૧૯મી જૂનના પ્રભાત છાપામાં એક સમાચાર હતા નવરંગપુરા રેલ્વે ફાટક પાસે કપાઇ ગયેલ એક અજાણ્યો યુવક સાથે કમકમી જવાય તેવી રીતે ધડથી છૂટું પડી ગયેલ માથું હાથ અને પગ અને બાઝી ગયેલ લોહીના અવશેષૌ ની છબી જોઇને ફોટોગ્રાફરેજ નહીં જેણ તે જોયા હશે તે બધાંએ કમકમિયા અનુભવ્યાં હશે..૨૨ વર્ષનો યુવાન .. હમણાં બોલી ઊઠશે તેવો ચહેરો અને સીટી પોલીસ , આ અમારી હદ નથી રેલ્વે પોલીસ જાણે અને રેલ્વે વાળા આ શહેરની હદમાંછે એમ કાગળિયે લઢતા હતા ત્યારે એ કોઇના એ લાડકવાયાને તાપ ન લાગે અને માંખો ન બણબણે તે માટે કફનના દાન જેવી ફાટેલી ચાદર ઓઢાડી હતી.એકાદ ફર્લાંગ દુર બેઠા ઘાટની બીનવારસી લીલા રંગની લેડીઝ સાયકલ પ્રસંગની સાક્ષી પુરતી ઉભી હતી. એક પગનાં બૂટનું નિકંદન ઘર્ષણમાં નીકળી ગયુ હતુ. દોઢ વાગ્યાના બોટાદ મેઇલ નીચે કચડાઇ મરેલ તે દેહનૂ પોષ્ટમોર્ટમ રાત્રે દસ વાગ્યે થયું. લાશના કપડાંમાથી કોઇ ચિહ્મ કે નિશાન ના મળતા પોલીસને તેની ઓળખવિધિ એક માથાનો દુખાવો બની ગઇ હતી તેથી તે ફોટો ગ્રાફ અને સમાચાર નજીકના પોલીસ સ્ટેશનોમાં અપાઇ અને છાપાઓમા જાહેરાત અપાઇ.છાપાના રીપોર્ટરો અકસ્માતની જગ્યાએ કોઇ વધુ સગડ મળે તે હેતુથી ખાંખા ખોળા કરતા હતા. લોહી જે રીતે પ્રસરેલૂ હતુ તેનાથી એક વાત તો સ્પષ્ટ હતીકે મૃતક ૫૦થી ૬૦ ફુટ ટ્રેન સાથે ઘસડાયો હતો અને તે સમય દરમ્યાન તેના શરીરે જે દર્દ વેઠયુ હશે..ચીસ પાડી હશે જીવ બચાવવા ફાંફા માર્યા હશે એ બધી કલ્પના કરતા ધ્રુજી જવાતુ હતુ.
સવારના પ્રભાતમાં ફોન આવ્યો અને એ સમાચાર વિશે પુછપરછ થઇ.ફોન કરનાર તે અભાગીના પિતા ચંદુભાઇ હતા અને લાશ ક્યાં હશે અને એ મેળવવા શુ કરવાનુ બાબતે પુછયુ સીવિલ હોસ્પીટલમાંથી લાશની ઓળખ આપી ચંદુભાઇ કપાયેલ અંગોનું પેાટલુ શબવાહીનીમાં ઘરે લાવ્યા બાદ છુટ્ટે મોઢે રડયા.”કપિલ આ તને શું સુજ્યુ..”
સોસાયટીનો આડોશ પાડોશ, સગા વ્હાલા અને ટોળે મળેલ સૌએ અંતિમ યાત્રાની તૈયારી કરી ત્યારે આ થાકથી બેવડ વળી ગયેલ ચંદુભાઈ લગભગ બેભાન બની ગયા હતા રામ બોલો ભાઇ રામની ધુન સાથે રડતાં મા બાપને ઘરમાં રાખીને ડાઘુઓ સ્મશાન તરફ વળ્યા.જુવાન કમોત એટલે માબાપને માટે તો હાથમાં અવેલ કોળીયો ગુમાવવાનો.. પણ કહે છે ને દુઃખનુ ઓસડ દહાડા..
વેકેશન પુરુ થયૂ અને પોલીટેકનીક કોલેજમાંથી અને હોસ્ટેલમાંથી પાછો આવ્યા હતા તેથી કપિલનૂ ડેથ સર્ટીફકેિટ લઇને ચંદુભાઇ વડોદરા ગયા.આર્કીટેક કોલેજમાં કપિલ જે વર્ગમાં ભણતો હતો તે વર્ગમાં ૪૫ છોકરા અને ૪ છોકરીઓ ભણતી અને દરેકને જ્યારે કપિલની આત્મહત્યાના સમાચાર મળ્યા ત્યારે આંચકો લાગ્યો.કપિલની ખુબજ વ્યવસ્થિત અને હોંશિયાર વિદ્યાર્થીની છાપ હતી. કોઇના માનવામાં આવતુ નહોંતું કે તેણે આમ કેમ કર્યુ હશે. વર્ગના બધા વિદ્યાર્થીઓની આંખોમાં તેને ગુમાવ્યાનો અફસોસ દેખાતો હતો.
હોસ્ટેલમાં તેનો રૂમ ખાલી કરતી વખતે તેનો રુમ પાર્ટનર કંદર્પ ચા બનાવતા બોલ્યો ગોવાની ટુરમાંથી પાછા આવ્યા પછી તે ભણી શકતો નહોંતો. તો શું ગોવામાં કંઇ બન્યુ હતુ? ચંદુભાઇ એ સહજ રીતે પુછયુ. હું તો નહોતો ગયો પણ શાલુને પુછી જોઇએ તે ગોવાની એજ્યુકેશન ટુરમાં ગઇ હતી. શાલુને તેડુ થયુ અને શાલુએ સ્પષ્ટ કહ્યુ ગોવામાંતો કશુ થયુ નહોંતુ પણ તેના માર્ક ઓછા આવ્યા હતા તેથી થોડોક નિરાશ રહેતો હતો. કંદર્પ તે વખતે ચા બનાવતો હતો અને તે આદુ લેવા બાજુના રુમમાં ગયો ત્યારે એક ચબરખીમાં ફોન નૃબર લખી હાથમાં આપી હાથથી ઇશારો કર્યો ૪ વાગે ફોન કરજો.ચંદુભાઇ ને લાગ્યુ કે કંદર્પ અને શાલુ વચ્ચે અણબનાવ હશે તેથી ચબરખી ગજવામાં મુકી અને તેઓ હોસ્ટેલમાંથી નીકળી હેડક્લાર્ક મકરંદ જોષીને મળવા ગયા. જ્મવાનો સમય હતો તેથી મકરંદનાં આગ્રહથી મેસમાં જમવા ગયા મેસ કોન્ટ્રાક્ટર દીઘેએ મકરંદ સાથે આવતા કપિલનાં પિતાને બહુજ આદરથી આવકાર્યા અને બોલ્યો
“આપ કપિલનાં પિતાજી?”
” હા”. ચંદુભાઇએ જવાબ આપ્યો.
દીઘેએ વાત આગળ ચલાવતા કહ્યુ “કપિલ આત્મહત્યા કરે તે ચોંકાવનારી બાબત છે પણ સાહેબ એક વિનંતી કરું?” મકરંદભાઇ બોલ્યા
“દીઘે કપિલનુ બાકી ફુડબીલ ભરાઇ ગયુ છે તેની ચિંતા ના કરશો.” ચંદુભાઇ બોલ્યા
“ તે ચિંતા તો નથી પણ કપિલ અને અરુણા અહીં સાથે જમવા આવ્યાં હતાં ત્યારે કેટલાક શબ્દો કાને પડયા હતા તે તમને કહેવા છે.”
“આ અરુણા કોણ?” ચંદુભાઇનાં પ્રશ્વ્નનો જવાબ મકરંદભાઇએ આપ્યો.
”જલાલપોરની છોકરી જે કપિલ સાથે ભણતી અને એક વિષયમાં નબળી તેથી મેં જ કપિલને ટયુશન માટે ભલામણ કરેલી.અને કપિલને કહેલુ કે ટયુશનના પૈસા બહુ નહીં આપી શકે ત્યારે કપિલે કેટલો ઉમદા જવાબ આપ્યો હતો
“સરસ્વતિ તો મા છે તેનો વેપાર હું નથી કરતો પણ માનભેર મન મંદિરમાં રાખીને ઉન્નતિ પામવીછે.”
મકરંદની વાત આગળ ચાલી ત્રણ મહિના કપિલ પાસેથી મફત ટયુશન લીધા પછી આ ટર્મમાં તે દેખાઇ નથી, અને ત્યાં કપિલના આ માઠા સમાચાર આવ્યા. હેં ભગવાન ભલાઇનો કે સારા માણસનો તો જમાનો જ નથી. દીઘેએ ફરીથી વાતનુ સંધાન બાંધતા કહ્યું મેં તેમની બધી વાતો નહોંતી સાંભળી પણ અરુણા કપિલને લગ્ન માટે સમજાવતી હશે અને કપિલનો જવાબ મેં સાંભળ્યો. તે કહેતો હતો “તમે બ્રાદ્મણ અને અમે વાણિયા તેથી લગ્ન સંભવ નથી અને આ બધુ માબાપની સંમતિથી ભણી રહ્યા પછી વિચારવાનુ..”
કેટલો ઠરેલ અને વ્યવહારૂ ઉકેલ. હૂં તો આવા દિકરાને જોઇ ખુબજ રાજી થઉ.
ચંદુભાઇને થોડોક તાળો મળતો જણાયો કાંતો આ પેમ પ્રકરણ કે પછી ગૂંડાઓની બળજબરી તેમનુ મન વિહ્વળ થવા લાગ્યુ.ઘડિયાળમાં નજર કરી તો કાંટા ૨ વાગ્યા હોવાનુ સુચવતાં હતાં..મકરંદ અને દીઘેનૌ આભાર માનીને અજંપ મનથી કપિલના રુમને ખાલી કરી વડોદરાનુ છેલ્લુ કામ પતાવવા નીકળ્યા.
કંદર્પ રુમમાં હતો તેથી કપિલના ચોપડા કપડા અને સામાન બેગમાં ભર્યો અને બહાર નીકળ્યા. ક્ંદર્પ સાથે આવ્યો અને રીક્ષાની રાહ જોતા ઉભા હતા ત્યારે ચંદુભાઇએ કૃદર્પને પુછયુ
“તુ કયા ગામનો?”
“ નવસારી પાસે જલાલપોર તો તુ અરુણાને ઓળખેં?”
“ હા તે અમારા ગામની”
તેના ઘરનો ફોન નંબર મળે?”
“ હા મળે પણ તે તો ગયા નાતાલ વેકેશનમાં સ્ટવ ફાટતાં અકસ્માત મૃત્યુ પામી.”
“ ખુબ ખોટું થયું.
ત્યાં રીક્ષા આવી જતા વાત પુરી કરી ચૃદુભાઇ રાવપુરા તેમના મિાને ત્યાં જવા રવાના થયા.હવે તેમને કપિલનાં પત્રોમાં આવતી ફરિયાદો જેવીકે ભણવામાં પાછળ પડી ગયોછું, ગમતુ નથી અને યાદશક્તિ ઘટી રહી છે જેવી વાતો સમજાવા માંડી.
બરોબર ૪નાં ટકોરે શાલુને ફોન કર્યો. તે કંદર્પની હાજરીમાં વાત નહોંતી કરવા માંગતી તેથી સમય લીધો હતો. તેની વાત સાવ સરળ હતી. અરુણા તેના કાકાની દીકરી અને કંદર્પને તેના કપિલ સાથે વધતા સબંધ પસંદ નહી તેથી તેણે અરુણાનાં ઘરે આ વાત વધારીને કહી હતી. તેથી નાતાલ વેકેશનમા ઘડિયાં લગ્ન લેવાયાં. લગ્નના બીજે દિવસે શાલુને બોલાવીને અરુણાએ એક ચિટ્ઠી કપિલને આપવા લખી.
કપીલ
હું જાઉં છું હવે ઉપર મળીશું.
અને બે જ કલાકમાં તેમણે કેરોસીન છાંટી આત્મ હત્યા કરી. છાપામાં અને પોલીસ સ્ટેશને સ્ટવ ફટયાની વાત થઇ અને કોલેજમાંથી નામ નીકળી ગયુ. કંદદર્પે કપિલને એટલુ જ જણાવ્યુ તેના લગ્ન થઇ ગયા તેથી ભણવામાંથી ઊઠાડી મુકી..મેં અરુણાબેનની ચિટ્ઠી બે મહીના સુધી ન આપી પણ કપીલની અસ્વસ્થતા અને બેચેનીમાંથી બહાર કાઢવા તે ચિટ્ઠી તેને આપી ત્યારે તે છુટ્ટા મોં એ ખુબજ રડયો અને બોલ્યો અરુણા તારુ કહેલુ મારે માનવુ જોઇતુ હતુ. ફોન ઉપર છેલ્લે રડતા રડતા શાલુ બોલી મને માફ કરજો અંકલ મેં કપિલને તે ચિટ્ઠી ન આપી હોત તો કદાચ..
(ગ્લોબલ ગુજરાત ન્યુઝ ની પ્રથમ વાર્તા સ્પર્ધામાં પ્રથમ વિજેતા)
સત્ય ઘટના ના આધારે