Category Archives: તમે અને મારું મન
સજન
અન્નજળ
જ્યારે મળ્યા આપણે
પહેલી વખત
નયને હતું હાસ્ય અને રુડુ કાજળ
છુટા પડ્યા આજે
જ્યારે ત્યારે સજળ નયનો કહેતા
પુરા થયા હવે અન્નજળ
મિલન એ પ્રેમી અને પ્રેમીકાનુંજ હોય તે વાત ભૌતિક સ્તરે કદાચ સાચી હોય..પણ આત્મા અને પરમાત્મા વચ્ચે મિલન માટે પણ અન્નજળનું (કર્મજ્ઞાન)કોઇ મહત્વ હોય તે ઘટના માં આત્માનું રુદન આવુંજ હોય તે સમજી શકાય.
મોક્ષ માર્ગ સહજ બને
કહે છે
જે તમને ચાહે છે તે તમારું પૂણ્ય છે
અને સૌ પાપો જે ધિક્કાર સ્વરૂપ છે
જીવવું એ કારીગરી શ્રેષ્ઠ બને
જ્યારે
પાપ અને પૂણ્ય શૂન્ય બને
તોજ મોક્ષ માર્ગ સહજ બને
મૃત્યુબીક
કોઇ ક્યાં સાથે આવે છે, ઘડી બે ઘડીની વાતો છે.
કહેવાયે સૌ પોતાના પણ, રાત્રે એકલતા ડારે છે
જન્મ્યા જીવ્યા તે તો ઠીક! મૃત્યુબીક બહુ લાગે છે
ચાલ્યા ગયા સૌ સ્વજનો, હવે એકલતા ડારે છે
હાઈકુ
સુકું તે ઝાડ
થઈ ગયું લીલેરું
ફાગણ સ્પર્શે
૦-૦
તુ પુછે કેમ્
હોળી સળગાવી તેં!
પાપો બાળવા
૦-૦
શ્વાસોચ્છશ્વાસ
જન્મથી મૃત્યુ સુધી
સમય ચાલે
નિરપેક્ષીત થા
તુ અપેક્ષાપ્રચુર
તેથી થાયે ક્ષણે ક્ષણે તને દુઃખોનાં પ્રચંડ આઘાત.
તેથી તુ રડે
પ્રભુને કરે ઘણી ઘણી ફરિયાદ્.
પછી જ્યારે કશું ન થાય ધાર્યુ,
ત્યારે કહે પ્રભુ તો બહેરો છે.
નથી સાંભળતો મારી દરેક ફરીયાદ્
પણ પ્રભુએ તો તને દીધુ એક વરદાન ખબર છે ને…?
ફક્ત કાર્ય તુ કર
હાક માર.. તને નથી ફળનો અધિકાર્
યોગ્ય સમયે જરુર મળશે તને
યથા યોગ્ય પરિણામ….
ખબર છે ને દ્રૌપદીનાં ચીર પુર્યા હતા
ને સુદામાનાં તાંદુલ આરોગી મહેલ દીધા હતા
મીરાને અપાયેલ ઝેરનો પ્યાલો ખીરથી છલકાવ્યો હતો
ને નરસૈંયાની હુંડીઓ ભરપાઇ કરી હતી
તે સૌએ જે કર્યુ હતું તે તું કરે છે?
મુક શ્રધ્ધા કે તે જે કરે છે તે સાચુ છે
તુ ફરિયાદ ન કર
પ્રભુને જે પ્યારા છે તેમને મદદ કર.
સુખ સંતોષ માં છે …
સુખ મનમાં છે
પ્રાર્થના કર.. સહન કર..
નિરપેક્ષીત થા
છોડો વડીલ “જોઇએ”નું વળગણ
સુરજે રોજ સવારે ઉગવુ જોઇએ
સાંજ ઢળે તેને આથમવુ જોઇએ
કોયલે ગ્રીશ્મમાં ટહુકવુ જોઇએ
શ્રાવણે મંડુકે ડ્રાઊં કરવું જોઇએ
રાત પડેને તમરા રડવા જોઇએ
સવારે ઝાકળે ફુલને ધોવા જોઇએ
આ બધુ તો ઠીક વડીલ મુરબ્બી
સમયકેદે તમારે કાં રહેવુ જોઇએ?
આઠને ટકોરે તમે બહાર ચાલો
નવનાં ટકોરે ઉત્સર્જન પ્રવૃત્તિ
દસ્ ટકોરે ગરમાગરમ સુપ્
અગીયારે દાળ ભાત રોટલી
બાર વાગે ટીવીનું ધ્યાન
તકીયો ઉગમણે જોઇએ
બેઠક આથમણે જોઇએ
જોઇએ જોઇએની યાદી
દિનભર થાતી ટુંકી લાંબી
પ્રભુ ક્યાં છે ? ક્યાંછે તેનું ચિંતન?
ક્યાંછે આતમ જ્ઞાનનું ઉંજણ?
ભવાટવીનાં ફેરા વધતા જાશે
ઘડીયાળ છોડી બાંધો આતમ કંઠી
છોડો વડીલ “જોઇએ”નું વળગણ
જીવ્યા કરીયે ચાલને સખી
એજ લક્ષ્ય..
પ્રભુ દરસની પ્યાસ વધી
પ્રભુમાં સમાવાની આશ વધી
દયા કર હે કૃપાળુ પરમાત્મા
મુક્તિ તણી ઉત્તમ આશ વધી
સમજાયુ નિરર્થકપણું સંસારનું
વેરા આંતરાનું ગણિત સંસારનું
ખાલી હાથનું આવાગમન બધું
ફક્ત સહાય તારી જ ખરે સાચી
આયુષ્ય મળ્યુ તો તેને માણવું
રીત તો છે તે સાવ જ ખોટી
જે પ્રભુએ ત્યાગ્યુ તે પરનો મોહ
વિપરીત બુધ્ધી ભવાટવી જોગ.
મારું મારું જ્યાં કર્યુ તે તો ગયું
જાગ્યાત્યારે સમજાયું તે શમણું
ક્ષણનો પણ હો ના પ્રમાદ હવે
ભવાટવીની મુક્તિ એજ લક્ષ્ય
તે જ તો પાનખરનું કામ છે.
Picture courtsey: tahuko.com/?p=605
પાંદડુ તો પીળું હતુ જ, અને ખરી પડ્યું, તેમા પાનખરનો શું વાંક્?
વૃક્ષ ઉભું છે ને કડે ધડે, પડેલાં પાન સડે, તેજ તો પાનખરનું કામ છે.
કુદરતનો તે છે વહેવાર, પડેલા પાન રડે, તેમાં પાનખરનો શું વાંક?
જગ્યા કરવી નવ પલ્લવીત કુંપળની તેજ તો પાનખર નું કામ છે.
કૂપળોને કહો ખુલે ખીલે અને પ્રસરે ચોતરફ પાનખર કંઇ નહી કરે
ગુમાવી જો જિંદગીની લીલાશ, ખેરવી નાખવુ પાનખરનું કામ છે.
હાથ ચાલતા બંધ થયા અને આશાનાં દરવાજા બંધ જો જાતે કર્યા
તો શ્વાસ બંધ કરી મૃત્યુ દ્વાર બતાવવું તે જ તો પાનખરનું કામ છે.
પ્રભુ! તારે દ્વારે ઉભી છે તે મારી બા છે
તમે પ્રેમથી ભર્યુ ભર્યુ જીવન દીધું
વસમી વિદાયે તે આંસુઓથી ભર્યુ
કેવી રીતે કહુ કે બા તમે આજે નથી
તો કેવુ એકલુ અટુલુ ને વસમું લાગ્યું
બધા છે છતા તમે નથી નો આ ગમ
કેમ વારે વારે આંસુ બનીને સર્યા કરે.
પ્રભુ! તારે દ્વારે ઉભી છે તે મારી બા છે
તેં બોલાવી છે છતા કહું છું ધ્યાન રાખજે
મારી બા છે. તારી બા ની જેમ્ જ.. મોંઘી અને વહાલી
તેને બધુ દેજે, તારી પણ બા ને જેમ દે તેમજ તો..
અચાનક આંખ ખુલી
મને રાત્રે એવુ સ્વપ્ન આવ્યું કે
મારો દેશ મહાન છે એવુ કહેતા
દરેક રાજકારણીઓ
પોતાના કાળા નાણા, પીળા નાણા, સ્વીસ નાણા અને રાતા નાણા
( ડોલર પાઉન્ડ અને સ્વીસ ફ્રાંક, રુબલ અને પેટ્રો નાણા)
બધા દેશને અર્પણ કરી રહ્યા છે અને
ખુરશીસેવા દેશભક્તીથી કરી રહ્યા છે
અચાનક આંખ ખુલી
બોંબ ધડાકાથી દેશ લોહી લુહાણ્ હતો
મેરા દેશ મહાન ગુંડા રાજ્..
મોંઘવારી અને હાડમારીથી ધ્રુજતી જનતા
કહેતી હતી ક્યાં છે નવા દેશનાં સ્વતંત્ર સેનાનીઓ?
સ્થિતપ્રજ્ઞતાની આ દશા
સર્જન હરેક ક્ષણે માનવ તુ કરે
પછી તેના ઉપર આશાઓ તુ કરે
આશાના ફળે તો મનથી ખુબ રડે
સર્જન ના કરે અને ફક્ત જોયા કરે
થનાર જે છે તે હરદમ થયા કરે,
તો સુખ કે દુઃખને તુ કદી ન રડે
સ્થિતપ્રજ્ઞતાની આ દશા તને મળે
જો માન શાન અપમાનમાં સમાન રહે
આ હાથની રેખાઓ
સૌ સાચી વાતે
પ્રભુ સાથે વાતો કરતો માનવ બોલી ઉઠ્યો કે
પ્રભુ કેમ આપ્યુ શેતાન નાં સંતાન મન ને મસ્તિક્માં ઉંચેરુ સ્થાન્
અને હ્રદયને વેંત નીચે છાતીમાં?
પ્રભુ કહે
મન તો વિકલ્પોમાં ગુંચવે,
કરે નહી કોઇ વહેવારીક વાત
મન તો વિપરીત બુધ્ધી.
સાચુ કદીયે ના જુએ.
તેથી તે સાવકુ અને રાખ્યુ દુર ખાસ.
સમજે હ્રદય મારી બાની તેથી
તેનુ સ્થિર સુરક્ષીત દેહમાં સ્થાન
હ્રદય તો સ્વયં સંચાલીત,
મન નુ ના ચાલે કોઈ જોર.
હ્રદય સાચે જ ધડકે અને ધબકે સૌ સાચી વાતે
શક્યતા
આમ તો મુકી દીધી હતી
તને મળવાની સર્વે આશાઓ
કારણો ઘણાં તેથી ,
નશીબનાં ભરોંસે છોડ્યો હતો તને
ને વરસાવતો હતો ઘણા આશિષો અશ્રુધારે,
કે મળે તારુ ધાર્યુ સર્વ સુખ તને,
અંતે તુ જ તો છેને એક માત્ર પીંડ અમારુ
નક્કી સમાંતરે ચાલતા ગ્રહે ખુણો બદલ્યો છે
તેથી તો આજે ફોન આવ્યો.
જિંદગીમાં ક્યારેય નહી મળુ ના ધુંધવાતા
અગ્ની ઉપર્ આશનું અમી છંટકાયું
હવે ક્યારેક તો મળીશુની
શક્યતા ઉજાગર કરી તેં.
નવી ક્ષીતિજો
આ કોઈ હાર નથી, જો માને તો આ વહાલ છે સખી!
પંખી માળામાંથી જાય્, તે તો જગ વ્યવહાર છે સખી!
જનમ્યું તે જાય, એ વાત સાચી સંસારની છે સખી!
રડ નહીં આતો, બધી રોજની ઘટમાળ છે સખી!
કાલનો સુરજ આવશે, કોઇ વાત નવી લઈને સખી!
આ ઘાતને,સમજથી કે હીબકીને વિતાવીયે સખી!
ધર્મ કહે ,કરેલુ કદી એળે જતુ નથી તે જાણ ને સખી
બંધ દ્વારને જોઈ, નવી ક્ષીતિજો અણદેખી કર ના રે સખી
દઈએ ડંખ કેમ?
મારા પિતાજી
માન કેટલુંય દઉં તમને મારા પિતાજી!
માવજત કરી ઉછેર્યો મુંને મારા પિતાજી!
મુજ બાળહાસ્યોથી ખીલ્યા મારા પિતાજી!
મુજ સફળતા દેખી કોળ્યા મારા પિતાજી!
કૌટુંબીક ધોરણે પોષ્યો મુંને મારા પિતાજી!
સંસ્કાર અમિથી મુંને સીંચ્યો મારા પિતાજી! Continue reading →
માન કે મનાવ..
એક દિવસ જરૂર મળે છે સૌને
તેમનુ ધારેલુ સુખ.
તેદિવસ આવ્યો નથી તો આશવંત બન
તે દિવસ આવી ગયો તો આનંદીત રહે
તે દિવસ આજે છે તો તે માણતો જા
પ્રભુની આજ તો કૃપા છે
દરેક ઉગતા દિવસે કંઇક આપે છે
કદીક સુખ તો કદીક આનંદ
કદીક તડપન તો કદીક ખાલીપો
કદીક આશા તો કદીક આંસુઓ
કદીક જન્મ તો કદીક મરણ
મૃત્યુ ન આવે ત્યાં સુધી જિવવુ તે
કદીક સજા તો કદીક મજા
જે પણ મળે છે તે પ્રસાદી પ્રભુની
માન કે મનાવ..
ભીષ્મનો વિષાદ
કુરુક્ષેત્રે ખડકાયે
મારા પૌત્રો અને પ્રપૌત્રોની સેના
કાપવા એક મેકનાં શર..
સમજાવુ કેમ કે તમે
શકુનીનાં પાસાથી પીડીત
તેથીતો દોડવું પડ્યું દ્વારકાધીશે
બનીને સારથી.
શીખંડીની ઓથ લઈ
રડતો જિષ્ણુ વરસાવે સહસ્ત્ર બાણ
મા ગંગા આવો અને તારો
પોકારે તમારો બાળ…
અઢારમાં દિવસે શું જોઉં કુરુક્ષેત્રે…
પાંચ પાડવો સિવાય્
ના બચ્યુ કો વંશ વેલે
દે બોધપાઠ મહાભારત
યુધ્ધ કદી નથી જવાબ કોઈ પ્રશ્નનો..
કે નથી જીતતુ કોઇ ખોયા વિના કશુ.
શું મે મેળવ્યું હસ્તિનાપુરને વફાદાર રહી?
પુત્ર ખોયા, પૌત્ર ખોયા, પ્રપૌત્ર ખોયા
આજે લઈ નામોશી ચાલ્યો મૃત્યુ પથે નાખતો નિઃસાસા.
આ કવિતા ની વાત દરેક દાયકામાં જુદા જુદા નામે અને સ્વરુપે દરેક્ની જિંદગીમાં આવતી હોય છે. જે તમને સાચુ લાગતુ હોય તે દરેક વાતોમાં સમાજનાં દુર્યોધનો નામ, સ્વમાન અને આગોતરી ચાણક્ય બુધ્ધીનાં નામે ” હવે તો યુધ્ધ એજ કલ્યાણ” નો બુંગીયો ફુંકતા હોય છે. કામ ન કરનારો અને વાંકો શોધનારો દુર્યોધની વર્ગ હંમેશા પાંડવોનો હક્ક ડુબાડે જ છે. અને કિંમતો ચુકવે છે કુંતા..ગાંધારી અને માદ્રી જેવી અગણીત માતાઓ અથવાતો બની બેઠેલા ભીષ્મ પિતાઓ
નજરો જેની
વેલેન્ટાઈન ડે
અમ વીતી, તુજ વીતશેની વાત
કહે છે આજે તેને તમે યાદ નથી રહ્યાં
કારણ હવે નવી દુનીયા એની પાસે રહી
ગૈ કાલે તુ પણ તારીદુનિયામાં હતોને?
તેની જેમ જ…
ત્યારે યાદ આવતા હતા તને તારા માબાપ?
ત્યારે જે તેં કર્યુ તે આજે તે કરે
તે અફસોસ નકામો
કરેલી ભુલ ભુંસાય તેવો કાયદો ન હોય
ત્યાં ભુલ ભુલકાં અને
ભુલે માબાપ તે વાતો સાવ સહજ લે
કહેતા હતાને મા બાપ..
ઉપર ન્યાય છે..
સાચો સમય આવે ત્યારે જ સમજાયે
અમ વીતી, તુજ વીતશેની વાત…
વહેવાર અને લાગણી
મિત્ર તમે ગજબનાં તેની તો વાત કરું
સમજ્યા અમે ઉંધુ તેથી પ્રત્યાઘાત કરું
લાગણી તમે દુભવી તે તમને વાત્ કરું
તમારા માટે નથી કો’ દુર્ભાવ તે વાત કરું
કાં અપેક્ષા અમારી વધુ તમને વાત કરું
કે પછી સમજ્યા વિના વાત આદાન્ કરું
તીર તો નીકળી ગયુ કમાન થી શું વાત કરું
લાવે રુદનો ઘણા હવે કહો ઇલાજ શું કરું?
મિત્ર છો માફી માંગીને ફક્ત એ યાદ કરું
વહેવાર અને લાગણી જુદા છે એ જાણ કરું
વંશજ
આશિર્વાદો ઝરણા સમ્ સૌ સ્ફુટતા રહે, તુ છે વંશજ
ભરજે આનંદ અગણીત સૌ નાં મને, તુ છે વંશજ
અભિનંદન માબાપને જય જય કાર, તુ છે વંશજ
ન પીડાઓ આધી વ્યાધી કે સમય દે, તુ છે વંશજ
લોહીની સગાઈ, ધર્મની દુહાઈ તને, તુ છે વંશજ
આગમનથી તારા આનંદ ઝાઝો અમને, તુ છે વંશજ
રુપ અમેરિકન્ ભલે તેં તો ધર્યુ છતા, તુ છે વંશજ
નામ તારા સાથે ચાલે વંશનો વેલો, તુ છે વંશજ
સખી
હ્રદય દુ:ખ્યાની વાત
જિંદગીની શુન્યતાઓને ખુબ ભરી લીધી
પ્યાસી નજરોમાં એક તરસ ભરી લીધી
જાય દિવસો હતાશ, ઉદાસી ઘેરી વળી
તુ આવશે નહી તે ઉદાસીને ભરી લીધી
સમય જ્યારે આવશે તને સાથે લાવશે
તે વાતને હવે દુઃસ્વપ્ન સમ ધારી લીધી
એકલતા ક્ષણ ક્ષણ બનીને મને રિક્ત કરે
ત્યાં કરવી કોઈ આશ મુર્ખતા ધારી લીધી
સમજ ને ફરજની વાત જ્યાં સૌની પોતાની
ત્યાં સંસ્કારબીજ ફોરશે તે વાત અંધારી દીધી
છું એક વ્યથાનુ પુષ્પ, સુગંધ ક્યાંથી હોય?
હ્રદય દુ:ખ્યાની વાત તેથી કાવ્યે ધારી લીધી
ફરજ અને હક્કોની વાત દરેક માણસ પોત પોતાની રીતે જોતો હોય છે. દરેકને પોતાના હક્કો યાદ રહે છે પણ તે હક્કો ફરજો બજાવ્યા પછી આવે છે તે સમીકરણ યાદ નથી રહેતુ અને તે કારણે ધીમે ધીમે તે એકલતા તરફ ધકેલાતો જાય છે. હ્રદય દુખ્યાની વાત તેથી તો કહેવાની માંડી વાળી..