પ્રિય સોહમ ( અઢાર)

તારો પત્ર મળ્યો.

વેદના સભર દિવસો તો જાણે પુરા થયા અને ઠેલણ ગાડીથી જેમ તમે ચાલતા હતા તેવી ઠેલણ ગાડી (walker) હવે સાથીદાર થઇ ગઇ છે. એકલા પડ્યાના ફાયદા ઘણા છે તેવુ હું માનતો હતો પણ તે ખોટુ છે. એકલા પડવુ અને પછી અપંગ બનવુ તે તો શ્રાપ છે. કદીક એવુ થાય કે આ જીવન જે અર્થહીન રીતે જીવ્યા કરવાનો કોઇ અર્થ ખરો? ઘણી વખત અલ્બમો માં તમારા હસતા ચહેરાઓ જોઇ થાય કે આ તે મને શું સુજ્યુ કે જ્યારે દિકરાઓને ઘેર દિકરાઓ અને તેમના દિકરાઓને ત્યાં દિકરા આવે અને તેમનુ બચપણ જોવાનાં સમયે આ કેવી દસ હજાર માઇલની દુરી?

બીજી દ્રષ્ટીએ જોઉં તો થાય કે હું અહીં કેમ રહ્યો છું? હું ત્યાં તારી સાથે કેમ નથી? હર્ષલ અને તુ બંને જણા મોટાભાઇ આવો આવો કહીને થાકી ગયા અને આ એકલતાની સજા જાતે વહોરી. તારી બા કહે ભલે શની રવિ તો શની રવિ તમે લોકો જીવતા હો તે જીવન અહીના એકલવાયા જીવન કરતા સારુ. કોણ જાણે કેમ તે વાતો ત્યારે જચતી નહોંતી અને આ પગ ભાંગ્યા પછી કાં તુ અહીં આવ કા અમને ત્યાં લઇ જા વાળી વાતો નાના બાળકની રમકડા માટેની જીદ હોય તેમ વધતી જાય છે.

તુ વિચારતો હોઇશ આ વાતો અમે હમણા આશ્કા નાં લગ્ન પ્રસંગે ત્યાં હતા ત્યારે બોલ્યા હોત તો અમારી સાથે જ તમને લઇને આવ્યા હોત…પણ ભાઇ તે વખતે આ યાતના પણ નહોંતીને? ખૈર! વહેવારે જે થતુ હોય અને અન્નજળ હોય તો જ ધારેલુ બધુ સુખ સૌને મળતુ હોય છે ને? તારી બા જ્યારે જ્યારે તારી વાત કરે ત્યારે ત્યારે મનમાં એવુ થઇ જાય કે આપણે માણસ છીયે અને ક્યારેક ભોગ આપવા કરતા જે પોતાનુ છે તેને માણવાની ઇચ્છ થઇ જાય… અને દરેક વખતે મનમાંથી પ્રાર્થના નીકળે…

હે પ્રભુ!
મારા સંતાનો મારા એકલાનાં સંતાનો નથી
એ તમારા પણ સંતાનો છે.
એ સર્વનાં ભાગ્ય વિધાતા તમે છો
આપની સર્વ કૃપા અને કરુણા તેમના પર પણ ઉતરે
તેમને દુ:ખ ન પડે તેવુ સૌભાગ્ય ઇચ્છું
તેમને સદબુધ્ધીની આપ વર્ષા કરો
અને સૌનુ ભલુ કરો.

તારી બા આ પત્ર વાંચ્યા પછી ખુબ રડી.. કહે એ જ્યારે અહી હતો ત્યારે બધુ જ ભોગવ્યુ હવે આવુ લખી તેના જીવને ના દુભવો અને એતો કહે જ છેને તમે આવો, પણ ત્યાં ઘણુ બધુ છે જે અહી નથી. અહી જે છે તેમાનુ ઘણુ બધુ ત્યાં પણ નથી. સૌથી મોટો તફાવત છે ડોલરનો અને રુપિયાનો..અને તે તફાવત રહેવાનો જ..ખૈર! જેમ તુ તારા મનમાં ચાલતા વિચારો અમને કહે બસ તેમજ મને આવતા વિચારો તંને લખ્યા છે. કોઇ પણ ઉતાવળીયુ કદમ ના લઇશ અને જેમ નક્કી થયુ છે તેમ તારુ બંને બાળકોને ભણાવવાનુ કામ પુરુ થાય પછી યોગ્ય લાગે તો આવીશ…

મોટાભાઇનાં આશિષ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *