Daily Archives: November 17, 2007

વિચાર વિસ્તાર

તજી દીધો મે મારો ક્ષુદ્ર અહમ
મને મળ્યો અગાધ આતમ દરિયો.

અતુલ જાની “આગન્તુક” નો આ વિચાર મન ને ઝણઝણાવી ગયો. કેટલી સાચી વાત છે..રાજા ભરત અને બાહુબલીનાં ભીષણ સંગ્રામ પછી પંચમુષ્ટી લોચ કરી ધર્મ માર્ગે કઠોર તપશ્ચર્યા કરતા મુની બાહુબલી ને આ અહમ તો નડતો હતો. બહેનો બ્રાહ્મી અને સુંદરીએ પ્રાર્થના કરીકે વીરા મોરા ગજ થકી ઉતરો એ વિચાર સ્વિકારનાં પગલે કૈવલ જ્ઞાન પ્રાપ્ત થયુ.. રાજા રાવણ પણ આવુજ અભિમાનનું બીજુ પ્રતિક છે જીણે મૃત્યુ ગળે લગાવ્યુ પણ અભિમાન ન છોડ્યુ. માન અને અભિમાન સત્યને વિકૃત બનાવીને જુએ છે..ક્ષુદ્ર જો બની શકે તો જ અહમ ઓગળી શકે. તેને ઓગાળવા માટે તો ઋષી મુની તપશ્ચર્યાનો કઠીન માર્ગ પકડે છે…પણ અહમને નાનો કરવાનો સરળ રસ્તો છે પોતાની દોરેલી લીટી નાની કરવાનો. જે દ્રષ્ટી બદલવાથી તરત થતો હોય છે.

કિરીટ ભક્ત કહે છે કોઇકે કોઇક કબ્રસ્તાનમાં લખ્યુ હતુ કે
“અહીં એવા લોકો પણ સુતા છે જે માનતા હતા કે તેમના વિના દુનિયા ચાલશે નહીં”
સત્ય એ છે કે તે તો જતા રહ્યા અને દુનિયા હજી ચાલે છે.

અલભ્ય

કદીક કશુંક અલભ્ય રહે તો
તે સારું જ છે.
કારણ દરેક ચાહતો પુરી થવી જોઈએ
એવુ ક્યાં ધર્મગ્રંથોમાં લખ્યું છે પરમ પિતા પરમેશ્વરે?
અને મળે તે બધુ ગમે તેવુ પણ ક્યાં થતું હોય છે?

ગમતુ મળે તે ભાગ્ય!
પણ મળે તેને ગમાડે તે માણસ
ન ગમતાને ગમાડે તે સંત
માટે જ તો તે પ્રભુને ગમતો

આ સંદેશ ગર્ભિત છે

કળયુગમાં સંત થવુ અઘરુ છે કારણ તે દરેક પરિસ્થિતિમાં તેના ગમાને ઓગાળી દરેકને સારુ સીંચતો ફરે છે. અને તેથી સાચા સંત અલભ્ય હોય છે. સાચા સંતને પોતાના આગમનનાં ઢંઢેરા પીટવા નથી પડતા, મઠ સ્થાપવા નથી પડતા,કે નથી ફંડફાળા ઉઘરાવવા પડતા.તેના સત્કાર્યો જ તેમની સુવાસ પુરતા હોય છે જેમકે મધર ટેરેસા કે જલારામ … કો’કને માઠા સમયે મદદ કરતો માણસ અને મદદ કર્યા પછી કદી તે મદદ ને યાદ પણ ન કરતો માણસ કદાચ આજનાં જમાના નો મહામુર્ખ માણસ કહેવા પણ આવા માણસો હજી આ પૃથ્વી ઉપર છે અને તેથી તો પૃથ્વી હજી વિના ટેકે અવકાશે મુક્ત ફરે છે.

ખોટમાં

traffic-jam.jpg

છે ચક્કાજામ આ ભીડો બધી,
ને ઘટે છે ઘટનાઓ થોકમાં,

જે ઉદાસી પહેરી રોયા કરે,
કેમ બોલીયે ના રહે શોકમાં

જિંદગી આમ ચાલ્યા જ કરે,
આંખ પાણી વહે તો રોક મા.

પ્રભુ તુજ છે જેની આશ છે,
નહિ તો જીવન જશે ખોટમાં