તે દિકરી થઈ તેથી શું થયું ?

 

મારી દિકરી ચિન્મયી મહીના માં સાસરે જશે બાપ ને જયારે દિકરી વિશે આવા નાજુક સમયે લખવાનુ અને વિચારો ની રંગોળી ને કેન્વાસ ઉપર ઉતારવાનું આમંત્રણ મંજુલાબેન અને ડો ભગવાનદાસભાઈ પાસે થી મળ્યુ ત્યારે સ્વયંભુ જ સ્વિકૃતિ અપાઈ ગઈ.

દિકરો કે દિકરી વચ્ચે માબાપને તો કયારેય ભેદ નથી હોતો પરંતુ જિંદગી નો પહેલો 25 વર્ષનો તબક્કો પુરો કરી પોતાની જિંદગી શરુ કરતી દિકરી ને વળાવતા જે આંસુ નો ધોધ વહે તેટલો જ આનંદ જયારે દિકરો કુળવધુ ને લઈ ને આવે ત્યારે થતો જ હશે…. આ ધારણા પાછળ કોઈ કારણ નથી…. પણ હું મહદ્ રીતે મારા મિત્રો ના મતે આનંદ કરતા કારુણ્ય વધારે માણુ છુ એમ કહેવાય…. ખૈર. આ વાત એટલા માટે યાદ આવી કે દુનિયા ને ઈર્ષા આવે તેવી સફળતા કોલેજ કાળમાં પાંચ વર્ષ સુધી મળી હતી યુનીવર્સીટી રેંકીગ આવતુ પણ એ ખુશી કલાક ટકે અને જતી રહે પણ એમ.એસ.સી નું છેલ્લુ વર્ષ જયારે ત્રીજો વર્ગ આવ્યો તેનો અફસોસ જયાં સુધી સારી જોબ નહોંતી મળી ત્યાં સુધી ચાલ્યો હતો.

ચિન્મયી મારી બધી જ રીતે મારી જ કોપી પણ છેલ્લો ભાગ સદનસીબે તેને વારસામાં નહોંતો મળ્યો. ખુબ જ પ્રેમાળ – ચંચળ છતા થોડીક અલ્લડ ચીની તેના ગમા તો સ્પષ્ટ વ્યક્ત કરતી તો અણગમા ને પણ સુગર કોટ કરીને નિર્ભય રીતે વ્યક્ત કરતી. 1996 માં જયારે અમેરિકા આવ્યા ત્યારે કલ્ચરલ શોક બહુ જ ભારે હતો. વડોદરા રોઝરી સ્કુલમાં તેની બહેનપણીઓ ના ટોળામાં કાયમ હસતી – ચહેકતી અને મસ્તી માં જિંદગી માણતી એ ચિની ને શરુઆત ના વર્ષોમાં બહુ જ ભારે તકલીફો હતી.

નવી જિંદગી માં ઘણુ જ શીખવાનુ હતું. અને આંખના પલકારામાં તે શીખીને અમેરીકન ગીતો – અમેરિકન ગાડી – અમેરિકન મિત્રો અને અમેરીકન સ્વપ્ન સાકાર કરવા કોલેજ માં ફરતી – નોકરી કરતી અને નવા વાતાવરણમાં ઝઝુમતી ચિની ને સાચી ભાષામાં કહું તો છેલ્લા આ છ વર્ષ મે ખુબ જ નજીકથી જોઈ છે અને તેથી કયારેક એવો અફસોસ પણ થઈ જાય કે આ દિકરી નું બચપણ કયાં જતું રહ્યું……

અમેરીકા ની જિંદગી ભારત ની જિંદગી કરતા ઘણી જુદી છે. કયારેક લાગણી અને આવેગો માં આ દેશમાં રહેવુ નથી – પાછા દેશમાં જતુ રહેવુ છે ત્યારે ચિની – મોટી સખી – અને મિત્ર બની ને ને કહેતી – પપ્પા – ભારતમાં જે છે તે અહીં નથી….. પણ અહીં જે છે તેમાનુ ઘણુ ત્યાં નથી. ભારતમાં ઉચ્ચતમ સંસ્કારો ને ખરડાયા વિના અહીની સારી વાતો કેમ ના લઈએ ?

ધ્વની કદાચ આ વાત સમજયો કે નહીં તે તો ખબર નથી પણ બે જ મહીના માં તેને ન ગમતી પણ કલાક ના 4.50 ડોલર ની જોબ લઈને તેનાથી થઈ શકે તેવી મદદ 1996 થી કુટુંબ માટે કરતી…. ભારતમાં સંસ્કારો ની જેમ એના પૈસા હું ઘરમાં ન વાપરતો તેથી ખીજાતી અને રીસાતી પણ…. અને કહે પણ ખરી – તમે તો પપ્પા છોકરી અને છોકરો સરખા ની વાતો કરો છે ?…. અને વર્તનમાં તો મને પાછી પાડો છો.

આવી દિકરી કે જે દિકરી અને દિકરા બંને નો રોલ ભજવે તેવી રુપકડી ઢીંગલી મારી જયારે પહેલાઅકસ્માત નો ભોગ બની ત્યારે જયાં સુધી મને તેની કાર પાસે જતા જોયો નહીં ત્યાં સુધી પોલીસ – ટોલ ટ્રક અને અકસ્માત નો ખોટો દુરુપયોગ કરવા માંગતા બે કાળીયાઓ અને ઢોંગી તેની વાઈફ ને એકલે હાથે હંફાવતી જોઈ – એક બાજુ થતુ દિકરી નું ઘડતર થાય છ પણ – આવા ઝંઝાવાતો માટે આ દિકરી ને અહીં હું નથી લાવ્યો…..

ધર્મ જ્ઞાન ત્યારે વહારે આવ્યુ….. દરેક ના પોતાના કર્મો છે – દરેકનાં પોતાના યુધ્ધો છે – અને દરેક ને પોતાની જિંદગી જીવવાની છે. મા બાપે તો સંસ્કાર નું ભાથુ આપવાનું ભણતર નું અને જીવન જીવવાનું ઘડતર આપવાનું છે પછી એક દિવસ તેમને સંસાર ના દરિયામાં જીવન સાથી સાથે તેમનુ જીવન જીવવા છુટા મુકવાના હોય છે. આ છુટા મુકવાની ક્ષણ દરેકના જીવનમાં આવે છે. લાગણી ના તંતુ કદી છુટા પડવા માંગતા નથી પણ વહેવારીક જગત લાગણીને દાબી વાસ્તવમાં જીવવા દરેક ને ફરજ પાડે છે……. જેમ રેણુ ના માતાપિતા પણ તેની વિદાય ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા…. તેમ કદાચ…… હું તો વિચાર સુધ્ધા નથી કરી શકતો.

જયારે સુમિત ના પપ્પા મમ્મી અહીં આવ્યા તે દિવસે સવારે વિચારો થી આર્દ્ર મને સવારે વહેલો ઉઠી ગયો. રેણુ તો બે દિવસ થી રસોઈ અને તેમની આગતા સ્વાગત ના કાર્યોમાં સક્રિય હતી અને તેની દશા મનથી હરખાતી પણ અંતરમન થી દ્રવિત હતી તે જોઈ ને ચિની ને એક નજર જોઈ ત્યારે મારા મનનાં ભાવો આ કવિતા માં મુર્તિમંત કર્યા.

મારા ઘરની લાડલી
અલ્લડ ચંચળ પ્રેમાળ ચિની
પુખ્તતા પામી ચાલી પ્રિયતમને દ્વાર

તે ઘર મળતા ભુલજે સર્વ ભુતકાળ
અને માનજે આ એક વાતનો મોટો ભાર
પિયર અને સાસરુ બને એક સમાન
હાસ્ય, અર્પણ ને સ્વિકાર આવે જો એક સાથ.
નિજ ને ઓગાળી વેરવાના છે પુષ્પો હાસ્યના
સારુ – નરસુ જે છે તે તારુ સઘળુ સ્વિકારી
વહેવાનુ છે જીવન એક સાથ
જેમ સમાયે સરિતા ઉદધિ ને દ્વારા…..

ચિની બને ઉદાસ છોડતા પિયરવાસ
પણ હૈયે આનંદ અપાર જાતા સુમિતદ્વાર.

આ કવિતા જયારે ડો. બંસી મહેતા અને સુશીલા બહેને સાંભળી ત્યારે તેમને આનંદ હતો – કુલિન પુત્રવધુ મેળવવાનો.

જિંદગી જેમ ઝડપથી વહે છે તેમ તે વિદાય ના દિવસો ની કલ્પના થી પિતૃહ્દય આર્દ્ર રહે છે. બધા ભલે ગમે તે કહે પણ મારી તો એક જ દિકરી છે – અને કન્યાદાન નું કંકુ ભાલે એક જ વખત લાગે તેવી ભાવના સતત રહે છે.

આને ઘણી વખત પેલી પર્વતરાજા ની વિદાય વાળી વાત પમ મનમાં ઘુમરાતી રહે કે…. જાણે કેવી દીધી હશે વિદાય……. કે પર્વતરાજા નાં ઘરે થી નીકળેલી કી નદી કયારેય પાછી પિયર આવી નથી…..

ભારતિય સંસ્કૃતિ ના ઘણા સદગુણો રેણુ લઈને મારે ઘરે આવી છે. અને તે જયારે મુ.કાકા – (મારા સસરા ચિનુભાઇ ગાંધી) ની વાત કરે ત્યારે એ વાત ઘણી જ ગમે…..

તેઓ ને છ દિકરી અને બે દિકરા નો વસ્તાર…. તેમને તેમની બધી જ દિકરો ખુબ વહાલી – અને એક વાત બહુ જ ઠાવકાઇ થી દરેક દિકરીઓ ને શીખવેલી અને તે એ કે “તમારા સંસાર – સાસરીમાં કદી માથુ નહીં મારીયે પણ તમે તમારુ ભાગ્ય લઈ ને આવ્યા છે. સુખ મળે કે દુખ તે તમારુ ભાગ્ય – રડતા આ ઘરના ઓટલે આવશો તો સાચી સલાહ મળશે – પણ છાવરશે કોઈ જ નહીં.”

તે જ વાત ચિની ને હું લગ્ન પછી સમજાવીશ…….. પણ કોણ જાણે કેમ એ દુખી થશે તો એ દુખ ના પડઘા અમને બંને ને તેને જેટલુ દુખ પડતુ હશે તેટલુ જ પડશે. સંવેદના ની અને લાગણી ની વાત છે – પણ ચિની ના જન્મ વખતે શારદા બા એ સમય સુચક્તા વાપરી બંને જીવો ને પીડાતા બચાવ્યા હતા – અને નાની દિકરી આવ્યાની વધાઈ નો ફોન આવ્યો ત્યારે લક્ષ્મી માતા આવ્યા….. કહી હેત ની હેલ વરસાવી હતી તે 25 વરસે યાદ આવે છે.

ખરી વાત તો તે જ છે. એના જન્મ પછી કદી પૈસાની તંત્રી પડી નથી. ગરીબાઈ નું ઘડતર જરુર છે પણ દરિદ્રતા મન માં કયાંય નથી – અને એ વાતને અહેસાસ સુમિત ને તેણે બહુ જ સલુકાઈ થી કરાવ્યો. મારા બાપા ના રાજમાં તડકો છાયડો ઘણો જોયો છે. તેથી પૈસા ની કોઈ જ આછલકાઈ મારામાં નથી અને તેની કોઈ ઘેલછા પણ નથી.

આવી રુડી દિકરી ને ઘણી જ તકલીફો પડી પણ – મમ્મી – કહી ને આજે પણ મમ્મી નાં ખોળામાં સરકી જતા અને કૃત્રિમ ગુસ્સો કરી ને મમ્મી ની રીસ ને ક્ષણ વાર માં હસાવી દેતી ચિની ના બચપણ ની વાતો જયારે યાદ કરીયે ત્યારે અમે બંને મલકાઈએ….. ખાસ તો 1982 માં 3 વર્ષની ચિની – દાજીલીંગ ની અમારી સહેલગાહ માં બાથરુમ માં જઈ કડી વાસી દીધી. હું અને કિરણ તે બાથરુમ ની કડી ખોલવાની માથાકુટ કરતા હતા ને રેણુ બોલી જલ્દી કરો ચિની ગભરાઈ જશે….. અને પોપટ જેવી ચિની તરત જ રડતી રડતી બોલી” મમ્મી હું ગભરાઈ ગઈ…..”

બારણુ ખોલ્યા પછી રેણુ એ તેને બહુ જ હેતથી સહેલાવી પણ…”. મમ્મી હું ગભરાઈ ગઈ…..”. copy cat ટકોર થી આજે પણ અમે હસીયે છે.

સુમિત સાથે તે રંગે ચંગે મઝા કરે – ફરે પણ તેમની વાતો માં જો સુમિત કયાંક કશુક બોસીઝમ કરવા જાય તો…. મારા પપ્પા પાસે તારે ટ્રેઈનીંગ લેવી જોઈએ……. ખબર પડે છે કે પત્નિ નું મહત્વ શું છે. ? એક ગાડી ના બે પૈંડા છીયે…… કોઈ એ ઘાયલ થવાનુ નહીં અને કોઈને ઘાયલ કરવાનું નહીં, સમજયો ?

રેણુ કહે પણ ખરી….. એવુ સમજતા તારા પપ્પા ને અઢાર વર્ષ થયા…. અને ચિની તરત જ બોલી અમને પણ અઢાર મહીના થયા….. હવે તો સમજે જરા….રોકેટ યુગમાં છીયે

દિકરી ની વાતો કરતા કે લખતા પાના કયાંય ઓછા ઓછા પડે તે ખબર ના પડે. પણ બે વાત સ્પષ્ટ છે. જે દિકરી એ તમારા ઘરે જન્મ લીધો તમને માબાપ બનાવ્યા…. તેનુ લાલન પાલન – સંસ્કાર દીક્ષા અને કુળ શાલિનતા આપી માબાપ, પ્રભુએ આપેલુ એક કાર્ય પુર્ણ કરે છે – પતિ – શ્વસુરગૃહે થી પત્નિ રુપે લીધેલ એક જવાબદારી દિકરી ના રુપે પુરી કરે છે.

કહે છે બાપની મરણ પથારીએ રડે તો બંને છે દિકરો અને દિકરી પણ દિકરી નાં આસું માં લાગણી – હેત અને પ્રેમ ની સરવાણી છે. દિકરા ની આંખમાં ક્યારેક કયાંય સ્વાર્થ, કચાશ કે સંપુર્ણતા નો અભાવ આવી જાય છે. માબાપની એ ફરજ છે દિકરા ને સદા કહે બેન ભાણેજનું ધ્યાન રાખજે – અને દિકરી ને કહે ભાઈ ભાભી – અમારી જેમ જ ભવિષ્ય ના માબાપ છે તેઓનુ માન રાખજે….

પ્રભુએ કુટુંબ પ્રણાલી રચી ક્ષણે ક્ષણે તેને યાદ કરવા તીર્થ સમ માબાપ બનાવ્યા – હેતની હેલી જેવી દિકરીયુ દીધી અને પડતા ના આધાર જેવા અડીખમ દિકરા દીધા…. મગજ આંખ ઉપર ગમે તેટલો સ્વાર્થ નો ચશ્મો ચઢાવે…. પણ લાગણી ના તાર તો હજારો માઈલ દુર કેમ નથી હોતા પણ માઠા પ્રસંગે જીવ બાળે અને સાજા પ્રસંગે હરખ હરખાવે….. અને તેથી જ લોહીની સગાઈ – માઠા પ્રસંગે એક મેક ના જીવ ખેંચે જ છે.

છેલ્લે મારી રંગોળી ની બોર્ડર કરતા કહું તો દિકરી નો બાપ નીચો કહેનાર કે સમાજ ની રસમ બનાવનાર માણસ ને કન્યાદાન પ્રસંગે એટલુ જ સમજવા નું છેકે દાન દેનારનો જ હાથ ઉપર રહે છે – લેનાર તો હંમેશા જવાબદારી લે છે. પારકી થાપણ સમજનાર માબાપને પણ તે વાત ભુલવી જરુરી છે કે લોહી તો તેમનુ જ છે. તે દિકરી થઈ તેથી શું થયું ?

One reply

  1. બહુજ સુન્દર વિચારો…..

    છેલ્લે મારી રંગોળી ની બોર્ડર કરતા કહું તો દિકરી નો બાપ નીચો કહેનાર કે સમાજ ની રસમ બનાવનાર માણસ ને કન્યાદાન પ્રસંગે એટલુ જ સમજવા નું છેકે દાન દેનારનો જ હાથ ઉપર રહે છે – લેનાર તો હંમેશા જવાબદારી લે છે. પારકી થાપણ સમજનાર માબાપને પણ તે વાત ભુલવી જરુરી છે કે લોહી તો તેમનુ જ છે. તે દિકરી થઈ તેથી શું થયું ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *