મારે શ્યામાને નથી ખોવી

Shyamawww.flickr.com

વાને શામળી તેથી શ્યામા તેના શ્યામ પાસે અને સાસરે હડધુત થયા કરે.. વળી દસ વર્ષનાં લાંબા દાંપત્ય જીવન પછી પણ નિઃસંતાન હોવાથી શ્યામ દારુની લતે ચઢ્યો. ભણેલી ગણેલી શ્યામા સફળતાથી ટ્યુશનનાં ક્લાસ ચલાવે અને શ્યામની લગભગ સમકક્ષ રહેતી તેથી શ્યામસુંદર ઠાકોરનો પારો હંમેશા ૧૦૨ ડીગ્રી પર રહે. અને પીન્નતમાં ગાળો ભાંડે- ”તુ કાળી જ્યારથી મારા જીવનમાં આવી ત્યારથી મારી જિંદગી મેશ કરી નાખી ” ” વાંઝણી તેં તો મારો વંશ કાઢી નાખ્યો” ” મારા જેટલુ કમાય છે તે કંઈ ઉપકાર નથી કરતી…તારા બાપનું ઘર ભરે છે..”

પણ ક્યારેક જ્યારે શ્યામાએ સવારનાં ઉઠતાવેંત લીંબુ પાણી આપ્યુ હોય અને સરસ ચા બનાવી હોય્..ત્યારે પાછો માફી પણ માંગી લેતો શ્યામ બધી તકલીફોનું કારણ દારુ ઉપર ઢોળી રાતની બૂમાબૂમ અને ગાળોનો લગ્નજીવનમાંથી બાદબાકી પણ કરી લેતો. શ્યામા આ ઠાગા ઠૈયા કરી સરતા જીવનથી ખુશ તો નહોંતી પણ એ કરે તો શું કરે? તેના બા અને બાપુજીએ તેના નામે ઘર લીધુ ત્યારે શ્યામને ખબર નહોંતી..પણ જ્યારે ખબર પડી ત્યારે ઉઠીને તેના મકાનમાંથી શ્યામાનું નામ કાઢી નાની બેન અને ભાણીયાનું નામ દાખલ કરી દીધું.

શ્યામાનાં સાસુતો લગ્ન પછી બે વર્ષે ગામતરું કરી ગયા અને સસરા તો શ્યામનાં જન્મ પછી બે મહીને મોટર અકસ્માતમાં મૃત્યુ પામેલા તેથી..પાતળી આવકોમાં મા એ લોકોના કામ કરીને છોકરા ઉછેરેલા એટલે નાના ભાઈ બેન ક્યારેક મોસાળ તો ક્યારેક ગામડે ઉછરેલા અને ઢંગનું કદી જીવન પામ્યાં નહોંતા. નિશાળો શરુ થઈ ત્યારે વડોદરા ભાડે આપેલુ મકાન છોડાવી તેમા રહેવાનું શરુ કર્યુ અને ભણતર પુરુ કર્યુ અને સારી જગ્યાએ નોકરી મળી. શ્યામાનાં પલ્લામાં નાની બેન સુલભાને પરણાવી ત્યારે બાંધીમુઠ્ઠી લાખની સલાહ આપતી શ્યામની મા મોટે ગામતરે ગઈ ત્યારથી શ્યામ ઉપરનું નિયંત્રણ ગયુ અને શ્યામાના દુઃખનાં દિવસો શરુ થયા…

સુલભાને આ વારે અને આ તહેવારે આ કરો ને તે કરો તેવા રિવાજોમાં બેન ભાણેજોને ગજા કરતા વધુ આપવાનું ચાલુ થયું અને ચાલુ થઈ અપેક્ષાઓની વણઝાર્…

તે દિવસે શ્યામાએ ના પડી તેથી સુલભાએ દેકારો કર્યો..ગામની જમીન વેચીને તેનો અડધો અડધ ભાગ શ્યામે સુલભાનાં નામે એફ ડી કરીને મુક્યો. તમે તો બે જ જણ અને બંને સારુ કમાવ છો તમારે શું પૈસાની જરુર્? એટલે સુલભાને ત્યાંથી વહેવાર આછા પાતળા પણ જ્યારે શ્યામે કરવાના હોય ત્યારે પાકા અને મોટા થાય. શ્યામ જો બોલે તો એકની જગ્યાએ પાંચ થાય તેથી ત્રસ્ત શ્યામા વહેવારોમાં તેના વેડફાતા જતા પૈસાને રોકવા જુદા મકાનનો પ્લોટ રાખી તેમા બંધાતા મકાનનાં હપ્તા ભરતી…

લગ્ન જીવન નો બીજો દાયકો શરુ થયો અને દારુએ તેની અસર બતાવી..લીવરનો સોજો, મધુ પ્રમેહ અને ઉંચો રક્ત દબાવ જણાયા…હોસ્પીટલમાં ખબર કાઢવા આવવાનો સુલભાને સમય જ નહોંતો મળતો અને જ્યારે ને ત્યારે કાળીને લીધે મોટાભાઈને રોગ થઈ ગયોનું ગાણુ ચાલતુ. દવાનો તો ખર્ચ કંપની આપતી હતી પણ સોયો તો શ્યામને ખાવી પડતી હતીને…શ્યામા સાચા મનથી અને તનથી સેવા કરતી હતી. શ્યામ તો વિચારતો કે એમા શું એ તો એની ફરજ છે. પણ મનથી ઝંખતો કે સુલભા આવે અને તેની સાથે વાતો કરે…

હોસ્પીટલમાં તેની બાજુનાં પલગ ઉપર સોમાજી ડામોર કરીને વડીલને હ્ર્દય રોગની સારવાર અપાતી હતી. તે શ્યામ અને શ્યામાની રક્ઝક જોતા અને એક દિવસ કહે શ્યામ તને મારી જિંદગીની એક વાત કરું?

શ્યામે હા પાડી તેથી તેમણે કહ્યું

સાહીંઠ વર્ષે મને અનુભવ થયો કે મેં ચંદાને બહુ દુભવી. તે જે કહેતી તે બધુ સાચુ હોવા છતા પુરુષપણાનો માભો એવો ચઢેલ કે તે કહે એટલે ના જ થાય. અને આજે ચંદા નથી ત્યારે ખબર પડે છે કે પોતાનું માણસ એટલે પોતાનુ..બાકી આખી દુનીયા તેનો રંગ તેના સમયે બતાવે અને બતાવે જ.. આ ત્રીજો હ્રદય રોગનો હુમલો છ મહિનામાં આવ્યો… કોઇને સમય નથી..જેને પોતાના માન્યા હતા તેમને અને જેમની પાછળ જાત ખર્ચી હતી પૈસા ખર્ચ્યા હતા તેમને પણ.. તે સૌની આજે મને જરૂર છે ત્યારે કોઇને સમય નથી..જો ચંદા હોત તો આ તમારી શ્યામાની જેમ મારી ખડે પગે સેવા કરતી હોત્…

શ્યામ કહે “દાદા તમે સાચુ બોલ્યા તમને તો સાહીંઠ વર્ષે સમજાયું અને તે ચંદાકાકીને  ખોયા બાદ…પણ મારે શ્યામાને નથી ખોવી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *