મધર્સ ડે


(આમ તો વાત મેં મારી અને મારી મમ્મી ની કરી છે,પણ કદાચ એ બધી જ મા-દિકરી નાં સંબંધ ની વાત છે.આજ ના આ દિને,બધી જ મમ્મીઓ ને મારા જેવી બધી જ દિકરીઓ વતી આ લેખ અર્પણ કરું છું.)

મમ્મી,
Happy Mothers Day
આમ તો મારો હર દિન, હર ક્ષણ તારી જ છે, પણ તોય, ખાસ આજ નો દિવસ તો કેમ ભુલાય !અને એ પણ અહી તારા થી આટલે દુર,પરદેશ માં રહી ને!!

મમ્મી,તારી મમતા,નિઃસ્વાર્થ પ્રેમ આગળ તો આ શબ્દો વામણા અને મારી કલમ બુઠ્ઠી!મારી હર ક્ષણ ને તું કેટલાં આનંદ અને પ્રેમ થી સજાવતી રહી.ક્યારેક પ્રેમ થી તો ક્યારેક તારા સ્નેહાળ ગુસ્સાથી સમજાવતી રહી.તારા અમુલ્ય સંસ્કાર અને પ્રેમ ને તું હરપળ મારા માં સિંચતી રહી.મારા પર ભુલથી પણ આવી જતી એક હળવી આંચ ને લઈ ને તું ભગવાન થી યે રિસાતી રહી,ને સંજોગો થી લડતી રહી! એક માં થી વધી ને તું ક્યારેક મારી દોસ્ત બની છે,તો ક્યારેક મને જીવન નાં પાઠ શિખવવા એક કડવી શિક્ષિકા પણ બની છે.મને શિખવેલ હર ઉપદેશ,સંસ્કાર નું પોતે જ આચરણ કરી ને મારી આચાર્ય બની છે તું.હર પળ મને સાચો માર્ગ બતાવી મારી ગુરુ બની છે તું. ભગવાન કરતાં ય વધુ વિશ્વાસ તે મારી દરેક વાત માં મુક્યો છે. રસોડામાં રસોઈ શિખવતા કે વાત વાત માં જ જાણે તે મને સંસાર ની પી.એચ.ડી શિખવી દીધી.સહજ રીતે ન માનું એવી કેટલીયે વાતો તે મને તારા પ્રેમ નાં ઘુંટડે પિવડાવી. અહીં,તારા થી હજારો માઈલ દૂર છું,છતાંય ક્યારેક ઉદાસ હોઉં ને ત્યાં જ તારો ફોન આવે”બેટા,તું મજામાં છું ને!! તને કેવી રીતે ખબર પડી જતી હશે મમ્મી.!?તું સાચ્ચે જ અનન્ય છે મમ્મી.

તારા વિશે લખવામાં તો જો પૃથ્વી ને શાહી નુ પાત્ર અને આકાશ ને પત્ર બનાવું ને, તોય આસમાન ક્યાંય નાનું પડે!મમ્મી,તને હર ખુશી આપી શકું,એ માટે પ્રભુ મને સક્ષમ બનાવે.હર જન્મે તારો પ્રેમ પામી શકું,મને બસ તારી જ દિકરી બનાવે.તારી ખુશી ની હર પળ પ્રાર્થના કરું છું.માફ કરજે પ્રભુ,તમારા થી પહેલા વંદન તો હું મારી માં ને જ કરું છું.

તારી દિકરી.

http://dhwanijoshi.blogspot.com/2008/05/blog-post.html( લંડનથી ધ્વની જોશી નો આ લેખ મન ને સ્પર્શી ગયો સાથે એક વાત ઉમેરવી ગમે છે કે દિકરી હોય કે દિકરો મા તો બંને ને વહાલી હોય જ છે અને તેજ રીતે માને પણ બંને એટલા જ પ્રિય હોય છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *