વિવેકાનંદ ની કવિતા-સંશોધન: ગોપલ પારેખ

આપણે બધાં બીજી બધીયે
ભાંગી નાખીએ મૂર્તિ
મારો ભગવાન એવો છે કે
એના હાથમાં સ્ફૂર્તિ.
આપણું શરીર એ એનું શરીર
આપણા પગ તે એના પગ
આપણી અંદર-બહાર વસે એ :
ચારે બાજુ એનું જગ
તમરાં, ભમરા, પતંગિયાં ને
એ જ આપણો પરમેશ્વર છે
નજીક  જુઓ કે દૂરથી
મારો ભગવાન એવો છે
કે એના હાથમાં સ્ફૂર્તિ.
 
એ આપણો છે :આપણે એના:
બંને વચ્ચે ભેદ નથી
એ આપણો ભગવાન ભલો છે :
મંદિરમાં એ કેદ નથી
એને ભજવા માટે આપણી
ભક્તિ સદાયે ઝૂરતી
મારો ભગવાન એવો છે કે
એના હાથમાં સ્ફૂર્તિ.
જીવતો ભગવાન માણસ જેવો પથ્થરને નહીં પૂજવાના
પડછાયાની સાથે આપણે
કહો, કેટલું ઝૂઝવાના?
આંખ સામે ભગવાન જોઇને
મને કવિતા સ્ફુરતી
મારો ભગવાન એવો છે કે
એના હાથમાં સ્ફૂર્તિ.

બહુ ઓછા લોકોને ખબર હશે કે સ્વામી વિવેકાનંદે પણ કવિતા લખી છે. તેમના કાવ્યસંગ્રહનું નામ’ઇશ્વરની તલાશમાં’- ઇન સર્ચ ઓફ ગોડ.એમણે કેટલાંક કાવ્યો બંગાળીમાં તેમ કેટલાંક સંસ્કૃતમાં લખ્યાં છે. આપણે તો મોટે ભાગે એમની વાત અંગ્રેજીને આધારે કરી શકીએ.
વિવેકાનંદનું મૂળ નામ નરેંદ્ર. શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય. અમેરિકામાં  વિશ્વધર્મ પરિષદમાં એમના પ્રવચનની વાહવાહ થઇ. પશ્ચિમના લોકો એમના પ્રવચનના પ્રારંભથી જ મુગ્ધ થઇ ગયા, એમણે ચીલાચાલુ –Ladies and Gentleman—સન્નારી અને સજ્જનો એવું સંબોધન ન કર્યું. પણ  Brothers and Sisters –કહીને સંબોધ્યાં. અમેરિકન પ્રજાને એમના સંબોધનમાં અનોખી આત્મીયતા વરતાઇ. રામકૃષ્ણ પરમહંસ શાંતિકારક, વિવેકાનંદ ક્રાંતિકારક.પ્રારંભમાં વિવેકાનંદ પશ્ચિમનાતત્ત્વજ્ઞાનના રંગે રંગાયેલા. પરમહંસના પરિચયમાં આવીને આત્માભિમુખ અને આધ્યાત્મિક થયા.
ઇશ્વર જો સર્વવ્યાપક હોય તો અમુક જ સ્થળમાં કઇ રીતે કાયમ વસી શકે? એ તો સર્વત્ર છે પ્રત્યેક સ્થળમાં છે. જડમાં છે અને ચેતનમાં છે. એ સ્થિર છે  અને ગતિશીલ છે. મંદિરના કેદખાનામાં જે પુરાઇને રહ્યો છે એ ઇશ્વર નહીં પણ પથ્થર. ઇશ્વરની મૂર્તિ એ ઇશ્વરનો પડછાયો પણ નથી. ઇશ્વરની મૂર્તિ એ સમજણ વિના થયેલો તરજુમો છે.
વિવેકાનંદ માટે ઇશ્વર એ પલાંઠી વાળીને બેઠેલો જમીનદાર કે જાગીરદાર નથી. એ આપણી અંદર વસે છે અને આપણી બહાર પણ હોય છે. આપણા હાથ પાછળ એનો જ હાથ છે. આપણે હાથે જે કામ કરીએ છીએ એ કર્મમાં આપણો ઇશ્વર વસે છે અને શ્વસે છે. આપણે કહીએ છીએ કે આપણા પગે આપણે ચાલીએ છીએ, પણ આપણા પગ અને એના પગ જુદા નથી. ઇશ્વર વૃક્ષની  જેમ સ્થિર છે અને પવન અને સુગંધની જેમ ગતિશીલ છે. આપણું શરીર અને એનું જુદું નથી.ખુદ અને ખુદા જુદા નથી. ક્રાંતિકારી વિવેકાનંદ તો એમ કહે છે બધી મૂર્તિઓને ભાંગી નાખો. શિયાળાની ઠંડી રાતે બુધ્ધના એક શિષ્યે બુધ્ધની લાકડાની મૂર્તિ બાળી નાખી હતી, જેથી  એના તાપણામાં એની ઠંડી ઓછી થાય. એક પુસ્તકનું નામ એવું હતું કે બુધ્ધ જો તમને રસ્તામાં મળે તો તમે એને મારી નાખજો. તમારે તમારામાંથીબુધ્ધનું –પ્રબુધ્ધનું સર્જન કરવાનું છે.
ઇશ્વર વિરાટ છે અને વામન છે. એ પાપી અને શયતાન છે અને સંત પણ છે. આપણે જેવા છીએ એવો એ છે. એ જંતુ પણ છે અને ઇશ્વર પણ છે.એને જોઇ શકાય છે અને અનુભવી શકાય છે. નકરી વાસ્તવિક્તાછે.
આ આખું જગત ઇશાવાસ્યમ્ છે.
એને ભૂતકાળ નથી,ભવિષ્ય નથી. જન્મ કે મરણ નથી. આપણે જ એનામાં વસતા હોઇએ છીએ. ઇશ્વર અને આપણે જુદા નથી. હાથથી કામ કરતો માણસ , શ્રમ કરતો માણસ—શ્રમજીવી ઇશ્વર છે. શ્રમને કારણે પરસેવાના ટીપામાં ગંગાજળનો અનુભવ થઇ શકે. આપણે બધા જ એનાં પ્રતિબિંબો છીએ અને જગત આ પ્રતિબિંબો થી સભર અને સમૃધ્ધ  છે. એ કાશીમાં નથી કે કૈલાસમાં  નથી. આપણા શરીરને મંદિર બનાવીએ તો આપણા આત્મામાં એ પરમાત્મા  થઇ રહી શકે. 
 
 આપણે મૂર્તિપૂજામાં ફસાયેલા  છીએ. ક્રિયાકાંડમાં અટવાયેલા છીએ. આપણે અસલને ભૂલી ગયા છીએ અને કલ્પિત પડછાયાના પ્રેમમાં છીએ. આપણે એની તલાશમાં અમથું અમથું દોડ્યા કરીએ છીએ અને પડછાયાને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ખોટું ઝૂઝીએ છીએ. ઇશ્વર તો આપણી આંખ સામે હાજરાહજૂર છે. આપણા હોવાપણામાં જ ઇશ્વરનું હોવાપણું છે. ઇશ્વરની પથ્થરની મૂર્તિને ભાંગી માનવને જે હજુર છે તેને પામીયેનો એમનો વિચાર અત્રે પ્રતિબીંબીત થતો જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *