Category Archives: કવિતા

રંગમંચનાં ખેલો

સમયની સાથે જાઉં છું સરતો સરતો
સમય છોને પછી હોય સારો કે નરસો

કરવા યોગ્ય કાર્યો બધા જાઉં છું કરતો
રડે કે હસે તુ કઠપુતળી, ખેલ કરતો

હિંમત હાર્યો જ્યારે સમય બન્યો નરસો
મથ્યા કર્યું ત્યારે સમય બન્યો સરસો

કેમ કરી સમજાવુ હતપ્રભ તને સખી
રંગમંચનાં ખેલો બધા સમય જ કરતો

કોડિયું-ડો.દિનેશ ઓ શાહ

kodiyu.jpg

ભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લૈ દોરી મુજને કાપ્યો રે…

સીતાજીની સમ આગમાં મુકી, અંગારે ખૂબ તપાવ્યો રે
પાવન થઇ બહાર નીકળ્યો, કો’કે કોડિયું કહી અપનાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

કો’કે મુકી એક વાટ લાંબી, કો’કે તેલ ભરી છલકાવ્યો રે
કો’ક રુપાળા હાથે મુજને, ઉંચે ગોખ ચઢાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કો’કે મુને પ્રગટાવ્યો રે
દુર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાળ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

તેલ ખુટ્યું ને વાટ ખુંટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દિવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
સપ્ટેમ્બર 10 , 2007

આ કાવ્ય વાંચતા પહેલો વિચાર આવ્યો કે કેટલા સરળ શબ્દોમાં આખા જીવનની સફર અને તેનો સાર કવિ સમજાવી ગયા..ભીની માટી થી શરુ થયેલ જીવન યાત્રા ચાકડે ચઢી આગમાં ભુંજાઇ અને પાવન થઇ જે હેતુ થી તેનું નિર્માણ જે હેતુ થી થયુ હતુ તે હેતુ તરફ સરે છે.. આખા જગનાં અંધારા દુર કરવાનાં સપના તો છે પણ એક ગોખલો ઉજાળીને જીવન જાણે પુરુ થયું ત્યારે લાખ દિવા એક જ્યોતમાં ભાળી તેમા વિલિન થઇ જવું..કહે છે પ્રભુએ તમને જે કામ માટે સર્જન કર્યુ છે તે કામ સરસ રીતે નિભાવો અને સમય આવે તે પરમ આત્મા માં કોઇ પણ હરખ શોખ વિના વિલિન થઇ જાવ તે જ તો જિંદગીનો સાર છે…સપનાઓ અસંખ્ય હોય તે સૌ પુરા ના પણ થાય.. એક ગોખલો ઉજાળ્યો તે પણ ઉત્તમ જિંદગીનું કામ છે.

પ્રમેય

પ્રભુ શ્રધ્ધાથી તારો દિવો કરું
અને પાછો બીજીજ ક્ષણે તારા ન્યાયને
કેમ આમ કહી? દેકારાને પડકારા કરું

મને કદાચ ખબર જ નથી
તુ કર્તા ને હું શકટ તળે ચાલતો શ્વાન
માની બેસી મે કર્યુ સર્વને
ના થાય તો દોષ તને દેતો
કહી જેવી તારી મરજી

પ્રભુ ખબર નથી કેમ હું મથ્યા કરું
તારા હોવાનો પ્રમેય ઉકેલવા?
અને બીજી જ ક્ષણે ‘ઇતી સિધ્ધમ’ કહી
તારી ભક્તિ કરવા ચહું!