એક જ દે ચિનગારી, મહાનલ! – હરિહર ભટ્ટ

 

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી… 

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી… 

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…

 

  એક  જ દે ચિનગારીનું સર્જન -સુધાકર હરિહર ભટ્ટ.   

ગુજરાતની લગભગ દરેક શાળામાં દરેક વિદ્યાર્થીએ અને દરેક વિદ્યાર્થીનીએ કેટલાય દાયકાઓથી ‘એક જ દે ચિનગારી’ થી પ્રાર્થના કરી છે અને આજે પણ કદાચ કરે છે. ‘એક જ દે ચિનગારી’નું સર્જન એક અલૌકિક વાતાવરણમાં થયું તેના સર્જનની પાર્શ્વભૂમિકા અત્યંત રસદાયક અને અદભુત છે. ‘એક જ દે ચિનગારી’ નાં કવિ અને મારા પૂ. પિતાશ્રી હરિહર ભટ્ટ ઇ.સ ૧૯૧૯ થી ૧૯૩૦ સુધી અમદાવાદ મહાત્મા ગાંધીજી નાં સાબરમતી આશ્રમમાં તેમના અંતેવાસી તરીકે રહ્યા હતા. 

 

તે દરમ્યાન ઇ.સ. ૧૯૨૨ માં શ્રી ગીજુભાઈ બધેકાએ મોન્ટેસરી શિક્ષણ સંસ્થા શરુ કરવાની યોજના કરી. તેમણે ગાંધીજી પાસે એક સારા શિક્ષકની માંગણી કરી. ગાંધીજી એ મારા પિતાશ્રીને પાંચ વર્ષ માટે ગીજુભાઈની નવી શિક્ષણ સંસ્થામાં શિક્ષક તરીકે જોડાવાનું કહ્યું. મારા પિતાશ્રી દિવસનું શિક્ષકનું કાર્ય પૂરું થતાં રોજ સાંજે અને રાત્રે ભાવનગરમાં આવેલી તખ્તેશ્વરની ટેકરી પર આવેલા શિવમંદિરનાં ઓટલા પર બેસી ચંદ્ર તારા ઇત્યાદિનું આકાશદર્શન કરતા કરતા પ્રભુધ્યાનમાં મગ્ન બનીને પ્રભુ ચિંતન કરતા હતાં

ઈ.સ્ ૧૯૨૫માં  આવા આધ્યાત્મિક અલૌકિક વાતાવરણમાં પ્રભુધ્યાનમાં મગ્ન બની પ્રભુચિંતન કરતા કરતા તેમના અંતરાત્મામાંથી જે શબ્દો સ્ફુર્યા તે શબ્દો પ્રાર્થનારૂપે ગોઠવાયા અને તેમાંથી  પ્રાર્થના ‘એકજ દે ચિનગારી’નું સર્જન થયું. સુપ્રસિધ્ધ સાક્ષર અને વિવેચક શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયાએ  મારા પિતાનાં પ્રથમ કાવ્યસંગ્રહ ‘હ્રદયરંગ’ નાં વિવેચનમાં લખ્યું “અપૂર્વ કવિત્વપ્રેરણાથી જન્મ પામેલા આ સુંદર કાવ્યમાં જે ચિનગારીની પ્રાર્થના કરી છે તે આ કવિને મળી ચૂકી જ છે નહીં તો આ કાવ્ય રચાત જ નહી’. આ ઉપરાંત કવિ શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું હતું ‘એકજ દે ચિનગારી’ કવિની એકાગ્ર ચેતનામાં સ્ફુરેલી એક સજીવ સંઘેડા-ઉતાર કૃતિ છે. એની પ્રતીતિ પદે પદે કરાવી રહે છે. કેટલાક સર્જકો એક-કાવ્ય-કવિ હોય છે.’હરિહરભાઈ ‘એકજ દે ચિનગારી’થી જીવે છે અને જીવશે’  

સૌજન્ય -“કુમાર”-ઓક્ટોબર ૨૦૦૫

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *