નજર કરું ત્યાં નારાયણ-પુષ્પા વ્યાસ

નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ,
પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી!

હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી,
દીવો પ્રગટ્યો ત્યાં તો, ટવરક-ટવરક વાતું કરી!

ઘંટી, પાણી, વાસીદું ને, ચૂલો ઘરવરખરી,
જ્યાં જ્યાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી!

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી,
મેં તો વાવી જાર, પાક્યાં-મોતી ફાટું ભરી!

અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી,
પાછું વળી જો ત્યાં તો આંબા ને મંજરી!

પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી,
ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી,
પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!

( પુષ્પા વ્યાસ )
http://heenaparekh.wordpress.com/2008/12/28/નજર-કરું-ત્યાં-નારાયણ/

ભક્તિભાવથી છલકતું પ્રભુ ગાન જોઇ મન અતિ પ્રસન્ન થઇ ગયુ. મીરા જેવી ઉન્નત ભક્તિ ભાવ દર્શાવતુ આ ગીત ખરેખર ભગવાનમય થયા પછીની ઉત્કૃષ્ટ દશાનું વર્ણન કરે છે.

One reply

  1. જર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ,

    પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી!

    પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી,

    ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

    આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી,

    પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!

    આ કવિતા મીરાબાઈને યાદ કરાવે મને,
    ફરી ફરી ને રાધા કાનને બોલાવે મહી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *