પૂ. મોટાભાઇ ( પચીસ)

moon-venus_filtered.jpg

તમારા પત્રનાં અનુસંધાનમાં મને તમને જે નહોંતુ જણાવવુ તે જણાવી રહ્યો છું.

અમેરિકન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચે નો તણાવ કહો કે માબાપ તરીકેનો આમારો સંતાનો પરનો આંધળો વિશ્વાસ આજે અમને અસહ્ય વેદના અને પરિતાપથી ઘેરી રહ્યા છે.
મારા મનને તો કદાચ હું ધર્મ અને કર્મના નામે વાળી લઉં પણ શીખાનાં મનને જે ધક્કો પહોંચ્યો છે તેની વાત કરવી લગભગ અશક્ય છે છતા થોડો પ્રયત્ન કરુ…

તેણે જ્યારે ગામ છોડ્યુ ત્યારે તે સ્પષ્ટ હતો કે તેનુ ભણવાનુ અને રહેવાનુ બધુ તે અમેરિકન છોકરાની જેમ કરશે..પણ હું એમ માનતો કે બાપ તરીકે તે મારી ફરજ છે..અને શીખા પણ તેને કહેતી રહેતી કે ભાઇ આપણી પહોંચમાં રહેવુ અંને કરકસરથી રહેવુ.તે નોકરી કરવાને બદલે પોતાની કંપની ખોલી પૈસા કમાવાની વાતો કરતો.. કદાચ તેને ભણવા કરતા અમેરિકન પધ્ધતિ પ્રમાણે રહેવાનું અને મુક્ત જીવન ગમ્યુ..પૈસાની મારી સલાહો તેને કદી ગમી નહોંતી પરંતુ તેને જરુરી બધી રહેવની અને ખાવાપીવાની સવલતો માટે એક ક્રેડીટ કાર્ડ આપેલુ અને દરેક બે અઠવાડીય્રે તે ગામ આવી શકે તે માટે જરુરી નાણાકીય સવલતો હાથ વગી રાખી હતી.

એવામાં તેને ગન બતાવીને કોઇએ લૂંટી લીધો તે દિવસે શીખાએ ખુબ જ ધમ પછાડા કરી તેને ઘરે બોલાવી લેવા કહ્યું ..તે નાનો છે એને હજી જમાનાનું શું ભાન કહી ખુબ રડી પણ હું અને આશ્કા માનતા હતાકે આ બે ચાર વર્ષનું દુ:ખ છે પણ આવી સારી કોલેજ માં થી ભણીને આવશે તો તેનુ જીવન બનશે અને આપણી તપસ્યા સફળ થશે..મારી બીલ્કુલ મરજી ન હોવા છતા તેને કાર અપાવી કે જેથી તેને રૂમ પાર્ટનરનાં સહારે ન રહેવુ પડે…હું જાણતો હતો કે એક નવી ગાડી એટલે મહીને વિમો અને હપ્તો ભેગો થઇ 560 જેટલા ડોલર નો ખર્ચ પેટ્રોલનાં બસો અને તેના એપાર્ટ્મેંટના ચારસો ડોલર તો મહિનાનાં પાક્કા…ચાર વર્ષનાં 55 થી 60000 જેટલી રકમ ની બચતો મારી પાસે નહોંતી કારણ મોટી ઉમરે અહીં આવી બે છેડા માંડ ભેગા થાય..તેથી શીખા તેને કહે પણ ખરી તુ હોટેલનાં “બ્રાઉન પડીકા” ના ખાઇશ અને દર પંદર દિવસે અહીંથી પંદર દિવસ ચાલે તેટલુ ખાવાનુ લઇ જા અને થોડુક ઘરે પણ બનાવતા શીખ. એક બે વરસ તો બરોબર ચાલ્યુ અને એક દિવસ ક્રેડીટ કાર્ડમાં પેટ સ્ટોરનું બીલ જોયુ તેથી મેં ફોન કર્યો ત્યારે ખબર પડીકે ભાઇ એક ગલુડીયુ પાળી રહ્યા છે.

મેં તેને સલાહ આપી ભાઇ અમે પેટે પાટા બાંધી ત્યાં તને ભણવા મોકલ્યો છે..શોખ કરવા નહીં ત્યારે બહાનુ આવ્યુ કે તેને રોડ પર રહેવા દીધુ હોત તો મારી નાખતે તેથી તેને બચાવી જીવદયા કરું છું. મને સગડ સારા ન લાગતા મારા સ્કુલમિત્રનો દાખલો આપ્યો..જે જિંદગીનાં ભણવાના સમયે ભણ્યો નહી તે આખી જિંદગી રીબાયો..ખૈર..તે અપાર્ટમેંટ અને રૂમ પાર્ટનર બદલતો ગયો અને સમજાવટ માથે પડતી જણાતા મેં ક્રેડીટ કાર્ડ તુ જાતે ભર તારી કારનો વિમો અને કારનો હપ્તો હું ભરીશ કહી માથા પર થોડુ ભારણ નાખ્યુ અને વાત વટે ચઢી..કુતરુ કરડ્યુ ત્યારે હજાર ડોલરનો ખર્ચો થયો ત્યારે ફરીથી વાળ્યો..આ બધુ છોડ અને ભણવા પર ધ્યાન રાખ વાળી વાતનો પ્રતિભાવ આવ્યો હું કોન્ટ્રાક્ટ ઉપર કામ કરી ઘણુ કમાઉ છુ. મારી ટેકનોલોજી આઉટ્ડેટેડ ના થઇ જાય તે માટે ભણવાનુ બાજુ પર મુકી હું કમાવામાં પડ્યો છું. હવે તેને ગામ આવવુ જરુરી નથી લાગતુ..

બાવીશ્મે વરસે તેનુ ભણ તર પુરુ થઇ જવાનુ હતુ ત્યારે ભાઇ હની સાથે પરણવાની વાત લઇ ને આવ્યા..તેને ખબર હતીકે શીખા ક્યારેય હા નહીં પાડે તેથી મોટે ઉપાડે જો તુ હા નહીં પાડે તો તને હું છોડી દઇશની વાત કરી. ત્યારે મેં એક ઝાપટ રશીદ કરી દીધી. એ ઝાપટ ભારતીય સંસ્કારોની બાબતે મારો આક્રોશ હતો..હું તેને કોઇ પણ રીતે તેવુ પગલુ તે ન ભરે તેમ ઇચ્છતો હતો અને અમેરીકન સંસ્કારોની ભાષામાં હું જંગલી હોવાની નિશાની હતી. શીખાને ભરોંસો હતો તેના લોહીનાં સંસ્કારો તેને પાછો લાવશે..તે ભરોંસો યુવાનીનાં ઉન્માદ સામે ઉણો પડ્યો.. ‘મારે શું કામ રાહ જોવાની? મેં મારો જીવન સાથી શોધી નાખ્યો છે. અને તમારી પાસે હજી જિંદગીનાં દસ પંદર વર્ષો છે હાથ પગ ચાલે છે કામ કરો..મારી જિંદગી પણ મારે જોવાનીને?

માફ કરજો મોટાભાઇ મને લાગતુ નથી કે હું તેને કે તેની હનીને કે તેના સંતાનોને તમારી પાસે લાવી શકીશ કે કેમ? કારણ સ્પષ્ટ છે કે તેની સાથે વાત કરવાની જેટલી ચેષ્ટા મેં આશ્કાએ કે શીખાએ કરી ત્યારે તેની પહેલી શરત હતી કે હનીની માફી માંગો અને અમેરિકન પધ્ધતિ થી તેને સ્વિકારો.. મને સમજાતુ નથી કે અમારે તેની હનીની માફી શું કામ માંગવાની? ખરેખર તો મને શરમ આવે છે કે આ શું મારું લોહી? જે ને માનાં આંસુ ના પીગળાવે અને હનીનાં માન માટે બાપ સામે બાંયો ચઢાવે..ખૈર એ જાતે ઘર છોડીને ગયો છે. એ ખુશ છે તો એની ખુશીમાં અમે ખુશ છીયે..બાકી આનાથી શરમ જનક પરિસ્થિતિ બીજે શું હોય કે જ્યાં પેટનો જણ્યો પારકી જણી માટે ઘર છોડી જઇ શકે..તેના ઘરે સીમંત થશે તેને ત્યાં પણ દિકરા દીકરી થશે ત્યારે કદાચ તે સમજશે..

ઘણી વાર મારુ મન મને કહેતુ હોય કે એકનુ એક સંતાન છે..માવતર કમાવતર કેવી રીતે થાય..પણ પછી થાય કે તેને મારા વિના ચાલી શકે તો મને કેમ ના ચાલે…કેટલાય માબાપોને તેમના સંતાનો ન હોવાનુ દુ;;ખ છે જ્યારે મને સંતાન હોવાનુ દુ:ખ છે કારણ કે તેને લીધે આ અપમાન નો ઘુંટડો પીવો પડે છે. અને છેતરાયાની તીવ્ર શૂળ હૈયે ભોગવવી પડે છે.
મારા કરતા પણ શીખાને આ શૂળનું દુ:ખ વધુ ભોગવવુ પડે છે.

કોણ જાણે કેમ છતાય મનમાં એના માટે એક જ વાત ઉઠ્યા કરે છે તે ભોળો છે તેની હની તેને સાચવશે તો ખરીને? અહીં તો જેમ હાયર અને ફાયર જેમ સામાન્ય છે તેમ ડાઇવોર્સ પણ ન જેવા કારણે મળી જતા હોય છે. જો તેમ ન થાય તો પ્રભુ તારો ઘણો ઉપકાર પણ જો તેમ થયું તો તેના બચપણમાં તેના તરફ ધ્યાન ન આપ્યાનું દુ:ખ મનને સદાય કોરશે. અમેરિકામાં ઘણુ બધુ મેળવવા ઘણુ બધુ ખોવુ પડે છે..જે આજે ખોયા પછી સમજાય છે કે ઉંચા ઉડવાનાં ખ્વાબ જોનારે તે ઉંચાઇથીગબડ્યા પછીનાં મારને સહેવાની પણ તૈયારી રાખવી પડે છે. જે અમારી નથી તેથીજ પાછા આવવા અને આપના પૂનિત ચરણોમાં જે શક્ય ઓછી વત્તી સેવા કરી ઉદ્વિગ્ન મનને શાંત કરવા ઇચ્છુ છું.

હા તમે સાચા છો..હું ભાગી આવુ છું…
હારીને..સર્વસ્વ લૂટાવીને
ડોલરનાં સ્ટીમ રોલરમાં નીચોવાઇને
જિંદગીનો એક દસકો હારીને આવુ છું
છેતરાયાની શૂળ હળવી કરવા આવુ છું

જો કે અહીં બધુ સમેટવામાં સારો એવો સમય અને નુકશાન લેવાનું છે..
પણ વંશજ્ને ગુમાવ્યાનાં નુકશાન જેટલું તો તે નહીં જ હોય..

અટકું?

આપનો સોહમ..

3 replies on “પૂ. મોટાભાઇ ( પચીસ)”

  1. vijayshah says:

    જિંદગીનું આ કઠોર સત્ય સમાજ માટે અજાણ્યુ નથી પણ ઘણા સોહમ્ જેવા લોકો છે જ્યાં સુધી ઠેસ ના વાગે ત્યાં સુધી ભરોંસો કરવાનુ છોડતા નથી અને પછી ગાતા ફરે છે કે આ કળયુગ છે તેમાં તો સત્યુગની વાતો ક્યાં કરે છે ભાઇ! અહી આવુ ના થાય તો નવાઇ લાગે…અહીં ઘડપણમાં ઘરડાઘર અને નર્સીંગ હોમ તે ડોલરની આડ અસર છે..

    જોકે ભારતમાં પણ આવુ ઘણું થતુ જ હશે..કળયુગ તો તેની અસર બતાવે જ ને…

    પત્રશ્રેણી અત્રે પુરી થાય છે. આપ સૌ વાચક મિત્રોનો આભાર.

  2. devika says:

    હારીને ? ના,ના,ના.પરિસ્થિતિને અનુરુપ યોગ્ય વળાંક લેવો એ હાર નથી..કદાચ
    ભવિષ્યના સુખદ દ્રશ્યનો સંકેત હશે…….લાગણીપૂર્વક થયેલી ફરજોમાં ક્યારે ય હાર ન હોય….હા, કેટલાંક ફળો ધીરજની કસોટી માંગી લેતા હોય હોય છે;
    કેટલીક સવાર રાત્રીની દીર્ઘ સાધના પછી પડતી હોય છે.
    આશાસ્પદ વળાંકની અપેક્ષા….હવે પછીના પ્રકરણમાં…..
    વિજયભાઇ, ચાલુ રાખજો….

  3. nilamhdoshi says:

    દેવિકાબહેનની વાત એકદમ સાચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *