૯૫ વર્ષનાં કાંતીભાઇએ દેહ મુક્યો ત્યારે તેમની આખી લીલી વાડી હાજર હતી.૬ દીકરા ૩ દીકરીઓ તેટલીજ વહુઓ અને જમાઈઓ અને દરેક્ને ત્યાં બે પૌત્રો કે પૌત્રીઓ અને વળી મોટા ૩ દીકરાનાં પૌત્ર અને પૌત્રી ને ત્યાં બે બે પ્રપૌત્રો..અને બે આવવાનાં તેમ મળીને કુલ્લે ૬૦નું કુટુંબ અને તે સૌને માથે ૯૧ વર્ષનાં શાંતા બા..જોકે કાંતીકાકાની તબિયત તો રાતી ચોળ..ત્રણએક ચોકઠા બદલાવ્યા અને કાજુ બદામ અને સુકોમેવો તેમના ગજવામાં ભરેલો રહે..રોગ તો તેમને આખી જિંદગીમાં જોયેલો જ નહીં..હા શાંતાબા હોસ્પીટલમાં આવજા કરે..તેમને ખાંસી અને કફ્નું દરદ ઘર કરેલું.
શાંતાબાએ પોક મુકી અને તે જેટલું રડ્યા તે દરમ્યાન તેમની છોડીઓ મ્લાન થઇ. પોતાનું માણસ જાય એટલે દુઃખ તો થાયને…! મુંબઈથી કાંતીભાઇનો ભત્રીજો ફોન ઉપર થોડુંક રડ્યો પ્ણ કાકી સાથે વાત કરતાજ સ્વસ્થતા પકડી અને કહે “કાકી..કહો શું હુકમ..”
શાંતાકાકી બોલ્યા.”ભાઇ ગામ જઇને લાડવા વાલ અને ફૂલવડી કરાવો અને આખી નાતને ભેગી કરો.
મૉટો બગડ્યો.. “બા! જો તમે ગામમાં નાત જમાડવાનું કહો તો હ્યુસ્ટન નું શું?” બીજા નંબરનો થોડો મોળો તેથી કહે બા.. નવા જમાનાની વાત તો એ છે કે એવા બધા ખર્ચ કરવાને બદલે જ્ઞાતની આર્થિક રીતે પછાત કુટુંબોને સખાવત કરો.
મોટી કહે પાંજરાપોળમાં જે કસાઇ જતા ઢોરોને, મુંગા જીવોને ગોળ ખવડાવો…આ જ્ઞાત હવે તમને શું કામ લાગશે? મુંબઇનો ફોન તો મુકાઇ ગયો પણ કાંતીકાકાનાં દેહની પાસે કાકા પાછળ શું કરવુ અને શું ના કરવુંની વાતે વેગ પકડ્યો
અચાનક સૌથી નાનો હીબકે ચઢ્યો…અને વાતાવરણ બદલાવા મંડ્યુ..
થોડા સમયની ગમગીની બાદ શાંતાબા બોલ્યા-”તમારા બાપાને મારી ચિંતા બહુ હતી અને તેઓ બેંક કે શેર બજારમાં બહું માને નહીં…તેઓ તો ધન્તેરસ નાં દહાડે વરસ સારું હોય કે નરસુ હજાર રુપિયાનું સોનુ મારુ અને ૧૦૦૦રુપિયાનું સોનુ એમનાનામે લે.
તે બધુ મળીને ધર્માદે કાંટે તોલાવ્યું ‘તુ અને તે પાચ શેર છે મારા મર્યા પછી તમે તેનો વહીવટ કરજો.. મારે તો એમની પાછળ પાંજરાપોળ કરવી છે ને નાતને ય જમાડવી છે અને તે તેમના પૈસે થીજ….”
અને ગણગણાટ શમી ગયો તેમનું બોખલું મોં આટલા ગમમાંય હસ્યુ..
હ્યુસ્ટન ની નાત જમી..બધાય દિકરા અને દિકરીઓના વેવાઇ વેવાણો અને તેમના ઘર વાળાએ લાડવા ખાધા
મોટાએ, નાનાએ અને વચલી ધુંધવાયા. તેમને બાજુ એ મુકી મોટીએ બાપાની વિદાયને ઝાકમ ઝોળ કરી
બીલો જેમ જેમ આવતા ગયા તેમ તેમ ભાઈઓએ પેલા પાંચ શેર સોના ની આશમાં ચુકવાઈ ગયા
શાંતા બાનૂં મૌન વ્રત મહિને તુટ્યુ બધા છોકરા અને છોકરીઓ ઉંચા નીચા થાય કે હવે બા તેમનુ સોનુ બતાવે
બા એ તે દિવસે સૌને ભેગા કરીને હિસાબની ચાર નોટ આપી..જેમાં દરેક્નાં તારીખ વાર હિસાબો હતા જેને જેટલુ કરિયાવર કર્યુ..જીયાણા કર્યા દિવાળી વારે તહેવારે વહેવાર કર્યા …જેનું કુલ્લે વજન ૫ શેર હતુ…
મધપુડા ઉપર હિસાબનો પથ્થર પડતા ગણગણાટ થયો અને વચલી બોલી…બાપાનું કારજ કર્યુ અને પાછા પૈસા બા પાસે માંગતા શરમાતા નથી?