પુ. મોટાભાઇ ( સત્તર)

motabhai-2.jpg

સામાન્ય રીતે હવાઇ જહાજ્માં મને નિંદર ના આવે અને શીખા ઘસઘસાટ સુઇ જાય પણ આ વખતે અંશ સાથે હતો તેથી હું બહુ ચેન થી સુઇ ગયો.. આશ્કા નાં લગ્ન નો માનસિક થાક કે પછી અંશ સાથે છે તેની હાશ.. ગમે તે કારણ હોય પણ કન્યા દાનનું કુમકુમ ભાલે લાગ્યુ જાણે જિંદગીનાં કરવા લાયક કામોમાં એક કામ રંગે ચંગે પત્યુ તેની હાશ હતી

એરપોર્ટ પર ઉતર્યા પછીથી ફોન કરીયે ત્યારે ખબર પડે કે જે લેવા આવવાના છે તે ક્યાં છે? ઘણી વખત એવુ પણ સાંભળવા મળે કે હજી અર્ધો કલાક લાગશે..અને યાદ આવે દેશમાં તેડવા ફુલ અને હાર તોરા સાથે કુટુંબી અને મિત્રોનુ મોટું ટોળું હોય…ખેર! મનને ટપાર્યુ ભાઇ અહીં ડોલર લેવા આવ્યો છુ તો ડોલરની કિંમત તો આપવી જ પડેને? ખૈર અમારી અને અંશની બે કાર હતી અને અંશ તો સીધો જ નીકળી ગયો..

શીખાને ઘરની ચિંતા હતી..ઘર સલામત જોયા પછી થોડીક કળ વળી અને તમને ફોન કર્યો.

આશ્કા હતી દિકરી પણ દિકરાનુ બધુ જ કામ કરતી.ઘર્_ જીવન્_ વહેવાર્_ કે તહેવાર દરેક સમયે તેના નિર્ણયો બહુ જ સ્પષ્ટ આપતી. ઘણી વખતે એવુ બન્યુ કે તે જ્યાં સુધી સાથે હતી ત્યાં સુધી તેની ઉપયોગીતા હાજરી અને કલબલાટ સહજ હોય..અને હવે જ્યારે તે નથી ત્યારે તેના ભણકારા હોય તેના કરતા વધુ લાગે… ઘર શાંત થઇ ગયુ છે. શીખા તેના લગ્નની વીડીયો જુએ છે અને ક્યારેક હસે છે તો ક્યારેક રડે છે. વિદાય થતી દિકરી ને હસતી હસતી જતી જોઇ મનમાં થયું

કર્યુ અમે ‘કન્યા’દાન
કે મળ્યું અમને ‘વર’દાન્
નયને આંસુ તો આવ્યુ હતું પણ
સમજાયું ના તે ગમનુ કે ખુશીનુ
દિકરી હસતી હતી તેથી ત્યારે તો
મન મજ્બુત હતુ ,આનંદે હતુ
ખાલીપો હવે હીબકે ચઢ્યો છે

ફોટાનાં પુષ્પો તો સુકાવાનાં નથી
તે શહેનાઇની ધૂન શમવાની નથી
ખાલીપો હવે ડુસકે ચઢ્યો છે

પામ્યા હતા જે અંતરનાં આશિષો
અમ વડીલો પાસેથી અમારા લગ્ન સમયે
શત ગણા થઇ વહે નવદંપતિ કાજે

ન આ ‘કન્યા’દાન કે ‘વર’દાન
આતો જીવન કાર્યની પુર્તિનું
એક સફળ શાંતિ દાયક ‘યોગ’ દાન.

જીવનમાં દિકરો અને દિકરી બંને હોવા તે પ્રભુનો આશિર્વાદ છે. તેઓ સમજુ અને લાગણી શીલ હોયતો સોનામાં સુગંધ..પરંતુ સહુથી મોટી કૃપા તો ત્યારે જ કહેવાય જ્યારે તેમને પણ મળેલા પાત્રો એટ્લે કે જમાઇ અને વહુ બંને તેટલા જ સમજુ અને લાગણી શીલ હોય. દિકરી વળાવી ત્યારે સમાજની રીત સમજાઇ લગ્ન એ બે જીવોનું નહીં બે કુટુંબો અને ઘણી વખત બે સંસ્કૃતિનુ મિલન હોય છે. તેથી તો અહિ કુંતલ તેને extended family કહે છે.

પરણી ને પગે લાગતી વખતે તે બોલી ‘પપ્પા મારા તો લગ્ન થઇ ગયા oh my god I can not beleive..” મને તે વખતે લાગ્યુ કે આંબાડાળે જાણે કોયલ ટહુકતી ના હોય..

ઘરનાં આંગણે કંકુના થાપા મારતી દિકરી સાંકેતીક ભાષામાં કહેતી ગઇ

“હે બાબુલ! તમારા લાડ,સંસ્કાર, દુલાર અને વાત્સલ્યનાં ભાથા ભરી જાઉં છું પારકાને પોતાના કરવાનાં કોલ દેતી જાઉ છુ પણ હે માત પિતા તમે મને સંસારની દોડમાં વિસરી ન જાવ તેથી આ બે થાપા સ્વરુપ મારી યાદગીરી મુકતી જાઉં છુ.”

માવતર પણ દિકરીને મૌન અને આંસુ ખાળતી આંખે કહેતા હોય છે

” આ ઘરનુ આંગણુ તારા માતે હરદમ ખુલ્લુ છે તુ ઉદરે સમાણી, ભોજને સમાણી તો તારા સારા માઠે પ્રસંગે જરુર સમાઇશ તને વિદાઇ દીધી છે તરા ભવિશ્યનાં સુંદર જીવન માટે પણ આ તારુ જ ઘર છે અને તુ અમ હૈયે એટલી જ વહાલી રહેવાને જેટલી તુ જ્યારે અહીં હતી”

ઘણી આવી અણ કહી વાતો માબાપ અને સંતાનો એક મેકને કહેતા હોય છે અને સમજતા હોય છે.

વહેલી સવારનું પરોઢ પડે છે ભજનોની કેસેટ શીખા શરુ કરે છે.. ખાલી ઘરનાં ખાલીપા સાથે મારુ અને શીખાનું ( દિકરા અને દિકરી વિનાનુ) જીવન શરુ થયુ..

મનમાં ફરી એક આશિર્વાદ ગુંજ્યો

તારા સુહાગને ચાંદલાને અમરપટો મળે
બાબુલ તેથી વધુ શું પ્રભુ પાસે માંગી શકે..

હજી દેશ નો નશો મનમાં ઘુંટાય છે.. જેટ લેગ નાં નામે..
તબિયત સાચવજો અને સુખ શાતામાં રહેજો

સોહમનાં પ્રણામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *