એમનો વંશ

અને આક્રોશમાં ધારા પોકે ને પોકે રડી પડી. એને સમજ નહોંતી પડતી કે પ્રિયમ ને આટલુ સમજાવ્યા છતા પણ તે બા ની વાતોને જ કેમ વધારે મહત્વ આપતો હતો. બે છોકરી પછી પણ હજી એજ પુત્ર લાલસા..તેનામાં હવે સુવાવડ લેવાની તાકાત તો હતી જ નહીં. પ્રિયમ તેને સ્પંદીત કરવા મથે તો સ્પંદનો જન્મે તો ખરા પણ અજંપા, દુઃખ અને એકલતા ભરીતે સુવાવડની રાતો યાદ આવતાજ તે ઠરી જતી. પ્રિયમને મન ધારાનું દર્દ એ હંગામી ઘટના હતી પણ બાને રાજી રાખવા તે બધુ કરી છુટવા હરદમ તત્પર હતો..અને તે પણ માનતો કે વંશ ચલાવવા બા જે પુત્ર માટે આગ્રહ કરે છે તે લોકધારે પણ સાચો છે.

પ્રિયમ પણ આમતો ત્રીજે ખોળે હતો તેથી બા માનતા કે ત્રીજુ સંતાન પુત્ર હશે…રાત પડે અને પ્રિયમનો મનગમતો સાથ શરીરનો થાક ઉતારતો પણ સુવાવડની ભીતિ અને ત્રીજી પણ પુત્રી થશે તો?નો કાલ્પનીક ભય ધારાને રડાવતો..તેના ગર્ભધારણ ન થાય તે પ્રયત્નોથી પ્રિયમ પણ ખીજવાતો અને એક પ્રકારની તાણથી ધારા પણ ત્રસ્ત રહેતી..પહેલી રાધા બીજી સ્વરા પ્રિયમની શીફ્ટ ની નોકરી અને પાછી ધારાની નોકરી તો ચાલુ જ્..જોકે બા ઘણું કરતા છતા અપેક્ષાઓનાં બે ચાર વાક્યોમાં જેવો વંશજનો ઉલ્લેખ આવે એટલે ધારાને તેના પપ્પા જે વાત કહેતા તે યાદ આવે. આજના જમાનામાં પુત્ર હોય કે પુત્રી બંને દરેક રીતે સમાન. પણ બાને આ વાક્ય પ્રિયમ કહી શકે ધારાથી થોડું કહેવાય?

 તે પ્રિયમની જીદ સામે હારી ગઈ..બા તો ઘણા રાજી હતા અને તેમને ગળા સુધી ખાતરી હતી કે આ વખતે તો બાબો જ છે તેથી રાધાને કહેતા કે આ વખતે તો રાખડી બંધાવનારો જ આવે છે.અંજના બહેન ને સુવાવડ ધારાની સાથે જ હતી અને તેમને ત્રણ બાબા પછી બેબીની આશ હતી..બા દીકરી અને વહૂ બંનેની સુવાવડમાં વહેંચાઈ ગયા હતા અને બુધવારે રાત્રે એકદમ દર્દ ઉપડ્યું. લોહી ખુબ જ વહેતુ હતુ તેથી ખુબ જ ચક્કર આવતા હતા…ધારાથી તો દર્દ લેવાતુ જ નહોંતુ અને હોસ્પીટલમાં પહોંચ્યાને અંધારા આવવાનાં ચાલુ થઈ ગયા.અંજના બેન પણ આગલે દિવસે જ દાખલ થયા હતા..ધારાનું બીપી ખુબજ નીચું હતું તેથી દર્દ લેતા લેતા તેણે ભાન ગુમાવ્યું અને સીઝેરીયન ની તૈયારી શરુ થઈ. બા અંજના બેન અને ધારા બંનેને જાળવતા..મોડી રાત્રે અંજના બેન ને પણ દર્દ શરુ થયુ…નર્સો અને લેડી ડોક્ટર ધારા બેહોશ હોવાને કારણે ખુબ જ અકળાતી હતી.

પ્રિયમને અને બાને લેડી ડોક્ટરે કહી દીધું કે આવી પરિસ્થિતિમાં એક જ જીવ બચશે…ધારાનો દુબળો દેહ પ્રસુતિ સહન કરી શકે તેમ જ નથી. અંજના બહેનની પ્રસુતી સામાન્ય હતી પણ ધારા નું જોખમ મોટુ હતુ…બાની સામે જોતો પ્રિયમ એક વખત તો ફફડી ગયો જો ધારાને કશુ થશે તો..ઓપરેશન ટેબલ ઉપર લઈ જતા લેડી ડોક્ટર અને નર્સો પ્રિયમ અને બા સામે બહુ વિચિત્ર રીતે જોતા હતા જાણે કે તેમણે ધારાનું ખુન કરવા આ પ્રસુતિ ના પ્રયોજી હોય્…

રાધા અને સ્વરાને સ્કુલે મુકવા જવાની હોઈ પ્રિયમ બાને ઘેર મુકવા આવ્યો.  પાછો હોસ્પીટલમાં આવ્યો ત્યારે અંજના બેનનાં છેડા છુટી ગયા હતા તેમની આશા વિરુધ્ધ ચોથો બાબો હતો તેથી તે રડતા હતા. ધારા હજી ઓપરેશન થીયેટરમાં હતી. સમય મંથર ગતિએ જતો હતો..ધારા ખાલી ખોળે આવી ત્યારે તેની બેહોશી તુટી નહોંતી..પણ જ્યારે તે ભાનમાં આવી અને જાણ્યું કે બાબો હતો ત્યારે ખુબ રડી. તેને રડતી જોઈ પ્રિયમ પણ ખુબ જ ઉદાસ થયો. ખાલી ખોળો ભરાયેલી છાતી અને દુઝતુ વ્યથીત હૈયું લઈ જીવનની ઘટમાળ ફરી શરુ થઈ..

બે એક મહીના પછી જ્યારે બાએ જાણ્યું કે પ્રિયમે ઓપરેશન કરાવી નાખ્યું ત્યારે તે ખુબ જ ગુસ્સે થયા..પ્રિયમ બે જ વાક્ય બોલ્યો..”બા દીકરાની આશમાં મારે ધારાને ખોવી નથી. એ મરતી મરતી બચી છે.”

 સાત વર્ષમાં પહેલી વખત ધારાને થયું કે પ્રિયમ તેને આટલો બધો ચાહે છે. તે રાત અને તે પછીની રાતોની ઉદાસી દુર થઇ ગયાની કલ્પનાથી મલકતી ધારાને જોઇ બાએ નિઃસાસો નાખ્યો..મુઈ હું જ અભાગણી! એમનો વંશ ગયો.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *