પ્રિય સોહમ ( સત્તર)

તુ સુખરૂપ પહોંચી ગયાનો ફોન આવ્યા પછીની રાત્રે ફરી હું પડ્યો.. વહેલી સવારે થયેલી તકલીફ માં થોડીક રોકકળ અને ધમાલ થઇ ગઇ. ડોક્ટર દવાખાનુ અને હોસ્પીટલોનુ એ ગુંગળાવનારુ ચક્ર ત્રણેક દિવસ મને નડી ગયું. મનમાં બે વાતો ઉઠતી હતી.. આ કેવુ વિધાતાનું શુભ ફળ છે કે આશ્કાનાં લગ્ન સુખરૂપે ઉકલી ગયા સોહમ પાછો પહોંચી ગયો પછી મને આ વેદના આવી. અને બીજો વિચાર આવ્યો દેહનાં કેવા ભારે કર્મો છે કે આટલી ઢળતી ઉંમરે વેદના આવે છે.

તારો પત્ર આજે મળ્યો તારા ખાલી માળા ની કલ્પના મને તમે લોકો અમેરિકા જવા નીકળ્યા પછી જે અમને ખાલીપો જણાતો હતો તેની પ્રતિકૃતિ સમ છે. વિધાતા જે સ્વરુપે જે પણ આપે તે ક્યારેક હસતા તો ક્યારેક રોતા લેવુ જ પડે છે અને તેમાથી કોઇ બીજા થકી ભોગવટો કે સાંસારિક સમાધાનો ચાલતા નથી. વધુ તો શું કહું.

તારી બા તને બહુ યાદ કરે.. ખાસ તો ધર્મની બાબતોમાં તેને પૈસો ખરચવો હોય અને તે તુ ફટ્ટ કરીને આપી દે તે વાતનો તેને બહુ જ ગર્વ.. મારો સોહમ તમારી જેમ આટલો બધો વિચાર ન કરે..વળી શીખાતો સોહમની ધર્મની વાતોમાં દરેક દાન ને દસ ગણુ કરીને મુકે. મારો જીવ માનવ ધર્મ માં માને. જીવ દયામાં માને તેથી મને તે વધુ ગમે. જો કે તુ પણ તે બધુ કરે જ આખરે લોહીનાં સંસ્કારો અમારા બંને પાસેથી તને મળેલા તેથી બંને બાજુની સારી વાતો તુ બોલતો.. પણ્ હું અને તારી બા જાણીયે કે તુ બંને ને ખુશ રાખવા મથે અને તારુ મન અમને ઠરેલા જોવા સદા તલશે. તને પૈસાની છ્ત હોય કે અછત.. તુ વાત જણાય કે તેને ન્યાય કરે જ…

વેદનાનો ભાર વેઠવાની એક જાણે ટેવ પડી ગઇ હોય તેમ આ વેદનીય કર્મનો ભાર સહેતો જાઉ છું અને પ્રભુનો એક એવો ઉપકાર માનતો જાઉં છુ કે તુ હજી મને વધુ ને વધુ સમય આપતો જાય છે કે તારુ ભજન હજી વધુ કરી શકુ. અને સંતો તો કહે જ છે ને દુ:ખ જેટલુ આવે એટલુ એવુ મનાય કે ઉપરવાળો તેના સંસારમાં પડેલા ભક્ત નાં કાદવ દુર કરી તેને તૈયાર કરે છે તેની પાસે બોલાવવા અને તેથી જ તો કહ્યુ છે ને

સુખમાં સાંભરે સોની અને દુ:ખ માં સાંભરે રામ
સુખમાં સંભાર્યા હોત રામ તો દુ:ખ ક્યારેય ન હોત.

એક વાત કહુ ભૈલા!

તારી વનવાસની સજા અંશ ભણી રહે એટલે પુરી કરી દેજે..તારી બાનો વલોપાત ઘણી વખતે મને ધ્રુજાવી દે છે. કારણ મેં તો મારી લાગણીઓ તારા તરફની જે હતી તે ફરજનાં નામે દાટી દીધી પણ મારી સાથે તારી બાની લાગણીઓ ક્યારેક તારી તબિયતનાં નામે કે ઘરની વાતોમાં ક્યારેક સોહમ અહી હોત તો.. કહી નખાતા નિ:સાસાના સ્વરૂપે મને જોવા મળે છે અને મને ક્યારેક થઇ જાય છે કે મેં આ નિર્ણય લીધો તે ટુંકા ગાળાનો હોવો જોઇતો હતો..અને મને લાગે છે કે હવે અમને બંને ને તારી હાજરી હુંફ અને લાગણી ની જરુર છે. હવે અમને તારી સાર સંભાળ ની જરુર છે. શીખાની જરુર છે.

ચાલ તબિયત સાચવજે અને પત્ર લખતો રહેજે

મોટાભાઇનાં આશિષ

One reply

  1. ‘વારા પછી વારો અને તારા પછી મારો’
    આજે જે હાલ આપણા માબાપ ના છે
    તે આપાણા માટે બહુ દૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *