?”

અસંમજસમાં માથુ હલાવતા વલ્લભદાસનો સરગમ બહેને હાથ પકડ્યો અને વૃધ્ધ વલ્લભદાસનાં ધ્રુજતા હાથ સીધા થયા..વળેલી કમર ટટ્ટાર થઇ ધોળાવાળ સફેદ થયા અને  એ પ્રસંગ જાગૃત થયો જ્યારે દેવા ઉપર ગુસ્સામાં હાથ ઉપાડતા હતા..સરગમ બહેન કહે હવે જરા બારણાની પાછળ નજર કરો તો..તે સમયે નયના સહેજ ડરેલી પણ ગુસ્સામાં દાંત કચકચાવતી દેખાઇ “આ ડોહલાને મારી સાથે કયા ભવનુ વેર છે તે નથી સમજાતુ અમે બન્ને એક બીજામાટે તૈયાર છે ત્યારે….આ કેમ ફાચરો મારે છે?”

 હવે આ વખતે જો તમે જરા બીજો વિચાર કર્યો હોત તો તમારું સ્થાન ક્યાં હોત તે જુઓ…

જમાઇ અને વેવાઇની હાજરીમાં તેઓ પુછતા હતા

 ” દેવા પેલો કનુ કહેતો હતો કે તારુ મન કોઇક સાથે મળી ગયુ છે તે સાચુ?”

આશ્ચર્યનાં ભાવો સાથે દેવો કહેતો હતો ” બાપા મને તમને કહેતા ડર લાગતો હતો પણ નયના કાચવાળા ના બાપુજી મને અમેરિકા લઇ જવા માંગે છે.

 નીતા એ કહ્યું નયના પટેલ નથી પણ તેના બાપુજીનાં અમેરિકામાં ઘણા ગેસ સ્ટેશનો છે અને તમારા આશિર્વાદ હશે તો આપણા ગામ માથી પહેલો અમેરિકા જનારો થશે…વલ્લભદાસે હસતા હસતા કહ્યું તમે સમજદાર છો અને સૌને ઠીક લાગતુ હોય તો ફુલો ફલો અને મઝા કરો…

દેવાંગે બીજા રૂમમાં બેઠેલી નયના ને બોલવી અને કહ્યું બાપાએ હા પાડી દીધી.. આવ તુ પગે લાગ. નીતા બેન કહેતા હતા તેમજ બાપા તો બાપા છે.

નયના પગે લાગતી હતી ત્યારે વલ્લભદાસ ગળ ગળા થઇને તારાને સ્વગત રીતે કહેતા સંભળાયા જો તારો દેવો…કેવી સુંદર કન્યા લાવ્યો…

સરગમ બહેન વલ્લભદાસ ની પ્રસન્નતા જોઇ રહ્યા..તેમની સ્વપ્નીલ આંખો દેવાના લગ્ન પછી અમેરિકાથી ચાલતો પત્ર વ્યવહાર અને ડોલર વ્યવહાર જોતા રહ્યા જમીનો વધતી ચાલી.. સુગર મીલનાં પ્રમુખપદે મહાલતા વલ્લભદાસ વધતા વંશવેલાના વિકાસ સાથે સાથે સુખના દરિયમાં ઝુમતા દેખાયા

દેવાનાં દિકરાનાં લગ્ન પ્રસંગે દાદા ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે દેખાયા…હાર્ટ એટેકમાં દેવો બાપાને તેડીને હોસ્પીટલ જતો દેખાયો સ્વપ્ન આગળ ચાલે તે પહેલા સરગમ બહેને તેમને જગાડ્યા. વલ્લભદાસ બોલ્યા બહુ સરસ સ્વપ્ન હતુ તેમા આ નિવૃત્તી નિવાસ ક્યારે આવ્યુ? સરગમ બહેન કહે છે આતો સ્વપ્ન હતુ પણ વાસ્તવિકતા જુદી હતીને…યમે ગુસ્સો કર્યો તે દેવાને અજુગતુ નહોંતુ લાગ્યુ પણ નયનાને…

અને તમારો ગુસ્સો અને કછારી જબાન તેને ક્યારેય ભુલવા નહોંતી દેતી કે તે હલકા વરણ ની છે અને તેથી જ તો તે દિવસે તેણે તમને લપડાક મારી અને દેવો કંઇ ન કરી શક્યો..બેઘર હાલતમાં નિવૃતિ નિવાસ વહારે ધાયુ…વહેલી સવાર પડી ગઇ હતી અજંપ મન પ્રભુને ફરિયાદ કરતું હતુ.

હે કરતાર કેવો છે તારો

વેરા-આંતરા ભર્યો વર્તાવ!

દુ:ખો આપે થોકબંધને

સુખોમાં કાપે ભારે વટાવ

જાણે હું તારું નહીં

કટ્ટર વેરીનું સંતાન  

સવારની પ્રભાત ફેરીને અંતે ભજનમાં તેમના ફોટા પર નજર કરતા સરગમ બહેન ફરી દેખાયા અને હસતા હસતા કહે પ્રભુને કેમ ફરિયાદ કરો છો? વાંક ખુદનો જુઓ તો તમને લાગશે કે તમે નથી ફરિયાદી.

મનનું લોલક બીજી તરફ ફંગોળાયુ..શું ખરેખર નયના એટલી દોષી હતી? દેવા અને નયના વચ્ચે તડ પડાવવા ઓછા ધતિંગો નહોંતા કર્યા? પણ અંતે પરિણામ શું? એ સત્ય છે ને કે જે આગળ જતા રહે છે તેમને પાછળ પડી ગયેલાનાં આંસુ ક્યારે દેખાય છે? એક આહ મનમાંથી નીકળે છે ” અમ વીતી તુમ વીતશે ધીરી બાપુડીયા”

સરગમ બહેન ફરીથી ટહુકો કરતા સંભળાય છે ” વલ્લભ ભાઇ તમે તમારા બાપા માટે શું કર્યુ હતુ જરા યાદ કરો..કાંતા બાપને સરખુ ખાવા પણ નહોંતી આપતી..દુધ્થી ઝાડા થૈ જાય છે માટે ચા પાતી અને કાંતા દુધ દેવાને પાતી…ત્યારે ડો હા ને નહીં થતુ હોયકે આ વલ્લભાને શું થયુ છે શું?

        સ્થિર થઇ જાવ..ભૂતકાળને ભુલવામાં મઝા છે અને વર્તમાનમાં જીવવાની મઝા છે. જ્યારે તમે દિકરા હતા ત્યારે તમે જે કર્યુ તે તમારા દિકરા તમારા માટે કરે તો તેનો અફસોસ શું? નાગણ ને પેટે સાપોલીયા જ પાકેને ? કરણી તેવી ભરણી…વલ્લભદાસની આંખો આઁસુ સારતી હતી ત્યારે સરગમ બહેન જીવતા જે નહોંતા બોલ્યા તે બ્ર્હ્મ વાક્ય બોલ્યા વલ્લભભાઇ મૃત્યુ સુધારો..બાપાની ક્ષમા માંગો અને દિકરાને માફકરો.. આ વેર અને તિરસ્કાર્નાં ઝેરને અહીં જ ત્યાગો.. તેથી આત્મા હલકો થશે અને તેથી તેનુ ગમન ઉર્ધ્વગામી થશે…મનમાં પ્રભુનું નામ અને હળવો આત્મા તમને મુક્તિ ગામી કરશે…

ફોટાનાં સરગમ બહેન  હસતા હતા તેમ તેજ સ્વરૂપે અદ્ર્શ્ય થયા.. અને વલ્લભભાઇ નાં મુખવદન પર અનન્ય શાંતિ દ્રશ્યમાન થઇ અને તે બોલ્યા હા હવે મૃત્યુ સુધારવુ હોયતો પ્રભુનામ સિવાયની બધી વાતો ખોટી.. અવંતિકા બહેને હલકા અવાજે ભજન ઉપાડ્યુ..

                મેરે તો ગીરધર ગોપાલ દુસરા ન કોઇ

વિજય શાહ