ઝાંઝર-

  

“ભાઈ હવે તુ મને મારી નાખ.. મારે હવે જીવવુ નથી…” જિંદગીની દોડમાં ૮૯ વર્ષનાં ત્રિભુવનદાસ નકારાત્મક મનોદશાની ઉંડી ગર્તામાં જઈ રહ્યા હતા. તેમનો ત્રીજો દિકરો રમેશ તેમને આ અકસ્માતને લીધે થયેલ શારીરિક જખ્મો અને તેને લીધે આવેલી હતાશામાંથી તેને બહાર કાઢવા મથી રહ્યો હતો.

આજના શબ્દોથી તે ચોંક્યો અને પરાવર્તી ક્રિયા સ્વરુપે તે બોલ્યો ” અને હું પછી આખી જિંદગી જેલમાં જતો રહું કેમ ખરુને?” પણ તરત જ ભાન થયું કે બાપા તો હતાશામાં બોલે છે તેથી વિનમ્ર થઈ ને પાછુ વાક્ય અનુસંધાન કર્યુ… ” બાપા તમે તો અમારા જન્મ દાતા..અમારાથી તમને મૃત્યુ કેવી રીતે અપાય?  જરા શુભ શુભ બોલો..”

ત્રિભુવનદાસને ચારેક વર્ષ પહેલા પડી જવાથી ડાબો પગ ભાંગ્યો હતોને તે વખતે સર્જરી કરી સ્ટીલનાં સળીયા નાખ્યા હતા. તે છ મહિનાનો ખાટલો તો રમાબા ની હયાતિમાં ભોગવ્યો હતો.  ગયા સોમવારે ફરી પડ્યા અને જમણા પગની બેઠક પાસે તીરાડ પડી તેથી ડોક્ટરો એ વજનીયા બાંધી તેમને પથારી વશ કર્યા હતા. જે તેમનાથી સહન થતુ નહોંતુ.. વળી રમાબાના ગયા પછીપદેલી એકલતાની ખાઈ તેમને વધુ ભયભીત કરતી હતી. રમેશ્નું વાક્ય પુરુ થાય તે પહેલા તો તે તાડુક્યા..“તો હું શું કરૂં? મને જીવવામાં રસ રહ્યો નથી અને આ વજનીયા બાંધી મને રીબાવો તેના કરતા મને મારી નાખો એટલે બધાં છુટે.”

રમેશે બાપાને સમજાવતા કહ્યું, ” બાપા એ વજનીયા તમારા પગની હલન ચલન રોકવા માટે છે કારન કે પગનાં…” ” હા, મને ખબર છે મને પગનાં હાડકામાં તીરાડ પડી છે..પણ મને આ વજનીયા અને બેડી નથી જોઈતી. મારે બંધાઈને જેલનાં કેદીની જેમ નથી જીવવું.. કાં બેડી કાઢો કાં મને કાઢો” રૌદ્ર સ્વરુપમાં ધ્રુજતા પણ મક્કમ અવાજમાં ત્રિભુવનદાસે જણાવ્યું

રમેશ ધુંધવાયેલા અવાજે ફરી બોલ્યો, ” બાપુજી, તમે ડોક્ટર નથી અને આ નિર્ણય તમારો નથી” ” પણ સહન  તો હું કરું છું ને ” રમેશની વાતને અર્ધેથી કાપતા ત્રિભુવનદાસ ફરીથી બોલ્યા.

આવી નિરાશાજનક વાતો અને માંગણીઓનો દોર ચાલુ રહ્યો. રમેશે ચુપ્પી સાધી અને તેમના કહ્યા પ્રમાણે વર્તવા ડોક્ટરને પુછશે તેવુ મનોમન વિચારી લીધુ. બાપુજીની દરેક ગતિવિધી જોતા જોતા તે અજાણે જ ત્રિભુવનદાસનાં પિતા જગજીવન સાથે સરખાવી બેઠો. બાપુજીને પણ પથારીમાં સુઈ રહેવાથી કાળા ચાઠા પડેલા હતા..૮૯ વર્ષ્ની ઉંમર્. ચોકઠુ કાઢી નાખેલ મ્હોં શ્વાસોચ્છ્શ્વાસ દરમ્યાન ફુગ્ગાની જેમ ફુલે અને સંકોચાય..આ બધું તેણે યુવાન વયે જગજીવનદાસનાં મૃત્યુ પહેલા જોયું હતુ તેથી તેનું મન ક્ષણ માટે તો ધબકારો ચુકી ગયું.

દાદાની ખબર જોવા આવેલા લાલાભાઈએ ઘડીયાળના સેકંડ કાંટાને ગુરુત્વાકર્ષણ નાં નિયમને તાબે થતા જોઇ કહ્યું-” ફોઈ બા! આ ઘડીયાળતો ધીમી પડવા માંડી”

રમેશનાં મને ફરી થી ઉથલો માર્યો.. આ બાપુજી પણ ઘડીયાળની જેમજ દેહવિલય્ની ગતિમાં ધીમ પડવા નથી માંડ્યાને? પણ આ ડરને દાબીને તેણે કહ્યું ” બાપુજી દાદાની જેમજ તમે પણ ફુગ્ગ ફુલાવો છો. પણ તેઓ કદી તમારી જેમ માંગી માંગીને મૃત્યુનાં ઉધામા નહોંતા કરતા.

” ભાઈ મારાથી આ વજનીયા સહન નથી તેથી તો કાઢી નાખોની વાતો કરું છું.”

“બાપુજી તમે જે વિચારો છો ને કે આ વજનીયા બેડી છે તે વિચાર ખોટો છે. થોડોક સમય રાખશો એટલે તમે ટેવાઈ જશો. હાડકાની તીરાડ પુરવા હલનચલન રોકવુ જરુરી છે ને?”

મોટીબેને લાલાભાઈને રુપીયા આપીને કહ્યું “ચાર બેટરીનાં સેલ લઈ આવો બધી ઘડીયાળોનાં બદલી નાખીયે..”

રમેશ બાપુજીની પીડાથી દ્રવિત હતો તે બોલ્યો ” બાપુજી કાશ કે તમારી પીડા હું લઈ શક્તો હોત્…તમે મૃત્યુ ના માંગો તે માંગે તો મળતું નથી. અને ત્યાં પણ લાઈન છે જ્યારે વારો આવશે ત્યારે કોઇ રોકી નહીં શકે”

બાપુજી આર્દ્રતાથી બોલ્યા ” ભાઈ તમે મને પીડાતો જુઓ છો પણ ડોક્ટરની આડમાં મારું કશું સાંભળો નહીં તો હું શું કરું?”

રમેશ કહે “બાપુજી આપણુ મન કાબુમાં રાખો તો મિત્ર અને નહીંતર દુશ્મન છે.”

બાપુજી કહે ” શું આ બેડીઓને  હું બેડીઓ ના સમજું એમ તુ કહે છે?”

રમેશ કહે છે ” તેને કાબુમાં રાખવાનુ કહું છું. આ વજનીયા બેડી નથી તે તમારી સારવારનો એક ભાગ છે. જો તમે સહકાર નહીં આપો તો તે ત્રણ મહીનાને બદલે છ મહીના લંબાશે અને પીડા તો તમારે જ ભોગવવાની છે.”

થોડિક ચુપકીદીની ક્ષણો વીતી ના વીતીને બાપુજી ફરી બોલ્યા ” મારાથી આ દુખાવો સહન નથી થતો..ભાઈ મને ગળચુ દાબીને મારી નાખો…”

મોટીબેન અને રમેશ બંને અંદરથી હચમચી ગયા. આ દુઃખ કે ધાર્યુ કરાવવાની આડ ધમકી? રમેશે બાપુજીનો હાથ પકડી માથા ઉપર મુકાવીને કહ્યું,” બાપુજી આ મરવાની વાત ના બોલો તમને મારા સોગંદ..થોડીક સમતા રાખો…”

લાલાભાઇ સેલ લઈને આવી ગયા હતા. તેમને ઘડીયાળો ઉતારી દરેકના સેલ બદલી નાખ્યા. ઘડીયાળનો સેકંડ કાંટો હવે ગુરુત્વાકર્ષણનાં નિયમને ગાંઠતો નહોતો.

બાપુજીની ટેપ હવે બદલાઈ હતી. “ભાઈ કાલે સવારે હું નહીં હોઉં”

રમેશે વજનીયા કાઢ્યા પગે થોડોક ચામડી ઘસાયાનો દાગ હતો. પાવડર છંટ્યો અને પગ થોડીક વાર પંપાળ્યા.

“ભાઈ બહુ દુઃખે છે”

” હવે સારુ લાગે છે? મેં વજનીયા કાઢી નાખ્યા છે”

” કેમ મને રીબાવી રીબાવીને છ મહીના આ પથારી પર રાખવો છે?

  ઘડીયાળ બરોબર ચાલવા માંડી હતી..રમેશે બાપુજીને પુછયું “આ ઝાંઝર તો પાછુ બાંધી દઉને?”

-વિજય શાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *