પ્રિય સોહમ ( ઓગણીસ)

motabhai.jpg

તારા પત્રનાં છેલ્લા વાક્યે મને વિચારતો કરી દીધો.

કોણ જાણે કેમ મને વારંવાર અહેસાસ થયા કરે છે કે આપણે સમય ની કઠપુતલી થઇ ને નાચ્યા જ કરતા નથી? પ્રભુ કેવા ઘાતક દુ:ખમાં પણ સુખનાં અમિનું સિંચન કરી દેતો હોય છે ખરુંને? શું વિચારતા હોઇએ અને વિધાતા ક્યાં લઇ જાય તે તો ઘટના બને પછી જ સમજાય.
આગળનાં પત્રો ફરીથી જોયા અને વાંચ્યુ તો તારી ક્રીપ્ટો ક્યુબની કલ્પના ફરી તાજી થઇ.તેં તે વખતે તે વાક્ય જે અનુસંધાને લખ્યુ હતુ તે અનુસંધાન અને આજનુ અનુસંધાન જુદુ હોવા છતા તે હકીકતે સત્ય લાગે છે. મારા શારીરીક કષ્ટ નાં સમયે હું વ્યથીત હોઉ તે સ્વાભાવીક હોવા છતા આશ્કાની માતૃત્વ ધારણ કરવાની વાતે તો અમને પણ પ્રફુલ્લીત કરી દીધા.એકલતાનાં સમયે જે ઘાતક શારિરીક દુ:ખ આવ્યુ તે દુ:ખ ફેડવા જાણે પ્રભુ એ આ પ્રપૌત્ર જોવાની ઘટના ન જન્માવી હોય? જિંદગી બોઝ બને તે પહેલા આગળ જીવવાનું એક બહાનુ આપ્યુ..દિકરીને માથે વહાલથી અમારા વતી હાથ ફેરવીને આશિર્વાદ આપજે અને ઓવારણા લેજે.. નૂતન જિંદગી જ્યારે જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે એવુ મનાતુ હોય છે કે હજી પ્રભુને માણસ ઉપરનો ભરોંસો ખુટ્યો નથી.

જિંદગીમાં ઘણી વસ્તુઓ પહેલી વાર થતી હોય છે અને ત્યાર પછી તે ઘણી વાર થતી હોવા છતા પહેલી વાર જે બને તેનુ મુલ્ય ઘણું હોય છે.તને કદાચ યાદ હશે કે નહીં તે તો ખબર નથી પણ તું પહેલા ધોરણમાં હોઇશ પણ તારી બાની કોઇક વાત તને સ્પર્શી ગઇ હતી.અને તુ તેં કરેલી બે ખારેક અને ચાર કાજુની પુછ્યા વિના લીધેલી ખાઉની માફી સ્લેટમાં લખી મને આપી હતી ત્યારે હું બહુજ ભાવ વિભોર થઇ ગયો હતો. તને બીક હતી કે હું ખીજવાઇશ.પણ તુ તો અમારી તાલીમમાં પુરો ઉતર્યો હતો અને તારો આત્મા જાગૃત થતો હતો તેનો પુરાવો આપતો હતો. ભાઇ બહેનોમાં વહેંચીને ખાવુ તે સંસ્કાર તારા આત્માને કોશતા હતા કેમકે પુછ્યા વિના લીધુ એટલે અણ હક્કનું લીધુ..તે ખોટુ કહેવાય..ચોરી કહેવાય તે વિચારોથી તુ દુ:ખી થઇ ગયો હતો..અને મને તો આનંદ એ વખતે એ વાતનો હતો કે આમ મા બાપ પાસે ખોટુ કરેલ કર્મની માફી માંગવી તેવો સંસ્કાર તારી બાની વાર્તાઓમાંથી તેં કેવી રીતે શોધ્યો અને અમલમાં મુક્યો તે પ્રતિક હતુ કે મૉટા થયા પછી તુ અણ હક્કનું કદી ન પચાવે તે નક્કી થઇ ગયુ હતુ.

તુ નહાઇને જ્યારે બહાર આવ્યો ત્યારે તારી દ્ર્ષ્ટી નીચી હતી અને મેં તને પ્રેમથી સહેલાવ્યો અને પુછ્યુ તો તેં કહ્યું મને બા અને દાદા કહેતા કે કોઇનો એક જુવારનો દાણો લઇએ તો તે તો જાય પણ આપણા પણ બે દાણા લેતો જાય. તેથી તેવુ કદી ન કરાય..તારી વિચાર સરણીને સહજ બનાવવા મેં તને કહ્યું.તેં જે વિચાર્યુ તે વધારે સાચુ ત્યારે હોત કે તે લેતા પહેલા લેવાનો જે વિચાર કર્યો તે જ ના કર્યો હોત.પણ આજે તેં જે માફી માંગી લીધી તે બદલ આ ચાર ખારેક અને મુઠી કાજુદાણાનું ઇનામ…
એવીજ તારી પહેલી વાર્તા છાપામાં છપાઇને આવી ત્યારે તુ ખુબ રાજી હતો.આખા પાડોશને છાપુ બતાવી આવ્યો હતો. તારો પહેલીવાર કોલેજમાં પ્રથમ વર્ગ આવ્યો..પહેલી વખત તુ સ્ટેજ ઉપર અભિનય કરવા ગયો. પહેલી વખત તુ રેડીયો ઉપર વાર્તા વાંચવા ગયો. પહેલીવાર શીખાને મળવા ગયો…પહેલી વાર કાર લાવ્યો.. પહેલીવાર બાપ બન્યો..તારુ કંઇક નવુ કર્યાની ખુશી આજે પણ આ બુઢ્ઢી આંખોમાં જીવંત છે.

આજે જ્યારે તુ નાનો બનીશ ત્યારે તારી આંખની ખુશીની ચમક હું કલ્પી જ શકુ છું. અભિનંદન તમને સૌને..

ચાલ અટકું?

મોટાભાઇનાં આશિષ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *