પુ. મોટાભાઇ ( ઓગણીસ)

motabhai.jpg

આપનો પત્ર, આપની વ્યથાઓ અને આપના ઉજળા મંથનો લઇને આવ્યો. બા કહે છે તેમ થોડીક વેદનાઓ પણ થઇ. અને આંખો ભીની પણ થઇ. પણ શું કહું અને શું કરું?ની વેદનાઓ નો મલમ તો સમય છે અને તે જેમ સુચવશે તે અને તે રીતે બધુ કરીશુ.

કુંતલ અને આશ્કા હાલ તેમને ગામથી આવ્યા અને બહુ સારા સમાચાર લાવ્યા..હા. આશ્કા તેના માતૃત્વનાં તબક્કામાં છે અને ભ્રુણ પરિક્ષણમાં તેમને તેમના પહેલા બાબાને જોયો..
તમને અભિનંદન..તમારી લીલી વાડી આગળ ચાલી અને તમે તમારી ચોથી પેઢી જોશો.. મમતાનો દરિયો તો આશ્કાને જોઇ છલકાઇ ગયો..શીખા પણ આનંદમાં છે.

હવે આ સમય થોડી ઝડપ પકડે તો જલ્દી જલ્દી એ નવશીશુને જોવા અને રમાડવા મન તલપાપડ થયું છે. આશ્કા અને કુંતલ તો બેહદ ખુશ ખુશાલ છે. હજી તો છ અઠવાડીયા થયા છે. આશ્કાને સંપૂર્ણ માતૃત્વ ધારણ કરેલી જોઇ મારા માહ્યલામાં તે વખતે સુજ્યું અને બંને ને સંભળાવ્યુ કે

તમે જોયો આજે તમારો બાળ
જે આનંદે તમે ઘેલા થયા તે
આનંદ એક દિ’ અમારો પણ હતો
પ્રેમાળ જવાબદારીઓ હવે આવી
સંતાનો ની એક હસી ઉપર
જીવન આખુ જશે
તેના ઉંઉં ઉપર મન વારી જશે

અભાર તમારો અમને નાના નાની બનાવ્યા.

હવે ચાલી છે મીઠી રકઝક શું નામ પાડશું?કુંતલને ગમે નાનુ નામ એક અક્ષર કે બે અક્ષરનું અને આશ્કા શોધે મોર્ડન નામ..ગુજરાતી નામ..અમારા સુચનો ઉપર તો નાક ચઢે અને તેઓનાં નામો સાંભળી ને થાય અરે! આ તો કંઇ નામ છે? સ્વીટુ, ચિંતુ,લાલુ, દેવ,સત્ય, કેવીન,એજે,કિન્નર ,નિષધ, બાદલ, શૈલ, ખૈર બંને જણા કોમ્પુટર ઉપર બેસીને નામો શોધતા જાય અને બોલતા જાય અને ઠેકડી ઉડાવતા જાય. કુંતલ બહુ જ સ્પ્ષ્ટ હતો કે લાબા નામો રાખવા નહીંકે જેથી અહીં બોલનારને તકલીફ પડશે અને તે બીજુનામ બોલે તેના કરતા સરળ ઉચ્ચાર કરે તેવુ નામ શોધોને?

બહુ રક ઝકને અંતે તમારો ઉપાય આશ્કાએ અજમાવ્યો.આઠેય જણા ભેગા થઇ ચીઠ્ઠી નાખો અને જે નામ આવે તે નામ રાખવુ કુંતલનાં પપ્પા મમ્મી અને મોટી બેન્ અને અમે પાંચ. દરેક્ની ચીઠ્ઠી લખી કુંતલે અને નામ આવ્યુ એજે. આશ્કાને શું સુજ્યું કે બાકીની બધી ચીઠ્ઠી ખોલી અને કુંતલની ચોરી પકડાઇ. એને એ જે નામ એટલે રાખવુ હતુ કે ભારતીય અને અમેરીકન બંને લાગે..આખરે થોડી ધમાલ કરીને તેના પપ્પાએ આશ્કાને પુછ્યું ફરી ચીઠ્ઠી નાખવી છે? આશ્કાએ નમતુ જોખ્યુ.. ના કુંતલને તે નામ ગમે છે તો ભલે રહ્યું મને તે થોડુક જુનવાણી લાગતુ હતુ…
અને આમ અજય કે એજે નાં નામકરણ વિધિ પુરી થઇ.

શીખા પ્રેમથી આશ્કાને થાબડતા થાબડતા હાલરડુ ગાવા લાગી આશ્કા વહાલા અને હક્કથી મમ્મીનાં ખોળામાં લપાઇ ગઇ.

કોણ જાણે કેમ મને વારંવાર અહેસાસ થયા કરે છે કે આપણે સમય ને કઠપુતલી થઇ ને નાચ્યા જ કરતા નથી? પ્રભુ કેવા ઘાતક દુ:ખમાં પણ સુખનાં અમિનું સિંચન કરી દેતો હોય છે ખરુંને? શું વિચારતા હોઇએ અને વિધાતા ક્યાં લઇ જાય તે તો ઘટના બને પછી જ સમજાય.

તબિયત સાચવજો અને સૌ યાદ કરનારને અમારી યાદ આપજો

સોહમનાં પ્રણામ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *