http://www.divyabhaskar.co.in/2009/10/03/images/raj411.jpg
ઉમંગ ઘણા સમયે આવ્યો. આમતો દુરનો પિત્રાઇ ભાઇ પણ એક સરખી ઉંમર એટલે મૈત્રી પણ ઠીક ઠીક…મેં એની સાથે પાછલા સમયની ઘણી વાતો કરી અને એક વાત પર તે ખુબ જ આર્દ્ર બની જતો જોયો..અને તે જ્યારે પણ તેની બા ના મૃત્યુનો ઉલ્લેખ આવે ત્યારે તેની આંખો ભરાઈ જતી.
મેં આ વખતે તેને રડવા દીધો. સ્વાતી પાણી આપી ગઈ પછી સ્વસ્થ કરતા કહ્યુ.. “અરે ભાઈ કલાકાકીએ તો પુરી જિંદગી જોઇ છે.. લીલી વાડી મુકીને ગયા છે. અને અમરપટો લઈને કોણ ક્યારેય આવ્યુ છે?”
મારી વાત સાંભળીને તે ફરી ડુસકે ચઢ્યો…
થૉડાક સમય પછી તે બોલ્યો..”ભાઈ! મારી જગ્યાએ મારી મા હોત તો આ નિર્ણય ના લેત એમ વિચારી વિચારીને મને રડવુ આવે છે.”
“એટલે?”
“…..”
“મને સમજાયુ નહિ…”
“મારી મા કોમામાં હતી. અને મેં તે વધુ રીબાય નહિ તેથી ડોક્ટરોના કહેવા મુજબ તેની ઓક્ષીજન ટ્યુબ ખેંચી નાખી હતી. .”
” અર..ર..ર..ર” મારાથી અને સ્વાતી થી એક સાથે નિઃસાસો નીકળી ગયો…
ઉમંગ અમારી સામે જોઇ ના શક્યો..તેનું રુદન વધુ ને વધુ હીબકા ભરતુ હતુ.
તે આગળ બોલ્યો..ડોક્ટરે જ્યારે આશા ના બતાવી ત્યારે તેમનો મને આ દયામૃત્યુ યોગ્ય અને વ્યવહારીક લાગ્યુ હતુ…પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ મને એવા ભાવ બળવત્તર થતો જાય છે કે તે કામ કરીને હું સ્વાર્થી વધુ થયો હતો.. અને ખાસ તો જ્યારે જ્યારે કોમામાંથી પાછા ફરેલા ઉદાહરણો વિશે જાણુ છું ત્યારે તો મને એમજ થાય છે કે જો હું એની જગ્યાએ હોત તો અને તેઓ મારી જગ્યાએ હોત તો તેઓ આવું ના જ કરત…
ઉમંગ તો જતો રહ્યો પણ અમને વિચારમાં મુકી ગયો…
સ્વાતી કહે “ઉમંગભાઇએ આટલો બધો ગુનાનો ભાવ ન રાખવો જોઇએ..જે થયુ તે ન થવાનુ થોડુ હતુ?”
મેં સ્વાતીને કહ્યુ “આ મા એ તેને બહુજ જીવની જેમ સાચવ્યો હતો..તે માને દયામૃત્યુ આપવાનું તે નિમિત્ત બન્યો..તે ગુનાભાવ કરતા તેનો માતૃપ્રેમ તેને વધુ રડાવે છે.”
સ્વાતી કહે..”દયામૃત્યુ? ઉષાને હું જાણુને..તેણે જ ઉમંગને ચઢાવ્યો હશે..કલાકાકીનો દલ્લો જ તેમનો વેરી બન્યો..”
મેં સ્વિકાર અસ્વિકારની અસંમજસમાં જોરથી માથુ ધુણાવ્યું…
પછીની વાત તો બહુ લાંબી છે પણ કુદરતની લાકડી ક્યાં અને કેવી રીતે પડે છે તે સમજાવતી ઘટના બની…ઉષાને તેના એકના એક દીકરાએ મધરાતે તેને ઘરમાંથી કાઢી મુકી ત્યારે પાગલખાનામાં ઉમંગ ખડ્ખડાટ હસતો હતો અને મને કેમ એવુ સંભળાતુ હતુ જાણે ઉમંગ બોલતો ન હોય કે…”મા જે હું ન કરી શક્યો તે કુદરત કરે છે…હાથના કર્યા હૈયે વાગે જ છે.”