ગુલામી હોય છે-હેમંત પૂણેકર

12 06 2008

મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે
એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે

દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે
મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે

સૂર્ય શો હું, આથમીને, સત્ય એ સમજી શક્યો
માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે

નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

– હેમંત

છંદ-વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

હેમંત પૂણેકર ના આ કાવ્યે મને જ્યારથી વાંચ્યું છે ત્યારથી હાથ ખેંચી ખેંચી લખાવા મથે છે. વિષય સરસ્, વિચારો સચોટ અને તરો તાજા પ્રતિકો મનને હલબલાવી દે…કોઈ વચલી વાત નહીં, કોઈ શબ્દાડંબર નહીં

જરા વિચારો કે જે વિચાર જ્યારે પણ કહેવો હોય તેનૂં પુર્ણવિરામ સચોટ જેમ કે ત્સુનામી..સલામી, ન-નામી, ખામી કે ગુલામી. આઝાદી સાથે ગુલામી, દ્રશ્ય સાથે આંખની ખામી,  બેચાર આંસુ પણ પ્રતિક ત્સુનામીનું, આથ્મેલો સુરજ કહે સલામી તો ઉગતા સુરજને.. વાહ ભાઈ વાહ્

અને છેલ્લો શેર તો ખુબ જ સચોટ છે આખી જિંદગી જે નામ પાછળ દ્દોડી દોડી થાકી જઈએ અને છેલ્લો શ્વાસ લીધો અને તરત તે નામ ન-નામી થઈ જાય્ તે નકામા જીવન ની દોડ  પરનું કવિ ચિંતન ખુબ જ સચોટ અને સંપૂર્ણ છે.

 જાણે કહેતા ના હોય કે

ખાલી હાથે આવ્યોને જવાનો ખાલી હાથ્
શું કામ આખેલ તમાશા અને આંસુ તમામ

અભિનંદન અને સલામ હેમંતભાઈ!

www.hemkavyo.wordpress.com